વૈશ્વિક સમસ્યાઓ ઉકેલવામાં G-7 શિખર સંમેલન નિષ્ફળ નીવડી રહ્યું છે


અમેરિકાના રાષ્ટ્રપતિપદે ટ્રમ્પના આવ્યા બાદ તેમના તંરગી વલણના કારણે વૈશ્વિક મંચોથી અમેરિકા અળગું થઇ રહ્યું છે અને G-7 સમૂહ પણ ટ્રમ્પના કારણે  ભંગાણના આરે પહોંચી ગયો છે

ફ્રાન્સના દરિયાકિનારાના સહેલાણીઓમાં લોકપ્રિય એવા બિયારિત્ઝ શહેર ખાતે G-7 સમૂહની વાર્ષિક શિખર બેઠક યોજાઇ. સંમેલનમાં ગયા વર્ષની જેમ આ વર્ષે પણ અમેરિકાએ આરંભેલા ટ્રેડ વૉરનો મુદ્દો છવાયેલો રહ્યો. ઉપરાંત ઇરાન સાથેના બંધ પડેલા પરમાણુ કરાર અંગે પણ ચર્ચા થઇ. તો એમેઝોનના જંગલોમાં લાગેલી આગનો મુદ્દો પણ છવાયેલો રહ્યો. 

G-7 દુનિયાના સાત સૌથી શક્તિશાળી દેશોનો સમૂહ છે. ૧૯૭૫ના આર્થિક સંકટ બાદ દુનિયાની છ મહાસત્તાઓએ એક સાથે આવવાનો નિર્ણય લીધો. આ છ દેશોમાં અમેરિકા, જર્મની, ફ્રાન્સ, ઇટાલી, જાપાન અને બ્રિટનનો સમાવેશ થતો હતો. એક વર્ષ બાદ આ સમુહમાં કેનેડા પણ ઉમેરાયું અને એ રીતે G-7ની શરૂઆત થઇ. નેવુંના દાયકામાં સોવિયેત સંઘનું પતન થયા બાદ આ સમૂહમાં રશિયાનો સમાવેશ કરવા માટેના પ્રયાસો થવા લાગ્યાં. છેવટે ૧૯૯૮માં રશિયા પણ આ સમૂહમાં જોડાઇ ગયું અને G-7 સમૂહ G-8 બની ગયો. ૨૦૧૪માં ક્રીમિયા સંકટ બાદ રશિયાની G-8 સંગઠનમાંથી હકાલપટ્ટી કરવામાં આવી અને એ સંગઠન ફરી પાછું G-7 બની ગયું. 

હાલ G-7 સમૂહમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન અને કેનેડા સામેલ છે. આ ઔદ્યોગિક ગુ્રપને ઉત્તર અમેરિકા, યુરોપ અને એશિયાની મહાશક્તિઓના સમૂહના રૂપમાં જોવામાં આવે છે. ગુ્રપ ઓફ સેવનને કમ્યૂનિટી ઓફ વેલ્યૂઝ એટલે કે મૂલ્યોનો આદર કરતો સમૂહ પણ કહેવામાં આવે છે.

સ્વતંત્રતા, માનવાધિકારોની રક્ષા, લોકશાહી અને કાયદાનું શાસન અને સમૃદ્ધિ તેમજ સતત વિકાસ G-7ના મુખ્ય સિદ્ધાંત છે. G-7 દેશોના મંત્રીઓ અને અધિકારીઓ પરસ્પરના હિતોના મામલે ચર્ચા કરવા દર વર્ષે મળે છે. દરેક સભ્ય દેશ વારાફરતી આ સમૂહની અધ્યક્ષતા કરે છે અને બે દિવસીય વાર્ષિક શિખર સંમેલનની યજમાની કરે છે.

ઉર્જા નીતિ, ક્લાયમેટ ચેન્જ, વેપાર અને વૈશ્વિક સુરક્ષા જેવા વિષયો પર પાછલા શિખર સંમેલનોમાં ચર્ચા કરવામાં આવી હતી. શિખર સંમેલનના અંતે એક સંયુક્ત નિવેદન જાહેર કરવામાં આવે છે જેમાં સહમતિ અંગેના મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવે છે. G-7 શિખર સંમેલનમાં સભ્ય દેશોના રાષ્ટ્ર પ્રમુખો ઉપરાંત યુરોપિયન કમિશન અને યુરોપિયન કાઉન્સિલના અધ્યક્ષ સામેલ થાય છે. ઉપરાંત શિખર બેઠકમાં અન્ય દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રતિનિધિઓને પણ આમંત્રિત કરવામાં આવે છે. આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

જોકે સંમેલનમાં ઇરાનના વિદેશ મંત્રી મોહમ્મદ જાવેદ ઝરીફ અચાનક જ પહોંચી જતાં સોપો પડી ગયો. આમ તો યજમાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમાનુએલ મેક્રોંએ તેમને વિવાદાસ્પદ પરમાણુ સંધિના કારણે બંધ પડી ગયેલી મંત્રણાને ફરી વખત ચાલુ કરવાના પ્રયાસરૂપે G-7 શિખર બેઠકમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું પરંતુ કોઇને અપેક્ષા નહોતી કે ઇરાનના વિદેશ મંત્રી બેઠકમાં ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઇરાન સાથેની પરમાણુ સંધિ ફોક કર્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન ઉપર આર્થિક પ્રતિબંધો લાદ્યા છે અને અન્ય દેશો ઉપર પણ ઇરાન સાથે વેપાર બંધ કરવા માટે દબાણ કરી રહ્યાં છે.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇરાન સાથે વધી રહેલા તણાવને ઘટાડવા માટે પ્રયાસરત છે અને એના ભાગરૂપે જ ઇરાનને શિખર બેઠકમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. ગત જુલાઇમાં જ અમેરિકાએ ઇરાનની સાથે સાથે તેના વિદેશ મંત્રી જાવેદ ઝરીફ ઉપર પણ ભારે પ્રતિબંધો મૂકી દીધાં છે અને તેમને અમેરિકા આવવાની પણ મનાઇ ફરમાવી દીધી છે. જાણકારોના મતે ભલે આ સંમેલન દરમિયાન ઇરાનના વિદેશ મંત્રી અને ટ્રમ્પ વચ્ચે મુલાકાત ન યોજાઇ હોય પરંતું બંને દેશોના પ્રતિનિધિઓ એક વૈશ્વિક મંચ પર સાથે દેખાતા પરમાણુ સંધિ મામલે થોડી આશા તો જન્મી છે. 

ફ્રાન્સ તરફથી એવી સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી કે ઇરાનના વિદેશ મંત્રીને બેઠકમાં આમંત્રણ આપવા અંગે અમેરિકાને જાણ કરવામાં આવી છે. જોકે ટ્રમ્પ ઇરાનને આમંત્રણ આપવા અંગે રાજી નહોતા પરંતુ ફ્રાન્સે તેમની ઉપરવટ જઇને ઇરાનના વિદેશ મંત્રીને બેઠકમાં બોલાવ્યાં.

હકીકતમાં ઇરાન સાથેના પરમાણુ કરારને બચાવી લેવાના ફ્રાન્સના પ્રયાસમાં જર્મની અને બ્રિટન પણ સાથે છે. ફ્રાન્સના જણાવ્યા અનુસાર તેઓ સમગ્ર મામલે પારદર્શક રહીને વિવાદ ઉકેલવાના પ્રયાસો કરી રહ્યાં છે. અમેરિકાની નારાજગી છતાં ઇરાન સાથેના સંબંધો જાળવી રાખવા પાછળનું કારણ એ છે કે ફ્રાન્સ, જર્મની સહિતના અનેક યુરોપિયન દેશોના ઇરાન સાથે અનેક પ્રોજેક્ટ ચાલી રહ્યાં છે અને અમેરિકાના પ્રતિબંધોના કારણે એ તમામ યોજનાઓ મુસીબતમાં આવી પડી છે. 

ઇરાન સાથેનો વિવાદ ઉકેલવામાં યુરોપિયન દેશોને રસ એટલા માટે પણ છે કે અમેરિકાએ ઇરાનથી પેટ્રોલિયમની આયાત કરવા ઉપર જે પ્રતિબંધો મૂક્યાં છે એ ફ્રાન્સ સહિતના યુરોપિયન દેશોને ભારે કનડી રહ્યાં છે. ફ્રાન્સની ઇચ્છા છે કે તંગદીલીના માહોલમાં પણ કમ સે કમ ઇરાનમાંથી પેટ્રોલિયમ આયાત કરવા અંગે અમેરિકા છૂટ આપે. તો ઇરાન પણ અમેરિકાના પ્રતિબંધોના કારણે બેહાલ છે અને એમાંથી છૂટછાટની અપેક્ષા રાખી રહ્યું છે. ઇરાન જાણે છે કે ટ્રમ્પનું નાક દબાવવું હશે તો મજબૂત યુરોપિયન દેશોનો સહારો જ લેવો પડશે. 

બીજી બાજુ ટ્રમ્પે G-7 બેઠકમાં ઇરાનની હાજરી અંગે હાલ તો કોઇ પ્રતિક્રિયા આપી નથી પરંતુ તેમના સ્વભાવને જોતાં તેઓ આ મુદ્દે પણ પોતાનો અભિપ્રાય બેધડક જાહેર કરશે એમાં કોઇને શંકા નથી. આ વખતની બેઠકમાં ટ્રમ્પ ખાસ ઉત્સાહ દર્શાવ્યો નથી. બેઠક દરમિયાન પણ તેઓ ખાસ કશું બોલ્યાં નથી અને શાંત જણાયા છે.

યાદ રહે કે ગયા વર્ષે G-૭ની બેઠકમાં ટ્રેડ વૉરનો મુદ્દો ભારે ગરમાયો હતો અને ટ્રમ્પે અમેરિકાના જૂના સહયોગીઓને પણ એમાંથી રાહત આપવા અંગે રાજીપો નહોતો દર્શાવ્યો. ટ્રમ્પે બેઠકના અંતે સંયુક્ત નિવેદન રજૂ કરવાની પરંપરા પણ તોડી હતી અને એ પહેલાં જ બેઠક છોડીને જતાં રહ્યાં હતાં. 

ઇરાનને આમંત્રણ આપવા અંગે પણ અમેરિકાએ હાલ તો કશું કહ્યું નથી પરંતુ અમેરિકાના મીડિયામાં ચર્ચા થઇ રહી છે કે ઇરાનના વિદેશ મંત્રીના આમંત્રણ અંગે અમેરિકાને જાણકારી નહોતી. જાણકારોના મતે ફ્રાન્સની આ પહેલના કારણે ટ્રમ્પ વધારે નારાજ પણ થઇ શકે છે. ટ્રમ્પ તો બેઠકમાં રશિયાને આમંત્રણ આપવાના પક્ષમાં પણ નહોતા તેમ છતાં રશિયા સાથેના સંબંધો વધારી રહેલા યુરોપિયન દેશોએ રશિયાને બેઠકમાં બોલાવ્યું હતું. સંમેલન દરમિયાન ઇરાન અને રશિયા વચ્ચે પણ વાર્તાલાપ યોજાયો હતો. ટ્રમ્પની ઇચ્છા છે કે ઇરાન સાથેના વેપારી સંબધો ભારત તોડી નાખે પરંતુ ભારત પણ ઇચ્છે કે ટ્રમ્પ તેમના વલણમાં નરમાશ દાખવે અને ભારતને પ્રતિબંધોમાંથી રાહત આપે.

ટ્રમ્પના G-7 ગુ્રપના બાકી દેશોથી અળગા થવા પાછળનું મોટું કારણ ટ્રેડ વૉર પણ છે. ઇરાન ઉપરના પ્રતિબંધોના મામલે અમેરિકાનું વલણ તેના સાથી રાષ્ટ્રો પ્રત્યે પણ કડક છે, એમાંયે સંમેલન અગાઉ જ ટ્રમ્પે ચીન સાથેના વેપારમાં ટેરિફ ફરી પાછું વધારી દીધું છે. યુરોપિયન યુનિયનના નેતાઓએ ટ્રમ્પ ઉપર દબાણ કરવાના પ્રયાસો પણ કર્યાં કે તેઓ ટ્રેડ વૉરનો અંત લાવે. શરૂઆતમાં તો ટ્રમ્પે અમેરિકાની નીતિઓ અંગે ફરી વખત વિચાર કરવાનું કહીને વેપાર યુદ્ધનો અંત લાવવાના પ્રયાસોમાં આશા જગાડી પરંતુ થોડા કલાકો બાદ જ તેમના પ્રવક્તાએ કહી દીધું કે તેમની વાતની ગેરસમજ કરવામાં આવી છે અને ટ્રમ્પની ટ્રેડ વૉર હળવું કરવાની કોઇ જ ઇચ્છા નથી. 

G-7ના નેતાઓને લાગે છે કે અમેરિકાના રાષ્ટ્રપતિની જિદ દુનિયાને એક ઓર મંદી તરફ લઇ જઇ શકે છે. બેઠકમાં પહેલી વખત ભાગ લઇ રહેલા બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોનસને તો અમેરિકા સાથે મોટા વેપારી કરારની દિશામાં પ્રગતિ કરી છે. બ્રેક્ઝિટ એટલે કે બ્રિટન યુરોપિયન યુનિયનથી અલગ થઇ રહ્યું છે ત્યારે બ્રિટનની અર્થવ્યવસ્થાને સંભાળી રાખવા માટે તેને અમેરિકાના સાથની અત્યંત આવશ્યક્તા છે. તો એશિયામાં ચીનના વધી રહેલા પ્રભાવને ખાળવા માટે જાપાને પણ અમેરિકા સાથે મહત્ત્વની વ્યાવસાયિક સમજૂતિ કરવાની દિશામાં પહેલ કરી છે. 

ટ્રેડ વૉર ઉપરાંત G-7 શિખર બેઠકમાં એમેઝોનના જંગલોમાં લાગેલી આગનો મુદ્દો પણ છવાયેલો રહ્યો. ખાસ કરીને યજમાન ફ્રાન્સે આ મુદ્દે ભારે કડક વલણ દાખવ્યું અને બ્રાઝિલની સરકાર પર આગને કાબુમાં લેવા માટે પ્રયાસો કરવા માટે દબાણ પણ કર્યું. ફ્રાન્સે તો ત્યાં સુધી કહ્યું છે કે જ્યાં સુધી બ્રાઝિલ એમેઝોનના જંગલોમાં લાગેી આગને કાબુમાં નહીં લે ત્યાં સુધી તે બ્રાઝિલ સાથેની વ્યાપારી સમજૂતિને મંજૂરી નહીં આપે.

બ્રાઝિલના વર્ષાવનોને ખતરામાં મૂકવા બદલ G-7 બેઠકમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો પર ભારે પસ્તાળ પડી. G-7 દેશોના દબાણના કારણે બ્રાઝિલની સરકારને આગને કાબુમાં લેવા માટે સેનાને ઉતારવાની ફરજ પડી છે. જોકે બેઠક દરમિયાન ટ્રમ્પ બોલ્સોનારો સાથે દોસ્તી વધારતા જોવા મળ્યાં એ જોતાં ટ્રમ્પ આ મામલે પણ અન્ય દેશોની વિરુદ્ધ જઇ શકે છે. 

એકંદરે જોતાં છેલ્લા થોડા વર્ષોની જેમ આ વર્ષનું G-7 શિખર સંમેલન પણ ખાસ કશી પ્રગતિ વિના પૂરું થઇ ગયું હોય એમ જણાઇ રહ્યું છે. ખાસ તો ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ અમેરિકા આ સમૂહથી દૂર જઇ રહ્યું છે અને આ વર્ષની બેઠક પણ અમેરિકા સાથેના અંતરને ઓછું કરવામાં મદદરૂપ બની હોય એવું લાગતું નથી.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો