કોરોના એટલે મૃત્યુ એવું નથી : ભારતમાં અત્યાર સુધી 100 દર્દીઓ સાજા થયા
- મહારાષ્ટ્રના 25, કેરળના 19, હરિયાણાના 17,રાજસ્થાનના 15, ઉત્તર પ્રદેશના 11, દિલ્હીના 6, કર્ણાટકના 5, તમિલનાડુના 4, રાજસ્થાનના 3, ઉત્તરાખંડના 2, લદ્દાખના 3 દર્દી સાજા થયા
નવી દિલ્હી, તા. 30 માર્ચ 2020, સોમવાર
હું ભારતના એક કમનસીબ લોકો પૈકી એક હતો જેને સૌથી પહેલા કોરોના વાઇરસનું ઇન્ફેકશન લાગ્યું હતું તેમ ઉત્તર પ્રદેશના આગ્રામાં રહેતા અમિત કપૂરે જણાવ્યું છે. અમિત કપૂરે વધુમાં જણાવ્યું છે કે હવે હું સંપૂર્ણપણે ઠીક છું. ૧૪ દિવસ સુધી મારી સારવાર ચાલી હતી. હવે હું ઘરે પરત આવી ગયો છું. હવે હું અન્ય લોેકોને કહેવા માગુ છું કે કોરોનાના કોઇ પણ લક્ષણ દેખાય તો ગભરાવાની જરૂર નથી. ડોકટર પાસે જાવ, તેમના પર વિશ્વાસ રાખો અને સકારાત્મક વિચારો.
જ્યારે તે પોતાના ભાઇની સાથે ઇટાલીથી પરત આવ્યા તો બે માર્ચે તેમના પરિવારના તમામ ૧૧ સભ્યોનું કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યા હતો. જેમાંથી પરિવારના છ સભ્યોના ટેસ્ટ પોઝિટીવ આવ્યા હતાં. જેમાં ૭૩ વર્ષના તેમના પિતા, ૬૨ વર્ષની માતા, ૪૪ વર્ષીય ભાઇ, ૩૭ વર્ષીય ભાભી, તેમનો ૧૬ વર્ષનો પુત્ર અને ૩૮ વર્ષીય સ્વયં અમિત કપૂર સામેલ હતાં.
અમિતના જણાવ્યા અનુસાર ટેસ્ટ પોઝિટીવ આવ્યા પછી સંપૂર્ણ પરિવાર ગભરાયેલુ હતું. તેમને લાગી રહ્યું હતું કે ફક્ત અમારી સાથે જ આ કેમ થયું? તેઓ ખૂબ જ ડરેલા હતાં.
અમિત કપૂરે જણાવ્યું હતું કે ત્યારબાદ અમને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતાં. તમામ છ લોેકોને અલગ અલગ રૂમમાં રાખવામાં આવ્યા હતાં. અમે એકબીજાને મળી શક્તા ન હતાં. અમને પંદર દિવસ સુધી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતાં. અમારા બે વકત ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. બંને વખત ટેસ્ટ નેગેટિવ આવ્યા હતાં. હવે અમારા પરિવારના તમામ લોેકો સાજા થઇ ગયા છે અને ઘરે આવી ગયા છે.
અમિતના પરિવારના છ સભ્યો સહિત ભારતમાં અત્યાર સુધી ૧૦૦ લોકો કોરોનાની ચપેટથી બહાર આવી ગયા છે. ભારતીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર સારા થઇ ગયેલા લોેકોેમાં મહારાષ્ટ્રના ૨૫ લોકો, કેરળના ૧૯, હરિયાણાના ૧૭,રાજસ્થાનના ૧૫, ઉત્તર પ્રદેશના ૧૧, દિલ્હીના ૬, કર્ણાટકના ૫, તમિલનાડુના ૪, રાજસ્થાનના ૩, ઉત્તરાખંડના ૨, લદ્દાખના ૩ તથા ગુજરાત, તેલંગણા, પંજાબ, જમ્મુ-કાશ્મીર, આંધ્ર પ્રદેશના એક-એક દર્દી સાજા થઇ ગયા છે.
હરિયાણાના ૧૧ દર્દીઓને સાજા કરનાર ડો. સુશીલ કટારિયાના જણાવ્યા અનુસાર લોકોને ગભરાવાની જરૂર નથી. જેને પણ કોરોના થયો હોય તો તેમને એમ સમજવાની જરૂર નથી કે તેમનું મૃત્યુ થઇ જશે. તેમના જણાવ્યા અનુસાર ૧૦૦માંથી ૮૦ દર્દી પોતાની જાતે જ સિમટોમેટ્રિક સારવારથી સાજા થઇ જાય છે. ૧૦૦માંથી ૨૦ દર્દીઓને હોસ્પિટલમાં સારસંભાળની જરૂર પડે છે. તેમાંથી પણ ૫૦ ટકા દર્દીઓ હોસ્પિટલમાં સામાન્ય વોર્ડ કેરથી સાજા થઇ જાય છે. ફકત દસ ટકા લોકોને આઇસીયુની જરૂર પડે છે અને પાંચ લોકોને જ વેન્ટિલેટરની જરૂર પડે છે.
Comments
Post a Comment