સરકારને ઘીકેળાં : રિઝર્વ બેન્ક 1.76 લાખ કરોડ વાપરવા આપશે


1.76 લાખ કરોડ પૈકી1.23 લાખ કરોડ સરપ્લસ સ્વરૂપે અને 52,637 કરોડ  ઇસીએફની જોગવાઇ હેઠળ અપાશે, અગાઉ માર્ચમાં સરકારને રૂ. 280 અબજ મળ્યા હતા 

નવી દિલ્હી, તા. 26 ઓગસ્ટ, 2019, સોમવાર

ભારતની મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના બોર્ડે સરકારને 1760 અબજ રૂપિયા ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી છે. આરબીઆઇના આ નિર્ણયથી સરકારને અર્થતંત્રમાં તેજી લાવવા માટે વિવિધ પગલાઓની જાહેરાત કરવા માટે મદદ મળશે.  માર્ચ, 2020 સુધીમાં સરકારને આરબીઆઇ તરફથી 1480 અબજ રૂપિયા મળશે.

આરબીઆઇ બોર્ડની બેઠકમાં હાજર રહેલા એક અધિકારીના જણાવ્યા અનુસાર બેજટમાં નક્કી કરાયેલા 900 અબજ રૂપિયાના લક્ષ્યાંક કરતા આ રકમ 64 ટકા વધારે છે. વધારાના જે 580 અબજ રૂપિયા મળશે તેનાથી સરકારને પોતાની આવકમાં પડી રહેલી ઘટને પૂરવામાં મદદ મળશે. 

ઉલ્લેખનીય છે કે સરકારને માર્ચ મહિનામાં આરબીઆઇ પાસેથી 280 અબજ રૂપિયા મળી ગયા હતાં. ગયા નાણાકીય વર્ષમાં આરબીઆઇએ ડિવિડન્ડ પેટે સરકારને 680 અબજ રૂપિયા ચૂકવ્યા હતાં. 

મુંબઇમાં આજે આરબીઆઇ બોર્ડની મળેલી બેઠકમાં બિમલ જાલન કમિટીની ભલામણોને મંજૂરી આપવામાં આવી છે. 1760 અબજ રૂપિયામાં 1230 અબજ રૂપિયા નાણાકીય વર્ષ 2018-19ના સર્પ્લસ સ્વરૂપે અને 52,637 કરોડ રૂપિયા રિવાઇઝ્ડ ઇકોનોમિક કેપિટલ ફ્રેમવર્ક(ઇસીએફ)ની જોગવાઇ હેઠળ આપવામાં આવશે. 

આરબીઆઇએ એક નિવેદનમાં જણાવ્યું છે કે સેન્ટ્રલ બોર્ડે બિમલ જાલન કમિટીની તમામ ભલામણો સ્વીકારી લેવામાં આવી છે. આરબીઆઇના 2018-19ના વાર્ષિક હિસાબો રિવાઇઝ્ડ ફ્રેમવર્ક મુજબ ફાઇનલ કરી દેવામાં આવ્યા છે. 

સેન્ટ્રલ બોર્ડે બેલેન્સ શીટના 5.5 ટકા ઇક્વિટી લેવલ જાળવી રાખવાનો નિર્ણય લીધો છે. હાલમાં આ લેવલ 6.8 ટકા છે. જૂન 30, 2019ના રોજ  આરબીઆઇની નાણાકીય પ્રવાહિત વિશ્વના અન્ય દેશોની મધ્યસ્થ બેંકો કરતા સૌૈથી વધુ હતી. 

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આજની બેઠકમાં વર્તમાન આર્થિક સ્થિતિ, વૈશ્વિક અને ઘરેલુ પડકારોની સમીક્ષા કરી હતી. આજની બેઠકનું અધ્યક્ષ પદ આરબીઆઇ ગવર્નર શક્તિકાંતા દાસે સંભાળ્યું હતું. 

આ બેઠકમાં આરબીઆઇના ડેપ્યુટી ગવર્નરો એન એસ વિશ્વનાથન, મહેશકુમાર જૈન પણ હાજર રહ્યાં હતાં. આ ઉપરાંત નાણા સચિવ, નાણાકીય સેવાઓના વિભાગના સચિવ અને આર્થિક બાબતોના સચિવ હાજર રહ્યાં હતાં.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો