લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં 96 બેઠક પર મતદાન, આ 21 બેઠકો પર ઉલટફેરની પ્રબળ શક્યતા

Lok Sabha Elections 2024 Phase 4 : લોકસભા ચૂંટણીમાં અત્યાર સુધીમાં ત્રણ તબક્કામાં કુલ 283 બેકો પર મતદાન થયું છે અને હજુ ચાર તબક્કા બાકી છે. ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 બેઠકો માટે 13મી મેએ મતદાન થવાનું છે, ત્યારે ચોથા તબક્કામાં સામેલ બેઠકો પર વર્ષ 2009ની લોકસભા ચૂંટણીની તુલનાએ મોટા ઉલટફેર થવાની પ્રબળ સંભાવના છે. એટલે કે ચોથા તબક્કાની ઘણી બેઠકો પર કોઈ પણ પક્ષનો 2009થી દબદબો રહ્યો નથી.

આ 21 બેઠકો પર ઉલટફેર થવાની સંભાવના

ચોથા તબક્કામાં ઉલટફેરની સંભાવના ધરાવતી કુલ 21 બેઠકોની ઓળખ કરવામાં આવી છે, જેમાં અમલાપુરમ, અનાકાપલ્લે, અનંતપુરમ, બાપટલા, એલુરુ, કાકીનાડા, નરસાપુરમ, રાજમુન્દ્રી, વિશાખાપટ્ટનમ, વિજયનગરમ, ખમ્મમ, શ્રીનગર, મુંગેર, ભોંગીર, સિંઘભુમ, આદિલાબાદ, બર્દવાન-દુર્ગાપુર, કાલાહાંડી અને નિઝામાબાદનો સમાવેશ થાય છે.

આ 20 બેઠકો કોઈને કોઈ પક્ષનો ગઢ

ચોથા તબક્કામાં જે 96 બેઠકો પર મતદાન થવાનું છે, તેમાંથી 20 બેઠકો પર કોઈને કોઈ પક્ષનો પહેલેથી ગઢ છે. તેમાં મહબૂબનગર, મેડક, માવલ, શિરડી, બહરમપુર, નાલગોંડા, અહેમદનગર, બીડ, દરભંગા, ઈન્દોર, જલગાંવ, જાલના, ખરગોન, ખુંટી, લોહરદગા, રાવેર, બેરહમપુર, બીરભૂમ, કૃષ્ણનગર અને હૈદરાબાદ બેઠકનો સમાવેશ થાય છે. આ 20 બેઠકોમાંથી 10 બેઠકો પર ભાજપનો, બે બેઠકો પર ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)નો અને બે બેઠકો પર શિવસેનાનો દબદબો રહેલો છે. બાકીની બેઠકો પર કોંગ્રેસ, ટીએમસી, AIMIM અને બીજેડી (બીજૂ જનતા દળ) મજબૂત છે. ચોથા તબક્કાની સ્વિંગ બેઠકો અને પાર્ટીની ગઢ કહેવાતી બેઠકો લગભગ સમાન છે. જ્યારે બીજા તબક્કામાં 34 અને ત્રીજા તબક્કામાં 47 બેઠકો કોઈને કોઈ પક્ષનો ગઢ હતી.

છેલ્લી ત્રણ લોકસભા ચૂંટણીમાં ભાજપની બેઠકો વધી, કોંગ્રેસની ઘટી


2019માં કયા પક્ષે કેટલી બેઠકો જીતી હતી?

ચોથા તબક્કામાં જે 96 બેઠકો પર મતદાન થવાનું છે, તેમાંથી ભાજપે વર્ષ 2019માં 42 બેઠકો અને વર્ષ 2009માં માત્ર 10 બેઠકો જીતી હતી. જ્યારે વર્ષ 2014માં 38 બેઠકો પર વિજય નોંધાવ્યો હતો. એટલે કે આ બેઠકો પર ભાજપ સતત મજબુત થયું છે.

જો કે વર્ષ 2011માં અસ્તીત્વમાં આવેલી YSR કોંગ્રેસ પાર્ટી પણ આ બેઠકો પર ઝડપથી આગળ વધી છે. ચોથા તબક્કાની 96 બેઠકોમાંથી YSR કોંગ્રેસ પાર્ટીએ 2014માં 9, 2019માં 22 બેઠકો જીતી હતી. તો બીજીતરફ આ બેઠકો પર કોંગ્રેસે ભારે નુકસાન થયું હતું. કોંગ્રેસે વર્ષ 2009માં 50 બેઠકો જીતી હતી, જ્યારે 2014માં માત્ર ત્રણ અને 2019માં છ બેઠકો જીતી શકી હતી.

ચોથા તબક્કાની 96 બેઠકોમાંથી ભાજપે 89 બેઠકો પર ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે આ 89માંથી 43 બેઠકો પર 2019ની ચૂંટણીમાં 40 ટકાથી વધુ મત મેળવ્યા હતા, જ્યારે કોંગ્રેસે 10 ટકાથી પણ ઓછા મત મળ્યા હતા.

13મી મેએ ચોથા તબક્કાનું મતદાન

ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 બેઠકો પર 13મી મેએ મતદાન થવાનું છે. આ 10 રાજ્યોમાં આંધ્રપ્રદેશ, બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, તેલંગણા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, જમ્મુ-કાશ્મીરનો સમાવેશ થાય છે. પહેલા તબક્કામાં કુલ 59.71 ટકા, બીજા તબક્કામાં 60.96 ટકા અને ત્રીજા તબક્કામાં 61.45 ટકા મતદાન થયું હતું. ચોથા તબક્કા બાદ પાંચમાં તબક્કામાં 49 બેઠકો પર 20મી મેએ, છઠ્ઠા તબક્કામાં 57 બેઠકો પર 25મી મેએ જ્યારે સાતમાં અને અંતિમ તબક્કામાં 57 બેઠકો પર પહેલી જૂને મતદાન યોજાશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે