દેશમાં એક જ દિવસમાં સૌથી વધુ 179 નવા કેસ, ગુજરાતના વધુ એક સાથે કુલ 21નાં મોત

- ભારતમાં કોરોના વાઈરસનો કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો ત્રીજો તબક્કો શરૂ થયો હોવાના અહેવાલો પીઆઈબીએ ફગાવ્યા

- ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશની જેલોમાં કેદીઓની સંખ્યા ઘટાડવા કાચા કામના કેદીઓને જામીન અથવા પેરોલ અપાશે


નવી દિલ્હી, તા. 28 માર્ચ 2020, શનિવાર

કોરોના વાઈરસને નિયંત્રણમાં રાખવા માટે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ તેનો અસરકારક અમલ ન થઈ રહ્યો હોવાથી દેશમાં કોરોનાના કેસોની સંખ્યા સતત વધી રહી છે. દેશભરમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૭૯ નવા કેસ સામે આવ્યા છે. કોવિડ-૧૯ના કારણે ગુજરાતમાં શનિવારે એક સહિત કુલ ૨૧નાં મોત નીપજ્યાં છે. શનિવારે અમદાવાદમાં એક અને કેરળમાં એક એમ બે મોત થયા હતા. ઉપરાંત ૭૯ લોકો સાજા થઈ ગયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે તેમ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું. 

દેશના વિવિધ રાજ્યોમાં કોરોનાના કારણે મહારાષ્ટ્રમાં પાંચ, ગુજરાતમાં ચાર, કર્ણાટક અને મધ્ય પ્રદેશમાં બે અને તામિલનાડુ, બિહાર, પંજાબ, દિલ્હી, પશ્ચિમ બંગાળ, જમ્મુ અને કાશ્મીર, કેરળ તથા હિમાચલ પ્રદેશમાં એકનાં મોતનો સમાવેશ થાય છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે કોરોનાના ૯૧૮ કેસોમાં ૪૭ વિદેશીઓનો પણ સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૧૮૦ કેસ જ્યારે કેરળમાં ૧૭૩ કેસ નોંધાયા છે. બીજીબાજુ જેલોમાં કેદ ગૂનેગારો પ્રત્યે સંવેદનશીલતા દાખવતાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે પ્રદેશની જનતાને લોકડાઉમાં સહયોગની અપીલ કરી હતી. ઉપરાંત તેમણે જણાવ્યું કે ઉત્તર પ્રદેશની જેલોમાં કેદ અંદાજે ૧૧ હજાર કેદીઓને ૮ સપ્તાહ માટે પેરોલ પર અથવા જામીન પર છોડવાનો નિર્ણય લેવાયો છે. આ કાર્યવાહી તાત્કાલિક શરૂ કરાશે. 

મધ્ય પ્રદેશમાં પણ રાજ્ય સરકારે જેલ સુપરીન્ટેન્ડેન્ટ્સને પાંચ વર્ષથી ઓછી સજાની જોગવાઈ હોય તેવા કાચા કામના કેદીઓ માટે વચગાળાની જામીન માગવા અદાલતોમાં અરજી કરવા જણાવ્યું હતું. કોરોના વાઈરસના કારણે જેલોમાં કેદીઓની સંખ્યા ઘટાડવા માટે રાજ્ય સરકાર દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. આ સપ્તાહના પ્રારંભમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને સાત વર્ષથી ઓછી સજાની જોગવાઈ હોય તેવા કેસોના કેદીઓને વચગાળાના જામીન અથવા પેરોલ પર છોડવા માટે વિચારણા કરવા સમિતિઓ બનાવવા નિર્દેશો આપ્યા હતા.

દરમિયાન પ્રેસ ઈન્ફર્મેશન બ્યુરોનું પીઆઈબી ફેક્ટ ચેક એકમ વોટ્સએપ, ફેસબૂક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોરોના અંગે ચાલતા ખોટો સમાચારોને અલગ તારવવામાં વ્યસ્ત છે. પીઆઈબીએ શનિવારે દેશમાં કોરોના વાઈરસ દેશવ્યાપી લોકડાઉન વચ્ચે ત્રીજા તબક્કામાં એટલે કે કોમ્યુનિટી ટ્રાન્સમિશનના તબક્કામાં પહોંચી ગયો હોવાના ગેરમાર્ગે દોરતા અહેવાલોને નકારી કાઢ્યા હતા. પીઆઈબીએ લોકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે ભારતમાં કોવિડ-૧૯નો કોમ્યુનિટી ટ્રાન્સમિશનો ત્રીજો તબક્કો શરૂ થઈ ગયો હોવાના અહેવાલોને સાચા માનશો નહીં અને તેનો પ્રસાર કરશો નહીં. તેણે ઉમેર્યું હતું કે કોરોના વાઈરસ સામે લડવાનો સૌથી અસરકારક ઉપાય સોશિયલ ડિસ્ટન્સિંગ છે. કેન્દ્ર સરકારે કોવિડ-૧૯ સામે લડવા સરકારી માલિકીના એકમો અને ખાનગી કંપનીઓને ક્વોરેન્ટાઈન સુવિધાઓ સ્થાપવા તેમજ માસ્ક, વેન્ટીલેટર, સેનીટાઈઝર્સ સહિતનાં મેડિકલ ઈક્વિપમેન્ટનું ઉત્પાદન વધારવા જણાવ્યું છે. 

છીંક ખાઈને કોરોના ફેલાવવાની અપીલ કરનાર એન્જિનિયરની ધરપકડ

આઈટી કંપની ઈન્ફોસીસના એક સોફ્ટવેર એન્જિનિયરે લોકોને જાહેરમાં છીંક ખાઈને કોરોના વાઈરસ ફેલાવવા અંગે ફેસબૂક પર પોસ્ટ કરતાં પોલીસે તેની ધરપકડ કરી હતી. ઉપરાંત કંપનીએ તાત્કાલિક અસરથી તેની હકાલપટ્ટી કરી હતી. શરૂઆતમાં કંપનીએ દાવો કર્યો હતો કે આ સોફ્ટવેર એન્જિનિયર તેમની કંપનીનો નહીં હોય. પરંતુ પાછળથી કંપનીએ પુષ્ટી કરતાં જણાવ્યું હતું કે તેના કર્મચારી મુજીબ મોહમ્મદે ફેસબૂક પર આ પોસ્ટ કરી હતી. તેને તાત્કાલિક નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. કંપનીએ શનિવારે સાંજે જણાવ્યું હતું કે ઈન્ફોસીસે તેના એક કર્મચારી મુજબ મોહમ્મદ દ્વારા કરાયેલી ફેસબૂક પોસ્ટ અંગેની તપાસ પૂરી કરી લીધી છે અને અમારું માનવું છે કે મુજીબ મોહમ્મદે કરેલી પોસ્ટ ઈન્ફોસીસની આચાર સંહિતા વિરુદ્ધ છે. મુજબ મોહમ્મદે એક પોસ્ટમાં લખ્યું હતું કે, ચાલો આપણે હાથ મિલાવીએ, બહાર જઈએ અને જાહેરમાં છિંક ખાઈએ. વાઈરસ ફેલાવીએ. પોલીસે આ પોસ્ટ કરવા બદલ શુક્રવારે રાત્રે જ મુજીબની ધરપકડ કરી હતી.

કોરોના : એરાઉન્ડ ધ નેશન

  • અર્ધલશ્કરી દળોમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો. બીએસએફ અધિકારી અને સીઆઈએસએફના જવાનના ટેસ્ટ પોઝિટિવ આવ્યા
  • કેન્દ્ર સરકારે રાજ્યોને જાહેર અને ખાનગી હોસ્પિટલોમાં આઈસોલેશન સુવિધાઓ માટે કેટલાક બેડ અનામત રાખવા નિર્દેશો આપ્યા છે.
  • સ્વાસ્થ્ય મંત્રાલયે હોસ્પિટલો અને મેડિકલ શૈક્ષણિક સંસ્થાઓને દર્દીઓ વધવાની આશંકાએ પર્યાપ્ત માત્રામાં વેન્ટીલેટર્સ ખરીદવા અને હાઈ-ફ્લો ઓક્સીજન માસ્ક ખરીદવા જણાવ્યું છે.
  • કેન્દ્ર સરકારે હોસ્પિટલોને બધી જ અનાવશ્યક સર્જરીસ મૂલતવી રાખવા જણાવ્યું છે.
  • ખાનગી હોસ્પિટલોને પણ ભવિષ્યમાં દર્દીઓ વધે તો તેમની સારવાર માટે ટીમ તૈયાર રાખવા જણાવાયું છે.
  • દેશમાં વેન્ટીલેટર્સની અછત દૂર કરવા સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે ૧૦,૦૦૦ વેન્ટીલેટર્સ ખરીદવાનો આદેશ આપી દેવાયો છે. અગાઉ ૧,૨૦૦ વેન્ટીલેટર્સ ખરીદવા ઓર્ડર કરાયો હતો.
  • આંધ્ર પ્રદેશ સરકારે કોવિડ-૧૯ માટે ક્વોરેન્ટાઈન કેમ્પ્સના નિરિક્ષણ માટે નોડલ અધિકારી તરીકે આઈએએસ અધિકારી પીયુષ કુમારની નીમણૂક કરી.
  • છત્તિસગઢના ડીજીપી ડી. એમ. અવસ્થીએ પોલીસ કર્મચારીઓને લોકડાઉનનો અમલ કરતી વખતે માનવીય અભિગમ દાખવવા વિનંતી કરી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો