દિલ્હીની વાત : મોદીનું પ્રધાનોને રેડ્ડીની જેમ કામ કરવા ફરમાન
મોદીનું પ્રધાનોને રેડ્ડીની જેમ કામ કરવા ફરમાન
નવી દિલ્હી, તા.31 માર્ચ 2020, મંગળવાર
નરેન્દ્ર મોદી કોરોનાવાયરસ સામેની લડતમાં અત્યંત સક્રિય છે પણ તેમના સાથી પ્રધાનો એટલા સક્રિય નથી. મોદીએ બધા પ્રધાનોને જવાબદારીઓ સોંપી છે પણ એ જવાબદારી પણ પ્રધાનો બરાબર નિભાવતા નથી તેથી મોદી મોટા ભાગના પ્રધાનોથી નારાજ છે પણ રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી જી. કિશન રેડ્ડીની કામગીરીથી મોદી ખુશ છે. મોદીએ પોતાના સાથીઓને રેડ્ડીમાંથી પ્રેરણા લેવા પણ કહ્યું હોવાનું સરકારનાં સૂત્રો જણાવે છે.
રેડ્ડીએ રાષ્ટ્રીય સ્તરે કશું કરવાના બદલે આંધ્ર પ્રદેશ અને તેલંગાણા એ બે રાજ્યો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. રેડ્ડી આ રાજ્યોના અધિકારીઓ સાથે રોજ વીડિયો કોન્ફરન્સ કરીને તેમને સતત દોડાવતા રહે છે.
લોકડાઉનના કારણે મહિલાઓની મારઝૂડ વધી
કોરોનાવાયરસના કારણે લોકો ઘરોમાં પૂરાઈ રહ્યાં છે તેના કારણે મહિલાઓને મારઝૂડના બનાવો વધી ગયા છે. રાષ્ટ્રીય મહિલા પંચ દ્વારા કરાયેલા આ દાવાએ લોકોને ચોંકાવી દીધા છે. પંચનાં ચેરપર્સન રેખા શર્માએ પોતે કબૂલ્યું છે કે, લોકડાઉનના એક અઠવાડિયામાં જ પતિ દ્વારા મારઝૂડની ફરિયાદો બમણી થઈ ગઈ છે.
સામાન્ય રીતે એક અઠવાડિયામાં ઈ-મેલ દ્વારા ત્રીસ જેટલી ફરિયાદો મળતી હોય છે. તેના બદલે આ અઠવાડિયે ૫૮ ઈ-મેલ મળ્યા છે અને ફોન કોલ્સ તો અગણિત મળ્યા છે. પોસ્ટ ઓફિસો બંધ છે તેથી પોસ્ટ દ્વારા મળેલી ટપાલો ગણતરીમા નથી લેવાઈ પણ પંચને સૌથી વધુ ફરિયાદો ટપાલ મારફતે મળતી હોય છે. શર્માના મતે, નબળો માટી બૈયર શૂરો એ હિસાબે ઘરમાં પૂરાયેલા પુરૂષો મહિલાઓ પર હતાશા ઠાલવી રહ્યા છે. મોટા ભાગની ફરિયાદો ઉત્તર ભારતમાંથી મળી રહી છે.
લોકડાઉનની જાહેરાત કરાઈ ત્યારે તેની આવી આડઅસર થશે એવું કોઈએ વિચાર્યું પણ નહીં હોય.
પગારકાપ કરી ઉધ્ધવે મોદીને મૂંઝવણમાં મૂકી દીધા
લોકડાઉનના પગલે મહારાષ્ટ્રની ઉધ્ધવ ઠાકરે સરકારે ધારાસભ્યોના પગારમાં ૬૦ ટકા કાપનો નિર્ણય લીધો તેના કારણે મોદી સરકારની હાલત કફોડી થઈ ગઈ છે. ઉધ્ધવ ઠાકરેએ પોતાના સહિત તમામ પ્રધાનોના માર્ચ મહિનાના પગારમાં કાપ મૂકી દીધો છે. ઉધ્ધવે તો ક્લાસ વન અને ટુ અધિકારીઓના પગાર ૫૦ ટકા તથા ક્લાસ થ્રી કર્મચારીઓના પગાર ૨૫ ટકા કાપવાનો પણ નિર્ણય લીધો. ચોથા વર્ગના કર્મચારીઓના પગાર નહીં કપાય. આ નિર્ણય દ્વારા ઉધ્ધવે કર્મચારીઓના એક વર્ગને નારાજ કર્યો પણ લોકોને ખુશ કરી દીધા છે એવું રાજકીય વિશ્લેષકો માને છે.
આ નિર્ણયના પડઘા મોદી સરકારમાં પણ પડયા છે. લોકોની સહાનભૂતિ જીતવા મોદીએ પણ આ પગલું ભરીને પગાર કાપનો ઉપયોગ પોલીસ તથા હેલ્થ વર્કર્સને વધારાનો પગાર આપવા તેમની નજીકના અધિકારીઓએ વ્યક્ત કર્યો છે.
કોરોના ફેલાવવા બદલ ચીન સામે કેસ ઠોકો
ભારતમાં કોરોનાવાયરસના વધતા કેસો વચ્ચે કોંગ્રેસના અરૂણાચલ પ્રદેશના ધારાસભ્ય નિનાંગ એરિંગે નરેન્દ્ર મોદી અને એસ. જયશંકરને લખેલો પત્ર ચર્ચાસ્પદ બન્યો છે. નિનાંગે અપીલ કરી છે કે, ચીને કોરોનાવાયરસના માધ્યમથી દુનિયા સામે 'જૈવિક યુધ્ધ' છેડી દીધું છે ત્યારે ભારતે તેની સામે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કેસ ઠોકી દેવો જોઈએ. ભારતે લોકડાઉનના કારણે થયેલા નુકસાન પેટે ચીન પાસેથી ૨૨ અબજ ડોલરની રકમ પણ વળતર તરીકે માગવી જોઈએ.
***
કોંગ્રેસી મુખ્યમંત્રીઓ પાસેથી દરરોજ અપડેટ મેળવતાં સોનિયા ગાંધી
કોરોના વાયરસની મહામારી વચ્ચે કોંગ્રેસે તેમના રાષ્ટ્રીય પ્રવક્તાઓ ઉપરથી ટીવી ડિબેટમાં જવાનો પ્રતિબંધ હટાવી લીધો હતો. આઠ મહિના અગાઉ કોંગ્રેસે કોંગ્રેસના પ્રવક્તાઓને ટીવી ડિબેટમાં જવા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. જે પ્રવક્તાને ટીવી ડિબેટમાં જવું હોય તેમને પરવાનગી લેવી પડતી હતી, પરંતુ કોરોનાની આ કટોકટી વચ્ચે કોંગ્રેસે પ્રવક્તાઓને ફરીથી ટીવીમાં પાર્ટીની વિચારધારા રજૂ કરવાની છૂટ આપી છે. કોરોના સામે કોંગ્રેસના મુખ્યમંત્રીઓ વધુ સક્રિય છે એ સાબિત કરવાનો મોકો કોંગ્રેસ ઝડપવા ધારે છે.
કોરોનાની મહામારી વચ્ચે રાહતનું રાજકારણ
કોરોના વચ્ચે રાહતનું રાજકારણ પણ શરૂ થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતવિસ્તાર વારાણસીમાં મોદી કિટ્સ નામથી રાહત આપવાનું શરૂ થયું છે. ઉત્તર પ્રદેશના આ શહેરમાં મોદીના ફોટા સાથે કેસરી રંગની બેગનું વિતરણ શરૂ કરાયું છે. બેગમાં પાંચ કિલો ઘઉંનો લોટ, એક કિલો દાળ, બે કિલો ચોખા, ચણા-ચા-તેલ-ખાંડ વગેરે જેવી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. ભાજપના નેતાઓ કહેતા સંભળાતા હતાઃ વારાણસીમાં લગભગ ૧૧૦૦૦ મોદી કિટ્સનું વિતરણ કરાયું હતું. એક કિટ ભાજપના સ્વર્ગસ્થ નેતા અરૂણ જેટલીના ફોટા સાથે પણ અપાઈ હતી.
સમાજવાદી પાર્ટીએ પણ અખિલેશ બેગ્સ નામની કિટનું વિતરણ શરૂ કર્યું હતું. એમાં વળી મીઠાઈનો પણ સમાવેશ કરાયો હતો. યુપી કોંગ્રેસે પ્રિયંકા ગાંધીની દેખરેખમાં ખાસ હેલ્પલાઈન લોંચ કરીને લોકોને કોઈ પણ પ્રકારની મદદ માટે આહ્વાહન આપ્યું હતું.
દિલ્હીના ભૂખ્યા કૂતરાઓ
કોરોનાના કારણે જ્યારથી લોકડાઉન શરૂ થયું છે ત્યારથી પ્રાણીઓને પણ ખોરાક મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. દિલ્હીમાં અત્યાર સુધી શેરી-ગલીમાં રખડતા કૂતરાઓને ખાવાની સમસ્યા નડતી ન હતી. લોકો કંઈકનું કંઈક વધેલું-ઘટેલું ખવડાવી દેતાં. હોટેલ-રેસ્ટોરન્ટ્સમાં વધ્યું હોય એ પણ કૂતરાઓને મળી જતું હતું, પરંતુ લોકડાઉન પછી સ્થિતિ સદંતર બદલાઈ ગઈ છે. હવે કૂતરાઓને ભૂખ્યા પેટે હડિયાપટ્ટી કરવી પડે છે એટલે તેના બિહેવિયરમાં મોટો ફરક જોવા મળ્યો છે. એનિમલ એક્સપર્ટ્સના કહેવા પ્રમાણે દિલ્હીમાં કૂતરાઓ રાત-રાતભર ભસીને ભૂખ્યા હોવાનો સંકેત આપવા લાગ્યા છે.
ભૂખ્યા રહેવા કરતાં જેલવાસ સારો
માત્ર પ્રાણીઓના જ બિહેવિયરમાં ફરક પડયો એવું નથી, માણસને પણ ભૂખની ચિંતા સતાવી રહી છે. કેટલાક મજૂરો સામે ચાલીને પોલીસને ફોન કરીને જણાવે છે કે તેમને કાયદો તોડયો છે. કેટલાય મજૂરો પોલીસ સમક્ષ આવીને જણાવતા થયા છે કે તેમણે લોકડાઉનના કાયદાનો ભંગ કર્યો છે. એ પાછળ તેમનું સાદું ગણિત એવું છે કે જો પોલીસ પકડીને તેમને જેલમાં ધકેલી દે તો એટલિસ્ટ ખાવાની સમસ્યા હાલ પૂરતી હલ થઈ જાય. જેલમાં નિયત કરેલો ખોરાક તો મળી જાય છે, અત્યારે બહાર તો બે ટંકનો ખોરાક પણ રામભરોસે છે!
પરપ્રાંતીય મજૂરોના મુદ્દે કેન્દ્ર સરકાર ભીંસમાં
અત્યાર સુધી મોદી સરકારના બધા જ નિર્ણયોનું સમર્થન કરનારા વિપક્ષો ધીમા સૂરે વિરોધનો ગણગણાટ કરતા થયા છે. રાહત પેકેજ સહિતના મુદ્દે કોંગ્રેસ સહિતના વિપક્ષોએ મોદી સરકારના નિર્ણયની પ્રશંસા કરી હતી, પરંતુ કોરોના કટોકટી વચ્ચે પહેલી વખત પરપ્રાંતીય મજૂરોના મુદ્દે કેન્દ્ર સરકાર ભીંસમાં આવી છે. ડાબેરી નેતા બ્રિન્દા કરાતે મજૂરોના પ્રશ્ને કેન્દ્ર સરકારની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે દેશના લોકો સામે લક્ષ્મણ રેખા ખેંચનારા વડાપ્રધાને તેમની નોકરીની, તેમના ખાવાની, તેમના રહેવાની ચિંતા કરવાની ખાસ જરૂર છે. હજારો-લાખો મજૂરો તેમના વતનથી દૂર ઉપર-આભ નીચે જમીનની સ્થિતિમાં દિવસો પસાર કરે છે તે યોગ્ય નથી. ખાસ તો યુપી-બિહારના મજૂરો અટવાઈ પડયા છે ત્યારે ત્યાંની રાજ્ય સરકારોએ પણ સક્રિય થવાની જરૂર છે.
-ઈન્દર સાહની
Comments
Post a Comment