યુદ્ધજહાજ આઈએનએસ વિક્રાંત પર મિગ-29 વિમાનનું 'રાત્રિ લેન્ડિંગ'
- ઈન્ડિયન નેવીનું ઐતિહાસિક પ્રથમ પરીક્ષણ
- યુદ્ધજહાજ વિક્રાંતના ક્રૂ મેમ્બર્સ અને મિગ-29 લડાકુ વિમાનના પાયલટે રાત્રિ મિશનની ક્ષમતા સાબિત કરી
નવી દિલ્હી : ભારતીય નૌકાદળે યુદ્ધજહાજ આઈએનએસ વિક્રાંત પર લડાકુ વિમાન મિગ-૨૯નું મધરાતે લેન્ડિંગ કરાવ્યું હતું. આ પ્રકારનો પહેલો પ્રયોગ હતો. નૌકાદળ અને વાયુદળના આ સંયુક્ત રાત્રિ પરીક્ષણમાં પાયલટ અને ક્રૂ મેમ્બર્સની ક્ષમતાનું પણ પરીક્ષણ થયું હતું. ભારતીય નૌકાદળના પ્રવક્તાએ ટ્વિટરમાં વીડિયો શેર કરીને માહિતી આપી હતી. એ પ્રમાણે વાયુદળનું મિગ-૨૯ લડાકુ વિમાન મધરાતે અંધારામાં સફળતાપૂર્વક યુદ્ધજહાજ આઈએનએસ વિક્રાંત પર લેન્ડ થયું હતું. આવું પરીક્ષણ પ્રથમ વખત થયું હતું. નૌકાદળે એ પરીક્ષણને ઐતિહાસિક ગણાવ્યું હતું. રાતે યુદ્ધજહાજ પર લડાકુ વિમાન સફળતાથી લેન્ડ થવાની ઘટના એટલા માટે પણ મહત્ત્વનું છે કે એમાં પાયલટની કુશળતા બહુ જ અગત્યની બની જાય છે.
રશિયન બનાવટનું મિગ-૨૯કે પ્રકારનું વિમાન કોઈ પણ વાતાવરણમાં ઉડાન ભરવા સક્ષમ છે. આ વિમાન તેના વજન કરતા આઠ ગણું વજન વહન કરી શકે છે અને ૬૫ હજાર ફૂટની ઊંચાઈએ ઉડી શકે છે. આઈએનએસ વિક્રાંત યુદ્ધજહાજ આત્મનિર્ભર ભારત અંતર્ગત નિર્માણ પામ્યું છે. ભારતમાં બનેલું આ પ્રથમ યુદ્ધજહાજ છે. તેની નિર્માણ પાછળ ૨૩૦૦૦ કરોડનો ખર્ચ થયો હતો. આ યુદ્ધજહાજમાં ૩૦ ફાઈટર વિમાનો અને હેલિકોપ્ટર્સના લેન્ડિંગની ક્ષમતા છે.
અગાઉ યુદ્ધજહાજ વિક્રાંત પર લડાકુ વિમાન મિગ-૨૯કે તેમ જ સ્વદેશી તેજસ વિમાનનું એક સાથે લેન્ડિંગ કરવાનું પરીક્ષણ થયું હતું.
Comments
Post a Comment