પાક.-ચીન સંબંધો સુધારવા આતંકવાદ, દુશ્મની મુક્ત વાતાવરણ તૈયાર કરે : મોદી
- પીએમ મોદી જી-7 બેઠકમાં ભાગ લેવા હિરોશિમા પહોંચ્યા
- પીએમ મોદી જી-7 બેઠકમાં ખાદ્ય, ખાતર અને ઊર્જા સુરક્ષા સહિત વિશ્વ સમક્ષ ઊભા થયેલા પડકારો અંગે વાત કરશે
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-૭ બેઠકમાં ભાગ લેવા માટે શુક્રવારે જાપાનના હિરોશિમા પહોંચી ગયા છે. આ સમયે પીએમ મોદીએ કહ્યું કે ભારત તેની સંપ્રભુતા અને સન્માનના રક્ષણ માટે સંપૂર્ણપણે તૈયાર અને કટિબદ્ધ છે. નિક્કેઈ એશિયાને આપેલી મુલાકાતમાં વડાપ્રધાન મોદીએ ચીન સાથે સરહદ વિવાદ અને પાકિસ્તાન સાથે તણાવપૂર્ણ સંબંધો અંગે કહ્યું કે ભારત તેના પડોશી દેશો સાથે સામાન્ય સંબંધો ઈચ્છે છે. પરંતુ પાકિસ્તાન અને ચીને તેના માટે આતંકવાદ અને દુશ્મની મુક્ત વાતાવરણ તૈયાર કરવું જોઈએ.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ચીન સાથે સામાન્ય દ્વિપક્ષીય સંબંધો માટે સરહદીય વિસ્તારોમાં શાંતિ અને સૌહાર્દ અત્યંત જરૂરી છે. ભારત અને ચીનના સંબંધોમાં સુધાર પારસ્પરિક હીતો અને એક-બીજાના સન્માન સાથે જ શક્ય છે. ચીન સાથે સામાન્ય સંબંધોથી માત્ર એશિયાના આ ક્ષેત્ર જ નહીં પરંતુ સમગ્ર દુનિયાને લાભ થશે.
વડાપ્રધાને ઉમેર્યું કે ભારત તેના પડોશી દેશો સાથે સામાન્ય સંબંધ ઈચ્છે છે. પરંતુ તેના માટે આ દેશો દ્વારા આતંકવાદ અને દુશ્મની મુક્ત વાતાવરણ બનાવવામાં આવે તે જરૂરી છે. રશિયા-યુક્રેન યુદ્ધના સંદર્ભમાં વડાપ્રધાને ક્હ્યું કે ભારતનું વલણ એકદમ સ્પષ્ટ અને તટસ્થ રહ્યું છે. ભારત શાંતિના પક્ષમાં છે અને રહેશે. અમે જરૂરિયાતમંદોની મદદ કરતા રહીશું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાન, પાપુઆ ન્યુ ગિની, ઑસ્ટ્રેલિયાના ૬ દિવસના પ્રવાસ માટે શુક્રવારે સવારે નવી દિલ્હીથી રવાના થયા હતા. વડાપ્રધાન મોદી ૧૯થી ૨૧ મે સુધી જાપાનના અધ્યક્ષપદે યોજાનારા જી-૭ શીખર સંમેલન ખાદ્ય, ખાતર અને ઊર્જા સુરક્ષા સહિત વિશ્વ સમક્ષ ઊભા થયેલા પડકારો અંગે વાત કરશે. ભારત ૨૦-૨૧ના રોજ જી-૭ના બે ઔપચારિક સત્રોમાં ભાગ લેશે તેમ મનાય છે.
અમેરિકન પ્રમુખ જો બાઈડેને તેમના દેશમાં ઊભી થયેલી ગંભીર આર્થિક કટોકટી પર ધ્યાન આપવા માટે સિડનીમાં યોજાઈ રહેલી ક્વાડ સંગઠનની બેઠક માટે ઑસ્ટ્રેલિયાનો પ્રવાસ રદ કરી દીધો હોવાથી હિરોશિમામાં જ ક્વાડ સંગઠનની બેઠક યોજાવાની શક્યતા છે. જાપાનમાં જી-૭ની વાર્ષિક શિખર બેઠક અને ક્વાડ સંગઠનની બેઠકમાં ભાગ લેવા સહિત પીએમ મોદી જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા સહિત અન્ય દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ યોજશે.
જાપાનમાં ત્રણ દિવસના પ્રવાસ પછી વડાપ્રધાન મોદી પાપુઆ ન્યુ ગિની જશે. પીએમ મોદી તેમના અત્યાર સુધીના ૬૯ વિદેશ પ્રવાસો પછી પાપુઆ ન્યુ ગિની પહોંચનારા ભારતના પહેલાં વડાપ્રધાન બનશે. પોર્ટ મોરેસ્બીમાં પીએમ મોદી પાપુઆ ન્યુ ગિનીના વડાપ્રધાન જેમ્સ મારાપે સાથે સંયુક્ત રીતે ફોરમ ફોર ઈન્ડિયા-પેસિફિક આઈલેન્ડ્સ કો-ઓપરેશનના ત્રીજા શીખર સંમેલનને સંબોધન કરશે. અહીંથી પીએમ મોદી સિડની જશે, જ્યાં તેઓ ઑસ્ટ્રેલિયાના પીએમ અલ્બનીઝ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. આ સિવાય તેઓ ઑસ્ટ્રેલિયાના સીઈઓ અને બિઝનેસ લીડર્સ સાથે વાતચીત કરશે અને એક કાર્યક્રમમાં ભારતીય સમુદાયને મળશે.
યુક્રેન યુદ્ધ પછી પહેલી વખત મોદી-ઝેલેન્સ્કીની બેઠકની શક્યતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કી જાપાનમાં દ્વિ-પક્ષીય વાટાઘાટો કરે તેવી સંભાવના છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ બંને નેતાઓ વચ્ચે બેઠક થશે તો યુક્રેન પર રશિયાના આક્રમણ પછી આ પહેલી વ્યક્તિગત મુલાકાત હશે. સૂત્રોએ ઉમેર્યું કે ભારત અને યુક્રેનના વરિષ્ઠ રાજદૂતો વડાપ્રધાન મોદી અને પ્રમુખ ઝેલેન્સ્કી વચ્ચે બેઠકની સંભાવનાઓ ચકાસી રહ્યા છે. જોકે હજુ સુધી કશું નક્કી થયું નથી. ઝેલેન્સ્કી જાપાનના આમંત્રણ પર જી-૭માં ભાગ લેવા હિરોશિમા પહોંચ્યા છે.
Comments
Post a Comment