ચિંતા ન કરો, લોકડાઉન 21 દિવસથી વધુ નહીં હોય


નવી દિલ્હી, તા. 30 માર્ચ 2020, સોમવાર

દેશભરમાં કોરોના વાઇરસનો કેર જારી છે, આ પરિસ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે લોકડાઉન જાહેર કર્યું છે ત્યારે દેશમાં વાઇરસનો ચેપ લાગ્યો હોય તેવા દર્દીઓની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. અત્યાર સુધીમાં ૩૫ લોકોએ કોરોના વાઇરસને કારણે જીવ ગૂમાવ્યો છે. જ્યારે ૧૨૪૨ લોકોને આ વાઇરસનો ચેપ લાગી ગયો છે. આ માહિતી સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવી હતી. જ્યારે મૃત્યુઆંક ૨૪ કલાકમાં જ ૨૯થી વધીને ૩૫ થઇ ગયો હતો. 

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી માહિતી અનુસાર કોરોના વાઇરસને થતા મોતમાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે છે જ્યારે ગુજરાત બીજા ક્રમે છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં નવ  લોકોએ જીવ ગૂમાવ્યો છે જ્યારે ગુજરાતમાં છ  લોકોએ, કર્ણાટકમાં ત્રણ, મધ્ય પ્રદેશમાં ૪, દિલ્હીમાં બે અને જમ્મુ કાશ્મીરમાં બે લોકોએ જીવ ગૂમાવ્યો છે. અત્યાર સુધીમાં જે પણ લોકોને ચેપ લાગ્યો તેમાં ૪૯ વિદેશીઓ પણ છે. 

બીજી તરફ દેશભરમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે કેન્દ્ર સરકાર ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે તેનો સમયગાળો વધારી શકે છે. 

જોકે આ દાવાઓને સરકારે રદીયો આપ્યો છે અને કહ્યું છે કે આવું કોઇ જ અયોજન સરકારનું નથી. પીઆઇબી મંત્રાલય દ્વારા ટ્વીટ કરીને આ માહિતી આપવામાં આવી હતી. આ રિપોર્ટમાં સરકારે કહ્યું હતું કે લોકોમાં હાલ એવી અફવાઓ ફેલાઇ રહી છે કે લોકડાઉનનો સમયગાળો વધારવામાં આવી શકે છે. જોકે આવુ કોઇ જ આયોજન સરકારનું નથી. હાલ લોકડાઉન ૨૧ દિવસનું જ રહેશે. 

સાથે સરકારે એવો પણ દાવો કર્યો છે કે હજુસુધી ભારતમાં કોમ્યૂનિટી વચ્ચે કોરોના વાઇરસ નથી ફેલાઇ રહ્યો, કેન્દ્રએ લોકડાઉનનો જે નિર્ણય લીધો તેનાથી લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે તે અંગે પોતાનો બચાવ કરતા સરકારે દાવો કર્યો છે કે લોકડાઉન હાલ મદદરુપ સાબિત થઇ રહ્યું છે. જોકે બીજી તરફ દરરોજ હાલ ૧૦૦થી વધુ કેસો વધી રહ્યા છે. 

જ્યારે મૃત્યુઆંક પણ દરરોજ વધી રહ્યો છે. સરકારે છેલ્લે જાહેર કરેલા આંકડા મુજબ રવિવારે દેશમાં કોરોના વાઇરસના સવારે સાડા દસ વાગ્યે ૧૦૭૧ કેસો હતા જે બીજા દિવસે સોમવારે સાંજ સુધી વધીને ૧૨૪૨ને પાર પહોંચી ગયા છે જ્યારે મૃત્યુઆંક ૨૯ હતો તે પણ વધીને સીધો ૩૫ થઇ ગયો છે, એટલે કે ૨૪ કલાકમાં જ મૃત્યુઆંક અને વાઇરસના ચેપનું પ્રમાણ ઝડપથી વધી ગયું છે. બીજી તરફ વાઇરસથી સાજા થયા હોય તેની સંખ્યા વધીને ૧૧૧ થઇ ગઇ છે તેથી લોકો સાજા પણ થઇ રહ્યા છે.  

સરકારે આશાવાદી સ્થિતિ રજૂ કરી

ભારત હજી લોકલ ટ્રાન્સમિશનના તબક્કામાં, કમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ નથી થયું

સરકારે કહ્યું હતુ કે લોકડાઉનની પોઝિટિવ અસર જોવા મળી રહી છે. તેના કારણે ભારત હજુ સુધી કમ્યુનિટી ટ્રાન્સમિશનના તબક્કામાં પહોંચ્યો નથી. ભારતની અત્યારે સ્થિતિ લોકલ ટ્રાન્સમિશન સ્ટેજની છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ હતુ કે દેશભરની સ્થિતિ પર નજર રાખ્યા પછી કહી શકાય એમ છે કે ભારત હજુ કમ્યુનિનિટી ટ્રાન્સમિશનના તબક્કામાં પહોચ્યો નથી. લોકડાઉનને કારણે સરકાર એ સ્થિતિમાં ભારતને પ્રવેશતો અટકાવી શકી છે. 

વાઈરસ ફેલાવાનો ત્રીજો તબક્કો કમ્યુનિટી ટ્રાન્સફર તરીકે ઓળખાય અને એ સૌથી ખતરનાક છે. કેમ કે તેમાં સમુદાયને ચેપ લાગવાની શરૂઆત થાય  અને મોટા વિસ્તારમાં ચેપ ફેલાય છે. આ સ્ટેજમાં વાઈરસને ટ્રેસ કરવો એટલે કે કોઈ વ્યક્તિને ચેપ ક્યાંથી લાગ્યો એ જાણવુ મુશ્કેલ થઈ પડે છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો