અમેરિકા : મહામારી સામે મજબૂર સાબિત થઈ રહેલો મહાસત્તા દેશ
- અમેરિકાએ જે અવગણના કરી એ ભારત ન કરે એ બહુ જરૂરી છે, કેમ કે ભારત જેવા પ્રચંડ વસ્તી અને વસ્તીગીચતા ધરાવતા દેશમાં રોગચાળો ફેલાવો શરૂ થાય તો કલ્પનાતિત પરિણામો આવશે
અમેરિકામાં કોરોનાના કેસ કેટલા છે? એ સવાલ પૂછાય અને જવાબ મળે એટલી વારમાં જ આંકડો વધી જાય છે. એટલે કોઈ આંકડો કહી શકાય એમ નથી. પણ થોડા સમય પહેલા અમેરિકા કોરોનામુક્ત હતું અને આજે ચીન કરતાં આગળ નીકળી ચૂક્યુ છે. એટલું જ નહીં અમેરિકા પહેલો એવો દેશ બન્યો છે, જ્યાં કોરોનાના કેસ એક લાખથી વધી ગયા હોય.
અમેરિકામાં ૫૦ રાજ્યો છે અને તમામ રાજ્યોમાં કેસ નોંધાયા છે. આ પચાસ રાજ્યોમાં અમેરિકાની મુખ્ય ભૂમિથી હજારો કિલોમીટર દૂર આવેલું રાજ્ય હવાઇ પણ શામેલ છે અને અમેરિકાથી દૂર કેનેડાની ઉત્તરે આવેલું રાજ્ય અલાસ્કા પણ શામેલ છે.
સવા બે મહિના પહેલા જાન્યુઆરીની ૧૫મી તારીખે ચીનના વુહાનથી આવેલા પ્રવાસી દ્વારા અમેરિકામાં કોરોનાનો પ્રવેશ થયો હતો. ટેસ્ટિંગ બાદ અમેરિકામાં કોરોના ઘૂસ્યો હોવાની સત્તાવાર જાહેરાત સરકારે ૨૦મી જાન્યુઆરીએ કરી હતી. આજે સિત્તેર દિવસ કરતાં ઓછા સમયમાં ૧માંથી સંખ્યા એક લાખને પાર થઈ છે. એ દર્શાવે છે કે કોરોના એક વખત સ્પીડ પકડે પછી શું સ્થિતિ સર્જાય છે. સાથે સાથે એ પણ એ દર્શાવે છે કે અમેરિકા જેવા ખમતીધર, સાધનસંપન્ન, સર્વોત્તમ મેડિકલ સુવિધા ધરાવતા દેશે પણ બેદરકારી રાખી તેનું કેવું આકરું પરિણામ આવ્યું.
અમેરિકી પ્રમુખની બેદરકારી સૌથી વધુ જવાબદાર ગણી શકાય. કેમ કે જ્યારે જ્યારે કોરોના વિશે ચેતવણી આપવામાં આવી ત્યારે ટ્રમ્પે તેની અવગણના કરી. શરૂઆતમાં જ આરોગ્ય નિષ્ણાતોએ કહ્યુ હતું કે આ વાઈરસથી ચેતવા જેવુ છે. પરંતુ અમેરિકાને તો કંઈ ન થાય એવા મદમાં રહેલા વહિવટી તંત્રએ કોઈ પગલાં ભર્યા નહી.
મોર્ડન અને વિકસિત દેશ હોવાથી અમેરિકામાં રોજની ૪૪,૦૦૦ ફ્લાઈટો ઊડે છે અને તેમાં ૨૭ લાખ મુસાફરોની હેરાફેરી થાય છે. આ સુવિધા દેશની સમૃદ્ધિ દર્શાવવા માટે તો ઘણી સારી પરંતુ કોરોનાના કેસમાં નઠારી સાબિત થઈ છે. જેમ કે મુસાફરોની હેરાફેરીને કારણે જ કોરોનાનો વ્યાપ વધ્યો અને જ્યાં સુધીમાં સરકારને ખબર પડી ત્યાં સુધીમાં અમેરિકાના પૂર્વથી પશ્ચિમ, ઉત્તરથી દક્ષિણ છેડા સુધી વાઈરસ પહોંચી ચૂક્યો છે.
દેશમાં જ આટલી ફ્લાઈટો ઉડે છે, તો પરદેશથી આવતા વિમાનોની સંખ્યા કંઈ ઓછી નથી. ચીનથી આવ્યા પછી અન્ય દેશોમાંથી પણ આવનારા પ્રવાસીઓ સાથે કોરોના આવ્યો હોય અને બીજા વિસ્તારોમાં ફેલાયો હોય એવી પૂરી શક્યતા છે. એ પછીય આજની તારીખે અમેરિકી હવાઈ વ્યવહાર સાવ બંધ નથી. અમુદ દેશો સાથે વિમાન આવન-જાવન ચાલુ જ છે.
કોરોના રોકવા માટે કોરોનાનો ચેપ હોવો એ જાણવુ જરૂરી છે. ચેપ છે કે નહીં એ જાણવા ટેસ્ટ કરવો જરૂરી છે. સમગ્ર દેશનો તો ટેસ્ટ થઈ શકે નહીં પણ કોનો ટેસ્ટ કરવો પડે એમ છે એ પણ શોધવુ જરૂરી છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે કોરોનાને નાથવા એક જ રસ્તો છે, ટેસ્ટ, ટેસ્ટ અને ટેસ્ટ. એટલે કે સતત ટેસ્ટ કરો, કોરોના કોને છે એને ઓળખી અલગ કરો, જેને કોરોના હોય તેના સંપર્કમાં આવેલા લોકોને ઓળખો અને તેનેય અલગ કરો. આ એકમાત્ર રસ્તો છે.
અમેરિકાએ કોરોનાનો પ્રથમ દરદી નોંધાયા પછી એક મહિના સુધી ટેસ્ટ માટે ઉતાવળ દાખવી નહીં. અમેરિકામાં રોજિંદા ચાર હજાર ટેસ્ટ થતા હતા એ વધારીને ત્રીસ હજારે પહોંચાડાયા છે. વધુ ટેસ્ટ થઈ રહ્યા છે, એમ જ વધુ કેસ સામે આવી રહ્યા છે.
કોરોનાને કન્ટ્રોલમાં લેવા માટે શું પગલા લેવા એ અંગે સરકારમાં મતમતાંતર હતા. ભારતમાં જે રીતે એક ઝટકે નિર્ણય દાખલ કરી દેવાયો એવો નિર્ણય અમેરિકામાં હજુ સુધી લઈ શકાયો નથી. જનરલ સર્જન હોય કે ન્યુયોર્કમાં કામગીરી કરતી ટાસ્ટ ફોર્સ હોય ટ્રમ્પે સૌ કોઈની સલાહ અવગણી છે, અને પોતાનું ધાર્યું કર્યું છે.
ન્યુયોર્કમાં કોરોના કાબુમાં લેવા કામ કરતી ટીમે ગ્રાઉન્ડ રિયાલિટી જોયા પછી શહેરને લોકડાઉન કરવાની સલાહ આપી હતી. એ માનવામાં આવી નથી. એટલે ચાર વર્ષમાં ટ્રમ્પે મેળવેલી લોકપ્રિયતા એક કોરોનાને કારણે ઓસરી જાય તો નવાઈ નહીં. અને કદાચ કોરોના પછી ટ્રમ્પના ઇમ્પિચમેન્ટની કાર્યવાહી શરૂ થઈ હોત તો તેમણે પદ ગુમાવવું પડયું હોત.
અમેરિકા માટે રાહતની વાત એ છે કે મૃત્યુદર હજુ સુધી નીચો છે. કુલ કેસના ૨ ટકાથી પણ ઓછા મોત નોંધાઈ રહ્યા છે. સ્પેન-ઈટાલીમાં આ પ્રમાણ આઠ-દસ ટકા જેટલું છે. એટલે કોરોનાગ્રસ્ત દરદીને હજુ સુધી તો અમેરિકા બચાવી શક્યું છે.
વિશ્વમાં અત્યાર સુધીમાં અનેક રોગચાળા આવ્યા અને એ બધાના પ્રમાણમાં કોરોનાથી થઈ રહેલા મોતની સંખ્યા કદાચ ઓછી લાગે. કેમ કે સો વર્ષ પહેલા સ્પેનિશ ફ્લુથી જગતમાં દસેક કરોડ લોકો મરાયા હતા. પરંતુ કરોનાનો ફેલાવો ઝડપથી થાય છે. એ પછીની ચિંતા એ છે કે કોરાનાની રસી કે દવા શોધાઈ નથી.
એટલે જેમને ચેપ લાગ્યો એ બધા મૃત્યુ નથી પામતા પરંતુ સારવારમાં મોડું થાય કે કોરોના છે એની જાણકારી મોડી મળે એવા કિસ્સામાં મૃત્યુસંખ્યા વધી શકે છે. ત્રીજી ચિંતા એ વાતની છે કે ચીન-ભારત પછી અમેરિકા સૌથી વધુ વસ્તી (૩૩ કરોડ) ધરાવતો દેશ છે. વધુ વસતી એમ ફેલાવાનો ભય પણ વધી જાય એ સીધું ગણિત છે.
અમેરિકાએ હવે આર્થિક પેકેજ જાહેર કરી દીધું છે. પોલીસ ફોર્સ ઉપરાંત લશ્કરને કામે લગાડી દીધું છે. એટલું જ નહીં નિવૃત્ત લશ્કરી અધિકારીઓને પણ ફરીથી કોરોના સામે લડવા સક્રિય થવાની સૂચના અપાઈ છે. અમેરિકી પ્રજાએ માસ્ક પહેરવામાં પણ બહુ મોડું કર્યું, જે ફેલાવાનું એક મોટું કારણ હોવાનું નિષ્ણાતો કહે છે.
અમેરિકામાં ફેલાવામાં સરકારની બેદરકારી સાથે પ્રજાની અવળચંડાઈ પણ એટલી જ જવાબદાર છે. સોશિયલ ડિસ્ટિસિંગ એ કોઈ પણ વાઈરલ બિમારીનો ફેલાવો અટકાવવામાં મહત્ત્વનો રોલ ભજવે છે. કોરોનામાં તો સોશિયલ ડિસ્ટિસિંગ અનિવાર્ય છે, પરંતુ અમેરિકી પ્રજાએ ટોળાશાહી બંધ ન કરી. એ રીતે ચીન કે કોરોના ધરાવતા અન્ય દેશોનો પ્રવાસ કરીને આવેલા ઘણા અમેરિકનોએ આવીને ટેસ્ટ કરાવાને બદલે રૂટિન કામગીરી શરૂ કરી, સામાજિક પ્રસંગો એટેન્ડ કરવાના શરૂ રાખ્યા.
એટલે ફેલાવો વધી ગયો. કોરોનાની સારવાર કરનારા હોસ્પિટલ સ્ટાફે પણ સાવચેતી રાખવાની હતી, જે રાખી નહીં. એ રીતે કેટલાક શંકાસ્પદ દરદીઓને હોસ્પિટલે મુક્ત કરવાની પણ ભૂલ કરી. કેટલાક કિસ્સામાં ટેસ્ટિંગ કિટની નિષ્ફળતા પણ જવાબદાર સાબિત થઈ છે. કેમ કે ટેસ્ટ કર્યામાં નેગેટિવ જણાયા પછી એ દરદીમાં પોઝિટિવ કોરોના નિકળ્યો છે. એવા દરદીઓને હોસ્પિટલે મુક્ત કર્યા પછી તેનાથી કોરોના અનેક લોકોમાં ફેલાયો.
ઇટાલી, સ્પેન, અમેરિકા વગેરે દેશોએ જે અવગણના કરી એ ભારત ન કરે એ બહુ જરૂરી છે, કેમ કે ભારત જેવા પ્રચંડ વસ્તી અને વસ્તીગીચતા ધરાવતા દેશમાં રોગચાળો ફેલાવો શરૂ થાય તો કલ્પનાતિત પરિણામો આવશે.
અમેરિકા હજુ ઇન્ફ્લુએન્ઝાથી મુક્ત થયું નથી!
જોવાની વાત એ છે કે અમેરિકા માત્ર કોરોનાથી ત્રસ્ત છે એવું નથી. ૨ વર્ષ પહેલા ૨૦૧૮માં અમેરિકાના અનેક રાજ્યોએ સ્પેનિશ ફ્લુ સામે ઈમર્જન્સી જાહેર કરી હતી. ૧૯૧૮ પછી સો વર્ષે એ રોગચાળો ફરીથી દેખાયો હતો. ત્યારે પણ અમેરિકાના વાઈરસ નિષ્ણાતોએ ફરીથી રોગચાળો ફેલાવાનો ભય વ્યક્ત કર્યો હતો. સદ્ભાગ્યે ફ્લુની દવા શોધાઈ ગઈ હોવાથી રોગચાળો બહાર ફેલાયો ન હતો. પણ અમેરિકામાં ઈન્ફ્લુએન્ઝાથી ૨૦૧૭-૧૯માં ૩૨ રાજ્યોમાં ૪.૯૦ લાખ દરદી નોંધાયા હતા અને ૩૪,૨૦૦ મોત થયા હતા.
અમેરિકાના સેન્ટર ફોર ડિઝિસ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનની વિગતો મુજબ અમેરિકામાં ફ્લુનો ચેપ નિયમિત રીતે ફેલાતો રહે છે. આજે પણ એ દેશ (અને દુનિયાના બીજા દેશો પણ) ફ્લુથી સંપૂર્ણપણે મુક્ત નથી.
Comments
Post a Comment