દિલ્હીની વાત : પીએમ-કેર્સ સામે શરૂ થયો વિરોધનો વંટોળ


પીએમ-કેર્સ સામે શરૂ થયો વિરોધનો વંટોળ

નવી દિલ્હી, તા.30 માર્ચ 2020, સોમવાર

નરેન્દ્ર મોદીએ કોરોનાવાયરસ સામે લડવા માટે બનાવેલા પ્રાઈમ મિનિસ્ટર્સ સિટિઝન આસિસ્ટન્સ એન્ડ રીલિફ ઈમર્જન્સી સિચ્યુએશન્સ (પીએમ-કેર્સ) ફંડ સામે વિરોધનો વંટોળ ઉભો થયો છે. દેશમાં આવતી મુશ્કેલીના સમયમાં લોકો મદદ કરી શકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત પીએમ નેશનલ રીલિફ ફંડ છે જ ત્યારે આ નવા ફંડની જરૂર શું એવો સવાલ સોશિયલ મીડિયા પર ઉઠાવાઈ રહ્યો છે.

પીએમ-કેર્સ ફંડના ચેરમેન તરીકે મોદી પોતે છે. આ સિવાય અમિત શાહ, રાજનાથસિંહ અને નિર્મલા સીતારામન તેમાં સભ્યો છે. કોરોનાવાયરસ સામેની લડાઈ આખા દેશની લડાઈ છે એવું કહેનારા મોદીએ આ ફંડમાં વિપક્ષના કોઈ નેતાને કે બહારની કોઈ વ્યક્તિને સ્થાન નથી આપ્યું. પારદર્શક વહીવટ અને વિશ્વસનિયતા માટે રાષ્ટ્રીય સ્તરે માન ધરાવતાં લોકોને પણ આ ફંડમાં સભ્ય તરીકે લઈ શકાયા હોત. તેના બદલે માત્ર ભાજપના નેતા એવા કેન્દ્રીય પ્રધાનો જ આ ફંડમાં કેમ છે એવો સવાલ પણ ઉઠાવાઈ રહ્યો છે.

મોદી ભડકતાં યોગીએ ટ્વિટ ડીલીટ કરી નાંખી

મોદી સરકારે લોકડાઉનનો કડક અમલ કરવા આદેશ આપ્યો છે ત્યારે યોગી આદિત્યનાથે લોકડાઉનના ધજાગરા ઉડાવતી જાહેરાત કરીને મોદી સરકારને શરમજનક સ્થિતીમાં મૂકી દીધી. યોગીએ શનિવારે ટ્વિટ કરી કે, લોકડાઉનના કારણે હિજરત કરી રહેલા કામદારોને મદદ કરવા યુ.પી. સરકારે ૧૦૦૦ બસોની વ્યવસ્થા કરી છે. યોગીજીએ આખી રાત જાગીને આ વ્યવસ્થાનું જાતે મોનિટરિંગ કર્યું. આ બસો નોઈડા અને ગાઝિયાબાદથી લોકોને લઈ જશે તેવી જાહેરાત પણ કરાઈ.

યુ.પી. જવા હજારો કામદારો ભેગા થાય તો લોકડાઉનનો અર્થ જ ના રહે તેથી ભડકેલા મોદીએ યોગીને ફોન કરીને તતડાવી નાંખ્યા. ગભરાયેલા યોગીએ ટ્વિટ ડીલીટ કરી પણ ત્યાં સુધીમાં તીર છૂટી ચૂક્યું હતું. નોઈડા અને ગાઝિયાબાદ ખાતે સવારથી જ હજારો કામદારો ઉમટી ચૂક્યા હતા. મોદીના ઠપકાના કારણે યોગીએ બસો ના મોકલી અને હજારો કામદારો રઝળી પડયા છે. નોઈડા અને ગાઝિયાબાદમાં પણ ટોળેટોળાં છે અને લોકડાઉનના ધજાગરા ઉડી રહ્યા છે.

હિજરત મુદ્દે કેજરીવાલને બલિનો બકરો બનાવાયા

હિજરતી કામદારોના મુદ્દે ભેરવાયેલી મોદી સરકારે અરવિંદ કેજરીવાલને બલિનો બકરો બનાવવાની મથામણ શરૂ કરી છે.  એક તરફ ભાજપનો સોશિયલ મીડિયા ડીપાર્ટમેન્ટ મચી પડયો છે ત્યારે બીજી બાજુ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલ અને ગૃહ મંત્રાલય પણ મોદી સરકારના ઈશારે મેદાનમાં આવી ગયા છે. દિલ્હીના આનંદ વિહાર બસ ડેપોમાં હજારો કામદારો ઉમટેલા છે. બૈજલે કેજરીવાલ સરકારે ડીટીસીની બસો બંધ નહીં કરીને લોકડાઉનનો કડક અમલ ન કરાવ્યો તેના કારણે આ સ્થિતી સર્જાઈ હોવાનો આક્ષેપ કર્યો છે. ગૃહ સચિવ અજય ભલ્લાએ પણ લોકડાઉનના અમલમાં ચૂક બદલ બે આઈએએસ અધિકારીને સસ્પેન્ડ કરવા પત્ર મોકલ્યો છે.

જો કે કેન્દ્ર સરકારનાં સૂત્રો સ્વીકારે છે કે, હરિયાણા તથા ઉત્તર પ્રદેશ સરકારો તેમજ દિલ્હી પોલીસની લાપરવાહીના કારણે આ સ્થિતી સર્જાઈ છે. ગુરગ્રામ અને નોઈડાથી આ કામદારો આવેલા છે. બંને રાજ્યોની ભાજપ સરકારોએ સરહદ સીલ ના કરી. દિલ્હી પોલીસે પણ બહારથી દિલ્હી આવનારાંને રોક્યા નહીં. હવે ભાજપ જવાબદારીથી હાથ ખંખેરવા કેજરીવાલ પર દોષનો ટોપલો ઢોળે છે.

જેડીયુએ લોકડાઉનની નિષ્ફળતા માટે ભાજપને દોષ આપ્યો

ભાજપ દિલ્હીમાં લોકડાઉનની નિષ્ફળતા માટે કેજરીવાલ પર દોષારોપણ કરી રહ્યો છે ત્યારે ભાજપના સાથી જેડીયુએ ભાજપ સામે મોરચો માંડયો છે. નીતિશ સરકારના પ્રધાન સંજય ઝાએ બિહારમાં લોકડાઉનની નિષ્ફળતા માટે કેજરીવાલ ઉપરાંત યોગી આદિત્યનાથ સરકારને જવાબદાર ગણાવી છે.

સંજય ઝાનો આક્ષેપ છે કે, યોગીએ દિલ્હીથી ઉત્તર પ્રદેશનાં લોકોને લાવવા બસોની જાહેરાત કરેલી પણ બિહાર સરહદે તો તેમણે બસો મોકલી આપી હતી. આ બસોમાં હજારો કામદારો યુ.પી.થી આવ્યા ને યુ.પી.નાં લોકો બિહારથી ભાગવા માંડયાં તેથી લોકડાઉનનો અર્થ ના રહ્યો.  ઝાએ તો એવો ગંભીર આક્ષેપ પણ મૂક્યો છે કે, કેજરીવાલ અને યોગીએ જાણી જોઈને મોદીની લોકડાઉનની હાકલને નિષ્ફળ બનાવવા બસોની વ્યવસ્થા કરી હતી. ઝા નીતિશ કુમારની અત્યંત નજીક ગણાય છે એ જોતાં તેમની આ ટીપ્પણી સૂચક મનાય છે.બિહારમાં ભાજપ અને તેના સાથી જેડીયુ વચ્ચે લાંબા સમયથી ઘર્ષણ ચાલે છે. લોકડાઉનના કારણે યુધ્ધવિરામ થયો હતો. ઝાની ટીપ્પણીથી ફરી યુધ્ધ છેડાશે એ નક્કી છે.

સ્વામીએ ભલામણ કરતાં હવે આસારામ નહીં છૂટે

કોરોનાના કારણે જેલમાં બંધ કેદીઓને છોડાઈ રહ્યા છે ત્યારે આસારામને છોડવા માટે પણ સોશિયલ મીડિયા પર અભિયાન શરૂ થયું છે. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આસારામની વધતી ઉંમર અને જુદા જુદા રોગોનો હવાલો આપીને તેમને છોડવાની માગણી કરી પછી આ અભિયાન છેડાઈ ગયું. સોશિયલ મીડિયા પર રીલીઝ આસારામજીબાપુઓનપેરોલ હેશ ટેગ સાથે તે ટ્રેન્ડ કરવા માંડયું હતું. સ્વામીએ તો આસારામને ખોટી રીતે સજા કરાઈ હોવાનો દાવો પણ કર્યોે.

સુપ્રીમ કોર્ટે સાત વર્ષથી ઓછી સજા હોય તેમને છોડવા કહ્યું છે. આસારામને આજીવન કારાવાસની સજા થઈ છે તેથી એ છૂટી શકે તેમ નથી. આસારામ જોધપુરની જેલમાં બંધ છે અને રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે તેથી પણ આસારામનો છૂટકારો મુશ્કેલ છે. જો કે દિલ્હીમાં એવી જોક ચાલી રહી છે કે, સ્વામીએ આસારામની તરફેણ કરી એટલે ગેહલોત તેમને છોડતા હશે તો પણ નહીં છોડે. કદાચ ગેહલોત છોડવા તૈયાર પણ થાય તો પણ મોદી નહીં છૂટવા દે.

* * *

ફરીથી નોટબંધી પર પ્રહાર

મોદી સરકારની નિષ્ફળતા પર કોંગ્રેસના પ્રહાર કોંગ્રેસના નેતા અભિષેક સીંઘવીએ અણધડ આયોજનનો આક્ષેપ કર્યો હતો. કેન્દ્ર સરકારના આયોજનના અભાવની તેમણે વાત કરી હતી.કોરોનાવાઇરસની મહામારીને ડામવા માટે લોકડાઉનને તેમણે અવિચારી પગલું ગણાવ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો હતો કે  જે રીતે મોદીએ નોટબંધી કરી હતી તે જ રીતે ઉતાવણમાં લાકડાઉનનો પણ અવિચારી અને અણધડ નિર્ણય લીધો હતો. નોટબંધીએ ભારતના અર્થજગતને અપંગ બનાવી દીધો હતો તેવી જ રીતે લોકડાઉન પણ ફરીથી દેશને બરબાદીના માર્ગે ધકેલી દેશે. હવે એવી વાતો થાય છે કે નોટબંધીએ વળતર તો આપવું જ જોઇેએ.નાણા મંત્રી સિતારમણે  ડીબીટી અને પીડીએસ મારફતે ગરીબો માટે રૂપિયા ૧.૭ લાખ કરોડની ગરીબ કલ્યાણ યોજનાની જાહેરાત કરી હતી.અહીંયા આધાર સાથે જોડાયેલા જનધન ખાતાઓ કલ્યાણકારી યોજનાઓ માટે ઉપયોગી સાબીત થઇ શકે છે.આધાર કાર્ડના સમર્થકોએ હમેંશા કહ્યું હતું કે ગરીબોના કલ્યાણકારી કાર્યક્રમો માટે આધાર જ પાઇપલાઇન હોવું જોઇએ. ભારતમાં હવે કોરોનાવાઇરસ ખૂબ જ ઝડપથી પ્રસરી રહ્યું છે ત્યારે નોટબંધી સબંધીત યોજનાઓએ મોદી સરકારને લોકડાઉન કરવાની પ્રેરણા આપી હતી.

સામુહિક  સ્થળાંતર માનવ કરૂણાંતિકા સર્જી શકે છે

સામુહિક  સ્થળાંતરને રોકવાના પ્રયાસો ચાલુ જ છે ત્યારે નિષ્ઁણાંતોએ એવી ચેતવણી પણ આપી હતી કે આ ધસારો જોખમી સાબીત થઇ શકે છે.મજુરો માટે અત્યંત દુખદ સાબીત થઇ શકે છે.કેટલાક તો રસ્તામાં જ ગુજરી ગયા હતા અને કેટલાક પોતાના ઘરે પહોંચી શક્યા પણ નહતા. સામાજીક અંતરની વાતનો છેદ ઉડી ગયો હતો.ઉપરાંત જ્યારે તેઓ પોતાના વતન જશે તો સાથે ચેપ પણ લેતા જશે જ્યાં ભારતની આરોગ્ય પધ્ધતીની વ્યવસ્થા જોતાં સ્ક્રિનીંગ અને ઇલાજ બંને  ખૂબ મુશ્કેલ બની જશે.એટલા માટે સરકારે  ખૂબ જોખમી વિસ્તારોને ઓળખવા જોઇએ. લગભગ ૫૦ જિલ્લા એવા છે.અર્ધા ભાગના પુરૂષોને પહેલાં મોકલીને  ટેસ્ટ માટે યોગ્ય તૈયારીઓ કરવી જોઇએ. નિષ્ણાંતો અનુસાર મોટી ખુવારી તો હવે સર્જાશે. રાજ્ય અને કેન્દ્ર સરકારે એના માટે તૈયાર રહેવું પડશે.

આમ આદમી પાર્ટી અને ભાજપ સામસામે

દિલ્હીમાંથી પોતપોતાના ગામમાં પરત જઇ રહેલાં મજુરોના મુદ્દે સર્જાયેલી કટોકટી અંગે કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકાર સામસામે આવી ગઇ છે. ટ્વિટર પર લોકડાઉનના કારણે સર્જાયેલી અફરાતફરી અને જંગી પાયે હિજરતે રાજકીય દંગલ સર્જયું હતું.બંને પક્ષોએ એક બીજા પર ગંદી રમત રમતા હોવાના આક્ષેપો કર્યા હતા અને કામદારોની દયનીય સ્થિતી પર દોષારોપણ કર્યું હતું. આક્ષેપબાજી કેવી રીતે શરૂ થઇ તે સંશોધનનો વિષય છે.પરંતુ શનિવારે સાંજે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા અને યોગીના સલાહકાર મૃત્યંજય કુમાર વિવાદના મુખ્ય કેન્દ્ર હતા. ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બી.એલ. સંતોષ પણ કુદી પડયા હતા. ઉત્તર પ્રદેશના ભાજપના કેટલાક નેતાઓ પર સિસોદિયા ઉકળી ઉઠયા હતા.

ઉત્તર પ્રદેશનું ગામ 'કોરૂણા'માં વિચિત્ર સમસ્યા

ઉત્તર પ્રદેશના એક ગામનું નામ કોરોનાથી મળતું આવતું હોવાથી એ ગામના રહીશો કહે છે કે તેમની સાથે લોકો બેદભાવ કરે છે.'અમારા ગામમાં આવવા કોઇ જ તૈયાર નથી. અમારા ગામના લોકો પણ ડરી ગયા છે. જ્યારે અમે લોકોને એમ કહીએ કે અમે કોરોના ગામના છીએ તો તેઓ અમારી સાથે મળવાનું ટાળે છે.'અમે રસ્તા પર નીકળીએ પરેશાન થઇ જાય છે. જો અમારા ગામનું નામ એ જ છે તો અમે શું કરીએ?એમ આ ગામના નાગરિક સુનિલે કહ્યું હતું. અમે જ્યારે કોઇને ફોન કરીએ કે અમે કોરૌનાથી બોલીએ છીએ તો લોકો તરત જ ફોન બંધ કરી દે છે. તેઓ એમ માને છે કે કોઇ તેમની સાથે મજાક કરે છે, એમ એક અન્ય ગ્રામીએ કહ્યું હતું.

- ઇન્દર સાહની

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે