તૂર્કીયેમાં ફરીવાર રેસેપ તૈયપ એર્દોગાનનું શાસન, સતત 11મી વખત ચૂંટણી જીતી રાષ્ટ્રપતિ બન્યાં
image : Twitter |
રેસેપ તૈયપ એર્દોગાન ફરી એકવાર તૂર્કીયેમાં રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી ગયા છે. તેમણે વિપક્ષી નેતા કમાલ કલચદારલુને હરાવીને 11મી વખત રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી છે. ચૂંટણીના બીજા રાઉન્ડના રન-ઓફમાં એર્દોગાનને બહુમતી મળી હતી અને કમાલ કલચદારલુને હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે એર્દોગાન ફરી એકવાર સત્તામાં પરત ફર્યા છે. અહેવાલ અનુસાર, આ રાઉન્ડમાં એર્દોગનને 52% વોટ મળ્યા, જ્યારે કલચદારલુને માત્ર 48% વોટ મળ્યા.
14 મેના રોજ ચૂંટણીમાં કોઈ પરિણામ ન આવતા બીજા રાઉન્ડમાં થયો નિર્ણય
ખરેખર રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન 14 મેના રોજ થયું હતું. AKP (જસ્ટિસ એન્ડ ડેવલપમેન્ટ પાર્ટી) ના વડા એર્દોગાન પ્રથમ રાઉન્ડમાં ચૂંટણી જીતતા જીતતા રહી ગયા હતા અને તેમને 49.4% મત મળ્યા હતા. બીજી તરફ તેમના હરીફ કલચદારલુને 45% વોટ મળ્યા હતા. બંને નેતાઓ બહુમત મેળવી શક્યા નહોતા, જેના કારણે રવિવારે બીજા રાઉન્ડ માટે ચૂંટણી યોજાઈ હતી.
એર્દોગન 20 વર્ષથી રાષ્ટ્રપતિ છે
તુર્કીયેમાં જો કોઈ ઉમેદવારને સ્પષ્ટ બહુમતી ન મળે, તો બે અઠવાડિયાની અંદર બે સૌથી વધુ મત મેળવનારા ઉમેદવારો વચ્ચે રન-ઓફ રાઉન્ડ યોજાય છે. આ બીજા તબક્કાનું મતદાન 28 મેના રોજ નક્કી કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે એર્દોગાન 2003થી દેશનું નેતૃત્વ કરી રહ્યા છે અને તેમના નેતૃત્વમાં તેમણે તુર્કીયેને એક રૂઢિચુસ્ત દેશ બનાવવાનો પ્રયાસ કર્યો છે જે ઈસ્લામની નીતિઓનું પાલન કરે છે. ચૂંટણી દરમિયાન તેઓ પશ્ચિમી દેશો પર સરકારને પાડવાનું ષડયંત્ર રચવાનો આરોપ પણ લગાવતા રહ્યા છે.
તુર્કીયેમાં તમામ સત્તા રાષ્ટ્રપતિ પાસે છે
ઉલ્લેખનીય છે કે જુલાઈ 2018 માં, એર્દોગાનની છેલ્લી રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યાના એક મહિના પછી તુર્કીયેમાં સંસદીય પ્રણાલીને બદલે રાષ્ટ્રપતિ પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી. 2017 માં, જનમત સંગ્રહ દ્વારા રાષ્ટ્રપતિની શક્તિઓમાં ભારે વધારો કરવામાં આવ્યો હતો. તેના દ્વારા એર્દોગાને વડાપ્રધાન પદને નાબૂદ કરી દીધું અને વડાપ્રધાનની કાર્યકારી સત્તાઓ પોતાના હાથમાં લઈ લીધી. તેનાથી તુર્કિયેમાં રાષ્ટ્રપતિ સરકારના સર્વેસર્વા બની ગયા.
Comments
Post a Comment