દિલ્હીની વાત : રાજ્યોની કામગીરીથી મોદી નારાજ
રાજ્યોની કામગીરીથી મોદી નારાજ
નવીદિલ્હી, તા.27 માર્ચ 2020, શુક્રવાર
કોરોના વાયરસના કેસો શોધવામાં રાજ્ય સરકારોની કામગીરીથી નરેન્દ્ર મોદી જરાય ખુશ નથી. મોદી સરકાર વતી કેબિનેટ સેક્રેટરી રાજીવ ગૌબાએ આ નારાજગી વ્યક્ત કરીને રાજ્ય સરકારોને પત્ર લખ્યો છે. ગૌબાએ રાજ્ય સરકારોને વિદેશથી આવેલા લોકોની ચકાસણીની કામગીરીમાં ઝડપ લાવવા કહ્યું છે. આ પહેલાં આરોગ્ય મંત્રાલયે પણ રાજ્યોને કડક શબ્દોમાં કાગળ લખીને તતડાવ્યાં હતાં. ગૌબાએ રાજ્ય સરકારોને રીતસરની તતડાવી છે. ગૌબાનું કહેવું છે કે, કેન્દ્ર સરકારે વિદેશથી આવતાં વિમાનો પર પ્રતિબંધ મૂક્યો એ પહેલાં વિદેશથી આવેલ પ્રવાસીઓનો આંકડો અને રાજ્ય સરકારો જે આંકડા આપે છે તેમાં બહુ તફાવત છે. રાજ્ય સરકારો આ પ્રવાસીઓને નહીં શોધે તો કોરોનાવાયરસને નાથવા માટે સરકારે જે પગલાં લીધાં છે તેના પર પાણી ફરી વળશે.
ગૃહ મંત્રાલયના આંકડા પ્રમાણે પ્રતિબંધ પહેલાં ભારતમાં ૧૫ લાખ વિદેશી પ્રવાસી આવ્યા હતા. તેની સરખામણીમાં રાજ્ય સરકારોએ દસમા ભાગના પ્રવાસીઓને પણ હજુ શોધ્યા નથી.
રીઝર્વ બેંકે ઈએમઆઈ મુદ્દે ઉલ્લુ બનાવ્યાં
રીઝર્વ બેંકે શુક્રવારે મધ્યમ વર્ગના રાહત આપવાના નામે ચાલુ લોનના હપ્તા એટલે કે ઈએમઆઈ ત્રણ મહિના સુધી નહીં ભરવાની છૂટ આપવાની જાહેરાત કરી. આ જાહેરાતના કારણે પહેલાં લોકો ખુશ થઈ ગયાં. પછી ખબર પડી કે, રીઝર્વ બેંકે લોકોને ઉલ્લુ બનાવ્યાં છે કેમ કે. રીઝર્વ બેંકે જે જાહેરાત કરી છે તેનો અમલ કરવો બેંકો માટે ફરજિયાત નથી.
રીઝર્વ બેંકે બેંકોને આ સલાહ આપી છે અને તેનો અમલ કરવો કે નહીં એ નક્કી બેંકોએ કરવાનું છે. બેંકો ત્રણ મહિના સુધી ઈએમઆઈ ના લે તો તેના પર ગ્રાહકે પછીથી વ્યાજ આપવાનું રહેશે કે નહીં તે અંગે પણ રીઝર્વ બેંકે કોઈ સ્પષ્ટતા કરી નથી. અત્યારે જે ઈએમઆઈ ના ભરાય તેને બેંક મુદ્દલ એટલે કે પ્રિન્સિપાલ એમાઉન્ટમાં ગણે તો આ રાહત કઈ રીતે કહેવાય એવો સવાલ પણ લોકોએ ઉઠાવ્યો છે. દરેક બેંક પોતાની રીતે નિયમો નક્કી કરશે એ જોતાં રીઝર્વ બેંકે ગ્રાહકોને બેંકોની મહેરબાની પર છોડી દીધા છે.
દિલ્હીમાં પોલીસ-સરકારના સંઘર્ષમાં લોકોનો મરો
દિલ્હીમાં લોકો વિચિત્ર સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. બે આખલાની લડાઈમાં ઝાડનો ખો નિકળે એવી દિલ્હીવાસીઓની હાલત છે.
લોકડાઉનના કારણે દિલ્હીમાં બધું બંધ કરવાની જાહેરાત કરાઈ પછી જીવન જરૂરીયાતની ચીજો નથી મળતી તેવી વ્યાપક ફરિયાદો ઉઠી હતી. તેના પગલે અરવિંદ કેજરીવાલે દવા તથા જીવન જરૂરીયાતની ચીજો ચોવીસ કલાક ખુલ્લી રાખવાની છૂટ આપી દીધી. દુકાનો ખુલ્લી હોય તો લોકો ગમે ત્યારે ચીજ લેવા આવી શકે અને ભીડ ના થાય એ ઉદ્દેશથી આ છૂટ અપાઈ છે.
જો કે દિલ્હીવાસીઓ દિવસે વસ્તુઓ લેવા બહાર નિકળે ત્યારે તેમણે પોલીસના કોપનો સામનો કરવો પડે છે. પોલીસ બહાર નિકળનારાં લોકોને ધોકાવે છે. પોલીસ દુકાનદારોને પણ દુકાનો બંધ કરી દેવા ધમકાવે છે. દિલ્હી પોલીસ કેન્દ્ર સરકારના તાબા હેઠળ આવે છે તેથી કેજરીવાલ સરકારનો આદેશ માનવા પોતે બંધાયેલા નથી એવી પોલીસની દલીલ છે. કેન્દ્રનું ગૃહ મંત્રાલય આદેશ આપે તો જ આ ધોકાવાળી બંધ થાય પણ ગૃહ મંત્રાલય પોલીસને બહાર નિકળનારાં લોકોને કશું ના કરવું એવો આદેશ આપતી નથી કેમ કે પછી તો કોઈ ઘરમાં ના રહે. આ કારણે પોલીસ અને કેજરીવાલ સરકાર સામસામે છે. આ લડાઈમાં લોકોની હાલત બગડી ગઈ છે.
મેનકાના આદેશથી ભાજપના મુખ્યમંત્રીઓ મૂંઝવણમાં
લોકડાઉનના કારણે લોકોને જીવન જરૂરીયાતની ચીજો સરળતાથી મળી રહે તે માટે રાજ્ય સરકારો મથી રહી છે ત્યાં કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ ભાજપ શાસિત રાજ્યો માટે મૂંઝવણ ઉભી કરી છે.
મેનકા ગાંધી પર્યાવરણવિદ્ અને પક્ષી-પ્રાણી પ્રેમી તરીકે જાણીતાં છે. પશુ-પક્ષીઓની લોકો હત્યા ના કરે કે અત્યાચાર ના કરે તે માટે મેનકા વરસોથી ઝુંબેશ ચલાવે છે.
મોદીએ લોકડાઉનની જાહેરાત કરી કે તરત મેનકાએ દેશના તમામ મુખ્યમંત્રીઓને ફોન કરીને લોકડાઉનના સમયમાં પશુ-પક્ષીઓને પણ પૂરતા પ્રમાણમાં ખાવાનું મળી રહે તેની વ્યવસ્થા કરવા કહ્યું હતું.
લોકોને બહાર નિકળવાની મનાઈ છે ત્યારે પશુ-પક્ષીઓના ખાવાની વ્યવસ્થા રાજ્ય સરકારે જ કરવી જોઈએ એવો આગ્રહ પણ તેમણે વ્યક્ત કર્યો. દરેક રાજ્ય સરકારે આ દિશામાં શું પ્રયત્ન કર્યા તે અંગેનો રીપોર્ટ પોતાના મંત્રાલયને મોકલી આપવા પણ તેમણે દરેક મુખ્યમંત્રીને કહ્યું છે.
ભાજપના મુખ્યમંત્રીઓ કંઈ ના કરે તો મેનકાનો ઠપકો સાંભળવો પડે. બીજી તરફ આ વ્યવસ્થા કરવા તેમની પાસે તંત્ર નથી. આ મુદ્દો એટલો મોટો પણ નથી કે, મોદીને ફરિયાદ થાય તેથી મુખ્યમંત્રીઓ મૂંઝાયેલા છે.
ચંદ્રાબાબુના ફરી ભાજપની નજીક આવવા પ્રયત્ન
આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ ફરી ભાજપની નજીક આવવા પ્રયાસ કરી રહ્યા હોવાના અહેવાલ છે. નાયડુએ મોદી સરકારે જાહેર કરેલા પોણા બે લાખ કરોડ રૂપિયાના આથક પેકેજને સમયસરનું ગણાવીને તેનાં ભારે વખાણ કર્યાં છે. નાયડુએ મોદીને પણ લખ્યો છે ને અઠવાડિયાના ટૂંકા ગાળામાં નાયડુનો મોદીને આ બીજો પત્ર છે. આ પહેલાં મોદીએ જનતા કરફ્યુની હાકલ કરી ત્યારે પણ નાયડુએ મોદીને પત્ર લખીને તેમની સરાહના કરી હતી. મોદીએ સક્ષમ નેતૃત્વ દ્વારા ભારતને તો કોરોનાના કહેરથી બચાવ્યું જ પણ દુનિયા સામે પણ એક આદર્શ પૂરો પાડયો છે એવું નાયડુએ લખ્યું હતું.
ચંદ્રાબાબુને રાજશેખર રેડ્ડીએ ૨૦૦૪માં કારમી હાર આપી પછી નાયડુ દસ વર્ષ માટે ફેંકાઈ ગયા હતા. એ પછી તે માંડ માંડ સત્તામાં આવ્યા પણ રેડ્ડીના પુત્ર જગન મોહને તેમને પાછા ફેંકી દીધા. જગનના પગલાંથી ફફડી ગયેલા નાયડુ ફરી એક દાયકા માટે ફેંકાઈ ના જવું પડે એટલે ભાજપ સાથે જોડાણ કરવા મથ્યા કરે છે એવું ભાજપનાં સૂત્રોનું કહેવું છે.
કોમવાદી ટીપ્પણીના કારણે જામિયા ફરી વિવાદમાં
જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવસટીના ફરી વિવાદમાં સપડાઈ છે. આ યુનિવસટીના પ્રોફેસર ડો. અબ્રાર અહમદે ૧૫ બિન મુસ્લિમ વિદ્યાર્થીઓને નાપાસ કર્યા હોવાની ટ્વિટ કરી હતી. અબ્રારે એવી ટીપ્પણી કરી હતી કે, સીએએ સામેના દેખાવો બંધ નહીં થાય તો બહુમતી સમાજનાં લોકો રમખાણો કરીને તમને પાઠ ભણાવશે. તેના પગલે યુનિવસટીએ તેમને કોમી સંવાદિતાને ખલેલ પહોંચાડવાના પ્રયાસ બદલ સસ્પેન્ડ કરી દીધા. યુનિવસટીએ આ મુદ્દે તપાસ સમિતી પણ રચી છે.
અબ્રારનો દાવો છે કે, તેમણે તો સીએએ સામે થઈ રહેલા વિરોધ પ્રદર્શનોના સંદર્ભમાં વ્યંગ કર્યો હતો પણ તેનું ખોટું અર્થઘટન કરી દેવાયું. અત્યારે કોઈ પરીક્ષા જ લેવાઈ નથી ત્યારે કોઈને નાપાસ કરવાનો સવાલ જ નથી એવો દાવો થઈ રહ્યો છે.
અબ્રાર કાંડના પગલે જામિયામાં કોમવાદી માહોલ છે એવા આક્ષેપો પાછા શરૂ થઈ ગયા છે. સીએએ સામેના વિરોધ વખતે જામિયામાં હિંસા ભડકી ત્યારે યુનિવસટી સામે લોકોએ આક્રોશ ઠાલવ્યો હતો. એ આક્રોશ પાછો ઠલવાવા માંડયો છે.
***
સ્થળાંતર કરીને આવેલા મજુરો માટે રાહત
સામાન્ય પ્રજા માટે ત્રણ મહિના માટે રૂપિયા ૧.૭૦ હજાર કરોડની નાણા મંત્રીની જાહેરાતને સૌએ આવકારી હતી.પરંતુ અન્ય રાજ્યોમાંથી મજૂરી કરવા આવેલા લોકો ખૂબ જ કફોડી હાલતમાં છે. રેલવે અને બસ સેવાઓ બંધ હોવાના કારણે તેઓ ના તો પોતાના ઘરે જઇ શકે છે કે ના તો શહેરોમાં રહીને ગુજરાન ચલાવી શકે છે.
મોટા ભાગના મજુરો ચહેરા પર માસ્ક પહેરીને હાઇવે પર ચાલતા જતા હોય એવા મજુરો પત્ની અને બાળકો સાથે હોય એવા દ્રશ્યો સર્જાયા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે તેમની મદદ માટે પ્રયાસો આદર્યા હતા, પરંતુ તે પુરતા નથી.છેલ્લા બે દિવસોમાં હજારો મજુરો દિલ્હીની સરહદ પાર કરી ગયા હતા. કેેટલાક હજુ રસ્તામાં રખડી પડયા હતા.
'લોકડાઉન પાછળનું કારણ હું સમજી શકું છું, પરંતુ સરકારે શા માટે કોઇ યોજના બનાવી નથી?'એમ ૩૩ વર્ષના સરકારી આશ્રય સ્થાને ભોજન લઇને પોતાના વાસણો સાફ કરતા કરતા દીલીપ સિંહે કહ્યું હતું.એક અન્ય તકલીફ એ છે કે લોકડાઉન પછી શું આ લોકોને તેમની નોકરી પાછી મળેશ?
લોકડાઉન પહેલાં લોકોને સમય આપવીની જરૂર હતી
પાટનગરના સરકારી વર્તુળોમાં એવી ચર્ચા ચાલે છે કે રવિવારનો જનતા કર્ફ્યુ માત્ર એક દિવસીય ઘટના ન હતી. જો ૨૧ દિવસના લોકડાઉનની જોહરાત કરવાની જ હતી તો થોડા સમય અગાઉ તેની જાહેરાત કરવાની અને લોકોને જીવન જરૂરી ચીજ વસ્તુઓ ખરીદવાનો સમય આપવાની જરૂર હતી.નાની કંપનીઓ તેમના કર્મચારીઓને પગાર આપી શકી હોત અને પરપ્રાંતીય કામદારો પોતાના ઘરે પહોંચી જાય તેની વ્યવસ્થા કરવાની જરૂર હતી. પરંતુ તેને બદલે રાત્રે આઠ વાગે વડા પ્રધાને અચાનક જાહેરાત કરીને સૌની મુશ્કેલીમાં વધારો કરી દીધો હતો.
લોકો રસ્તા પર ઉતરી પડયા હતા. દુધ અને શાકભાજી લેવા લાઇનો લાગી હતી. સપ્લાય ચેન તુટી ગયા પછી હવે સરકાર સફાળી જાગી છે અને વ્યવસ્થા કરવાની શરૂઆત કરી છે.છતાં સરકારે આ બાબતને હળવાશ થી જ લીધી હતી.દિલ્હીથી પોતાના વતન ઉત્તર પ્રદેશ જઇ રહેલા મજુરોના ચિત્રો ઘણું કહી જાય છે. સેંકડો કિમી ચાલીને આ લોકો પોતાના ગામ કે શહેર જવા લાઇનમાં જતા દેખાય છે. આ વાત જ દર્શાવે છે કે કેન્દ્ર અથવા રાજ્ય સરકાર પાસે તેમને પાછા મોકલવાની કોઇ વ્યવસ્થા જ નથી.સરકારી મશીનર તદ્દન નિષ્ફળ રહી છે.
સોસાયટીઓ અજાણ્યા લોકોને કે ફેરિયાઓને પ્રવેશવા દેતી નથી
સરકારે જીવનજરૂરિયાતની વસ્તુઓ,છાપાઓ અને દવાઓની હેરફેરની છુટ આપી છે, પરંતુ સોસાયટીના રહીશો ફેરિયાને અંદર આવવાજ દેતા નથી. કેટલાક લોકો એમ માને છે કે રેસિડેન્ટ વેલફેર એસોસિએશનો જ બિન જરૂરી નિયમો બનાવે છે.
તો કેટલાક લોકો એમ પણ કહે છે કે અત્યંત કડક પગલાં જરૂરી છે. એક સોસાયટીની રહેવાસી મહિલાઓ કહ્યું હતું કે અજાણ્યા લોકોને પ્રવેશ આપીને અમો શા માટે જોખમ લઇએ? કેટલીક જગ્યાએ છાપા નાંખવા જતા ફેરિયાઓને પણ પ્રવેશ અપાયો નહતો.તમામને ભય હતો કે કોરોનાવાઇરસની લપેટમાં ના આવી જોઇએ.કેટલીક સોસાયટીઓના નાકે સાબુ અને સેનેટાઇઝર્સ રખાયા હતા.
- ઇન્દર સાહની
Comments
Post a Comment