પળે પળે નવા ટ્વીસ્ટ સાથે મહારાષ્ટ્રનું સત્તાનું નાટક ચાલુ છે

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા સત્તાના ખેલનો હજુ અંત આવ્યો નથી. એક તરફ ગયા ગુરવારે સાંજે શિવસેનાએ એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને સરકાર રચવાનું નક્કી કર્યું અને બીજા દિવસે વહેલી રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રીપદના શપથગ્રહણ કરાવીને તમામને ચકિત કરી દીધાં. રાજ્યપાલના ભાજપને સરકાર બનાવવાના નિમંત્રણ સામે શિવસેના અને કોંગ્રેસ અને એનસીપીએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી જેના પર કોર્ટે તાત્કાલિક સુનાવણી હાથ ધરીને ચુકાદો અનામત રાખી દીધો છે. હવે વિધાનસભામાં દેવેન્દ્ર ફડણવીસને બહુમતિ સાબિત કરવાની તક મળે છે કે કેમ અને મળે તો ક્યારે મળે છે એના પર મંગળવારે ચુકાદો આવવાનો છે.
અગાઉ રવિવારે રજાના દિવસે પણ પરિસ્થિતિની તાકીદ સમજીને સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરી હતી અને કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યો હતો કે મહારાષ્ટ્રમાં સરકાર રચવા સાથે જોડાયેલા બે મહત્ત્વપૂર્ણ પત્ર કોર્ટમાં રજૂ કરવામાં આવે. પહેલો પત્ર એ હતો જે રાજ્યપાલે દેવેન્દ્ર ફડણવીસને સરકાર રચવા માટે નિમંત્રણ આપવા માટે લખ્યો હતો અને બીજો હતો ફડણવીસ તરફથી બહુમતિનો દાવો કરતો રાજ્યપાલને લખેલો પત્ર. સોમવારે કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ બંને પત્ર કોર્ટમાં રજૂ કર્યાં. એ પછી તમામ પક્ષોના વકીલોએ પોતાની દલીલો રજૂ કરી અને એક લાંબી ચર્ચા બાદ અદાલતે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખી લીધો.
હવે આ મામલો એ વાત પર ટક્યો છે કે એનસીપીના ધારાસભ્યોએ ખરેખર ભાજપને સમર્થન આપ્યું? અગાઉ ૨૩ નવેમ્બરે એક નાટકીય ઘટનાક્રમમાં વહેલી સવારે રાજ્યપાલે ફડણવીસને મુખ્યમંત્રી તરીકે અને એનસીપીના અજિત પવારને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથગ્રહણ કરાવી દીધાં. ફડણવીસનો દાવો હતો કે એનસીપી વિધાયક દળના નેતા અજિત પવારના નેતૃત્ત્વમાં તેમની પાર્ટીના ધારાસભ્યોએ ભાજપને સમર્થન આપી દીધું છે અને ભાજપ-એનસીપીના નવસર્જિત ગઠબંધન પાસે સરકાર રચવા માટે જરૂરી સંખ્યાબળ છે.
આ અણધાર્યા ઘટનાક્રમથી દેશના રાજકીય વર્તુળોથી લઇને સામાન્યજનો પણ ચોંકી ઉઠયાં કારણ કે એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને અજિત પવારના કાકા શરદ પવારે શિવસેના અને કોંગ્રેસ સાથે મળીને રાજ્યમાં સરકાર રચવાની જાહેરાત કરી દીધી હતી. શરદ પવારે તુરંત પ્રેસ કોન્ફરન્સ યોજીને જાહેરાત કરી કે તેમની પાર્ટી તેમના ભત્રીજાના પગલાંનું સમર્થન કરતી નથી અને તેમની પાર્ટી હજુ પણ શિવસેના અને કોંગ્રેસ સાથે મળીને સરકાર રચવાની યોજના બનાવી રહી છે. થોડી વાર પછી અજિત પવારને એનસીપીના વિધાયક દળના નેતાપદેથી દૂર કરવામાં આવ્યાં અને તેમની જગ્યાએ જયંત પાટિલની નેતા તરીકે નિમણૂક કરવામાં આવી.
સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારના વકીલ તુષાર મહેતાએ કહ્યું કે ફડણવીસના પત્રમાં અજિત પવારે લખેલા એક પત્રની ચર્ચા હતી જેમાં અજિત પવારે તેમની પાર્ટીના ૫૪ ધારાસભ્યોના સમર્થનનું આશ્વાસન આપ્યું હતું. એનસીપીના વકીલ અભિષેક મનુ સિંઘવીએ સ્વીકાર્યું કે એનસીપીના ધારાસભ્યોએ હસ્તાક્ષર તો કર્યાં હતાં પરંતુ અજિત પવારને વિધાયક દળના નેતા બનાવવા માટે નહીં કે ભાજપને સમર્થન આપવા માટે, સિઘવીની દલીલ હતી કે પત્રમાં માત્ર ધારાસભ્યોના હસ્તાક્ષર છે પરંતુ એની સાથે કોઇ કવરિંગ લેટર નથી જેમાં એવું લખવામાં આવ્યું હોય કે હસ્તાક્ષર કયા કારણોસર લેવામાં આવ્યાં છે.
સુપ્રીમ કોર્ટની સુનાવણી દરમિયાન વિધાનસભામાં બહુમતિ સાબિત કરવા ઉપર ચર્ચા થઇ. કોંગ્રેસ, શિવસેના અને એનસીપીના વકીલોનો દાવો હતો કે ફડણવીસ સરકાર પાસે બહુમતિ નથી અને તેમણે કોર્ટને અપીલ કરી કે વિધાનસભામાં તુરંત બહુમતિ સાબિત કરવાનો આદેશ આપવામાં આવે. તો કેન્દ્ર સરકારના વકીલો તરફથી દલીલ કરવામાં આવી કે બહુમતિ સાબિત કરવા માટે રાજ્યપાલે ૧૪ દિવસ આપ્યાં છે અને આ સમયને અચાનક ઘટાડી શકાય નહીં. તેમણે એવી દલીલ પણ કરી કે બંધારણ અનુસાર પ્રક્રિયા એવી છે કે પહેલા ધારાસભ્યો પ્રોટેમ સ્પીકર ચૂંટશે જેની દેખરેખ હેઠળ વિધાનસભા અધ્યક્ષ ચૂંટવામાં આવશે અને તે બહુમતિ સાબિત કરવા માટે ફ્લોર ટેસ્ટ યોજશે. તો બીજા પક્ષની દલીલ હતી કે પ્રોટેમ સ્પીકર પણ શક્તિ પરીક્ષણ કરાવી શકે છે અને અગાઉ પણ વિવાદ સર્જાયાની સ્થિતિમાં સુપ્રીમ કોર્ટે તુરંત ફ્લોર ટેસ્ટનો આદેશ આપેલો છે.
એક તરફ ભાજપનું કહેવું છે કે તેમને એનસીપીના ધારાસભ્યોનું સમર્થન છે બીજી તરફ એનસીપીનું કહેવું છે કે ધારાસભ્યોનો તેમને સાથ છે. એનસીપીના નેતા નવાબ મલિકે દાવો કર્યો છે કે તેમની પાસે ૫૨ ધારાસભ્યોનું સમર્થન છે અને અજિત પવાર સાથે ભળી ગયેલા ઓર એક ધારાસભ્ય પણ તેમના સંપર્કમાં છે. તો ભાજપ નેતા નારાયણ રાણેનું કહેવું છે કે બહુમતિ તેમની પાસે છે અને સરકાર બચાવવા તેઓ બધું કરી છૂટશે. ભાજપના વરિષ્ઠ નેતા રાવસાહેબ પાટિલે ઓપરેશન લોટસનો ઇન્કાર કરતા કહ્યં કે ભાજપ પાસે બહુમતિ માટે જરૂરી સંખ્યા કરતા પણ વધારે ધારાસભ્યોનું સમર્થન છે. ઉલ્લેખનીય છે કે વિરોધીઓ એવા આક્ષેપ કરી રહ્યાં છે કે ભાજપ ઓપરેશન લોટસ ચલાવી રહી છે.
બીજી બાજુ અજિત પવારને મનાવવાના પ્રયાસો છેવટ સુધી ચાલુ છે. એનસીપીના વરિષ્ઠ નેતાઓ દિલીપ વાલસે પાટિલ, સુનીલ તટકરે અને હસન મુશ્રીફ અજિત પવારની મુલાકાત લઇ ચૂક્યાં છે. છગન ભુજબળે પણ અજિત પવારને મનાવવાના પ્રયાસો કર્યાં પરંતુ સફળ ન નીવડયાં.
બીજી તરફ ભાજપનો સહયોગી રાષ્ટ્રીય સમાજ પક્ષના નેતા મહાદેવ જાનકરે પણ અજિત પવારની મુલાકાત લીધી અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેઓ સાથે છે અને તેમની સરકાર પાંચ વર્ષ સુધી શાસન કરશે. ટૂંકમાં અજિત પવારને મનાવવાના બંને પક્ષો તરફથી પ્રયાસો ચાલુ છે.
દરમિયાન શિવસેના વિધાયક દળના નેતા એકનાથ શિંદે, એનસીપીના નેતા જયંત પાટિલ અને મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ બાલાસાહેબ થોરાતે એક સંયુક્ત બેઠક યોજી અને રાજ્યપાલને ધારાસભ્યોના શપથપત્ર સોંપવાનું નક્કી કર્યું. જે અનુસાર શિવસેના, કોંગ્રેસ અને એનસીપીના કુલ ૧૬૨ ધારાસભ્યોના સમર્થનવાળો પત્ર રાજ્યપાલને સોંપવામાં આવ્યો. મોડી સાંજે શિવસેના, એનસીપી અને કોંગ્રેસના ધારાસભ્યોની પરેડનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો. અગાઉ એનસીપીના નેતા જયંત પાટિલે રાજ્યપાલ સમક્ષ ૧૬૨ ધારાસભ્યોની પરેડ યોજવાનું નક્કી કર્યું હતું પરંતુ છેવટે હોટલમાં મીડિયા સામે પરેડ યોજવામાં આવી.
ધારાસભ્યોની પરેડ દ્વારા ત્રણેય પાર્ટીઓએ એ દર્શાવવાનો પ્રયાસ કર્યો છે કે તેઓ એક સાથે છે અને તેમની પાસે બહુમતિ છે. જોકે આ ઓળખપરેડમાં અજિત પવાર હાજર નહોતાં. અજિત પવારની ગેરહાજરીના કારણે અનેક અટકળો થઇ રહી છે. સુપ્રીમ કોર્ટ ફ્લોર ટેસ્ટ કરવાનો આદેશ આપશે તો પણ છેક સુધી સસ્પેન્સ રહેવાનું છે. કારણ એ કે હાલ ભલે એનસીપી, શિવસેના અને કોંગ્રેસ તરફથી એવો દાવો કરવામાં આવે કે તેમની પાસે સંખ્યાબળ છે પરંતુ ખરેખરું શક્તિપરીક્ષણ થશે ત્યારે કેટલા ધારાસભ્ય તેમની સાથે રહે છે અને કેટલા પાટલી બદલે છે એનો ખ્યાલ આવશે.
આ તમામ ઘટનાક્રમ વચ્ચે હજુ પણ શરદ પવારની ભૂમિકાને લઇને કોઇ પણ અટકળ કરવી શક્ય નથી. હજુ તો શુક્રવારે શરદ પવારે એવું કહ્યું હતું કે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી બનાવવા પર સહમતિ સધાઇ ચૂકી છે પરંતુ સોમવારે તેમણે કહ્યું કે સરકાર રચવામાં વિલંબ એટલા માટે થયો કે એનસીપી તરફથી શિવસેના સમક્ષ અઢી-અઢી વર્ષ માટે મુખ્યમંત્રીપદની ફોર્મ્યૂલા રજૂ કરવામાં આવી હતી. આ મામલે મતભેદ હોવાના કારણે સહમતિ સધાઇ શકી નહોતી.
અગાઉ શિવસેના નેતા સંજય રાઉતે પણ સ્પષ્ટતા કરી હતી કે અજિત પવારે અઢી-અઢી વર્ષની ફોર્મ્યૂલાની વાત કરી હતી. હવે કાકાભત્રીજા બંને એક જ વાત કરતા હોય ત્યારે આગળ શું થશે એ કળવું મુશ્કેલ છે.
હકીકતમાં મહારાષ્ટ્રમાં જેટલી ઝડપથી ઘટનાક્રમ બદલાઇ રહ્યો છે એ જોતાં ભલભલા રાજકીય પંડિતો પણ આગાહી કરી શકે એમ નથી કે આગળ શું થશે?
Comments
Post a Comment