મુશ્કેલ ઘડીમાં સરકારની ગરીબોના જીવન બચાવવાની પહેલ


કોરોના વાઇરસની મહામારીના કારણે દુનિયાભરના દેશોની અર્થવ્યવસ્થા મોદી સરકારે બીમાર બની રહી છે. ભારતની અર્થવ્યવસ્થા પહેલેથી જ મંદીના દોરમાંથી પસાર થઇ રહી હતી ત્યારે કોરોના વાઇરસની મહામારીએ દેશના અર્થતંત્રને પારાવાર નુકસાન પહોંચાડયું છે. એમાંયે દેશભરમાં લાગુ કરવામાં આવેલા લૉકડાઉન બાદ લોકો પણ મુશ્કેલ પરિસ્થિતિમાં મૂકાયા છે. 

કોરોના મહામારીના કારણે થનારા આર્થિક નુકસાનની ભરપાઇ કરવા માટે મોદી સરકારે પ્રથમ આર્થિક પેકેજની જાહેરાત કરી છે. એક લાખ સિત્તેર હજાર કરોડ રૂપિયાનું આ રાહત પેકેજ આર્થિક રીતે નબળા વર્ગને થ્યાનમાં રાખીને જાહેર કરવામાં આવ્યું છે. 

આ પહેલા રાહત પેકેજનું નામ વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજનાના નામે જાહેર થયેલું આ રાહત પેકેજનું ફોકસ આર્થિક રીતે નબળા વર્ગ પર છે. યોજનાની જાહેરાત કરતા નાણામંત્રી નિર્મલા સીતારમને કહ્યું કે આર્થિક પેકેજને આઠ જુદાં જુદાં વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. જે અંતર્ગત ગરીબ અને જરૂરતમંદ લોકોને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા અનુસાર જે ખાદ્યાન્ન મળે છે એ ઉપરાંત આગામી ત્રણ મહિના સુધી પાંચ કિલો ઘઉં કે ચોખા મળશે. વળી ત્રણ મહિના માટે એક કિલો દાળ પણ વિના મૂલ્યે મળશે. મનરેગા અંતર્ગત મળતી મજૂરીને પ્રતિદિન ૧૮૨ રૂપિયાથી વધારીને ૨૦૨ રૂપિયા કરી દેવામાં આવી છે. સો દિવસ કામની ગેરંટીના હિસાબે આ વર્ષે બે હજાર રૂપિયાનો વધારો છે. 

પેકેજમાં કોરોના વાઇરસ સામે લડી રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓ એટલે કે ડોકટર, નર્સ, મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ તેમજ આશા કાર્યકરોને ૫૦ લાખ રૂપિયાનો વીમો મળશે. ખેડૂતોને વડાપ્રધાન યોજના અંતર્ગત જે ૬ હજાર રૂપિયા મળવાના હતાં એના બે હજાર રૂપિયાનો પહેલો હપ્તો સીધો તેમના ખાતામાં પહોંચાડી દેવામાં આવશે. ત્રણ કરોડ વિધવાઓ, વૃદ્ધો તેમજ વિકલાંગોને એક હજાર રૂપિયા આપવામાં આવશે. જનધન ખાતાધારક ૨૦ કરોડ મહિલાઓને આગામી ત્રણ મહિના પહેલા ૫૦૦ રૂપિયા પ્રતિમાસ મળશે. ગરીબી રેખા નીચે રહેતા લગભગ ૮ કરોડ પરિવારોે આગામી ત્રણ મહિના માટે ગેસ સિલિન્ડર મફત આપવામાં આવશે. 

હકીકતમાં ભારતસહિત દુનિયાભરની સરકારો માટે આર્થિક મોરચે પડકારો છે. એક તરફ દેશની સ્વાસ્થ્ય સેવાઓને દેશની વિશાળ વસતીને પહોંચતી કરવી તો આટલી મોટી વસતી માટે કોરોના વાઇરસની તપાસ કરાવવી અને મોટી સંખ્યામાં લોકોની સારવાર સુનિશ્ચિત કરવી મોટો પડકાર છે. 

આ વ્યવસ્થા ઊભી કરવામાં સરકારી તિજોરીનો મોટો હિસ્સો વપરાઇ રહ્યો છે. બીજું એ કે કોઇ કામકાજ વગર પોતાના ઘરોમાં રહેલા કરોડો લોકો થોડા મહિના માટે ગુજારો કરી શકે એવી વ્યવસ્થા કરવી પણ આવશ્યક છે. એ સાથે જ માથે તોળાઇ રહેલી મહામંદીમાંથી બહાર આવવાની યોજના પણ તૈયાર રાખવી પડશે જેથી કરીને લોકો બેરોજગારી અને ભૂખમરાનો શિકાર ન બને.

માત્ર ભારત જ નહીં, બીજા દેશો પણ આવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ રાહત પેકેજોની જાહેરાતો કરવાની શરૂઆત કરી દીધી છે. જોકે વિશ્વવ્યાપી મંદીના કારણે મોટા ભાગના દેશોની હાલત સારી નથી. તાજેતરમાં જ અમેરિકાએ ૨૨૦૦ અબજ ડોલરના ઐતિહાસિક પેકેજની જાહેરાત કરી છે જેની સરખામણીમાં ભારત સરકારનું એક લાખ સિત્તેર હજાર કરોડ રૂપિયાનું પેકેજ તો કંઇ વિસાતમાં પણ નથી. જોકે આ રકમ પણ જરૂરતમંદ લોકો સુધી પહોંચે તો ગનીમત ગણાશે. સરકારના જણાવ્યા અનુસાર કોઇ ગરીબ ભૂખ્યું ન રહે એ માટે વ્યાપક પ્રબંધ કરવામાં આવ્યાં છે. 

સંકટની આ ઘડીમાં લોકો સુધી સરકારી મદદ પહોંચાડવાની વાત આમ તો સરળ લાગે છે પરંતુ એ વ્યવહારમાં ઉતારવી ઘણી મુશ્કેલ છે. સરકારે આર્થિક મદદ લોકોના ખાતામાં સીધા પહોંચાડવાની જાહેરાત કરી છે જે તેમને પોતાના પરિવારનું ભરણપોષણ કરવામાં મદદરૂપ બની રહેશે. લોકોના ખાતામાં સીધેસીધી રકમ જમા કરવી આમ તો સમસ્યા ઉકેલવાનો સાવ સરળ ઉપાય છે પરંતુ વચેટિયાઓ આમાંથી પણ કટકી કરવાના માર્ગ શોધતા રહે છે.

 લૉકડાઉનના સમયમાં જોવા મળી રહ્યું છે કે પોલીસની કડકાઇ સડક પર હિજરત કરી રહેલા ગરીબગુરબાઓ ઉપર જ ડંડા સ્વરૂપે વરસે છે. આવી જ સજા લોકોના હકના પૈસા મારતા દલાલો તેમજ જીવનજરૂરી ચીજવસ્તુઓ માટે અનેકગણી કિંમત વસુલતા વેપારીઓને પણ મળવી જોઇએ.

શહેરોમાં રોજીરોટી માટે આવેલા લોકો લૉકડાઉનના કારણે ફસાઇ ગયા છે. લૉકડાઉનના કારણે લોકો જ્યાં છે ત્યાં ફસાઇ ગયા છે. આમાંના અનેક લોકો એવા છે જે શહેરોમાં સારા જીવનની અને આવકની શોધમાં આવ્યા હતાં. આવા લોકો પાસે હવે કોઇ આશરો નથી રહ્યો. આ લોકો હવે પગપાળા કે પછી જે વાહન મળ્યું એમાં પોતાના વતન તરફ જઇ રહ્યાં છે. કેટલાયે લોકો તો એવા છે જે બેત્રણ કે પછી એનાથીયે વધારે દિવસો બાદ તેમના ઘરે પહોંચશે. આમાંના મોટા ભાગના લોકો શહેરોમાં મજૂરી કરીને પેટિયુ રળે છે પરંતુ લૉકડાઉનના કારણે તેમની પાસે હવે કોઇ કામ જ નથી રહ્યું. 

લૉકડાઉનના કારણે ઊભી થયેલી બેરોજગારીની સ્થિતિનો ભોગ બનેલા આ એવા લોકો છે જેઓ દિનભર કામ કરીને મહેનતાણુ મેળવે છે અને પરિવારનું ભરણપોષણ કરે છે. આપદાના સમયે સૌથી મોટી કઠણાઈ આવા દહાડિયા મજૂરો માટે જ ઊભી થાય છે. દેશમાં કરોડો લોકો આવા રોજિંદું મહેનતાણું મેળવતા શ્રમિકો છે. આવા શ્રમિકો ખરેખર તો દેશના નિર્માણમાં બહુ મોટો ભાગ ભજવે છે. કોઇ પણ સમાજ, દેશ, સંસ્થા કે ઉદ્યોગમાં કામ કરતા આવા શ્રમિકોનું મહત્ત્વ ઓછું ન આંકી શકાય. આવા શ્રમિકોના પરિશ્રમ વિના ઓદ્યોગિક માળખું ઊભું થવાની કલ્પના પણ ન થઇ શકે.

શ્રમિકોનો મોટો વર્ગ કૃષિ ક્ષેત્ર સાથે પણ જોડાયેલો છે. ફેકટરીઓ અને કંપનીઓમાં કરોડો શ્રમિકો કામ કરે છે. આમ પણ આવા શ્રમિકો શોષણનો શિકાર બનતા હોય છે. એવામાં જો કોરોના વાઇરસના કારણે લોકડાઉનની સ્થિતિ આવે તો આવા રોજિંદું પેટિયું રળતા લોકો માટે તો જીવનમરણનો પ્રશ્ન ઊભો થઇ જશે. એવામાં આવા શ્રમિકોને ભૂખે મરવાનો વારો ન આવે એ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ મદદ કરવાની પહેલ કરવી જોઇએ અને એ માટે ચોક્કસ નીતિ બનાવવી જોઇએ. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનના મતે કોરોના વાઇરસ માત્ર સ્વાસ્થ્યને લગતુ સંકટ જ નહીં, પરંતુ શ્રમબજાર અને આર્થિક સંકટ પણ બની ગયું છે. 

સંસ્થાના મતે કોરોના વાઇરસના પ્રકોપના કારણે ઊભી થનારી બેરોજગારીની પરિસ્થિતિને પહોંચી વળવા તમામ દેશોએ તૈયાર રહેવું પડશે. સરકારો જે ઝડપે અને સ્તરે આ સંકટને નાથવા માટે પ્રયાસો કરશે એવા પરિણામ મળશે.

સામાન્ય રીતે આવા સંજોગોમાં ભારત જેવા વિકાસશીલ દેશોમાં સ્વરોજગાર ભારે કામ લાગતો હોય છે પરંતુ લોકો અને માલસામાનના પરિવહન પર લાગેલા પ્રતિબંધોના કારણે સ્વરોજગાર પણ કારગર સાબિત નહીં થાય. લાખો લોકો રોજગાર ગુમાવશે તો એની સીધી અસર બજાર પર પડશે. કારણ કે લોકોની આવક જ નહીં હોય તો વસ્તુઓ અને સેવાઓની ખરીદીમાં પણ મંદી આવશે. જેના કારણે અર્થવ્યવસ્થાની મંદી ઓર વકરશે. અર્થશાસ્ત્રીઓ સવાલ કરી રહ્યાં છે કે જે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવ્યું છે એ રકમ દેશની અર્થવ્યવસ્થા પર કેટલો બોજ વધારશે એ જાહેર નથી થયું. 

જાણકારોના મતે લૉકડાઉનના કારણે જે નાના અને મધ્યમ ઉદ્યોગો બંધ થઇ ગયા છે એ ઉદ્યોગો અને એના કર્મચારીઓના મામલે કોઇ જાહેરાત કરવામાં નથી આવી. કોરોના વાઇરસના કારણે સૌથી વધારે નુકસાન એવિયેશન અને ટુરિઝમ ઇન્ડસ્ટ્રીને થયું છે જેમના માટે અલગ પેકેજ આવવાની અપેક્ષા છે. એક રીતે તો ભારત સરકારે મંદીમાં જઇ રહેલી અર્થવ્યવસ્થાને જોખમમાં મૂકીને પણ ગરીબોના જીવ બચાવવાનો માર્ગ પસંદ કર્યો છે. અર્થશાસ્ત્રીઓના મતે આ મોટું જોખમભર્યું પગલું છે કારણ કે બેત્રણ મહિના બાદ પરિસ્થિતિ યથાવત્ થાય ત્યારે અર્થવ્યવસ્થાને ફરી પાટે ચડાવવી અત્યંત મુશ્કેલ બની રહેશે.

સરકારે જાહેર કરેલી રાહતનો ફાયદો કેટલા જરૂરતમંદ લોકો સુધી પહોંચે છે એ તો આવનારા સમયમાં ખબર પડશે પરંતુ એટલું ખરું કે મુસીબતના આ સમયમાં લોકોને મદદ કરવાના હેતુથી સરકારે જે નિર્ણય લીધો એની વિપક્ષોએ પણ પ્રશંસા કરવી પડી છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો