દિલ્હીની વાત : મોદીની નજીક મનાતા ફિલ્મ સ્ટાર ક્યાં જતા રહ્યા ?


મોદીની નજીક મનાતા ફિલ્મ સ્ટાર ક્યાં જતા રહ્યા ?

નવી દિલ્હી, તા.29 માર્ચ 2020, રવિવાર

કોરોનાવાયરસ સામે લડવા મોદીએ બનાવેલા પીએમ કેર ફંડને અક્ષય કુમારે ૨૫ કરોડ રૂપિયા દાનમાં આપ્યા પછી બીજા ફિલ્મ સ્ટારે કેટલું દાન આપ્યું એ મુદ્દો ચર્ચામાં છે. શનિવારથી જ સોશિયલ મીડિયા પર વાત વહેતી થઈ હતી કે, શાહરૂખે ૧૧૧ કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. આ દાવા સાથે એક તસવીર પણ દર્શાવાઈ પણ આ તસવીર ૨૦૧૭ની ઈદના તહેવારની છે.

પીએમઓએ પણ શાહરૂખ દ્વારા દાન અપાયું હોવાની વાતને સમર્થન નથી આપ્યું પણ સોશિયલ મીડિયા પર શાહરૂખના સમર્થકો  સ્ટોપ નેગેટિવિટી અગેઈન્સ્ટ એસઆરકે હેશ ટેગ સાથે બચાવમાં કૂદી પડયા. આ હેશ ટેગ પહેલા નંબરે ટ્રેન્ડ કરતું હતું.

અક્ષય અને વરૂણ ધવન જેવા ગણતરીના કલાકારોને બાદ કરતાં બીજી કોઈ બોલીવુડ સેલિબ્રિટી દાન કરવા આગળ નથી આવી. ભાજપમાં પણ આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. અનુપમ ખેર,  પરેશ રાવલ,  વિવેક ઓબેરોય સહિતના સ્ટાર મોદીના નામે પબ્લિસિટી લે છે પણ આ આફતના સમયમાં કોઈ મોદીની અપીલને માન આપીને કેમ દાન કરતું નથી એવો સવાલ ભાજપના કાર્યકરો પૂછી રહ્યા છે.

કોરોના મુદ્દે પણ ગંદી આક્ષેપબાજી

દિલ્હીના આમ આદમી પાર્ટીના ધારસભ્ય રાઘવ ચઢ્ઢા યોગી આદિત્યનાથને જવાબ આપવા જતાં ભેરવાઈ ગયા છે. યોગીએ ટીપ્પણી કરી હતી કે, દિલ્હીમાં કેજરીવાલે વીજળી અને પાણીનાં કનેક્શન કાપી નાખ્યાં તેથી લોકો દિલ્હી છોડીને ભાગી રહ્યાં છે. તેની સામે ચઢ્ઢાએ ટ્વિટ કરેલી કે, દિલ્હીથી યુ.પી. આવનારાં લોકોની યોગી દોડાવી દોડાવીને ધોલાઈ કરાવી રહ્યા છે. યોગીજી કહી રહ્યા છે કે, તમે લોકો દિલ્હી કેમ ગયા હતા ? હવે તમને કદી દિલ્હી નહીં જવા દેવાય.

ભારે પસ્તાળ પડતાં ચઢ્ઢાએ ટ્વિટ ડીલીટ કરી દીધી પણ નોઈડા પોલીસે સુપ્રીમ કોર્ટના એક વકીલે કરેલી અરજીના આધારે તેમની સામે એફઆઈઆર નોંધી દીધી. ચઠ્ઠા સામે ખોટી અફવા ફેલાવીને લોકોને ભડકાવીને કાયદો અને વ્યવસ્થાની સમસ્યા પેદા થાય તેવી હરકત કરવાનો આરોપ મૂકાયો છે અને આઈ.ટી. એક્ટની કલમો પણ લગાવાઈ છે.

રાજકીય વિશ્લેષકોના મતે, આપણા રાજકારણીઓ કદી ના સુધરે તેનું આ ઉદાહરણ છે. કોરોના સામે એક થઈને લડવાના બદલે નેતાઓ રાજકીય આક્ષેપબાજીઓ કર્યા કરે છે.

કેન્દ્રની હેલ્થ વર્કર્સને વધારાનો પગાર આપવા વિચારણા

નરેન્દ્ર મોદી સરકાર કોરોનાવાયરસ સામે ઝઝૂમી રહેલા ડોક્ટર્સ સહિતના હેલ્થ વર્કર્સને વધારાનો પગાર આપવા વિચારી રહી છે. મોદી  આ કટોકટીના સમયમાં ઝઝૂમી રહેલા હેલ્થ વર્કર્સને ફોન કરીને વાત કરે છે અને તેમને બિરદાવે પણ છે. મોદી હવે તેમની કદર કરવા માટે એક કદમ આગળ વધશે એવું સરકારી સૂત્રોનું કહેવું છે. 

સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ લોકડાઉનના સમયમાં બેંકમાં હાજર રહેનારા કર્મચારીઓને વધારાનો પગાર આપવાની જાહેરાત કરી છે. સ્ટેટ બેંક ૨૩ માર્ચથી ૧૪ એપ્રિલ સુધીના સમયગાળામાં બેંકમાં કામ કરનારા કર્મચારીઓને વધારાનો પગાર આપશે. નરેન્દ્ર મોદીએ ૨૩ માર્ચે લોકડાઉનની જાહેરાત કરી હતી.

કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્ર સરકારની હોસ્પિટલો સિવાયના હેલ્થ વર્કર્સ રાજ્ય સરકારના કર્મચારી છે. કેન્દ્ર સરકાર રાજ્યોને લોકડાઉનના સમયમાં હાજર રહેનારા કર્મચારીઓની યાદી મોકલી આપવા કહેશે. આ યાદીના આધારે દરેક રાજ્યે વધારાના પગાર તરીકે જે રકમ ચૂકવવાની થશે તે રકમ કેન્દ્ર સરકાર રાજ્યોને ચૂકવી દેશે.

લોકડાઉનના કારણે મોટાં શહેરોની હવા શુધ્ધ થઈ ગઈ

લોકડાઉનના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે પણ પર્યાવરણ પર સારી અસર પડી છે. લોકડાઉન પછીના ગાળામાં દેશમાં દિલ્હી સહિતનાં ૯૦ શહેરોમાં પ્રદૂષણ સાવ ઘટી ગયું છે. બલ્કે છેલ્લાં કેટલાંય વરસોમાં સૌથી નીચા સ્તરે પહોંચી ગયું છે. લોકડાઉનના કારણે તમામ આર્થિક પ્રવૃત્તિઓ બંધ છે, ફેક્ટરીઓ, કન્સ્ટ્રક્શન બંધ છે અને વાહનો પણ નથી નિકળતાં તેથી પ્રદૂષણ અટકી ગયું છે.  સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (સીપીસીબી)ના આંકડા પ્રમાણે ૩૯ શહેરોમાં હવા સારી એટલે કે તંદુરસ્તી વધારે એવી છે જ્યારે ૫૧ શહેરોમાં સંતોષકારક એટલે કે શ્વાસ લઈ શકાય એવી થઈ ગઈ છે. 

પર્યાવરણ મંત્રાલયે આ બાબતની નોંધ લઈને કેન્દ્ર સરકારને લોકઆઉટ પછી પણ આ પ્રકારનાં પગલાં ભરવાની ભલામણ કરી છે. પ્રદૂષણ વધારે છે એવાં દિલ્હી સહિતનાં શહેરોમાં અઠવાડિયામાં એક દિવસ અથવા તો દિવસના ચોકક્સ કલાક માટે લોકડાઉનનો અમલ કરવાની ભલામણ કરાઈ છે.  મોદી સરકાર આ ભલામણ સ્વીકારે છે કે નહીં એ જોવાનું રહે છે.

મોદીએ રાજ્યોના અધિકારીઓને સીધા આદેશ આપવા માંડયા

લોકડાઉનના કારણે હિજરત કરી રહેલા કામદારોની સમસ્યા વધતાં મોદીએ સીધા રાજ્યોના વહીવટી તંત્રને આદેશ આપવા માંડયા છે. મોદીના આદેશના પગલે કેબિનેટ સેક્રેટરી રાજીવ ગૌબા અને ગૃહ સચિવ અજય ભલ્લાએ રાજ્યોના પોલીસ વડા તથા મુખ્ય સચિવો સાથે વીડિયો કોન્ફરન્સ કરીને કડક રીતે લોકડાઉનનો અમલ કરવા કહ્યું છે. તેમણે કામદારો માટે રહેવા તથા જમવાની વ્યવસ્થા કરવા પણ કહ્યું છે.

મહત્વની વાત એ છે કે, કેન્દ્રે  પોલીસ વડાઓને બે રાજ્યો વચ્ચેની સરહદો સીલ કરવા તો કહી જ દીધું પણ બે જિલ્લા વચ્ચેની સરહદો પણ સીલ કરવી દેવા કહ્યું છે.  હિજરત ચાલુ રહેશે તો રાજ્યના ચીફ સેક્રેટરી અને પોલીસ વડાને જવાબદાર ગણીને પગલાં લેવાશે એવી ચીમકી પણ અપાઈ. હિજરત થાય ત્યાં જિલ્લા પોલીસ વડા અને કલેક્ટરો સામે તાત્કાલિક પગલાં લેવાનું કહી દેવાયું છે.

કેન્દ્રે આ અંગે અગાઉ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પણ વાત કરી હતી પણ મુખ્યમંત્રીઓ અસરકારક કામગીરી નથી કરી શકતા એવું લાગતાં હવે સરકારે સીધો વહીવટી તંત્રને આદેશ આપ્યો છે.

'દીવાર' સ્ટાઈલમાં સજા પીએસઆઈ યુવતીને ભારે પડી

'દીવાર' ફિલ્મમાં અમિતાભ બચ્ચનના હાથ પર 'મેરા બાપ ચોર હૈ' એવું ટેટુ ચિતરાવી દેવાય છે. આ જ સ્ટાઈલમાં મધ્ય પ્રદેશમાં એક પોલીસ યુવતી એક યુવકના માથા પર 'મૈંને લોકડાઉન તોડા, મુઝ સે દૂર રહો' લખતી હોય એવી તસવીર વાયરલ થઈ છે. લોકડાઉનનો ભંગ કરનારા યુવકના માથા પર આ મેસેજ લખનારી યુવતી મધ્ય પ્રદેશના છત્તરપુર જિલ્લામાં ગોરિહાર પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ છે એવું સોશિયલ મીડિયાએ શોધી કાઢયું.

આ વીડિયો લાખો લોકોએ જોયો પછી સોશિયલ મીડિયા પર યુવતી પર પસ્તાળ પડવી શરૂ થઈ. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ બાબતની ગંભીર નોંધ લઈને આદેશ આપતાં શિવરાજસિંહ ચૌહાણ સરકારે પીએસઆઈ યુવતી સામે પગલાં લેવા આદેશ આપ્યો છે. ગૃહ મંત્રાલયે લોકડાઉનનો ભંગ કરનારાં લોકો સામે કડક પગલાં લેવા કહ્યું છે પણ આ રીતે શરમજનક સ્થિતીમાં નહીં મૂકવા પણ આદેશ આપ્યો છે.

***

લોકડાઉનના કારણે લોકોની હાડમારીઓ વધીઃ મોદી

આજે વડા પ્રધાન મોદીએ મન કીબાતમાં ત્રીજી વખત કોરોનાવાઇરસની વાત કરી.તેમણે સ્વીકાર્યું કે લોકડાઉનના કારણે લોકોના હાડમારીઓ વધી હતી હું તેના માટે માફી માગું છું.પરંતુ મારી પાસે બીજો કોઇ ઉપાય જ નહતો.જો કે લોકડાઉનના પરિણામ અંગે રાહ જોવી પડશે. નિષ્ણાતો માને છે કે કોરોનાવાઇરસની મહામારીમાં આંતરરાષટ્રીય ક્ષેત્રે સત્તા પરિવર્તન કરવાની અને નિયમોમાં બદલાવ કરવાની જ માત્ર શક્તિ નથી બલકે,ભારતીય રાજકારણમાં પણ મોટો ફેરફાર કરાવશે.તેઓ એ પણ કહે છે કે ભારત કોવિડ-૧૯ વડા પ્રધાનના વારસાને કેવી રીતે વ્યવસ્થીત કરે છે.મોદીને ઇતિહાસમાં કાશ્મીર અથવા રામ મંદિર અથવા સીએએ અથવા તો નોટબંધીના ફાયદા કે નુકસાન ના કારણે નહીં, બલકે આ મહામારીને તેમણે કેવી રીતે હાથ ધરી તે માટે યાદ રખાશે.યાદ રાખો કે આગામી ચૂંટણીમાં આ મુદ્દા તો મુખ્ય રહેશે જ અને તેના પરિણામો અંગે પણ લોકો ચર્ચા કરશે. જો આની અસર સમાજ પર પડશે અને જો આર્થિક માળખું પડી ભાંગશે તો એની રાજકારણમાં કેવી સ્પર્ધા થાય છે તે પણ જોવાનું રહ્યું.

મોદીએ નિર્યણો લેવામાં વિરોધ પક્ષોનો સાથ લેવું જોઇએ

કેટલાક રાજકીય નિષ્ણાંતો માને છે કે મોદીએ અમલવારીના બાબતમાં વિરોધ પક્ષોને પણ સાથ લેવા જોઇએ, માત્ર તેમના અનુભવ અને કાબેલાયતના કારણે જ નહીં પણ એ બતાવવા કે જુઓ દેશ માટે અમે સૌનો સાથ લઇએ છીએ અને તમામ રાજકાીય પક્ષો મારી સાથે છે.આ વાત રાષ્ટ્રીય હિતની હશે કારણ કે કોવિડ-૧૯ દેશ માટે મોટો પડકાર છે.  રાજકીય પક્ષોએ આ સમયે તમામ મતભેદો ભુલાવી કામે લાગવું પડશે. આનાથી આર્થિક પડકારોનો સામનો કરી શકાશે. આ તબકેકે મોદીએ પણ અર્થશાસ્ત્રના નિષ્ણાતો સાથે સલાહ કરવી જોઇએ અને આગળ કેવી રીતે વધવું તેનો માર્ગ નક્કી કરવો જોઇએ.

પ્રશાંત કિશોરે કેન્દ્ર પર માછલા ધોયા

ભારતમાં ૨૧ દિવસના સંપૂર્ણ લોકડાઉન અંગે ચૂંટણીના રણનનીતીકાર પ્રશાંત કિશોરે ફરી વાર કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ મહામારીને પહોંચી વળવા દેશે હજુ સારૂં કરવાની જરૂર છે.' આપણી તમામ આશાઓ વચ્ચે કડવું સત્ય એ છે કે  માત્ર લોકડાઉનના ભરોસે બેસીને કે લાખ દિઠ દસ ટકા કરતાં પણ ઓછા અને કોવિડ-૧૯ની છે જ નહીં એવી પધ્ધતી પર આધાર રાખવાને બદલે કોઇ સર્વગ્રાહી પગલાં ભરવા જોઇએ'એમ ૪૩ વર્ષના કિશોરે કહ્યું હતું.ઉલ્લેખનીય છે કે તેમણે સીએએ અને એનપીઆર અંગે પણ મોદી સરકારની ભારે ટીકા કરી હતી.મોદી ઉપરાંત બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને પણ તેમણે છોડયા નથી.તેમણે અનેક ટ્વિટ કરીને આ મહામારીને યોગ્ય રીતે હાથ નહીં ધરવા બદલ તેમની પણ ટીકા કરી હતી.દિલ્હી અને દેશના અન્ય ભાગોમાં રખડી ગયેલા બિહારના હજારો મજુરોને નિરાધાર છોડી દેવા બદલ તેમણે કુમારની ટીકા કરી હતી.

દિલ્હીનો એક મજુર સેંકડો કિમીચાલતા રસ્તા પર જ મરી ગયો

દિલ્હીમાં જ રહેવાની અનેક વિનંતીઓ છતાં હજારો લોકો દિલ્હીને વહેલી તકે છોડવા ભાગી રહ્યા છે. લોકો સેંકડો કિમી ચાલતા જ નીકળી પડયા છે. ખાણીપીણી સ્ટોરનો ૩૮ વર્ષના રણબીર સિંહ મધ્ય પ્રદેશના મોરેનામાં પોતાના પરિવારને મળવા માટે ૨૦૦ કિમી ચાલીને ગયો હતો. તેના ગામથી માત્ર ૧૦૦ કિમી દૂર હતો ત્યારે જ  તેનું ગઇ કાલે દિલ્હી આગરા રોડ પર મોત થયું હતું.તેને છાતીમાં તકલીફ ઊભી થઇ હતી.ટુંક સમયમાં જ તે ગુજરી ગયો હતો. સરકારે અચાનક જ લોકડાઉન જાહેર કરતાં તે ગામ જવા નીકળ્યો હતો અને રસ્તામાં જ એ ગરીબ મજુર ગુજરી ગયો હતો, એમ તેના સાથીઓએ કહ્યું હતું.

- ઇન્દર સાહની

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો