ભારત-પાક. સંબંધોમાં કોઇની (ટ્રમ્પ) મધ્યસ્થીની જરૂર નથી : મોદી


કાશ્મીર મુદ્દો મોદીના સંપૂર્ણ નિયંત્રણમાં : ટ્રમ્પ, અમેરિકા- ભારત વચ્ચે વેપાર અને સંરક્ષણ સહકાર વધારવા બંને નેતાઓ સહમત

(પીટીઆઈ) બીરિટ્સ, તા. 26 ઓગસ્ટ, 2019, સોમવાર

ભારત-પાક . વચ્ચે ત્રીજા કોઈ દેશને કષ્ટ આપવા માગતો નથી એવું નિવેદન મોદીએ ટ્રમ્પની હાજરીમાં આપ્યું હતું. મોદી-ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ તે પછી બંને નેતાઓએ પત્રકાર પરિષદને સંબોધી હતી અને વિવિધ સવાલોના જવાબો આપ્યાં હતાં.

ફ્રાન્સમાં મળેલાં જી-7 સંમેલનમાં મોદી-ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય સંવાદ થયો હતો. ટ્રમ્પની હાજરીમાં મોદીએ કાશ્મીર મુદ્દે અન્ય કોઈ પણ દેશની મધ્યસ્થીનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો.

મોદીએ એક સવાલના જવાબમાં કહ્યું હતું કે કાશ્મીર મુદ્દે ભારત અન્ય કોઈ પણ દેશને કષ્ટ આપવા ઈચ્છતું નથી અને તેનો ઉકેલ ભારત-પાકિસ્તાન સાથે મળીને ઉકેલશે.

ટ્રમ્પે પણ કહ્યું હતું કે મોદીને લાગે છે કે કાશ્મીરનો મુદ્દો તેમના સંપૂર્ણ નિયંત્રણમાં છે અને ભારત-પાકિસ્તાન એ મુદ્દે તેમની જાતે ઉકેલી લેશે એવો આશાવાદ પણ અમેરિકાના પ્રમુખે વ્યક્ત કર્યો હતો. સંમેલન પહેલાં ટ્રમ્પે ભારત-પાક. વચ્ચે મધ્યસ્થી થવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ મોદી સાથેની મુલાકાત પછી ટ્રમ્પે યુ-ટર્ન મારીને પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો હતો.

ભારત-અમેરિકાના સંબંધો બાબતે મોદીએ કહ્યું હતું કે બંને દેશો માનવજાતના કલ્યાણ અને વિકાસ માટે સાથે કામ કરે તે ખૂબ જરૂરી છે. ભારત-અમેરિકાના સંબંધોમાં બંને દેશોના નાગરિકોની પણ મહત્વની ભૂમિકા છે. અમેરિકામાં રહેતા ભારતીય મૂળના નાગરિકો પણ ભારતના પ્રતિનિધિ સ્વરૂપે ભારતની ઈમેજ ખડી રહ્યા હોવાનું મોદીએ કહ્યું હતું.

ટ્રમ્પ અને મોદી વચ્ચે દ્વિપક્ષીય વેપાર અને સંરક્ષણ સહકાર વધારવા સહમતિ થઈ હતી. પાકિસ્તાનનો અને પાક. પીએમનો ઉલ્લેખ કરીને મોદીને કહ્યું હતું કે જ્યારે વડાપ્રધાન તરીકે ઈમરાન ખાને કાર્યભાર સંભાળ્યો તે વખતે જ તેમની સાથે વાત કરીને બંને દેશોના નાગરિકોની ભલાઈ માટે સાથે મળીને કામ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

મોદીએ કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન બંનેની ઘણી મુશ્કેલીઓ એક સમાન છે. ભારત-પાકે. ગરીબી, બેકારી, શિક્ષણ જેવા મુદ્દાઓ માટે લડવાનું છે અને એમાં બંને દેશોનો સહકાર આવશ્યક છે.

ટ્રમ્પે ભારત સાથેના સંબંધોને બહુ જ મહત્વના ગણાવ્યા હતા અને ભારતને વિશ્વાસપાત્ર સાથીદાર ગણાવ્યું હતું. ટ્રમ્પે કહ્યું કે મોદીના નેતૃત્વમાં ભારત સાથેનો અમેરિકાનો વેપાર વધ્યો છે. ભારતમાં વેપારની અનુકૂળતા થઈ છે. બંને દેશો વચ્ચે વેપાર-વ્યવહાર ઘણો આગળ વધ્યો છે.

ટ્રમ્પે મોદીના અંગ્રેજીની પ્રશંસા કરી

સંમેલન પછી પત્રકાર પરિષદ વખતે મોદીએ કાશ્મીર અંગેના એક સવાલના જવાબમાં કહ્યું હતું કે એ બાબતે અમે બંને (મોદી-ટ્રમ્પ) જરૂર પડશે તો વાત કરી લઈશું. અમને વાત કરવા દો અને જ્યારે જરૂર લાગશે ત્યારે તમને જાણ થઈ જશે. તે પછી ટ્રમ્પે તરત જ રમૂજ કરતા કહ્યું હતું કે પીએમ મોદી બહુ સારૂં અંગ્રેજી બોલે છે, પણ આપણે અત્યારે તેની વાત નહીં કરીએ. એ સાંભળીને મોદી-ટ્રમ્પ હસ્યા હતા. હાજર રહેલા અધિકારીઓ અને પત્રકારો પણ ખડખડાટ હસી પડયા હતા.

મોદીએ ગાઢ મિત્રતા બતાવીને ટ્રમ્પનો હાથ થપ-થપાવ્યો

મોદીએ ટ્રમ્પની વાત સાંભળી હતી. મોદી હસ્યા તે સાથે જ ટ્રમ્પે તરત મોદી સાથે હાઈ-ફાઈવની અદાથી હાથ મિલાવ્યો હતો. મોદીએ એ વખતે બીજા હાથથી ટ્રમ્પના પંજાને થપથપાવીને ઉષ્મા બતાવી હતી. એ વખતે બંને નેતાઓ વચ્ચેની ગાઢ દોસ્તી  જોવા મળી હતી. એ પહેલાંપત્રકાર પરિષદની શરૂઆતમાં મોદીએ જ્યારે અમેરિકાના લોકોનો આભાર માન્યો ત્યારે ટ્રમ્પે પણ મોદીના હાથમાં થપકી મારીને ઉષ્મા બતાવી હતી.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો