દિલ્હીની વાત : ભાજપ સાંસદો અંગત દાન આપવા તૈયાર નહીં
ભાજપ સાંસદો અંગત દાન આપવા તૈયાર નહીં
નવી દિલ્હી, તા.28 માર્ચ 2020, શનિવાર
ભાજપે શનિવારે જાહેરાત કરી કે, પક્ષના તમામ સાંસદો સરકાર દ્વારા વિકાસ માટે સાંસદોને ફાળવાતા ફંડમાંથી એક-એક કરોડ રૂપિયા કોરોનાવાયરસ સામે લડવા માટે આપશે. ભાજપના તમામ સાંસદો અને ધારાસભ્યો સેન્ટ્રલ રીલિફ ફંડમાં એક મહિનાનો પગાર આપશે એવી જાહેરાત પણ જે.પી. નડ્ડાએ કરી.
આ જાહેરાત પહેલાં ભાજપમાં ભારે ધમાસાણ થઈ ગયું કેમ કે કેટલાક સાંસદોએ દરખાસ્ત મૂકી હતી કે પક્ષના તમામ કરોડપતિ સાંસદ લોકલ એરીયા ફંડની રકમ ઉપરાંત પચાસ-પચાસ લાખ રૂપિયા અંગત રીતે આપે. ભાજપના લોકસભાના ૩૦૧ સાંસદોમાંથી ૨૬૫ સાંસદો કરોડપતિ છે. રાજ્યસભાના ૮૩ સાંસદોમાંથી ૭૫ કરોડપતિ છે. આ સંજોગોમાં ૩૪૦ સાંસદો પાસેથી વધારાની ૧૭૦ કરોડ રૂપિયાની રકમ ઉભી થાય. જો કે ધનિક સાંસદો અંગત રીતે કશું આપવા તૈયાર નથી. આ મુદ્દે ઉગ્ર ચર્ચા પછી પક્ષના હાઈકમાન્ડે સ્વૈચ્છિક રીતે દાનનો મુદ્દો સાંસદો પર છોડયો જ્યારે વિકાસ ફંડમાંથી રકમ આપવી ફરજિયાત કરી.
લોકોએ ધોલાઈ કરતાં જાવડેકરે પોસ્ટ ડીલીટ કરી
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે શનિવારે ઘરે બેસીને ટીવી પર 'રામાયણ' જોતા હોય એવો ફોટો ટ્વિટ કર્યો હતો. આ ફોટો જોઈને લોકો તૂટી પડયા. મોદી સરકારે અચાનક જ લોકડાઉન જાહેર કરી દીધું તેના કારણે લોકો રઝળી પડયા છે એવી કોમેન્ટ્સનો મારો ચાલ્યો. લોકોને ખાવાનું મળતું નથી ત્યારે મિનિસ્ટર નિરાંતે બેસીને ટીવી જુએ છે એવી ટીકાઓ પણ મોટા પ્રમાણમાં થઈ. લોકડાઉનના કારણે બેકાર થઈ ગયેલાં લોકો રસ્તા પર ચાલતા જાય છે, મહિલાઓ રડે છે એ પ્રકારના ફોટા પણ મૂકીને લોકોએ જાવડેકરની બરાબરની ધોલાઈ કરી નાંખી.
આ ટીકાઓથી ફફડી ગયેલા જાવડેકરે મિનિટોમાં તો આ ફોટો હટાવી લીધો. તેના બદલે પોતે ઘરમાં બેસીને કમ કરતા હોય એવો બીજો ફોટો ટ્વિટ કર્યો. સાથે કોમેન્ટ પણ મૂકી કે ઘરને જ ઓફિસ બનાવીને અધિકારીઓ પાસેથી કામ લઈ રહ્યો છું.
આ પોસ્ટ પછી પણ લોકોએ જાવડેકર પર ટીકાનો મારો ચાલુ રાખ્યો ને પોતાની ભૂલ છુપાવવા નાટક બંધ કરવાનું કહ્યું.
કામદારો મુદ્દે રાજ્યોએ શાહને રોકડું પરખાવી દીધું
લોકડાઉનના કારણે દેશભરમાં મોટાં શહેરોમાંથી કામદારો પોતપોતાના વતન જઈ રહ્યા છે. આ કામદારોના કારણે કોરોના ફેલાવાનો ખતરો વધી જશે તેવી ચેતવણી મેડિકલ નિષ્ણાતોએ પહેલા દિવસે જ આપી હતી પણ મોદી સરકાર છેક ચોથા દિવસે જાગી છે. મોદી સરકારે રાજ્યોને કામદારો સહિતના તમામ બેઘર લોકોના રહેવાની, ખાવા-પીવાની, કપડાં, આરોગ્ય સહિતની તમામ વ્યવસ્થા કરવા કહ્યું છે.
મોદીએ રાજ્યો આ કામગીરી અસરકારક રીતે કરે તે જોવાની જવાબદારી અમિત શાહને સોંપી છે. શાહે તેમની સ્ટાઈલમાં રાજ્યોને આ કામગીરી કરવા આદેશ આપ્યો પણ મોટા ભાગનાં રાજ્યોએ ખર્ચના મામલે હાથ ખંખેરી નાંખ્યા. શાહે તેમને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ માટે ફાળવાયેલી રકમનો ઉપયોગ કરવા કહ્યું. ભાજપ વિરોધી રાજ્યોએ રોકડું પરખાવ્યું કે, કેન્દ્રે છેલ્લા કેટલાય સમયથી આ રકમ આપી જ નથી. આ મુદ્દે કેન્દ્રના માથે માછલાં ના ધોવાય એટલે શાહે આઠ રાજ્યોને વધારાના ૫૭૫૧ કરોડ મંજૂર કરવા પડયા. આ રકમ રાજ્યોને તાત્કાલિક મળે તેવી વ્યવસ્થા કરવા પણ તેમણે ખાતરી આપી છે.
મોદીએ કોરાનાના રીપોર્ટના ધંધે લગાડતાં પ્રધાનો નારાજ
કોરોનાવાયરસને રોકવામાં રાજ્યોની કામગીરીથી નારાજ નરેન્દ્ર મોદીએ પોતાની કેબિનેટના પ્રધાનોને કામે લગાડયા છે. મોદીએ કેબિનેટ તથ સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય કક્ષાના પ્રધાનોને એક-એક રાજ્ય સોંપી દીધું છે. આ રાજ્યના દરેક જિલ્લા કલેક્ટર તથા પોલીસ વડા સાથે પ્રધાન સીધી વાત કરશે. પ્રધાને પોતાનેં સોંપાયેલા રાજ્યમાં કોરોનાવાયરસના ચેપ અંગે શું સ્થિતી છે તેનો રીપોર્ટ રોજ મોદીને આપવો પડશે.
મોદી સરકારના પ્રધાનો આ કામગીરીથી બહુ ખુશ નથી પણ મોદી સામે બોલવાની તેમની હિંમત નથી. રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ નારાજ છે. મોદી સરકાર તેમની કામગીરીમાં દખલ કરીને સમાંતર તંત્ર ઉભું કરી રહી હોવાનો તેમનો મત છે. ભાજપ વિરોધી પક્ષોના મુખ્યમંત્રીઓએ તો પોતાનાં રાજ્યોમાં કલેક્ટરો તથા પોલીસ વડાને સીધી કોઈ પ્રધાન સાથે વાત નહીં કરવાની સૂચના પણ આપી છે પણ તેનું પાલન થવાની શક્યતા નથી. કેન્દ્રીય પ્રધાન સાથે સીધો સંપર્ક થાય એ માટે અધિકારીઓ રીપોર્ટ આપી રહ્યા છે.
મોદીએ તો જેમને આ કામગીરી નથી સોંપાઈ એ પ્રધાનોને રોજેરોજ શું કર્યું તેનો રીપોર્ટ આપવા પણ ફરમાન કર્યું છે.
મોદી- શાહે મમતાના વખાણ કરતાં આશ્ચર્ય
નરેન્દ્ર મોદી અને અમિત શાહ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીનાં વખાણ કરે તેનાથી મોટું આશ્ચર્ય બીજું કોઈ ના હોય પણ એવું બન્યું છે. કોરોનાવાયરસના ચેપને રોકવા મમતાએ લીધેલાં પગલાંની મોદી-શાહ બંનેએ પ્રસંશા કરી છે. મોદીએ બંગાળમાં કોરાનાની સ્થિતી અંગે મમતા સાથે ફોન પર ચર્ચા કરી ત્યારે મમતાએ બહારનાં રાજ્યોના કામદારોને રોકવા માટે કરેલી પહેલની મોદીએ ભરપૂર પ્રસંશા કરી. એ પછી શાહ તથા જયશંકરે પણ મમતાને ફોન કરીને પ્રસંશા કરી અને તમામ મદદની ખાતરી આપી.
દેશમાં ત્રીજા નંબરનું સૌથી મોટું રાજ્ય હોવા છતાં બંગાળમાં કોરાનાના કેસની સંખ્યા ૧૫ છે અને માત્ર એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. મમતાએ બંગાળમાં બહુ પહેલાં લોકડાઉન જાહેર કરીને બહારના કામદારોની શાળાઓમાં રહેવાની વ્યવસ્થા કરાવી દીધી હતી. સરકારી તંત્રના ભરોસે બેસવાના બદલે તેમણે પોતાની પાર્ટીના કાર્યકરોને તેમના ભોજનની વ્યવસ્થા કરવા કહ્યું. આ કારણે બંગાળમાંથી બીજાં રાજ્યોના કામદારો ભાગીને નથી જઈ રહ્યા.
કર્ણાટક-કેરળ ઝગડામાં મોદી વચ્ચે પડયા
કેરળ અને કર્ણાટક વચ્ચે શરૂ થયેલા નવા ઝગડામાં મોદીએ દરમિયાનગીરી કરવી પડી છે. લોકડાઉનના કારણે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. કર્ણાટકના કુર્ગ અને કેરળના થાલાસ્સેરીને સ્ટેટ હાઈવે ૩૦ જોડે છે. કેરળ છેવાડાનું રાજ્ય છે તેથી બહારનાં રાજ્યોથી આવતી જીવન જરૂરીયાતની ચીજો આ હાઈવે પરથી આવે છે. લોકડાઉનના કડક અમલના ઉત્સાહમાં કર્ણાટક પોલીસે આ હાઈવે સદંતર બંધ કરાવી દેતાં કેરળમાં બધી ચીજો આવતી જ બંધ થઈ ગઈ.
મુખ્યમંત્રી પિનારાયી વિજયને કર્ણાટકના મુખ્યમત્રી યેદુરપ્પાને ફરિયાદ કરી હતી પણ યેદુરપ્પાએ ધ્યાન ના આપતાં છેવટે વિજયને મોદીને પત્ર લખ્યો. મોદીએ યેદુરપ્પાને ફોન કરીને ઠપકો આપ્યો હોવાનું કહેવાય છે. કોઈ પણ સ્થળે જીવન જરૂરીયાતની ચીજોને લઈ જતાં વાહનોને રોકવાં નહીં એવી સ્પષ્ટ સૂચના પોલીસને આપવા પણ મોદીએ યેદુરપ્પાને કહેવું પડયું છે. કોરોનાવાયરસનો સૌથી વધારે માર કેરળને પડયો છે ત્યારે તેની સાથે સહાનુભૂતિથી વર્તવા પણ મોદીએ સલાહ આપી.
***
સરકારનું આર્થિક પેકેજ સવાલો ઊભા કરે છે
કોરોનાવાઇરસની કટોકટીને પહોંચી વળવા યોગ્ય સહાય પુરી પાડવા સરકાર દ્વારા જાહેર કરાયેલા ૧.૭ લાખ કરોડનું પેકેજ શું પુરતું છે? આ વિષે લોકોમાં ચર્ચા શરૂ થઇ ચૂકી છે.કેટલાક લોકો એવું માને છે કે ૧.૭ લાખ કરોડનું પેકેજ દેશના કુલ જીડીપીનો માત્ર એક જ ટકા છે જે તદ્દન અપુરતું છે.આ પેકેજમાં જેના માટે અગાઉ ભંડોળ આપી દેવાયું હતું તેવી સ્કીમોનો પણ સમાવેશ થાય છે.જેમ કે પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધી યોજના પ્રોગ્રામ. આટલું જ નહીં, આગામી ત્રણ મહિનામાં રાહત ફંડ દ્વારા એક મહિલાના મહિના દીઠ માત્ર રૂ.૫૦૦ જ મળશે। એટલે કે આશરે ૨૦.૮ કરોડ જનધન યોજના ખાતાધારકોને મળશે. ઉપરાંત રૂપિયા ૧૦૦૦ વધારાના માત્ર ત્રણ કરોડ વિધવાઓને મળશે. આમ છતાં અસંગઠીત ક્ષેત્રના કામદારોના તો જનધન યોજનાના ખાતા જ નથી તેમને નુકસાન થશે.આ પૈકી એક તૃતિયાશં લોકો ગ્રામીણ વિસ્તારોમાં રહે છે. ૧૩૦ કરોડની વસતી માટે માત્ર દસ ટકા લોકોને જ આનો લાભ મળશે.
ભારતે ચીન પાસેથી શીખવું જોઇએ
લોકડાઉનના ભરડામાં જીવનજરૂરી ચીજ વસ્તુઓ લોકોને નહીં મળતી હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી.ભારતે ચીન પાસેથી એ શીખવાની જરૂર છે કે કેવી રીતે આ કટોકટીનો સામનો કરી શકાય. સૂત્રો અનુસાર,ચીને આશરે ૭.૬૦ કરોડ લોકોને ઘરની બહાર જતાં રોકવા ૨૩ જાન્યુઆરીથી લોકડાઉન લાદ્યો હતો. નાગરિકોના આ મુશ્કેલ સમયમાં તેમને ઘરે બેઠા કરિયાણું મળી જાય તેની વ્યવસ્થા કરી હતી. પરંતુ ભારતમાં અનેક ખાતરીઓ આપ્યા છતાં પણ અનેક લોકોને શાકભાજી કે અન્ય જીવનજરૂરી વસ્તુઓ મેળવવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.કોરોનાવાઇરસ જ્યારે તેની ચરમસીમાએ હતો ત્યારે ડીજીટલ મેચ્યોરિટી અને સપ્લાયના મિશ્રણથી ચીને પુરવઠાને અવરોધ થાય તેવા તમામ રસ્તાઓ બંધ કરી દીધા હતા.ગ્રાહક ઓર્ડર તેની માત્ર વીસ જ મિનિટમાં માલ તેના ઘરે પહોંચાડવાની બેમિસાલ વ્યવસ્થા કરી હતી જ્યારે ભારત તો હજુ એમાં ખૂબ પાછળ રહ્યું છે.
દિલ્હી પોલીસની સારી કામગીરી
લોકડાઉનનો અમલ કરાવવા માટે પોલીસની દાદાગીરી અને અત્યાચારોની અનેક વાતો સામે આવી હતી. પરંતુ તેની એક સારી વાત પણ સામે આવી છે. કૃષ્ણાનગર,સદર બજાર,લોધી રોડ અને આંબેડકર નગરના પોલીસ સ્ટેશનો જેમની પાસે પૈસા નથી કે ખાવાનું પણ નથી એવા અનેક લોકોની એ જરૂરિયાતને પુરી કરી હતી.દક્ષિણ દિલ્હીમાં પોલીસોએ રેન બસેરાનું સ્કેન કર્યું હતું અને જે લોકોએ કંઇ ખાધું નહતું તેમને ભોજન અને રહેવાની વ્યવસ્થા કરી આપી હતી.'અમે કેટલીક સ્વૈચ્છીક સંસ્થાઓને અને કેટલીક સોસાયટીના રહીશોને તેમજ બજારના આગેવાનાને ભોજન અને થોડા પૈસાની વ્યવસ્થા કરવા અપીલ કરીને વંચીતોને ખાવાનું પુરૂં પાડયું હતું, એમ લોધી કોલોનીના ડીસીપી એ કહ્યું હતું.
- ઇન્દર સાહની
Comments
Post a Comment