દેશમાં ચોમાસું મોડું બેસશે, ગરમી વધવાની ચેતવણી


- વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દેશમાં હવામાન ખોરવાયું  

- દિલ્હીમાં ધૂળની ચાદર છવાતાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સવારે વિલિઝિબિલિટી ઘટીને 700 મીટર રહી

નવી દિલ્હી : દેશમાં મે મહિનાના પહેલા પખવાડિયામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હીટવેવની સ્થિતિ ઓછી ગંભીર હતી. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર-પશ્ચિમ ભારતના અનેક વિસ્તારો પર તેની અસર જોવા મળી હતી. હવે ફરી એક વખત  ભારતના કેટલાક ભાગમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સ્થિતિ જોવા મળશે, તેનાથી લૂની શક્યતા નથી, પરંતુ તાપમાનમાં નોંધપાત્ર વધારો થશે તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું. આ સાથે વિભાગે ચેતવણી આપી હતી કે, ખેડૂતોના પાક માટે અત્યંત મહત્વની ચોમાસાની મોસમ પાછી ઠેલાઈ શકે છે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે, રાજધાની દિલ્હીમાં મંગળવારે વહેલી સવારે ૩થી ૫ સુધી પ્રતિ કલાક ૫૦ કિ.મી.ની ઝડપે ધૂળભરેલી હવાઓ ચાલી હતી, જેના કારણે દિલ્હી પર જાણે ધૂળની ચાદર છવાઈ ગઈ હતી, જેના પગલે આંતરરાષ્ટ્રીય એરપોર્ટવાળા વિસ્તારમાં સવારે ૧૦.૦૦ વાગ્યે વિઝિબિલિટી માત્ર ૭૦૦ મીટર સુધી મર્યાદિત રહી ગઈ હતી. સોમવારે સવારે ૯.૦૦ વાગ્યા સુધી વિઝિબિલિટી ૪,૦૦૦ મી. સુધી હતી.

હવામાન વિભાગે જાહેર કરેલી સેટેલાઈટ તસવીરોથી જાણવા મળે છે કે પશ્ચિમોત્તર ભારતના મોટા ભાગ પર ધૂળની ચાદર છવાઈ ગઈ હતી. હવામાન વૈજ્ઞાાનિકોએ જણાવ્યું કે, ધૂળભરેલી હવા ચાલવાના કારણે છેલ્લા પાંચ દિવસ પશ્ચિમોત્તર ભારતમાં લૂનું પ્રમાણ વધ્યું હતું. હવામાન વિજ્ઞાાનિઓ મુજબ દિલ્હી-એનસીઆરમાં ધૂળભરેલી આંધી પાછળ પાકિસ્તાનથી આવતી હવાઓ છે. આ હવાઓએ રાજસ્થાનમાં ધૂળ ઊડાડી છે. તેની અસર દિલ્હી-એનસીઆર પર પણ જોવા મળી છે. આગામી સપ્તાહોમાં ઉત્તર ભારતમાં લૂનું પ્રમાણ ઘટશે પરંતુ તાપમાન ૪૦ ડિગ્રી સે.થી વધુ રહેવાની સંભાવના છે.

દરમિયાન હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ભારતીય કૃષિ માટે અત્યંત મહત્વનું દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ આ વખતે મોડું બેસશે. સામાન્ય રીતે દેશમાં ચોમાસાની શરૂઆત કેરળમાં ૧લી જૂનથી થાય છે, પરંતુ આ વખતે ચોમાસુ ૭ દિવસ પાછું ઠેલાઈ શકે છે. હવામાન વિભાગ ૨૦૦૫થી કેરળમાં ચોમાસાના આગમનનું પૂર્વાનુમાન જાહેર કરે છે.

હવામાન વિભાગે ઉમેર્યું હતું કે, ગાણિતિક ભૂલ થાય તો પણ દેશમાં ચોમાસુ ચાર દિવસ વિલંબથી ૪ જૂનથી શરૂ થઈ શકે છે. આ પહેલાં ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે પણ જણાવ્યું હતું કે, આ વર્ષે કેરળમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની શરૂઆત મોડી થશે.

વિભાગે ઉમેર્યું હતું કે, ચોમાસાની આગાહી માટે સ્વદેશીરૂપે વિકસાવાયેલ અત્યાધુનિક એકાઉન્ટિંગ મોડેલનો ઉપયોગ કરાય છે. હવામાન વિભાગે કહ્યું કે, મોડેલ મુજબ ચોમાસુ આવવામાં ચાર દિવસ આગળ-પાછળ થઈ શકે છે.

હવામાન વિભાગે ઉમેર્યું કે, મોડેલ દક્ષિણ ચીન સાગર ઉપર, દક્ષિણ-પૂર્વ હિન્દ મહાસાગર ઉપર નીચા સ્તરે ચાલતી હવાઓનો પણ અંદાજ વ્યક્ત કર્યો છે. ચોમાસું મોડા બેસવાના સમાચાર ખેડૂતો માટે સારા સમાચાર નથી. ચોમાસુ નબળુ પડવાથી ખેડૂતોને ખેતીમાં સૌથી વધુ નુકસાન થવાની આશંકા છે.

વિશ્વ હવામાન સંગઠનનો વરતારો અને માર્ગદર્શન

વિશ્વ અલ નીનો માટે તૈયાર રહે : પેસિફિક મહાસાગરની સપાટી ગરમ થઇ 

- ભારત હવામાન વિભાગ કહે છે, અલ નીનોની વિપરીત અસર 2023નીવર્ષા ઋતુમાં થવાની શક્યતા ઓછી છે

વિશ્વ હવામાન સંગઠને(વર્લ્ડ મિટિયોરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન -ડબલ્યુ.એમ.ઓ.) ભારત સહિત સમગ્ર વિશ્વને અલ -નીનો(પેસિફિક મહાસાગરના ગરમ પ્રવાહોને અલ - નીનો જ્યારે ઠંડા પ્રવાહોને લા -નીના કહેવાય છે) પરિબળ માટે તૈયાર રહેવાના વરતારા સાથે  અમુક ઉપયોગી સલાહ -માર્ગદર્શન પણ આપ્યાં  છે.

વિશ્વ હવામાન સંગઠને તેના એક  મહત્વના સંશોધનપત્રમાં એવા સંકેત  આપ્યા છે કે ૨૦૨૩ના ફેબુ્રઆરીથી પેસિફિક  મહાસાગર (જેને પ્રશાંત મહાસાગર કહેવાય છે)ની સપાટીનું તાપમાન તબક્કાવાર ગરમ થઇ રહ્યું  છે.  આ  કુદરતી પરિવર્તનની સીધી અસર દક્ષિણ અમેરિકાના દરિયાકાંઠાના વિસ્તારોમાં થઇ રહી છે.   

પેસિફિક મહાસાગરના પ્રવાહોમાં  જે   ફેરફાર થઇ રહ્યા   છે તેના આધારે અમારા નિષ્ણાત અને બહોળો અનુભવ ધરાવતા હવામાનશાસ્ત્રીઓએ  એવો સંકેત આપ્યો છે કે અલ નીનો પરિબળની સીધી અને પ્રબળ  અસર  ૨૦૨૩ના બીજા  હિસ્સામાં થવાની પૂરી શક્યતા છે. સાથોસાથ અલ-નીનો પરિબળની અસર છ મહિના સુધી રહે તેવી પણ સંભાવના છે. 

૨૦૨૩ના મે-જુલાઇ દરમિયાન લા - નીના (ઠંડા પ્રવાહ)માંથી અલ -નીનો(ગરમ પ્રવાહ)નું કુદરતી પરિવર્તન થવાની ૬૦ ટકા શક્યતા છે. અલ નીનો પ્રવાહોના ફેરફારની  શક્યતા જૂન-ઓગસ્ટમાં વધીને ૭૦ ટકા જ્યારે જુલાઇ-સપ્ટેમ્બર   દરમિયાન વધીને  ૮૦ ટકા થવાની સંભાવના છે. આ વરતારો  વિશ્વ  હવામાન સંગઠનના ગ્લોબલ પ્રોડયુસિંગ સેન્ટર્સ દ્વારા થયેલી લાંબા સમયગાળાના અભ્યાસના આધારે રજૂ થયો છે. 

વિશ્વ હવામાન સંગઠનનાં સૂત્રોએ એવી માહિતી પણ આપી છે કે વિશ્વભરના દેશોએ અલ -નીનો પરિબળની અસર માટે   તૈયાર   રહેવું જરૂરી   છે. કારણ  એ છે કે  અલ નીનોને કારણે દુનિયાના ઘણા હિસ્સામાં તાપમાનમાં વધારો થવાનાં , દુકાળની   ચિંતાજનક પરિસ્થિતિ સર્જાવાનાં અથવા   વધુ વર્ષા થવાનાં પરિબળો સર્જાવાની પણ પૂરી શક્યતા  છે. ખાસ કરીને ૨૦૨૪માં આ અસર વધુ થાય તેવા સંકેત પણ મળે છે.

અલ -નીનો પરિબળની અસરથી દક્ષિણ અમેરિકાના  દક્ષિણ હિસ્સામાં, આફ્રિકા અને મધ્ય એશિયામાં ભરપૂર વરસાદ વરસવાની શક્યતા રહે છે. જ્યારે ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા,દક્ષિણ એશિયાના અમુક દેશોમાં બહુ જ ઓછી વર્ષા થવાની અને પરિણામે દુકાળની ગંભીર પરિસ્થિતિ સર્જાવાની સંભાવના રહે છે. 

આમ છતાં એક અલ- નીનો વર્ષની અસરને બીજા  એલ- નીનો  વર્ષની અસર  સાથે જરાય સંબંધ નથી. આ બધી અસરની શક્યતા અલ - નીનો પરિબળની અસર ચોક્કસ કયા સમયે થઇ છે તેના પર આધાર છે.

બીજીબાજુ  ભારત હવામાન વિભાગના  ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ડો.કે.એસ.હોસાલીકરે બહુ મહત્વનો મુદ્દો  રજૂ કરતાં ગુજરાત સમાચારને  કહ્યું હતું કે અલ નીનો પરિબળ હોય એટલે ભારતમાં ઓછો  જ વરસાદ વરસે તે ધારણા સાચી નથી. ૧૯૫૧થી ૨૦૨૨નાં ૭૦ વરસ  દરમિયાન ભારતમાં ૧૬ વખત અલ નીનોની અસર હતી. આ ૧૬માંથી ફક્ત નવ(૯) વખત જ ભારતના ચોમાસામાં ઓછી વર્ષા થઇ હતી, જ્યારે સાત વખત સંતોષકારક વરસાદ વરસ્યો હતો. 

ઉપરાંત, ભારતની વર્ષા ઋતુને હિન્દ મહાસાગરમાં થતા ફેરફાર સાથે પણ સીધો સંબંધ છે. આ ફેરફારને હવામાનની ભાષામાં ઇન્ડિયન ઓશન ડાયપોલ(આઇ.ઓ.ડી.) કહેવાય છે.સાથોસાથ યુરોપ ખંડમાં બરફનું પ્રમાણ   અને સ્થાનિક પરિબળોને  પણ ધ્યાનમાં લેવાં જરૂરી છે. કહેવાનો અર્થ એ  છે કે  ભારતના ચોમાસા માટે  ફક્ત અલ નીનો કે લા નીના ઉપરાંત પણ અન્ય કુદરતી પરિબળો પણ  ધ્યાનમાં લેવાં જરૂરી છે.

ઉપરાંત ૨૦૨૩ની વર્ષા ઋતુમાં  ઇન્ડિયન ઓશન ડાઇપોલ(આઇ.ઓ.ડી.)નું પરિબળ પણ મદદરૂપ બને તેવી સંભાવના છે.ઉપરાંત,  ૨૦૨૨ના ડિસેમ્બરથી  ૨૦૨૩ના માર્ચ  દરમિયાન  પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં અને યુરોપમાં  બરફનું પ્રમાણ પ્રમાણમાં ઓછું રહ્યું હતું. આ બંને કુદરતી પરિબળો  ભારતના ચોમાસા માટે ફાયદાકારક બની રહે છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો