અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદ
અમદાવાદ, તા. 27 ઓગસ્ટ 2019 મંગળવાર
શ્રાવણ મહિનાના અંતિમ દિવસોમાં મેઘરાજાએ ફરીથી ગુજરાતમાં પધરામણી કરી છે ખાસ કરીને ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ શરૂ થઈ ગયો છે.
શહેરના પૂર્વ અને પશ્ચિમના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. ગઇકાલથી જ આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા હતા તેમજ વરસાદના છાંટા પડ્યા હતા. બીજી બાજુ હવામાન ખાતાએ પણ બે દિવસ પહેલાથી આગાહી કરી હતી કે સમગ્ર ગુજરાતમાં આગામી ચાર દિવસમાં ભારેથી અતિભારે વરસાદ થશે.
હવામાન ખાતાની આગાહી સાચી પડી રહી છે. આજે વહેલી સવારે સુરજ દાદાએ દર્શન દીધા નથી. આકાશ એકરસ થઈ ગયું હોય તેવું હોય છે. સવારથી હળવો વરસાદ શરૂ થયો છે. કોઈ વિસ્તારમાં છાંટા શરૂ થયા બાદ વરસાદ આવ્યો છે પરંતુ આગામી બે-ત્રણ કલાકમાં અમદાવાદના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે
અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થઇ જતા સવારની સ્કૂલમાં ભણતા બાળકોને સ્કૂલે મોકલવામાં વાલીઓને ઘણી મુશ્કેલી પડી હતી. ઘણા વાલીઓએ પોતાના બાળકોને આજે સ્કુલે મોકલવાનું હતું તો ઘણી માતાઓએ પોતાના બાળકોને રેઇનકોટ પહેરીને સ્કૂલે મોકલ્યા છે.
અમદાવાદના પોશ ગણાતા વસ્ત્રાપુર, સેટેલાઈટ, બોડકદેવ, એસ.જી.હાઈવે, સિંધુભવન રોડ, નવરંગપુરા, એલિસબ્રિજ, પ્રહલાદનગર ગાર્ડન ઉપરાંત ઘાટલોડિયા નારણપુરા, બોપલ તેમજ પૂર્વના બાપુનગર, નરોડા, રખિયાલ, ગોમતીપુર, સરસપુર, ઓઢવ, વસ્ત્રાલ તેમજ મણિનગર ખાતે પણ ઝરમર વરસાદ શરૂ થઈ ગયો છે.
આજે સવારથી જ મેઘરાજાની પધરામણી શરૂ થઈ જતા લોકોને ઘણી રાહત મળી છે કારણકે છેલ્લા અઠવાડિયાથી અમદાવાદીઓ ભારે ગરમીથી ત્રસ્ત હતા વાતાવરણમાં ખૂબ જ ઉભરાટ હતો લોકો પરસેવાથી રેબઝેબ થઈ જતા હતા પરંતુ ગઈકાલથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ અને આજે સવારથી વરસાદ શરૂ થઇ જતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઇ છે અને લોકોને કાળઝાળ ગરમીમાંથી મુક્તિ મળી છે.
અત્રે નોંધનીય છે કે આજે વરસાદ શરૂ થયો છે પરંતુ ભારે પવન નથી અને બીજી બાજુ આકાશમાંથી વાદળોનો ગડગડાટ સંભળાઈ રહ્યો છે તેથી એવું લાગે છે કે આજે અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસી શકે છે.
Comments
Post a Comment