શિસ્તનો જોખમી અભાવ .

 
કોરોના સામે લડવા માટે ભારત સરકારે જાહેર કરેલા 21 દિવસના રાષ્ટ્રીય લોકડાઉનની હજુ તો પ્રારંભિક અવસ્થા છે. વડાપ્રધાને જે નિઃશબ્દ ઈશારો કર્યો તેનો એક અર્થ એટલે કે બિટવિન ધ લાઈન્સ ટકોર એ છે કે આપણે આ નવા સંયોગોમાં હજુ લાંબી સફર પાર કરવાની છે. સરકારે જાહેર કરેલા લોકડાઉનને સામાન્ય વર્ગ તરફથી યોગ્ય પ્રતિસાદ મળ્યો છે. પરંતુ દેશમાં કેટલાક બુદ્ધિજીવીઓ અને ઉત્પાતિયા સ્વભાવ ધરાવનારા લોકો એને જે રીતે હળવાશથી લઇ રહ્યા છે તે ગંભીર ચિંતાનો વિષય છે.

સોમવારે વડાપ્રધાને રાષ્ટ્રને કરેલા સંબોધનમાં દરેક રાજ્યને સીધો આદેશ આપેલો છે કે તે પોતાના નાગરિકો પાસે કડકાઇથી કામ લે અને કેન્દ્રની સૂચનાનો સખત રીતે અમલ કરાવે. પરંતુ મોટાભાગની રાજ્ય સરકારો હજુ આજે પણ કડક અમલ કરાવી શકી નથી. પોલીસ અને ટ્રાફિક પોલીસે રસ્તા પર નાકાબંધી કરી છે તેની સામે વિવિધ બહાનાબાજી કરીને સ્વૈરવિહાર કરનારો ઘણો મોટો સમૂહ દેશમાં છે અને હવે તો એ હરતા ફરતા લોકો જ કોરોના સંદર્ભમાં દેશ પરનું સૌથી મોટું જોખમ છે. 

કોઈને થોડું-ઘણું બેન્કિંગ કામ હોય કે મેડિકલ કામ હોય કે વડીલોની સેવાના સંદર્ભમાં કંઈ કામ હોય તો તે સમજી શકાય છે અને એ બધા કામો બહુ નજીકના અંતરમાં થઈ શકતા હોય છે. છતાં અત્યારે દેશના તમામ મોટા શહેરોમાં દૂરના એક વિસ્તારથી બીજા વિસ્તારમાં જતા-આવતા લોકોની સંખ્યા નાનીસૂની નથી. જેને હાઈએસ્ટ એસેન્સિયાલિટી કહેવાય એ ન હોય એટલે કે બહુ જ મોટા પ્રકારની અનિવાર્યતા ન હોય અને એ અનિવાર્યતા ઑન રોડ વિથ ડોકાયુમેન્ટસ્ પુરવાર ન થાય ત્યાં સુધી સરકારે આવા નાગરિકોને અવરજવર કરવા દેવી જોઈએ નહીં.

આપણા દેશમાં સ્વયંશિસ્તનું પ્રમાણ કેટલું નિમ્ન છે એની તો આપણને રોજ-બ-રોજની ટ્રાફિક વ્યવસ્થાના અનુભવ પરથી ખબર છે જ ! કોરોનાના ભયને કારણે ઘણો ફેર પડયો છે એની ના નથી, પરંતુ જનજીવનમાં સંપૂર્ણ સ્તબ્ધતા અને અલગતાનું જે નિર્માણ થવું જોઈએ તે હજુ બાકી છે. હજુ પણ ઘણા છીંડા રહી ગયા છે જેનો લાભ લઈને વ્યસનીઓ રસ્તાઓ પર રખડી રહ્યા છે. આ એ લોકો છે કે જેના દ્વારા કોરોના વાયરસ પોતાનો પ્રવાસ આગળ ધપાવી શકે છે. 

મહાભારતમાં એક પ્રસંગ આવે છે, જેમાં દ્રૌપદી અને પાંચ પાંડવો જંગલના કોઈ વિસ્તારમાં છુપાયેલા છે. દ્રોપદીને તરસ લાગે છે અને એક પછી એક પાંચેય પાંડવો પાણીની શોધ કરવા માટે જાય છે. પ્રથમ ચાર ભાઈઓ પરત ન આવતાં છેવટે યુધિરિ જાય છે. જયારે યુધિરિને ખબર પડે છે કે નજીકના એક તળાવને કિનારે એમના ચારેય બંધુઓ બેહોશ પડયા છે ત્યારે તે નજીક પહોંચે છે. તે તળાવના પાણી પર એક યક્ષનો અંકુશ હતો. એ યક્ષે કહ્યું કે મારા પ્રશ્નોના જવાબ આપો તો તમારા બંધુઓ સજીવન થશે અને તો જ તમે પાણી ભરી શકશો. કથા બહુ રસપ્રદ છે, પરંતુ સંક્ષિપ્તમાં જોઈએ તો યક્ષે એક પ્રશ્ન એવો પૂછયો કે આ સંસારનું પરમ આશ્ચર્ય શું છે ? એના જવાબમાં યુધિરિ કહ્યું કે દરેક મનુષ્ય બીજાને મૃત્યુ પામતો જુએ છે અને પોતે માને છે હું મૃત્યુ પામવાનો નથી - એ આ સંસારનું સૌથી મોટું આશ્ચર્ય છે. 

કોરોનાના સંદર્ભમાં પણ આ પુરાણકથા બહુ મહત્ત્વની છે. કારણ કે બીજા બધા જ દેશોની પરિસ્થિતિ આપણે નજરોનજર જોઈએ છીએ. છતાં હજુ આપણામાંના મોટા ભાગના લોકો એમ માને છે કે આપણે ત્યાં એવી પરિસ્થિતિ નહીં સર્જાય. આવી માન્યતાને કારણે સરકારની સૂચનાઓને હળવાશથી લેનારો એક વર્ગ આપણા સમાજની વચ્ચે જ છે, જે યોગ્ય નથી. અત્યારે કાળ બદલાયેલો છે.

એટલે કે સમય અને સંજોગો ધરમૂળથી બદલાઈ ગયા લાગે અને બદલાયેલા સંજોગોના બદલાયેલા નિર્ણયોનો જેઓ અમલ ન કરે તેઓ આ પરિસ્થિતિનો દુઃખદ રીતે ભોગ બને છે. શારીરિક સ્વસ્થતા માટે જે બૌદ્ધિક અભિગમ ભારતીય નાગરિકોમાં હોવો જોઈએ તે હજુ વર્તમાન સમયની જે ડિમાન્ડ છે એની તુલનામાં ઘટે છે અને આ ઘટ ભારતને ભારે પડી શકે છે.

પંજાબ અને મહારાષ્ટ્રમાં કરફ્યુ લગાડી દેવામાં આવ્યો છે. ગુજરાતમાં લોકડાઉન છે પણ વડાપ્રધાને કહ્યું જ છે કે આ એક પ્રકારનો કરફ્યુ જ છે. વડાપ્રધાનના એ વિધાનને કારણે પોલીસની સત્તા અને જવાબદારીમાં સ્વયમેવ વધારો થયેલો છે. છેલ્લા ત્રણેક દિવસમાં દેશમાં કોરોના વાયરસ પીડિત દરદીઓની સંખ્યા જે રીતે વધી છે એ જોતાં એ ચિંતા તો હજુ એમ ને એમ છે કે કોરોના ક્યાંક ભારતમાં વિસ્ફોટક રૂપ લઈ ન લે ! હકીકત એ છે કે હવે જે પરિસ્થિતિ ઊભી થઈ છે એનાથી સરકાર ચિંતિત છે અને લોકો ભયભીત છે.

જનસહયોગ વિના કોરોના પર કાબૂ પ્રાપ્ત કરવો અશક્ય છે. બ્રિટને તો બાર સપ્તાહ સુધી લોકોને તેમના ઘરમાં જ રહેવાનો કડક આદેશ કરેલો છે. વડાપ્રધાનના સંબોધનનો ધ્વનિ ભારતીય પ્રજાને આવનારા વિકટ દિવસો માટે તૈયાર કરવાનો અને સરકારના કઠોર આરોગ્યદાયક કદમોને સ્વીકારવા માટે તૈયાર કરવાનો છે. કરોડોના વિરાટ જનસાગર માટે વડાપ્રધાન એક મહાન લોકશિક્ષકની ભૂમિકામાં આવી ગયા છે. એમના નૈતિક નેતૃત્વ અને ગુણસંપુટ માટે પણ આ એક કસોટીકાળ છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો