લૉકડાઉનના કારણે અર્થવ્યવસ્થાને ગંભીર ફટકો પડવાની આશંકા

- તમામ ક્રેડિટ રેટિંગ એજન્સીઓ ભારતના વૃદ્ધિ દરનું અનુમાન પહેલાં જ ઘટાડી ચૂકી છે ત્યાં હવે લૉકડાઉનના કારણે આ રેટિંગ વધારે નીચું જવું નક્કી છે અને ખાસ તો મૂડીઝે દેશના આર્થિક વિકાસદરનું અગાઉનું 5.3 ટકાનું અનુમાન ઘટાડીને 2.5 ટકા કરી દીધું છે


કોરોના વાઇરસના સંક્રમણથી બચાવ માટે ભારતમાં જાહેર કરવામાં આવેલા ૨૧ દિવસના લૉકડાઉનને હજુ એક અઠવાડિયું પણ થયું નથી ત્યાં દેશની અર્થવ્યવસ્થા પર સંકટ છવાઇ રહ્યું છે. તમામ ક્રેડિટ રેટિંગ એજન્સીઓ ભારતના વૃદ્ધિ દરનું અનુમાન પહેલાં જ ઘટાડી ચૂકી છે ત્યાં હવે લૉકડાઉનના કારણે આ રેટિંગ વધારે નીચું જવું નક્કી છે. ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે વર્ષ ૨૦૨૦માં ભારતના આર્થિક વિકાસ દરનું અગાઉનું અનુમાન ઘટાડીને ૨.૫ ટકા કરી દીધું છે. આ પહેલા મૂડીઝે જીડીપી ૫.૩ ટકા રહેવાનું અનુમાન કર્યું હતું. મૂડીઝનું કહેવું છે કે વર્તમાન પરિસ્થિતિને જોતાં ભારતમાં વર્ષ ૨૦૨૦માં આવકમાં મોટો ઘટાડો થઇ શકે છે. 

આ પહેલા ફીચ રેટિંગ્સ પણ દેશની જીડીપીની વૃદ્ધિનું અનુમાન ઘટાડી ચૂકી છે. એસ એન્ડ પી ગ્લોબલ રેટિંગ એજન્સી વર્ષ ૨૦૨૦માં ભારતની આર્થિક વૃદ્ધિનું અનુમાન અગાઉના ૫.૭ ટકામાંથી ઘટાડીને ૫.૨ ટકા કરી દીધું છે. જાણકારોના મતે કોરોનાના ચેપને ફેલાતો અટકાવવા માટે કરવામાં આવેલા ૨૧ દિવસના લૉકડાઉનના કારણે અનેક સેકટરો પર નકારાત્મક અસર પડી રહી છે. દેશમાં મંદી વધવાના કારણે અનેક કંપનીઓના દેવાળિયા થવાની શક્યતા પણ વધી ગઇ છે. કોરોના વાઇરસના કારણે ભારતીય શેરબજારમાં પણ કડાકા બોલી રહ્યાં છે. ખરેખર તો ભારતીય શેરબજાર તેના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યું છે. 

કોરોનાના ખોફ અને લૉકડાઉનના કારણે ઉડ્ડયન, પર્યટન અને હોટલ ઉદ્યોગને સૌથી વધારે નુકસાન થયું છે. કોરોના વાઇરસના કારણે દુનિયાભરમાં ટુરિઝમને અત્યંત માઠી અસર થઇ છે. તમામ દેશોનો પર્યટન ઉદ્યોગ તો સંપૂર્ણપણે ઠપ્પ થઇ ગયો છે. ઘણાં ખરાં દેશોમાં વિદેશી વિમાની સેવાઓ બંધ છે અને ક્રૂઝ યાત્રા પણ બંધ થઇ ગઇ છે. પહેલા ઇટાલી અને પછી સ્પેન તેમજ ફ્રાન્સમાં કોરોના વાઇરસ ફેલાવાના કારણે યુરોપની પરિસ્થિતિ રોજેરોજ કથળી રહી છે જેના કારણે યુરોપના પર્યટન ઉદ્યોગને પણ માર પડયો છે. ઇટાલી બાદ સ્પેન અને ફ્રાન્સમાં પણ પરિસ્થિતિ વકરતા યુરોપે છેવટે લોકડાઉન કર્યું છે. ભારત સરકારે પણ વિદેશી વિમાનસેવા અટકાવી દીધી છે. 

કોરોના વાઇરસના કારણે મોટા ભાગના દેશોએ વિદેશી નાગરિકો માટે નો એન્ટ્રી કરી દીધી છે. તો દેશની અંદર એટલે કે ડોમેસ્ટિક ફ્લાઇટમાં પણ લોકો મુસાફરી કરવાનું ટાળી રહ્યાં છે. પરિણામ એ આવ્યું છે કે દુનિયાભરની એરલાઇન્સે પોતાની ફ્લાઇટમાં કાપ મૂકવાનો વારો આવ્યો છે.  અનેક એરલાઇન્સે સ્ટાફની છટણી શરૂ કરી દીધી છે. એરલાઇન્સના આંતરરાષ્ટ્રીય સંગઠન સીએપીએ આશંકા વ્યક્ત કરી છે કે જો આવી જ પરિસ્થિતિ રહી તો બે મહિનામાં જ દુનિયાની મોટા ભાગની એરલાઇન્સ દેવાળું ફૂંકી શકે છે. જાણકારોના મતે આ આફતને ટાળવા માટે સરકાર અને વિમાનન ઉદ્યોગે સમન્વય અને સહયોગ સાધવાની જરૂર છે.

કોરોના વાઇરસના કારણે હોટલ ઉદ્યોગ પણ જોખમમાં આવી ગયો છે. અનેક હોટલોએ કર્મચારીઓની છટણી શરૂ કરી દીધી છે. લૉકડાઉનના કારણે હોટલો અને રેસ્ટોરન્ટો બંધ થઇ ગયાં છે. પર્યટક સ્થળો પણ બંધ કરી દેવામાં આવ્યા હોવાથી હોટલ ઉદ્યોગને ફટકો પડયો છે. લોકોની અવરજવર ઉપરાંત આયાત-નિકાસ ઉપર પણ મુસીબતના વાદળ છવાયા છે. 

મોબાઇલ ફોનના સૌથી મોટા મેળા મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસને પણ કોરોનાના ભયે રદ્ કરી દેવામાં આવ્યો છે. એ જ હાલ ગેમ ડેવલોપર કોન્ફરન્સના થયા. ગૂગલે ક્લાઉડ નેક્સ્ટ ઇવેન્ટ અને ડેવલપર્સ કોન્ફરન્સ ૨૦૨૦ જેવા પોતાના બે મોટા આયોજનો રદ્ કરીને વીડિયો કોન્ફરન્સ સુધી સીમિત કરી દીધાં છે. કંપનીઓએ પોતાના કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સૂચના આપી છે. 

ફેકટરીઓ અને ઉદ્યોગો માટે બીજી સમસ્યા એ ઊભી થઇ છે કે ચીનથી આવતો માલસામાન જ બંધ થઇ ગયો છે. આ હાલત માત્ર ભારતની જ નહીં, આખી દુનિયાની છે. લોકોની અવરજવર બંધ થઇ ગઇ છે એટલે ખરીદી પણ બંધ થઇ ગઇ છે. મતલબ કે માત્ર ઉત્પાદન જ નહીં, માંગને પણ તગડો ઝાટકો વાગ્યો છે. હજુ એ સ્પષ્ટ નથી કે કોરોનાનો કહેર કેટલો વધશે. વિશ્વ બેંકનું અનુમાન છે કે જો કોરોના વાઇરસ પર સમયસર કાબુ મેળવી લેવાયો તો પણ દુનિયાની જીડીપીમાં અડધા ટકાનો ઘટાડો થશે. પરંતુ તો કોરોનાનો પ્રકોપ ન અટક્યો તો વૈશ્વિક જીડીપીમાં પાંચ ટકા જેટલો જંગી ઘટાડો પણ થઇ શકે છે. 

મેડિકલ ટુરિઝમને પણ કરોડોનું નુકસાન થઇ રહ્યું છે. દેશભરમાં દૂધ તેમજ ડેરી ઉત્પાદનોની માંગ ઘટી ગઇ છે. લાખો લીટર દૂધ બરબાદ થઇ રહ્યું છે અને અનેક જગ્યાએ તો દૂધને ગટરોમાં વહેવડાવવામાં આવી રહ્યું છે. ખેડૂતોને શાકભાજીને નાખી દેવાનો વારો આવ્યો છે. આ તો લૉકડાઉનના કારણે ઊભી થયેલી તકલીફોના જૂજ દાખલામાત્ર છે. હકીકતમાં આખા દેશની અર્થવ્યવસ્થાને થનારા નુકસાનની ભરપાઇ તો કદાચ આવતા અનેક વર્ષો સુધી નહીં થઇ શકે. હાલ તો કેટલું નુકસાન થશે એનો અંદાજ પણ લગાવી શકાય એમ નથી. 

લૉકડાઉનના કારણે નાના અને મધ્યમ કક્ષાના વેપારીઓ ભારે પરેશાન છે. લૉકડાઉન દરમિયાન કરિયાણા ઉપરાંત શાકભાજી, માંસમચ્છી, દૂધ અને દવા જેવી જીવનજરૂરી ચીજવસ્તુઓની છૂટ આપવામાં આવી છે. પરંતુ નાના અને મધ્યમ કદના ઉદ્યોગોના કામકાજ સંપૂર્ણપણે ઠપ્પ છે. લૉકડાઉનના કારણે ફેકટરીઓ બંધ થઇ ગઇ છે અને કર્મચારીઓ પોતાના વતન જતાં રહ્યાં છે. ઉત્પાદન બંધ છે અને મૂડી ધીમે ધીમે ખતમ થઇ સ્હી છે. જાણકારોના મતે અર્થવ્યવસ્થાને અબજો રૂપિયાનું નુકસાન થવાનો અંદેશો છે.

૨૧ દિવસના સામાજિક અને આર્થિક લૉકડાઉનના કારણે અર્થવ્યવસ્થામાં કેટલું મોટું ગાબડું પડશે એ સમજવા માટે અર્થશાસ્ત્રના જાણકાર હોવાની જરૂર નથી. લૉકડાઉનના કારણે આપૂર્તિ સાથે જોડાયેલી વસ્તુઓના ઉત્પાદન અને વિતરણને ગંભીર નુકસાન પહોંચી રહ્યું છે. માંગની કમી, વધી રહેલી બેરોજગારી અને ઓદ્યોગિક ઉત્પાદનમાં થયેલા ઘટાડાના કારણે પહેલેથી જ દબાણમાં રહેલા અર્થતંત્ર માટે મોટો ઝાટકો સાબિત થશે. વિકાસ દરમાં ઘટાડો થવાના કારણે દેશના કરોડો લોકોની સામાજિક અને આર્થિક સુરક્ષા પણ જોખમમાં મૂકાઇ જશે. 

લૉકડાઉનના કારણે સપ્લાઇ પર સૌથી માઠી અસર થઇ છે. આવશ્યક ચીજવસ્તુઓની કેટેગરીમાં ન આવતા ઉત્પાદનોનું વિતરણ સાવ ઠપ્પ થઇ ગયું છે. અર્થશાસ્ત્રીઓના મતે ત્રણ અઠવાડિયાના લૉકડાઉનના કારણે આ નુકસાન બે લાખ કરોડ રૂપિયાથી પણ વધી શકે છે. લૉકડાઉન પૂરું થયા બાદ વેચાણમાં જોરદાર ઉછાળો જરૂર આવશે પરંતુ માંગ અને પૂરવઠાના સ્તરને પહેલાં જેવો થવામાં મહિનાઓ નીકળી જશે. કોરોના વાઇરસનો ફટકો દેશની અર્થવ્યવસ્થા માટે અત્યંત ગંભીર સાબિત થશે. જોકે વાઇરસની ચપેટમાં દુનિયાના ઘણાં ખરાં દેશો આવી ગયા છે. પરંતુ ભારતની વિશાળ વસતી અને આર્થિક સ્થિતિને જોતાં ૨૧ દિવસનું લૉકડાઉન અર્થવ્યવસ્થા માટે નુકસાનકારી સાબિત થશે.

લૉકડાઉનના કારણે લાખો લોકોએ રોજગાર ગુમાવ્યો છે અને એની સીધી અસર બજાર પર પડવી નક્કી છે. કારણ કે લોકોની આવક જ નહીં હોય તો વસ્તુઓ અને સેવાઓની ખરીદીમાં પણ મંદી આવશે. જેના કારણે અર્થવ્યવસ્થાની મંદી ઓર વકરશે. અર્થવ્યવસ્થાની મંદી ઉપરાંત લોકોને પોતાના ઉદ્યોગધંધા ઠપ્પ થઇ જવાનો ડર સતાવી રહ્યો છે. દેશમાં બેરોજગારીની સમસ્યા પહેલેથી વકરેલી છે એવામાં કોરોના વાઇરસના કારણે બેરોજગારીમાં જંગી વધારો થવો નક્કી છે. એ સંજોગોમાં સરકારે નક્કર કાર્યવાહી કરવાની જરૂર રહેશે.

હાલ તો અર્થશાસ્ત્રીઓ પણ અનુમાન લગાવી શકે એમ નથી કે કોરોના વાઇરસના કારણે કરવામાં આવેલા લૉકડાઉનના કારણે અર્થવ્યવસ્થાને કેટલો ફટકો પડશે? પરંતુ એટલું તો નક્કી છે કે નોટબંધી અને જીએસટી લાગુ કર્યા બાદ જે અસરો થઇ હતી એના કરતા અનેકગણી ગંભીર પરિસ્થિતિ ઊભી થશે. જાણકારોના મતે નક્કર યોજના ઘડી કાઢ્યા પછી લૉકડાઉન જેવા પગલાં લેવામાં આવ્યાં હોત તો સામાન્ય લોકો અને વેપારને પડેલા ફટકાને અમુક હદે ઘટાડી શકાય એમ હતો.

 લૉકડાઉનના ત્રણેક દિવસ બાદ સરકારે રાહત પેકેજની જાહેરાત કરી. એ પછી તો અનેક રાજ્યોએ પણ ગરીબો અને જરૂરતમંદો માટે રાહત, રોકડ સહાય અને ખાવાપીવા તેમજ રહેઠાણની વ્સવસ્થા કરવાની જાહેરાત કરી પરંતુ આવી જાહેરાતો લૉકડાઉન પહેલાં કરવામાં આવી હોત તો લોકોની હાલાકી ઘટાડી શકાઇ હોત. 

રેટિંગ એજન્સીઓએ ભારતનો વિકાસદર ૨.૫ ટકા જેટલો થઇ જવાની આગાહી ભલે કરી હોય પરંતુ કોરોના વાઇરસના કારણે વૈશ્વિક વિકાસદર શૂન્યથી પણ અડધા ટકા નીચે જવાની શક્યતા છે. એ સંજોગોમાં ભારતની અર્થવ્યવસ્થા તો દુનિયાની અર્થવ્યવસ્થા કરતા બહેતર સ્થિતિમાં રહેશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો