પ્રાયવસીનો ભંગ ન થાય એ રીતે સોશિયલ મીડિયા પર લગામ કસવી પડકારજનક


દેશની સર્વોચ્ચ અદાલતે ચિંતા વ્યક્ત કરી છે કે સોશિયલ મીડિયાનો દુરુપયોગ ખતરનાક હદે પહોંચી ચૂક્યો છે અને હવે સરકારે એ મામલે કડક નિયમો અમલમાં મૂકવાની તાતી જરૂરિયાત છે

સોશિયલ મીડિયાના વધી રહેલા દુરુપયોગ પ્રત્યે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. દેશની સર્વોચ્ચ અદાલતે સોશિયલ મીડિયાના દુરુપયોગ પર લગામ કસવા સંબંધી નિયમો બનાવવા માટે સમયમર્યાદા નક્કી કરવાની કેન્દ્ર સરકારને તાકીદ કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સોશિયલ મીડિયાનો દુરુપયોગ ખતરનાક હદે પહોંચી ચૂક્યો છે અને હવે સરકારે દરમિયાનગીરી કરવી જ જોઇએ. થોડા દિવસ અગાઉ સુપ્રીમ કોર્ટે આધારકાર્ડને સોશિયલ મીડિયા સાથે લિંક કરવા અંગે કેન્દ્ર સરકાર પાસે જવાબ માગ્યો હતો. સુપ્રીમ કોર્ટે તાકીદ કરી છે કે સોશિયલ મીડિયા પર લગામ કસવા અંગે સરકાર પગલાં નહીં ઉઠાવે તો કોર્ટે જ એ દિશામાં કંઇક કરવું પડશે.

સોશિયલ મીડિયાના દુરુપયોગ વિશે વિચારવાની દિશામાં નવેસરથી શરૃઆત ત્યારે થઇ જ્યારે થોડા દિવસો પહેલાં જ તામિલનાડુ સરકારે સોશિયલ મીડિયા પ્રોફાઇલને આધાર સાથે લિંક કરાવવાની પહેલ કરી. તામિલનાડુ સરકારની દલીલ છે કે આમ કરવાથી સોશિયલ મીડિયા દ્વારા રાષ્ટ્રવિરોધી અને આતંકવાદી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપતા તત્ત્વો પર લગામ કસી શકાશે. જોકે ફેસબુકે આ મામલે વિરોધ જાહેર કરતા કહ્યું હતું કે આધારને સોશિયલ મીડિયા પ્રોફાઇલ સાથે લિંક કરવાથી વપરાશકર્તાની પ્રાઇવસી જ ખતમ થઇ જશે. આ મુદ્દે મદ્રાસ, બોમ્બે અને મધ્યપ્રદેશ હાઇકોર્ટમાં પણ કેસ ચાલી રહ્યાં છે.

ફેસબુકે તમામ મામલા સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવાની માંગ પણ કરી છે. આમ તો કાયમ બનતું આવ્યું છે કે કોઇ સગવડ પોતાની સાથે સમસ્યા પણ લાવે છે. કોઇ બાબત સગવડદાયક હોય ત્યારે તેને બધાં સરળતાથી અપનાવી લેતા હોય છે પરંતુ એ જ બાબત જ્યારે સમસ્યા બની જાય ત્યારે તેનાથી છૂટકારો પામવા માટે કેટલીક વખત એ સુવિધાનો જ ભોગ આપવો પડે એવી પરિસ્થિતિ આવીને ઊભી રહે છે. ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના મામલે પણ એવું જ બન્યું છે.

લોકોને જોડવા માટે સર્જાયેલું સોશિયલ મીડિયા આજકાલ સમાજને તોડવાનું કામ કરી રહ્યું છે. આજે સોશિયલ મીડિયાના દુરુપયોગથી સરકારથી લઇને રાજકીય પક્ષો, સંસ્થાઓ, સેલિબ્રિટીઓ અને સામાન્ય જનતા પણ પરેશાન છે. આવા સંજોગોમાં લોકોની અપેક્ષા હોય છે કે સરકાર કોઇ પગલાં ઉઠાવે અને સરકાર પણ સોશિયલ મીડિયા ઉપર લગામ લગાવવા પ્રયત્નશીલ છે.

આધુનિક ટેકનોલોજીના આ જમાનામાં દરેક વ્યક્તિના હાથમાં રમતો સ્માર્ટ ફોન અને સાવ સસ્તા દરે મળી રહેલા ડેટા પેકેજિસના કારણે ઇન્ટરનેટ સુધીની પહોંચ સાવ સરળ બની ચૂકી છે, જેના પરિણામે આજના દોરમાં સોશિયલ મીડિયા એક મોટી તાકાત બની ગયું છે. સોશિયલ મીડિયાના આ દોરમાં એક બાબત તો સ્પષ્ટ છે કે સામાન્ય લોકોની માનસિકતાને અસર કરવામાં સોશિયલ મીડિયા મહત્ત્વનો ભાગ ભજવી રહ્યું છે.

એટલા માટે લાંબા સમયથી એવી લાગણી ઉદ્ભવી રહી છે કે સોશિયલ મીડિયા પર કેટલાંક નિયંત્રણો લાદવામાં આવે. ઇન્ટરનેટ અને એમાંયે સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જેના પર નિયંત્રણની વાત કરવી સરળ છે પરંતુ એનો અમલ કરવો એટલો જ મુશ્કેલ છે. એટલા માટે કે મોટા ભાગની આવી સોશિયલ મીડિયા કંપનીઓ ભારત બહારની છે અને તેમના પર નિયંત્રણ લાદવામાં સૌથી મોટો પડકાર અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના અધિકારના હનનનો આવે છે.  સોશિયલ મીડિયાની સગવડ અને એના ફાયદાને બાજુએ રાખીએ તો છેલ્લા ઘણાં સમયથી સોશિયલ મીડિયાને આરોપીના પીંજરામાં ઊભા રાખવાનું ચલણ વધી ગયું છે.

એ હકીકત છે કે સોશિયલ મીડિયાને દોષિત ઠરાવતા તર્ક પણ નિરાધાર નથી. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને લોકોને ઉશ્કેરવાની કે ધમાલો કરાવવા સુધ્ધાંની ઘટનાઓ થઇ છે. આતંકવાદી અને દેશવિરોધી પ્રવૃત્તિમાં સંડોવાયેલા લોકો પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ પોતાનો સ્વાર્થ સાધવા માટે કરતા હોય છે.  ખરેખર તો આપણા સમાજમાં બેજવાબદારી, નાગરિકકર્મ અંગેના અજ્ઞાાન, બદલાની ભાવના, નફરત ફેલાવવાના વ્યક્તિગત સ્વાર્થ જેવી સક્રિયતા મોજૂદ છે જેની અભિવ્યક્તિ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા પણ થતી રહે છે.

જ્યારે માહિતીના માધ્યમો સીમિત હતાં એટલે કે કોઇ પણ ખબરના વ્યાપ માટે અખબાર કે ન્યૂઝ ચેનલો હતાં ત્યાં સુધી આવી અફવાઓ ફેલાવવી સીમિત હતી પરંતુ આજે તો દરેકના હાથમાં સ્માર્ટ ફોન આવી ગયાં છે અને દરેક વ્યક્તિ પોતે પોતાને મનગમતી માહિતીની સત્યતા પારખ્યા વિના જ વહેતી કરી દેતી હોય ત્યારે પ્રમાણિક ખબરોની ચકાસણી કરવી અત્યંત મુશ્કેલ બની ગઇ છે. એક સમયે લોકોને એકબીજા સાથે જોડવાના માધ્યમ તરીકે વિકસેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આજે માહિતીના સ્થાને જૂઠ્ઠાણાં, અર્ધસત્ય, ભ્રમ, અફવાઓ, ચારિત્ર્યહનન અને દ્વેષ ફેલાવવાના માધ્યમ બની રહ્યાં છે. 

રોજ દિવસ ઊગે ને આપણા સ્માર્ટફોન, ટેબ્લેટ કે કમ્પ્યુટરમાં વોટ્સએપ, ટ્વીટર, ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અવનવા મેસેજની વણઝાર ચાલુ થઇ જાય છે. આમાંના મોટા ભાગના મેસેજ ફોરવર્ડેડ હોય છે અને આપણે પણ એ મેસજની સત્યતા પારખ્યા વગર તેને આગળ ફોરવર્ડ કરી દઇએ છીએ. આવા મેસેજમાં ઘણાં ખરા તો કોઇ તસવીર સાથે કોઇ સુવિચાર અથવા તો કોઇક ઉક્તિ હોય છે. ઘણી વખત આવા સુવિચાર કે ઉક્તિ સાથે નામ લખાયું હોય છે અથવા જે તે વ્યક્તિની તસવીર મૂકવામાં આવી હોય છે. 

વિચાર માંગી લે એવી બાબત એ છે કે લોકો જે-તે વિધાન અમુક ખાસ વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું છે કે નહીં તેની ચકાસણી પણ કરતા નથી. વાત જો આવા નિર્દોષ સુવિચાર કે વિધાન સુધી સીમિત રહેતી હોય તો ખાસ ચિંતાજનક નથી પરંતુ કોઇ વિવાદાસ્પદ નિવેદન કે ઉપજાવી કાઢેલી વાત કોઇ ભળતી વ્યક્તિના નામે ચડાવી દેવામાં આવે કે કોઇ બીજા જ મુદ્દા સાથે જોડી દેવામાં આવે ત્યારે મામલો ગંભીર બની જાય છે.

પહેલાના જમાનામાં આવી ઉપજાવી કાઢેલી વાતો અફવાના નામે ઓળખાતી હતી. મોબાઇલ ફોન, ટીવી કે કમ્પ્યુટર ન હોય એવા સમયમાં પણ આવી અફવાઓ વાયુવેગે ફેલાતી, તો આજના ડિજિટલ યુગમાં તો આવી મોડર્ન અફવા વીજળીવેગે ફેલાઇ જાય છે.

અહીંયા શાંતિપૂર્વક એ વિચારવાની જરૃર છે કે લોકોની પ્રાઇવસી વધારે મહત્ત્વની છે કે દેશમાં સલામતિ અને શાંતિનો માહોલ જળવાયેલો રહે એ વધારે મહત્ત્વનો છે? આ મામલે લોકો સ્પષ્ટપણે બે જૂથમાં વહેંચાઇ જાય એ નક્કી છે. ઘણાં લોકો એવા હશે જેમને દેશમાં શાંતિપૂર્ણ માહોલ જોઇએ છે. તો અનેક લોકો એવા પણ હશે જેમને પોતાની પ્રાઇવસી વધારે મંજૂર હશે. સોશિયલ મીડિયાની પ્રાઇવસીનો ભંગ થવાનો તર્ક વાજબી તો છે પરંતુ સમાજમાં શાંતિ અને સુરક્ષાના ભોગે પ્રાઇવસીને પ્રાથમિકતા આપવી કેટલી હદે યોગ્ય છે એ પણ વિચારવાની જરૃર છે.

છેલ્લા થોડા સમયથી સોશિયલ મીડિયાના દુરુપયોગના એવા ખતરનાક મામલા સામે આવ્યા છે કે તેના પર લગામ કસવાની જરૂરિયાત અનુભવાઇ રહી છે. 

જોકે સોશિયલ મીડિયાનો દુરુપયોગ રોકવા માટે વપરાશકર્તાની તમામ વ્યક્તિગત માહિતી માંગવી પણ યોગ્ય નથી. દુનિયાના કોઇ દેશમાં કદાચ સોશિયલ મીડિયા પર પોતાની વ્યક્તિગત માહિતી જાહેર કરવાની વ્યવસ્થા નહીં હોય. ખુદ સુપ્રીમ કોર્ટે થોડા સમય પહેલાં એવી આશંકા વ્યક્ત કરી હતી કે સોશિયલ મીડિયાના દરેક મેસેજ કે ટ્વીટ ઉપર નજર રાખવાની બાબત દેશને સર્વેલન્સ સ્ટેટ તરફ ન લઇ જાય. 

એક આદર્શ લોકશાહીમાં એવી કોઇ વ્યવસ્થા ન હોય કે જે નાગરિકોની પ્રાઇવસીના અધિકારનું ઉલ્લંઘન કરતી હોય. 

આ મામલાનું બીજું જટિલ પાસુ એ પણ છે કે એક તરફ અસામાજિક તત્ત્વો દ્વારા સોશિયલ મીડિયાના દુરુપયોગનો ભય છે તો બીજી તરફ એવો ડર પણ છે કે સોશિયલ મીડિયા પર નિયંત્રણ મૂકવાની વ્યવસ્થાનો રાજકીય દુરુપયોગ ન થાય. આમ પણ સરકાર ઉપર ભૂતકાળમાં લોકોની જાસૂસી કરવા માટેના નિયમો ઘડવાના આરોપ મૂકાઇ ચૂક્યાં છે. એ સંજોગોમાં એવી વ્યવસ્થા ઊભી કરવાની જરૃર છે જેનો કોઇ પણ પક્ષને વાંધો ન હોય. 

ખરેખર તો સોશિયલ મીડિયા કંપનીઓએ જ એવી વ્યવસ્થા ઊભી કરવાની જરૂર છે કે તેમના પ્લેટફોર્મનો દુરુપયોગ અટકે. દેશમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા લોકોની સંખ્યા કરોડોમાં થવા જાય છે. સોશિયલ મીડિયાની ભાષામાં કહીએ તો સૌથી મોટું ડેટા બજાર ભારત છે. એ સંજોગોમાં સોશિયલ મીડિયા પર નિયંત્રણ મૂકવાની સાથે સાથે લોકોની પ્રાઇવસીનો પણ ભંગ ન થાય એવો કોઇ ઉપાય શોધવો જ રહ્યો.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો