ધ ગ્રેટ માઇગ્રેશનઃ વતનવાપસી માટે મજબૂર લોકો

- શહેરોમાં રોજીરોટી માટે આવેલા લોકોને કોરોના વાઇરસ કરતાં યે મોટો ડર એ વાતનો છે કે લૉકડાઉનની સ્થિતિમાં પેટનો ખાડો કેવી રીતે પુરાશે? અને એટલા માટે જ આવા લોકો જીવના જોખમે પણ વતન તરફ દોટ મૂકી રહ્યાં છે


ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસોની સંખ્યા એક હજારના આંકને પણ વટાવી ગઇ છે. ભારત સરકારે કોરોના વાઇરસના ચેપને ફેલાતો અટકાવવા માટે દેશભરમાં લૉકડાઉન જાહેર કર્યું છે તેમ છતાં રોજીરોટી માટે મોટા શહેરોમાં આવેલા લોકોનું પોતાના ગૃહ શહેરો અને ગામડા તરફનું પલાયન ચાલુ છે. લૉકડાઉન બાદ પણ જે રીતે કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યામાં ઉછાળો આવી રહ્યો છે એ જોતાં લોકોનું આ પલાયન ભારે ચિંતાનો વિષય છે.

વતનવાપસી માટે જમા થયેલા લોકોની ભીડની તસવીરો ચિંતા ઉપજાવે છે. આ એવા લોકો છે જેમને કોરોના વાઇરસથી વધારે ડર એ વાતનો છે કે લૉકડાઉનની સ્થિતિમાં પેટનો ખાડો કેવી રીતે પુરાશે? આ લોકો ભારે બેહાલ અને દહેશતભરી પરિસ્થિતિમાં છે. મહિલાઓ નાના નાના બાળકોને તેડીને આમતેમ ફાંફાં મારી રહી છે. લોકો ઘરવાપસી માટે નીકળી તો પડયાં છે પરંતુ લૉકડાઉનના કારણે વચ્ચે જ ક્યાંક અટવાઇ ગયાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોને જ્યાં છે ત્યાં જ રહેવા માટે સલાહ આપી ચૂક્યાં છે. તેમ છતાં જે પરિસ્થિતિ સર્જાઇ છે એ જોતાં તેઓ વ્યથા અનુભવી રહ્યાં છે.

કોઇ પણ દેશના નાગરિકોને પોતાના દેશમાં કોઇ પણ પ્રાંતમાં કોઇની મંજૂરી લીધા વિના વસવાટ કરવાનો અને કામ કરવાનો અધિકાર હોય છે. સ્વાભાવિક રીતે ભારતમાં પણ લાખો લોકો રોજીરોટી માટે મહાનગરોમાં આવતા હોય છે. સામાન્ય રીતે દરેક સ્થાનિક તંત્રની જવાબદારી હોય છે કે તે પોતાના ક્ષેત્રમાં વસતા દરેક નાગરિકની સુરક્ષા અને કલ્યાણનું ધ્યાન રાખે. બીજી બાજુ લાખો લોકો એવા પણ છે જે રોજીરોટી કે પછી કારકિર્દી માટે વિદેશ જાય છે.

વિદેશમાં રહેવા અને કામકાજ કરવા માટે વિઝા અને વર્ક પરમિટની જરૂર હોય છે. કોરોના વાઇરસનો રોગચાળો ફાટી નીકળ્યા બાદ ભારત સરકાર વિદેશમાં વસતા ભારતીયોને ગમે તેમ કરીને પણ વતન પાછા લાવી છે. પરંતુ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારો રોજીરોટી માટે જ દેશમાં વતનથી દૂર વસતા પ્રજાજનોની વતનવાપસી માટે વ્યવસ્થા નથી ગોઠવી શકી. 

ઘરથી કે વતનથી દૂર વસતા લોકો, પછી એ દેશમાં જ બીજા કોઇ પ્રાંતમાં ગયા હોય કે પછી વિદેશ ગયા હોય, તમામની મનોસ્થિતિ એકસમાન હોય છે કે સંકટના સમયે તેઓ પોતાના વતનમાં, પોતાના ઘરોમાં અને પોતાના લોકો વચ્ચે સલામતિ અનુભવતા હોય છે. તેમને લાગે છે કે પરિવારની પાસે રહીને તેઓ પોતાના લોકોની દેખભાળ કરી શકશે અને પોતાના લોકો તેમની દેખભાળ કરી શકશે. અસુરક્ષા અને સુરક્ષાની આ ભાવના આખી દુનિયાના લોકોમાં જોવા મળતી હોય છે. એ જ કારણ છે કે જર્મની, રશિયા, યુક્રેન અને ઇઝરાયેલ જેવા દેશો ભારતમાં રહેતા તેમના નાગરિકોને લૉકડાઉન છતાં પાછા લઇ ગયા છે. બીજી બાજુ વિદેશમાં એવા અનેક ભારતીયો છે જેઓ વિમાનસેવાઓ બંધ હોવાના કારણે ભારત પાછા નથી આવી શકતા. 

વિદેશોમાં ભારતીય એમ્બસીઓ તેમજ દેશમાં બહારના દેશોની એમ્બસીઓ પોતપોતાના નાગરિકોને સહાય કરવા માટે પ્રયાસરત હોય છે. પરંતુ જોવા જેવી બાબત એ છે કે આવી કોઇ વ્યવસ્થા દેશના રાજ્યોમાં નથી. ભારત જેવા વિશાળ દેશમાં જો દરેક રાજ્યમાં બીજા રાજ્યોના પ્રતિનિધિઓ હોય જે પોતાના પ્રાંતમાંથી આવતા લોકોનું ધ્યાન રાખે તો છેલ્લા થોડા દિવસથી જે અંધાધૂંધીભરી પરિસ્થિતિ સર્જાઇ છે એ ન સર્જાઇ હોત.

વતન જવા માટે પગપાળા જ નીકળી પડેલા લોકો, માથે સામાન અને કેડે બાળક હોય એવા અનેક દૃશ્યો જોવા મળ્યાં છે અને તેમને જે હાલાકી થઇ રહી હશે એની તો કલ્પના જ થઇ શકે. એમાંયે ઘરે પહોંચવા માટે વલખાં મારી રહેલા લોકો પર લાઠી વરસાવતી અને ઉઠબેસ કરાવતી પોલીસને જોઇને તો અરેરાટી જ ઉપજે છે. 

ખરેખર તો લૉકડાઉનના કારણે જે પરિસ્થિતિ ઉદ્ભવી છે એને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારોએ પોતાના નાગરિકોની સુરક્ષા માટે અલગ માળખું ઊભું કરવાની જરૂર છે. હાલ તો કેટલાંક રાજ્યોના મુખ્યમંત્રીઓ બીજા રાજ્યોને પત્ર લખીને પોતાના પ્રાંતના મજૂરોનું ધ્યાન રાખવા માટે વિનંતી કરી રહ્યાં છે અને પોતાના રાજ્યમાં બીજા પ્રાંતના લોકોનું ધ્યાન રાખવાની ખાતરી આપી રહ્યાં છે.

તેમ છતાં વતનવાપસી માટે લોકો હવે પગપાળા કે પછી જે વાહન મળ્યું એમાં પોતાના વતન તરફ જઇ રહ્યાં છે. કેટલાયે લોકો તો એવા છે જે બેત્રણ કે પછી એનાથીયે વધારે દિવસો બાદ તેમના ઘરે પહોંચશે. આમાંના મોટા ભાગના લોકો શહેરોમાં મજૂરી કરીને પેટિયુ રળે છે પરંતુ લૉકડાઉનના કારણે તેમની પાસે હવે કોઇ કામ જ નથી રહ્યું. 

ભારતમાં આશરે ૪૫ કરોડ જેટલા લોકો છે જેઓ પોતાનું વતન છોડીને બીજે વસવાટ કરે છે. આમાંના મોટા ભાગના લોકો એવા છે જે પોતાના જ રાજ્યમાં બીજા સ્થળે રહેતા હોય. પરંતુ વર્ષ ૨૦૧૭ના આર્થિક સર્વે અનુસાર ૧૦ કરોડથી વધારે લોકો એવા છે જે બીજા રાજ્યોમાં વસવાટ કરી રહ્યાં હોય. વિદેશમાં વસતા લાખો લોકોની સરખામણીમાં આ આંકડો ક્યાંય મોટો છે એ સંજોગોમાં આવા લોકોના કલ્યાણનો વિચાર કરવો જરૂરી બની જાય છે. જે રીતે વિદેશમાં વસતા લોકો વિદેશી હુંડિયામણ કમાવી આપે છે એ જ રીતે આ લોકો પણ અબજો રૂપિયાની આવકનો સ્ત્રોત છે. 

તેમ છતાં તંત્ર એ વાતનું કદી ધ્યાન રાખતું નથી કે પરપ્રાંતીય લોકોને યોગ્ય મહેનતાણુ મળે છે કે નહીં. બીજા પ્રાંતોમાં રહીને રોજીરોટી કમાતા લોકો વતનમાં વસતા પોતાના પરિવારોના ભરણપોષણ માટે પણ રકમ મોકલતા હોય છે અને એ રીતે દેશમાં પણ નાણું ફરતું રહે છે. દેશમાં કેટલાંક રાજ્યો ઉદ્યોગધંધા તેમજ વસવાટની દૃષ્ટિએ સમૃદ્ધ છે તો બીજા કેટલાંક રાજ્યો એવા પણ છે જ્યાં વધારે સંસાધનો ન હોય. આવા રાજ્યોના લોકો જ રોજીરોટી અને વધારે સારા જીવનની શોધમાં મોટા શહેરો કે પ્રાંતોમાં જતાં હોય છે. 

લોકો જે મોટી સંખ્યામાં પલાયન કરી રહ્યાં છે એ જોતાં તો કોરોના વાઇરસનો ફેલાવો ઘટવાના સ્થાને ઓર વકરવાની દહેશત છે. જે રાજ્યોમાં પાછા ફરી રહેલાં લોકોની સંખ્યા મોટી છે એવા રાજ્યોને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલે હાઇ રિસ્ક ઝોનમાં મૂકી દીધાં છે. હાલ તો એવું લાગી રહ્યું છે કે વતનવાપસી કરનારા મજૂરોની સંખ્યા ઉત્તરપ્રદેશ, બિહાર અને રાજસ્થાનમાં સૌથી વધારે હશે. સૌથી મોટી ચિંતાની વાત તો એ છે કે મોટા ભાગના વતનવાપસી કરનારા લોકો ગામડાઓમાં વસે છે. ગામડાઓમાં શહેરોની સરખામણીમાં ચિકિત્સકીય સુવિધાઓ નામ માત્રની છે. એવામાં હવે રાજ્ય સરકારો સમક્ષ વતનવાપસી કરતા લોકોની સુરક્ષા મોટો પડકાર બની ગઇ છે. 

વતનવાપસી માટે નીકળી પડેલા લોકો મજૂરો જ છે એવું નથી. અનેક લોકો એવાં છે જેઓ શહેરોમાં નાનીમોટી નોકરી કરતાં હતાં તો અનેક વિદ્યાર્થીઓ પણ છે જે ઉચ્ચ શિક્ષણ માટે શહેરોમાં ગયા હતાં. આમાંના અનેક લોકો તો એવાં છે જેમને ભાડું ન ચૂકવી શકવાની સ્થિતિમાં મકાનમાલિકોએ કે પેઇંગગેસ્ટ અથવા તો હોસ્ટેલ છોડવા માટે કહી દેવામાં આવ્યું. આવા લોકો તો લૉકડાઉનની સ્થિતિમાં પણ રસ્તા પર આવી ગયાં છે. હવે આ લોકો પણ જે મળ્યું એ વાહન લઇને પોતાના ઘરે જવા નીકળી પડયાં છે. 

ઘણાં ખરાં રાજ્યોની સરહદોએ લોકોનો જમાવડો જામેલો જોવા મળે છે અને આ બધાં વચ્ચે અકસ્માતોની ખબર પણ આવી રહી છે. દિલ્હીથી મધ્યપ્રદેશ પગપાળા જવા નીકળેલા એક યુવકનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયાના સમાચાર છે. તો હૈદરાબાદમાં પણ કર્ણાટક પાછા ફરી રહેલાં આઠ જણા અકસ્માતનો ભોગ બનીને મૃત્યુ પામ્યા. મુંબઇ-અમદાવાદ હાઇવે ઉપર પણ એક ટ્રકની અડફેટમાં આવીને ચાર જણા મૃત્યુ પામ્યા. એ સાચું કે વતન તરફ દોટ મૂકી રહેલાં લોકોની પોતાની મજબૂરી છે પરંતુ શહેરોમાંથી ગામડા તરફ જઇ રહેલાં લોકો હવે ગામડાઓમાં પણ કોરોના વાઇરસના સંક્રમણનું જોખમ વધારી રહ્યાં છે. 

લોકો જ્યાં છે ત્યાં જ રહેવાની તાકીદ એટલા માટે કરવામાં આવી છે કે આવા લોકો કોરોના વાઇરસના વાહક બની શકે છે. ખરેખર તો લોકોની આટલી મોટી સંખ્યામાં અવરજવરના કારણે કમ્યુનિટી ટ્રાન્સમિશનનું જોખમ અનેકગણું વધી ગયું છે. 

કેન્દ્ર સરકારે પણ રાજ્ય સરકારોને સખત કાર્યવાહીની તાકીદ કરી છે કે પરપ્રાંતીય લોકોને ઘર ખાલી કરાવતા મકાનમાલિકો વિરુદ્ધ પગલાં લેવામાં આવે. શહેરોમાં પણ લોકોની અવરજવર પર કડક પ્રતિબંધ મૂકવામાં આવ્યાં છે. કોરોના વાઇરસનું સંક્રમણ ત્રીજા સ્ટેજની નજીક છે એ સંજોગોમાં લૉકડાઉનનો કડકાઇથી અમલ ન થયો તો સ્થિતિ કાબુ બહાર જઇ શકે છે. શહરોમાં તો કોરોના વાઇરસની સારવારની સ્થિતિ થોડી સારી પણ છે પરંતુ ગામડાઓમાં તો સારવારની સ્થિતિ બદતર છે એ જોતાં સુવિધાની સાથે સાથે લોકોમાં જાગૃતિ ફેલાવવી પણ આવશ્યક બની ગઇ છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો