સોશિયલ ડિસ્ટન્સના નિયમનો ભંગ કરનારને સરકારી અધિકારી બબ્બન બિલાડાએ સજા ફટકારી

 
આપનાં તો અઢાર વાંકાં - અષ્ટાવક્ર

મહારાજા સિંહે ટીવીમાં ભાષણ આપ્યું : 'મારા વહાલા જંગલવાસીઓ, જંગલમાં આવી પડેલી મહામારી 'કોરોના' (કોઈ બીજાનો રોગચાળો નાથવા)ની લડત માટે આપણે બધાએ આપણાં માળા-દરો-ગમાણો-તબેલામાં રહેવું પડશે. જે પ્રાણી-પંખી પોતાના સ્થાનની બહાર નીકળશે તે શિક્ષાપાત્ર બનશે. સરકારી અધિકારીઓ તેમને યથાયોગ્ય અને ગુનાની ગંભીરતા અનુસાર સજા ફટકારશે. મહેરબાની કરીને આજથી નજરકેદમાં રહેજો, નહીંતર સજાની તૈયારી રાખજો.'

હમણાં હમણાં જંગલમાં એક વિચિત્ર પ્રકારનો રોગચાળો ફેલાયો હતો. એ રોગચાળો કોરોના એવા ટૂંકા નામે ઓળખાતો હતો. રોગચાળો બીજા જંગલમાંથી આવ્યો હતો અને એનાથી જંગલવાસીઓના જીવનું જોખમ સર્જાયું હતું.

કો- કોઈ બીજા જંગલનો
રો- રોગચાળો
ના- નાથવો.

એવાં નામથી ઝુંબેશ શરૂ થઈ હોવાથી પણ કદાચ આ રોગચાળો જંગલમાં 'કોરોના'ના ટૂંકા નામથી ઓળખાતો હશે એવું જંગલવાસીઓ માનતા હતા. આ રોગચાળો કાબુમાં લેવાના ભાગરૂપે જંગલના રાજા સિંહે વિવિધ આદેશો આપવાનું શરૂ કર્યુંહતું. 

મહારાજા સિંહે જંગલવાસીઓને ઘરની બહાર ન નીકળવાનો આદેશ કર્યો તે પછી મોટાભાગના જંગલવાસીઓ તો સરકારી અધિકારીઓના ડરથી ઘરમાં જ રહેવા લાગ્યા. કેટલાકે દાણો-પાણી સંઘરી રાખ્યા હતા એટલે એમાંથી તેમના દિવસો જેમ-તેમ કરીને પસાર થઈ જતા હતા, પરંતુ ઘણાં જંગલવાસીઓ પાસે એવી કોઈ જ વ્યવસ્થા ન હતી એટલે તેમને મુશ્કેલી પડતી હતી. જોકે, મહારાજા સિંહનો આદેશ માન્યા વગર છૂટકો ન હતો. આમેય જંગલવાસીઓ કોરોના જેવી મહામારીથી ફફડી ગયા હતા એટલે પરેશાની વેઠીને પણ જંગલની સરકારનું સમર્થન કરતા હતા.

અમુક જંગલવાસીઓ એવા જ હતા કે જેમને આવા આદેશો તોડવાનું બહુ ગમતું. એવાં જંગલવાસીઓને સરકારી આદેશને ઘોળીને પી જવામાં અનેરો આનંદ આવતો હતો. બીજે ક્યાંય હિંમત ન બતાવી શકનારા આવા જંગલવાસીઓ નિયમો તોડવા એને પરાક્રમ સમજતા હતા.

અખિલ જંગલીય બંદર સમાજના પ્રમુખ બબ્બનભાઈ બંદરનો પુત્ર બબલુ બંદર બંદરસમાજની યુવા પાંખ તોફાની ટોળકીનો પ્રમુખ હતો. જંગલની સરકારના નિયમો તોડવા એ બબલુનું મનગમતું કામ હતું. તોફાની ટોળકીના યુવાબંદરોને લઈને તે જંગલમાં નીકળી પડતો અને જેવા તેવા અધિકારીને જરૂર પડયે ધમકાવી નાખતો.

મહારાજા સિંહના કડક આદેશ પછી પણ બબલુ બંદર તોફાની ટોળકીના સભ્યોને લઈને જંગલમાં લટાર મારવા નીકળ્યો. કોણ બહાર નીકળ્યું નથી એ જોવા માટે એ ખુદ બહાર નીકળ્યો. નિયમો તોડીને આમથી તેમ ભટકતો હતો ત્યાં તે સરકારી અધિકારી બબ્બન બિલાડાના ધ્યાનમાં આવ્યો.

'તને નિયમોની ખબર નથી?' બબ્બન બિલાડાએ  બબલુની પૂછડી પકડીને ઊભો રાખ્યો, 'મહારાજા સિંહનો આદેશ હોવા છતાં તું બહાર કેમ નીકળ્યો?'

'હું બંદરસમાજની યુવા પાંખ તોફાની ટોળકીનો પ્રમુખ છું' બબલુએ જરા અક્કડ થઈને ગુસ્સામાં ઉમેર્યું, 'તમારી હિંમત કેમ થઈ મને રોકવાની. હું કોણ છું એ ખબર છે?'

બબલુ બંદરની અક્કડ જોઈને બબ્બનભાઈ બિલાડાને ગુસ્સો આવ્યો. એણે ધારદાર નખ બહાર કાઢીને બબલુને પહેલા તો જોરથી એક પંજો મારી દીધો. બબલુ કંઈ સમજે એ પહેલાં તો બીજા સહાયકોને બોલાવીને સારો એવો મેથીપાક ખવડાવ્યો. પછી બબલુ બંદરને એક બોર્ડ પકડાવ્યું, જેમાં લખ્યું હતું : હું જંગલનો દુશ્મન છું. મને મારી લાગવગનું બહુ જ અભિમાન છે એટલે જંગલના નિયમો પાળતો નથી.

માર ખાઈને સીધી દોરી જેવા થઈ ગયેલા બબલુએ કોઈ જ આનાકાની વગર એ બોર્ડ પંજામાં પકડી લીધું. એ પછી  બબ્બનભાઈ બિલાડાએ વિડીયો બનાવ્યો અને જંગલના સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. બબ્બનભાઈ બિલાડાનો એ આઈડિયા એવો કામ કરી ગયો કે બીજા આવા લાગવગિયા તો બહાર નીકળતા જ બંધ થઈ ગયા.

***

સોશિયલ ડિસ્ટન્સને વેકેશન સમજી બેસેલા કેટલાય કપલ્સ પણ જંગલની સરકારની નિયમો લિજ્જતથી તોડતા હતા. નવરાશનો સમય છે તો એનો સદુપયોગ કરવાનું વિચારીને આવા ઘણાં પ્રેમી-પંખીડા જંગલમાં લટાર મારવા નીકળી પડતા હતા.

મંગળા માછલી અને માછલાકુમાર મહાસીર પણ એમાંના જ એક હતાં. રંગ-બેરંગી કપડાંમાં સજ્જ થઈને મંગળા માછલી બોયફ્રેન્ડ મહાસીરની પાછળ ગોઠવાઈ ગઈ. બંને જંગલમાં લટાર મારવા નીકળી પડયાં. બધા જ રસ્તા સાવ ખાલી હતા એટલે એમને તો પ્રિન્સ અને પ્રિન્સેસ હોય એવું લાગતું હતું, પણ બંનેના રંગીન સપનામાં અચાનક તિરાડ ત્યારે પડી જ્યારે અધિકારી બબ્બન બિલાડાએ અધવચ્ચે રોકીને પૂછપરછ શરૂ કરી.

'મહારાજા સિંહનો આદેશ કેમ તોડયો?' બબ્બન બિલાડાએ કડડાઈથી પૂછયું.

'સર અમે તો એક કામથી બહાર નીકળ્યા હતા' મંગળા માછલીએ નરમ અવાજમાં જવાબ આપ્યો.

'અચ્છા તો કામથી બહાર જાવ ત્યારે પણ બંને તૈયાર થઈને જ નીકળો છો' બબ્બન બિલાડાએ અધિકારીને છાજે એવી બારીકાઈથી અવલોકન કરીને ઉમેર્યું, 'તમે બંને બહાર નીકળો ત્યારે અત્તરબત્તર પણ છાંટવાના શોખીન લાગો છો.'

મંગળા માછલીએ 'ઘરનો સામાન લેવા ગયા હતા' એવું બહાનું કાઢયું, પરંતુ એવું સાબિત થઈ શક્યું નહીં એટલે બબ્બન બિલાડાએ બંનેને સજા આપી.

'બંને આ પાણીમાંથી બહાર અને બહારથી પાણીમાં એમ સતત કૂદકા મારો. હું રોકું નહીં ત્યાં સુધી કૂદકા મારતા રહેજો. જો રોકાશો તો બમણી સજા કરીશ!'

વિચિત્ર સજાથી મંગળા અને મહાસીરને પરસેવો વળી ગયો. બીજી વખત આવું નહીં કરીએ એવી આજીજી બંનેએ કરી, પરંતુ બબ્બન બિલાડાની કડકાઈ સામે કશું જ ચાલ્યું નહીં.

બબ્બન બિલાડાએ બંનેનો વિડીયો બનાવીને જંગલના સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. એનો ફાયદો એ થયો કે બીજા આવાં લવબર્ડ્સ બહાર નીકળતા જ બંધ થઈ ગયા.

***

સરકારી અધિકારી બબ્બન બિલાડાએ આવી અનેક ચિત્ર-વિચિત્ર પનિશમેન્ટ આપી. કોઈ ઉત્પાતિયાને શાંત બેસી રહેવાની સજા આપી તો કોઈને દોટ મૂકવાની સજા આપી. કોઈને તડકામાં ઉભા રાખ્યા તો કેટલાકને ઠંડા પાણીથી નવરાવ્યાં. આવી સજાની ધારી અસર થઈ. બબ્બન બિલાડાના વિસ્તારમાં જંગલવાસીઓ સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું જડબેસલાક પાલન કરવા માંડયા... 

બબ્બન બિલાડાનું જોઈને બીજા અધિકારીઓ પણ એવી જ રીતે પનિશમેન્ટ આપતા થયા હતા.

દરમિયાન જંગલના સોશિયલ મીડિયામાં સોશિયલ ડિસ્ટન્સને લઈને ચર્ચા-વિચારણા શરૂ થઈ હતી. વયોવૃદ્ધ હીરજી હંસે વોટ્સએપમાં બહુ જ મામક મેસેજ લખ્યો : 'અત્યાર સુધી જંગલમાં સોશિયલ ડિસ્ટન્સ બિનસત્તાવાર હતું. વિવિધ કારણોથી જંગલના પ્રાણી-પંખીઓ એક-બીજાથી દૂર થઈ રહ્યા હતા એને હમણાં સુધી જંગલની સરકારનું સમર્થન ન હતું. મહારાજા સિંહનું શાસનએટલા માટે પણ આ જંગલમાં યાદ રખાશે કે તેમણે સોશિયલ ડિસ્ટન્સને સત્તાવાર દરજ્જો આપ્યો. પ્રાણી-પંખીઓ એક-બીજાથી દૂર રહે તે માટેના અથાક પ્રયાસો હાથ ધરાયા છે એ પણ મહારાજા સિંહના શાસનકાળની સિદ્ધિ લેખાશે.'

હીરજી હંસના આ મેસેજ અંગે પણ ભારે વાદ-વિવાદ શરૂ થયો હતો. આમેય  સોશિયલ ડિસ્ટન્સની પરિસ્થિતિ હોવાથી જંગલવાસીઓ પાસે મહારાજા સિંહના ટીકાકારોને જવાબ આપવા માટે પૂરતી નવરાશ હતી....

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો