છ મહિનાના મિશન સાથે રવાના થયેલું મંગળયાન પાંચ વર્ષે પણ અડીખમ
- છેલ્લા પાંચ વર્ષ દરમિયાન મંગળયાને રાતા ગ્રહની એક હજાર કરતા પણ વધારે અદ્ભૂત તસવીરો મોકલી છે અને ઇસરોના ડેટા સેન્ટરને મંગળયાન તરફથી પાંચ ટેરાબાઇટ કરતા પણ વધારે ડેટા મળી ચૂક્યો છે

ચંદ્રયાન-૨ મિશનને મળેલી સફળતાના ઉત્સાહ અને લેન્ડર વિક્રમ સાથે સંપર્ક તૂટયાની હતાશાના સમાચાર વચ્ચે એક મહત્ત્વના સમાચાર તરફ ધ્યાન ગયું નથી. સ્પેસ મિશનના ઇતિહાસમાં ભારતનું નામ સુવર્ણ અક્ષરે લખનારા માર્સ ઓર્બિટર મિશન (MOM) એટલે કે મંગળયાને રાતા ગ્રહની પરિક્રમા કરતા પાંચ વર્ષ પૂરા કર્યાં છે. ખાસ વાત એ કે ઇસરોએ મંગળ યાનને છ મહિનાના મિશન પર મોકલ્યું હતું પરંતુ આજે પાંચ વર્ષ પછી પણ તે સારી અવસ્થામાં છે અને વૈજ્ઞાાનિકોને લગાતાર મંગળ ગ્રહની તસવીરો અને ડેટા મોકલતું રહે છે. ઇસરોના જણાવ્યા અનુસાર મંગળયાન હજુ પણ આવતા એક વર્ષ સુધી કાર્યરત રહે તેવી શક્યતા છે.
ઇસરોના વૈજ્ઞાાનિકો મંગળ યાનની અપ્રતિમ સફળતાથી ભારે ઉત્સાહિત છે અને તેઓ તેને યાન નહીં પણ મહાયાન ગણાવે છે. માત્ર છ મહિનાના મિશન પર મોકલાયેલુ મંગળ યાન આજે પાંચ વર્ષે પણ નોટઆઉટ છે અને ભારતના અંતરિક્ષ ઇતિહાસનું સૌથી મોટું મિશન બની ચૂક્યું છે. પાંચમી નવેમ્બર, ૨૦૧૩ના રોજ મંગળ યાનને આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેની પીએસએલવી-સી-૨૫ રોકેટ દ્વારા રવાના કરવામાં આવ્યું હતું. મંગળ ગ્રહ સુધી પહોંચવામાં મંગળયાનને દસ મહિના જેટલો સમય લાગ્યો હતો અને ૨૪ સપ્ટેમ્બર, ૨૦૧૩ના દિવસે તે માર્સ ઓર્બિટર મિશન મંગળની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક પ્રસ્થાપિત થયું હતું. એ સાથે જ અમેરિકા, રશિયા અને યુરોપિયન યુનિયન બાદ ભારત મંગળ સુધી માનવરહિત અવકાશયાન મોકલનાર ચોથો દેશ બન્યો હતો. ઇસરોની આ અભૂતપૂર્વ સફળતા બાદ દુનિયાભરમાંથી ભારત માટે અભિનંદનનો વરસાદ વરસ્યો હતો.
ભારત પહેલાં એશિયાનો બીજો કોઇ પણ દેશ મંગળ ગ્રહ સુધી અવકાશયાન મોકલવામાં સફળ થઇ શક્યો નહોતો. એશિયાના ચીન અને જાપાન જેવા અત્યાધુનિક ટેકનોલોજી ધરાવતા દેશોને પણ આવું પરાક્રમ કરવામાં સફળતા મળી નહોતી. ચીને ૨૦૧૧માં મંગળ સુધી પહોંચવાના પ્રયાસ કર્યો હતો ખરો પરંતુ તેને સફળતા હાથ લાગી નહોતી. એ પહેલા ૧૯૯૮માં જાપાને પણ આ ભગીરથ કામ હાથે ધર્યું હતું પરંતુ તેના યાનમાં બળતણ ખતમ થઇ જવાને કારણે તેના માટે પણ મંગળ દૂર જ રહ્યો હતો.
ભારત માટે ખાસ ગર્વ લેવા જેવી બાબત એ છે કે ઇસરોને પહેલા જ પ્રયાસે છેક મંગળ સુધી અવકાશયોન મોકલવામાં સફળતા મળી છે. અમેરિકાએ તેનું પહેલું અંતરિક્ષયાન મંગળ સુધી પહોંચાડયુ એ પહેલા તેના ૬ મિશન નિષ્ફળ નીવડયા હતાં. તો રશિયા અને યુરોપી સંઘને પણ અનેક પ્રયાસો બાદ મંગળ સુધી પહોંચવામાં કામિયાબી મળી હતી. ઇસરોની સિધ્ધિ સમજવી હોય તો એટલું ધ્યાનમાં રાખીએ કે માર્સ ઓર્બિટર મિશન પહેલાં દુનિયાભરના દેશોએ મળીને કુલ ૫૧ મિશન મોકલ્યા હતાં જેમાંથી માત્ર ૨૧ને જ સફળતા મળી હતી. અને ઇસરોના પીએસએલવીએ પૃથ્વીથી મંગળ સુધીનો ૨૨.૫ કરોડ કિલોમીટર લાંબો પહેલો લોન્ગ જમ્પ લગાવ્યો અને સફળ પણ થયો.
ઇસરો માટે બીજી મહત્ત્વની સફળતા કહી શકાય મંગળયાન મોકલવા પાછળ થયેલો ખર્ચ. અવકાશયાનની તમામ યાંત્રિક સામગ્રી અને તેને કરોડો માઇલ દૂર સુધી મોકલવા પાછળ ઇસરોએ માત્ર ૪૫૦ રૃપિયાનો ખર્ચ થયો જે મંગળયાનના ૪૮ કલાક પહેલાં જ મંગળની ભ્રમણકક્ષામાં સ્થાપિત થયેલા નાસાના માવેન મિશન કરતા દસમા ભાગનો હતો. હોલિવુડની કોઇ ફિલ્મ કરતા પણ ઓછા બજેટમાં ઇસરોએ આ સિધ્ધિ હાંસલ કરી બતાવી. ઇસરોનું આ પહેલું એવું મિશન છે જેના પર અભ્યાસ કરવા માટે દેશના વૈજ્ઞાાનિક સમુદાય મધ્યે ૩૨ રિસર્ચ ટીમ બની. મિશન પર ૨૩થી વધારે લેખ અને રિસર્ચ પેપર પ્રકાશિત થયા છે. અત્યાર સુધી મંગળયાને રાતા ગ્રહની એક હજારથી વધારે તસવીરો મોકલી છે. પાંચ વર્ષમાં મંગળયાન તરફથી ઇસરોના ડેટા સેન્ટરને પાંચ ટેરા બાઇટ કરતા પણ વધારે ડેટા મળી ચૂક્યો છે જેનો ઉપયોગ દેશભરના વૈજ્ઞાાનિકો મંગળ ગ્રહના અભ્યાસમાં કરી રહ્યાં છે.
મંગળયાનનું મિશન ૬ મહિના પછી એટલે કે ૨૪ માર્ચ ૨૦૧૫ના દિવસે પૂરું થવાનું હતું પરંતુ આજે મંગળની ભ્રમણકક્ષામાં સ્થાપિત થયાના પાંચ વર્ષ પછી પણ તે થાકવાનું નામ નથી લેતું અને અવિરતપણે વૈજ્ઞાાનિકોને ડેટા મોકલાવે છે. રાતા ગ્રહની એક પરિક્રમા પૂરી કરતા યાનને લગભગ ત્રણ દિવસ લાગે છે. મંગળ યાને મંગળ ગ્રહની સપાટી, ખીણો, પર્વતો, વાદળા, વાતાવરણમાં થતા તોફાનોની અદ્ભૂત તસવીરો મોકલી છે. આ ઉપરાંત યાન મંગળ પર મિથેન તેમજ અન્ય વાયુઓનું પ્રમાણ અને રેડિએશનને લગતા આંકડા પણ મોકલે છે. હાલ મંગળયાને મોકલેલા ડેટાનું વિશ્લેષણ થઇ રહ્યું છે.
આ પાંચ વર્ષ દરમિયાન માર્સ ઓર્બિટર મિશને સોંપાયેલી કામગીરી ઉપરાંત વધારાની કામગીરી પણ કરી છે જેમાં મંગળની ધરતી પર મોજૂદ સલ્ફેટ અને લોખંડ જેવી ધાતુઓની ઓળખ, મંગળ ગ્રહની કદી ન જોયેલી તસવીરો ઉપરાંત સાઇડિંગ સ્પ્રીંગ નામના મંગળની પાસેથી પસાર થયેલા ધૂમકેતુની તસવીરોનો પણ સમાવેશ થાય છે. મંગળ ગ્રહ પર આવતા વાવાઝોડા સેંકડો કિલોમીટર સુધી ફૂંકાઇ શકે છે એ પણ મંગળયાને કરેલી મહત્ત્વની શોધ ગણાય છે. મંગળયાને જે તસવીરો મોકલી છે એના દ્વારા એ પણ જાણવા મળ્યું છે કે મંગળ ગ્રહ પર બરફની ચાદર છે જે વધઘટ થતી રહે છે. ઉપરાંત સૂર્યમંડળના સૌથી ઊંચા પર્વત તરીકેનો રેકોર્ડ ધરાવતા માઉન્ટ ઓલિમ્પિસની પણ મંગળયાને અદ્ભૂત તસવીરો લીધી છે. મંગળના વિષુવવૃત પાસે આવેલી ચાર હજાર કિલોમીટર લાંબી વેલીસ મેરિનેરિસ નામની ખીણની તસવીરો પણ મંગળયાને મોકલાવી છે.
માનવજાત સમજણી થઇ ત્યારથી જ રાત પડે આભમાં રચાતી તારા-નક્ષત્રોેની ભાતથી મોહિત થતી આવી છે. માનવ સભ્યતાના હજારો વર્ષોના ઇતિહાસમાં જુદી જુદી સંસ્કૃતિઓએ તારા અને ગ્રહો-નક્ષત્રોનો ગહન અભ્યાસ કર્યો છે. આધુનિક યુગમાં પણ રોકેટનો આવિષ્કાર થયો ત્યારથી માનવીને અંતરિક્ષનું ખેડાણ કરવાની ખેવના રહી છે. શરૃઆતના વર્ષોમાં અમેરિકા અને સોવિયત સંઘે પહેલા અવકાશ અને પછી ચંદ્ર સુધી પહોંચવાની સ્પર્ધા લગાવી હતી જેમાં અમેરિકા વિજેતા નીવડયું હતું. જોકે ચંદ્રની ધરતી સાવ નિર્જીવ અને નપાણી જણાતા આ દેશોનો ચંદ્રમાંથી રસ ઓછો થઇ ગયો. એ પછી વારો આવ્યો મંગળ ગ્રહનો. સૂર્યમંડળના તમામ ગ્રહોમાં માત્ર મંગળ જ એવો ગ્રહ છે જ્યાં જીવનનો સંભવ હોઇ શકે એવી શોધ થયા બાદ તો મંગળ પર જીવસૃષ્ટિ હોવાની અનેક વાતો વહેતી થઇ, અનેક ફિલ્મો બની અને પુસ્તકો લખાયા. હજુ આજે પણ મંગળ પર બુદ્ધિશાળી તો નહીં પરંતુ પ્રાથમિક કક્ષાનું જીવન હોવાની વૈજ્ઞાાનિકોને આશા છે.
મંગળ ગ્રહમાં વૈજ્ઞાાનિકોને ખાસ રસ હોવાનું બીજું કારણ એ છે કે આ ગ્રહનો વર્તમાન જોતા એવું લાગે છે કે ભૂતકાળમાં ત્યાં જીવન પાંગર્યું હશે. ઘણાં વૈજ્ઞાાનિકોને તો એમ પણ લાગે છે કે પૃથ્વીનું ભવિષ્ય પણ હાલના મંગળ જેવું જ હશે. જો માનવીઓ પૃથ્વી સિવાય અન્ય કોઇ સ્થળે વસવાટ કરવાનો વિચાર કરવાનો થાય તો મંગળ એ માટે શ્રેષ્ઠ વિક્લ્પ છે. હાલ તો મંગળ પરનું વાતાવરણ સાવ પાંખું છે અને માનવવસવાટને યોગ્ય નથી પરંતુ વૈજ્ઞાાનિકોને આશા છે કે ભવિષ્યમાં ટેકનોલોજી દ્વારા મંગળ ગ્રહને વસવાટ કરવા માટે લાયક બનાવી શકાશે. વૈજ્ઞાાનિકો તો હોલિવુડની સાયન્સ ફિક્શન ફિલ્મોની જેમ જ મંગળ ગ્રહ પર કોલોનીઓ ઊભી કરવાના સપના સેવી રહ્યાં છે.
ચંદ્ર અને મંગળ જેવા સ્થળોએ શોધખોળ કરવા માટે મિશન મોકલવામાં દુનિયાભરના દેશોની વિવિધ ધાતુઓ અને ખનીજસંપત્તિ માટેની લાલચ પણ જવાબદાર છે. આધુનિક યુગમાં જુદાં જુદાં દેશો જે ઝડપે પૃથ્વીના પેટાળમાં રહેલી ધાતુ અને ખનીજોને ઉલેચી રહ્યાં છે તે જોતાં થોડા વર્ષોમાં જ મહત્ત્વની ખનીજો અને ધાતુઓના ભંડાર ખાલી થઇ જવાના છે. એ સંજોગોમાં ચંદ્ર અને મંગળની ધરતી પર તેમજ પેટાળમાં જો ધાતુઓ અને ખનીજોના ભંડાર હાથ લાગે તો પૃથ્વીવાસીઓને જેકપોટ લાગે એમ છે. એ જ કારણે આજે અમેરિકા, રશિયા, ચીન અને યુરોપના દેશો અંતરિક્ષ તરફ દોટ લગાવી રહ્યાં છે. હવે આ રેસમાં ભારતે પણ આ દેશોની સરખામણીએ ક્યાંય ઓછાં ખર્ચે અને વધારે ઊંચા સ્ટ્રાઇકરેટ સાથે આગળ વધી રહ્યું છે.
મંગળયાન મિશને પોતાના દરેક તબક્કા વધારાના બળતણને વાપર્યા વિના જ પૂર્ણ કર્યા હોવાના કારણે તેના અનામત બળતણનો જથ્થો સલામત રહ્યો હતો જેના કારણે તે આટલા લાંબા સમય સુધી કાર્યરત રહી શક્યું છે.
મંગળયાન ઇસરો માટે માઇલસ્ટોન એટલા માટે પણ ગણી શકાય કે આ મિશન દ્વારા આપણે પૃથ્વીના ગુરુત્વાકર્ષણક્ષેત્રની બહાર પહેલી વખત નીકળી શક્યા. ખરેખર તો પાંખા સાધનો અને મર્યાદિત સ્ત્રોતો હોવા છતાં અખૂટ બુદ્ધિક્ષમતા અને દૃઢ મનોબળના જોરે ઇસરો અવકાશક્ષેત્રે એક પછી એક સફળતાના જે શિખરો સર કરી રહી છે તે આપણા માટે ભારે ગર્વ લેવાની બાબત છે.
Comments
Post a Comment