વટવામાં આયોજિત સમુહલગ્નમાં ૧૯ બાળ લગ્નને અટકાવવામાં આવ્યા
અમદાવાદ,રવિવાર
શહેરના વટવા દેવીમાના મંદિર પાસે રવિવારે દેવીપૂજક સમાજ દ્વારા સમુહ લગ્નનું આયોજન કરાયું હતું. જો કે લગ્નના ચાર દિવસ પહેલા એક સામાજીક સંસ્થાને બાતમી મળી હતી કે સમુહલગ્નમાં ૩૬ દંપતિ પૈકી કેટલીંક જોડીઓની ઉમર સરકારી કાયદા મુજબ ઓછી છે. જેના આધારે આયોજકો પાસેથી માહિતી મેળવીને વર કન્યાના જન્મના પ્રમાણપત્રો તપાસવામાં આવતા કુલ ૧૯ જોડીઓના બાળલગ્ન થવાના હોવાનું બહાર આવતા પોલીસની મદદથી રવિવારે યોજાયેલા લગ્નમાં ૧૯ જોડીઓના લગ્ન અટકાવવામાં આવ્યા હતા. બાળકો પર થતા ગુનાઓ, બાળ લગ્ન અનુસંધાનમાં કામ કરતી પ્રયાસ નામની સંસ્થાના પ્રોજેક્ટ કો-ઓર્ડનેટર ઇન્દ્રજીતસિંહ ચૌહાણને માહિતી મળી હતી કે વટવા દેવીમા ના મંદિર ખાતે દેવીપુજક સમાજ દ્વારા સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કુલ ૩૬ જોડીઓના લગ્ન થવાના છે. પરંતુ, તે પૈકી કેટલાંકની ઉમર સરકારી નિયમો કરતા ઓછી છે. જે માહિતીને આધારે સંસ્થા દ્વારા સમુહ લગ્નના આયોજકો પાસેથી તમામ યુવક-યુવતીઓના જન્મના પ્રમાણપત્રોના પુરાવા મંગાવવામાં આવ્યા હતા. જેમાં ચકાસણી કરતા કુલ ૧૯ યુવકોની ઉમર ૨૧ વર્ષથી ઓછી અને ૧૯ કન્યાઓની ઉમર ૧૮ વર્ષથી ઓછી હતી. જે બાદ આયોજકોનું આ બાબતે ધ્યાન દોરીને રવિવારે યોજાનારા સમુહલગ્નમાં ૧૯ જોડીઓના લગ્ન રદ કરવામાં આવ્યા હતા. જેમાં આયોજકોએ વટવા પોલીસ તેમજ પ્રયાસ સંસ્થાને લેખિતમાં ખાતરી આપી હતી કે હવે પછી ભવિષ્યમાં બાળલગ્નને પ્રોત્સાહન નહી આપે. સાથેસાથે વાલીઓએ પણ લેખિતમાં માફી માંગી હતી. ત્યારબાદ સામાજીક જાગૃતતાના ભાગરૂપે પોલીસ અધિકારીઓ અને સંસ્થાના અગ્રણીઓ આ સમુહલગ્નમાં આયોજનમાં ઉપસ્થિત રહીને ત્યાં હાજર લોકોને બાળલગ્નના કાયદા અંગે વાકેફ કર્યા હતા. તો અન્ય બનાવમાં અભયમની હેલ્પલાઇન ૧૮૧ પર કોલ આવ્યો હતો કે અમદાવાદ જિલ્લાના એક ગામમાં બાળ લગ્ન કરાવવામાં આવી રહ્યા છે. જેેના આધારે ત્યાં જઇને પુછપરછ કરતા કન્યાની ઉમર ૧૪ વર્ષ ૧૦ મહિના જ હતી. જો કે જાન રસ્તામાં જ હોવાથી પહેલા તો કન્યા માતા પિતાએ વાંધા ઉભા કર્યા હતા. જો કે કાયદાકીય ભય લાગતા છેવટે જાન પરત ગઇ હતી અને લગ્ન અટકાવવામાં આવ્યા હતા. જો કે વર કન્યાના માતા પિતા પાસેથી લેખિતમાં ખાતરી લેવામાં આવી હતી કે સગીરા ૧૮ વર્ષ પૂર્ણ કરે અને યુવક ૨૧ વર્ષ પૂર્ણ કરે ત્યાર બાદ જ લગ્ન કરાવશે.
Comments
Post a Comment