રાષ્ટ્રપતિ બન્યા બાદ દ્રૌપદી મુર્મુ પ્રથમવાર રાજકીય પ્રવાસે વિદેશમાં જશે, આ 2 દેશોની લેશે મુલાકાત
નવી દિલ્હી, તા.29 મે-2023, સોમવાર
ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતા મહિનાની શરૂઆતમાં 2 દેશોના પ્રવાસે જઈ રહ્યા છે. તેઓ આવતા મહિને સુરીનામ અને સર્બિયાની મુલાકાતે જશે. વિદેશ મંત્રાલયે સોમવારે આ જાણકારી આપી છે. જુલાઈ-2022માં કાર્યભાર સંભાળ્યા બાદ દ્રૌપદી મુર્મુની આ પ્રથમ સત્તાવાર વિદેશ યાત્રા હશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, રાષ્ટ્રપતિ સુરીનામ ગણરાજ્યના રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોખીના આમંત્રણ પર 4થી 6 જૂન સુરીનામની મુલાકાતે જશે.
દ્રૌપદી મુર્મુ સુરીનામમાં રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે
મંત્રાલયના જણાવ્યા અનુસાર દ્રૌપદી મુર્મુ સુરીનામમાં સંતોખી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે અને દેશમાં ભારતીયોના આગમનની 150મી વર્ષગાંઠની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. ઉલ્લેખનિય છે કે, 5 જૂન-1873ના રોજ 452 ભારતીય મજૂરોને લઈને પહેલું જહાજ સુરીનામની રાજધાની પરમારિબો પહોંચ્યું હતું. આમાંના મોટાભાગના મજૂરો પૂર્વ ઉત્તર પ્રદેશ અને બિહારના હતા.
સુરીનામમાં ભારતીય સમુદાય સાથે વાતચીત કરશે
વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે, રાષ્ટ્રપતિ મુર્મુ સુરીનામમાં ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વના સ્થળોની મુલાકાત લેશે અને ભારતીય સમુદાયના સભ્યો સાથે વાતચીત કરશે. ગત વર્ષે પદ સંભાળ્યા બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સુરીનામની મુલાકાત તેમની પ્રથમ રાજકીય મુલાકાત હશે. સંતોખી આ વર્ષે જાન્યુઆરીમાં 17મા પ્રવાસી ભારતીય દિવસના ગેસ્ટ ઓફ ઓનર તરીકે ભારત આવ્યા હતા અને મુર્મુને મળ્યા હતા.
દ્રૌપદી મુર્મુ અને સર્બિયાના રાષ્ટ્રપતિ વચ્ચે યોજાશે દ્વિપક્ષીય બેઠક
વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, મુલાકાતના બીજા તબક્કામાં દ્રૌપદી મુર્મુ સર્બિયાના રાષ્ટ્રપતિ એલેકસાન્ડર વ્યુસિકના આમંત્રણ પર 7મી જૂનથી ગણરાજ્ય સર્બિયાની મુલાકાત લેશે. મંત્રાલયના જણાવ્યા મુજબ, સર્બિયામાં દ્રૌપદી મુર્મુ અને રાષ્ટ્રપતિ વ્યુસિક વચ્ચે દ્વિપક્ષીય બેઠકો યોજાશે અને વડાપ્રધાન એન.બરનાબિક તથા નેશનલ એસેમ્બલીના અધ્યક્ષ વ્લાદિમીર ઓરલિક સાથે પણ મુલાકાત કરશે.
Comments
Post a Comment