કોરોના સામે લડવાની ટ્રમ્પની બેદરકારી અમેરિકાને ભારે પડશે?

- ટ્રમ્પ માટે બેવડી મોકાણ એ વાતે સર્જાઇ છે કે કોરોના વાઇરસના ચેપના કારણે અમેરિકામાં વિનાશ વેરાય તો તેમને વર્ષના અંતે આવી રહેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પરાજય વેઠવો પડે એમ છે અને જો લૉકડાઉન જેવા આકરા પગલાં લે અને અર્થવ્યવસ્થા ખાડે જાય તો પણ લોકો તેમને જાકારો આપે એમ છે


ચીનમાંથી દુનિયાભરમાં પ્રસરેલા કોરોના વાઇરસનું સંક્રમણ ૨૦૦ દેશોમાં પહોંચી ગયું છે અને દુનિયાભરમાં સંક્રમિતોનો આંકડો આઠ લાખે પહોંચવા આવ્યો છે અને કોરોના વાઇરસના મૃતકોની સંખ્યા ૩૭ હજારથી પણ વધી ગઇ છે. ચીન બાદ યુરોપને ચપેટમાં લીધા બાદ કોરોના વાઇરસ હવે દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં કહેર મચાવી રહ્યો છે. અમેરિકામાં કોરોનાના સંક્મણથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા ત્રણ હજારને વટાવી ગઇ છે અને કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યામાં તો અમેરિકા ટોચે છે. અમેરિકામાં કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યા ચીન કરતાયે બમણી થઇ ગઇ છે.

ચીન બાદ ઇટાલી, સ્પેન, ફ્રાન્સ, જર્મની અને બ્રિટનસહિત યુરોપના દેશોમાં કોરોનાએ જે રીતે તબાહી મચાવી છે એમાંથી આખી દુનિયાએ સબક લઇને કોરોનાની મહામારી ફેલાતી રોકવા માટે લૉકડાઉન જેવા પગલાં લીધાં. પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હજુ પણ લૉકડાઉનને નાહકની કવાયત ગણાવે છે. જેમ જેમ સમય પસાર થઇ રહ્યો છે તેમ તેમ અમેરિકામાં કોરોના વાઇરસની પીડિતોની સંખ્યાની સાથે સાથે મૃતકોનો આંક પણ વધી રહ્યો છે. આજે દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ પણ કોરોના વાઇરસથી ત્રાહિમામ પોકારી રહ્યો છે.

તેમ છતાં કોરોનાની મહામારી સામે લડવા માટે અમેરિકાની સરકાર જે ગતિએ આગળ વધી રહી છે એ જોતાં તો એવું જ લાગે છે કે દુનિયામાં અમેરિકા જેવો બેદરકાર દેશ બીજો કોઇ નહીં હોય. આખી દુનિયા અત્યારે લોકોના જીવ બચાવવામાં પડી છે ત્યારે અમેરિકાની સરકાર લોકોના જીવના ભોગે પોતાની અર્થવ્યવસ્થા બચાવવાના હવાતિયા મારી રહી છે. ટ્મ્પને લાગે છે કે લૉકડાઉનના કારણે પહેલેથી જ મંદીનો સામનો કરી રહેલી અમેરિકાની અર્થવ્યવસ્થા ખાડે જતી રહેશે. ખરેખર તો અમેરિકાના નાગરિકોના જીવના ભોગે દેશની અર્થવ્યવસ્થાને ડૂબતી બચાવવાનો નિર્ણય અમાનવીય છે. 

કોરોના વાઇરસની ગંભીરતાને જોતા દુનિયામાં જૂજ દેશો એવા હશે જે લૉકડાઉન જેવા મહત્ત્વના પગલા લેવામાં પાછીપાની કરતા હશે. ટ્રમ્પ હજુ પણ સંપૂર્ણ લૉકડાઉનના સ્થાને સોશિયલ ડિસ્ટન્સિંગને જ કારગત ગણીને ચાલી રહ્યાં છે. આમ તો આ રીતનું સામાજિક અંતર જાળવી રાખવાની તકેદારી પણ ૧૫ એપ્રિલ સુધી જ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ પરિસ્થિતિની ગંભીરતાને જોતાં ટ્રમ્પે હવે આ સમયમર્યાદા ૩૦ એપ્રિલ સુધી વધારવી પડી છે. આમ પણ ટ્રમ્પ સરકારની કોરોના વાઇરસ સામે લડવાની ધીમી કામગીરીને લઇને ભારે ટીકા થઇ રહી છે. 

દુનિયાના સૌથી આધુનિક શહેરોમાં ગણાતા ન્યૂયોર્કમાં સોપો પડી ગયો છે. એ ન્યૂયોર્ક વિશે કહેવાતું કે જે કદી સૂતું નથી એની સડકો આજે વેરાન છે. દુકાનોથી લઇને મોલ બંધ છે અને લોકો ઘરોમાં પૂરાઇ ગયા છે. ન્યૂયોર્ક રાજ્યમાં કોરોના વાઇરસના સંક્મિતોની સંખ્યા ૬૦ હજાર કરતા વધી ગઇ છે. એમાં એકલા ન્યૂયોર્ક શહેરમાં સંક્રમિતોની સંખ્યા ૩૩ હજાર કરતા વધારે છે. ન્યૂયોર્ક શહેરમાં કોરોના વાઇરસ ભારે ઝડપથી ફેલાઇ રહ્યો છે અને અમેરિકાના બીજા ભાગો કરતા અહીંયા લોકોના મૃત્યુ પણ વધારે થઇ રહ્યાં છે. 

ન્યૂયોર્કની હોસ્પિટલોની અપૂરતી સગવડોની વાત પણ સામે આવી રહી છે. ડોકટરોના જણાવ્યા અનુસાર ન્યૂયોર્ક જેવા અત્યાધુનિક શહેરની હોસ્પિટલોમાં પણ ફેસ માસ્ક અને વેન્ટિલેટર જેવજીવન રક્ષક ઉપકરણોની તંગી છે. હવે જો ન્યૂયોર્કના આ હાલ હોય તો અમેરિકાની બીજા શહેરોની સ્થિતિ કેવી હશે એની તો કલ્પના જ કરવી રહી. અમેરિકાના જ અનેક નિષ્ણાંતોએ આશંકા વ્યક્ત કરી છે કે હાલની ગતિએ કોરોના વાઇરસના કેસ વધતાં રહ્યાં તો અમેરિકામાં કોરોના પીડિતોની સંખ્યા લાખોમાં હશે. 

કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યા દોઢ લાખને પાર કરી જવા છતાં ટ્રમ્પ હજુ અમેરિકામાં લૉકડાઉન કરવાના પક્ષમાં નથી. ઉલટું તેઓ અમેરિકાવાસીઓને ધરપત આપી રહ્યાં છે કે જૂન આવતા સુધીમાં અમેરિકામાં બધું બરાબર થઇ જશે. કોરોના વાઇરસના વધી રહેલા કેસોને જોતાં ટ્મ્પે કહ્યું કે અમેરિકામાં દસ લાખથી વધારે લોકોની સંક્રમણની તપાસ થઇ ચૂકી છે. અમેરિકાની વસતીને જોતાં આ આંકડો માત્ર ત્રણ ટકા છે. અમેરિકાના સ્વાસ્થ્ય મંત્રીનું કહેવું છે કે રોજના એક લાખ સેમ્પલના ટેસ્ટ થઇ રહ્યાં છે. બીજી બાજુ વ્હાઇટ હાઉસના ચિકિત્સકીય સલાહકારનું કહેવું છે કે સંપૂર્ણ લૉકડાઉન ન થવાની સ્થિતિમાં અમેરિકામાં કોરોના વાઇરસથી મરનારા લોકોની સંખ્યા બે લાખ સુધી પહોંચી શકે છે. અમેરિકાના એક ટોચના અધિકારીની આ ચેતવણી ગભરાવી મૂકે એવી છે. 

અમેરિકામાં કોરોના મામલે પરિસ્થિતિ ગંભીર બની ચૂકી હોવા છતાં ભાવિ પગલાંને લઇને મતમતાંતર જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીના તમામ સંકટોનો અમેરિકાના લોકોએ એક સાથે રહીને સામનો કર્યો છે પરંતુ કોરોના મામલે લોકો વિભાજિત છે. એક વર્ગ ડોકટરો અને વૈજ્ઞાાનિકોની ચેતવણી ધ્યાનમાં લઇને લૉકડાઉન જેવા આકરા પગલાની હિમાયત કરી રહ્યો છે તો બીજો વર્ગ આકરા પગલાં લેવાના વિરોધમાં છે. ખાસ કરીને ટ્રમ્પના સમર્થકો કોરોનાના આંકડાને પણ ખોટો ગણાવે છે અને એને ફેક ન્યૂઝનું નામ આપીને ટ્મ્પના રાજકીય વિરોધીઓનું કાવતરું ગણાવે છે. ટ્રમ્પ માટે બેવડી સમસ્યા એ ઊભી થઇ છે કે કોરોના વાઇરસ વધું વકરે અને વિનાશ નોતરે તો પણ આ વર્ષના અંતે આવી રહેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમને હાર મળે એમ છે. બીજી બાજુ કોરોનાને નાથવા લૉકડાઉન જેવા આકરા પગલાં લે અને પરિણામે અમેરિકાની અર્થવ્યવસ્થા ખાડે જતી રહે તો પણ તેમની ચૂંટણીમાં હાર થાય એમ છે. 

એવા સ્પષ્ટ સંકેત મળી રહ્યાં છે કે દુનિયાના સૌથી શક્તિશાળી દેશની હાલત ઇટાલી કરતાયે બદતર થઇ શકે છે. જાણકારોના મતે અમેરિકા ખતરનાક પરિસ્થિતિમાં પહોંચી ચૂક્યું છે અને ઇતિહાસની સૌથી મોટી તબાહીનું સાક્ષી બની શકે છે. શરૂઆતમાં કોરોનાને હરાવવાના બણગાં ફૂંકી ચૂકેલા ટ્રમ્પ હવે સૂફિયાણી વાતો કરતા કહે છે કે અમેરિકા મૃતકોની સંખ્યા એક લાખ પર રોકી શક્યા તો પણ ગનીમત ગણાશે. અમેરિકાની જેમ જ બ્રિટન પણ કોરોના વાઇરસની ગંભીરતાને પારખવામાં ભૂલ કરી ચૂક્યું છે અને ત્યાં પણ પરિસ્થિતિ વણસી રહી છે. બ્રિટનમાં પણ જે ગતિથી કોરોના વાઇરસના કેસ વધી રહ્યાં છે અને મૃતકોની સંખ્યા વધી રહી છે એ જોતાં ત્યાં પણ મોટી આફતના એંધાણ છે. 

કોરોના વાઇરસ ફેલાતો અટકાવવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને સૌથી પહેલા લૉકડાઉનની સલાહ આપી હતી પરંતુ પહેલાં ઇટાલીસહિત યુરોપના દેશોએ એ સલાહને અવગણી અને એનું માઠું પરિણામ ભોગવી રહ્યાં છે. એ પછી યુરોપનો દાખલો લેવાના બદલે અમેરિકાએ મામલાને ગંભીરતાથી ન લીધો અને હવે એને પણ માઠા પરિણામો ભોગવવાનો વારો આવ્યો છે. 

એવો સવાલ થવો વાજબી છે કે અમેરિકાસહિતના પશ્ચિમી દેશોએ લૉકડાઉનને શા માટે મહત્ત્વ ન આપ્યું? દુનિયાના કોઇ પણ દેશમાં જ્યારે ચેપી રોગચાળો ફેલાય છે ત્યારે એ દેશ બચાવના પહેલા ઉપાય તરીકે સંક્રમિત લોકોને બીજાથી અલગ કરે. એવામાં વિજ્ઞાાન અને ટેકનોલોજીમાં આગળ પડતા દેશો આવી બેદરકારી દાખવે એ નવાઇની વાત છે. 

કોરોના વાઇરસના સંક્મણના વધી રહેલા કેસો જોતાં જાણકારોનું માનવું છે કે રોજેરોજ ટેસ્ટની સંખ્યા વધારવાની જરૂર છે. ઝડપથી થતા ટેસ્ટ સંક્રમણની ભાળ મેળવવામાં અને મહામારી પર નિયંત્રણ મેળવવામાં કારગર સાબિત થઇ શકે છે. હજુ પણ ત્વરિત રિઝલ્ટ આપી દે એવા ટેસ્ટ ઉપલબ્ધ નથી થયા અને દુનિયાભરના રિસર્ચર આ પ્રકારના ટેસ્ટ ડેવલપ કરવા પર કામ કરી રહ્યાં છે. કોરોના વાઇરસનો પતો લગાવતા કેટલાંક ટેસ્ટને લાઇસન્સ મળી ચૂક્યાં છે પરંતુ આવા ટેસ્ટ માટેની કીટનું મોટા પાયે ઉત્પાદન હજુ શરૂ થયું નથી. રોજેરોજ કોઇ ને કોઇ નવા ટેસ્ટ વિકસિત કરવાના દાવા કરે છે પરંતુ એ પછી ગાડી આગળ વધતી નથી. 

કોરોનાની સારવાર માટે કોઇ દવા નથી શોધાઇ કે નથી કોઇ વેક્સિન શોધાઇ એટલા માટે લૉકડાઉન કરીને લોકોને એકબીજાથી દૂર રાખીને વાઇરસના સંક્રમણની ચેન તોડવાના પ્રયાસ થઇ રહ્યાં છે. પરંતુ અમેરિકાએ આ મામલે બેદરકારી દાખવીને સંક્રમણની ચેન તોડવાના પ્રયાસોને અવગણ્યા છે. અમેરિકા હાલ તો કોરોના વાઇરસની દવા શોધવામાં પડયું છે. થોડા દિવસ અગાઉ ટ્રમ્પે કોરોના વાઇરસના સંક્રમિતોની સારવાર માટે મેલેરિયા માટે વપરાતી ક્લોરોક્વિન દવાને અસરકારક ગણાવી હતી. 

હવે અમેરિકાના સંશોધકો આર્થરાઇટ્સની સારવાર માટે વપરાતી દવાની ક્લિનિકલ ટ્રાયલ કરી રહી છે. આ દવા પણ કોરોના વાઇરસને મારતી તો નથી પરંતુ એના કારણે શરીરમાં ઊભા થતાં કોમ્પલિકેશન્સને ઘટાડવામાં મદદરૂપ બને છે એવું સંશોધકોનું કહેવું છે. જોકે આ નવી દવાની ટ્રાયલ સફળ થશે કે નહીં એ વિશે અત્યારે તો કશું કહી શકાય એમ નથી.

Comments

Popular posts from this blog

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો