કર્ણાટકમાં CM પદની કમઠાણ યથાવત્ : સિદ્ધારમૈયા અને શિવકુમારના નિવેદન બાદ હાઈકમાન્ડની મુશ્કેલી વધી

કર્ણાટક, તા.15 મે-2023, સોમવાર

કર્ણાટકમાં શાનદાર જીત મેળવ્યા બાદ રાજ્યના આગામી મુખ્યમંત્રીને લઈને હજુ કોંગ્રેસમાં ધમાસાણ જોવા મળી રહ્યું છે. કર્ણાટકામાં મુખ્યમંત્રી કોને બનાવવા તે માટે હાઈકમાન્ડ દ્વારા દિલ્હીમાં મંથન ચાલી રહ્યું છે. આજે CM નક્કી કરવા પસંદ કરાયેલા નિરિક્ષકોએ આજે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના આવાસ પર અહેવાલો સોંપી દીધો છે.  સુત્રો તરફથી મળતી માહિતી મુજબ આગામી 24 કલાકમાં કર્ણાટકમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી દેવામાં આવશે. દરમિયાન હાલ મુખ્યમંત્રી પદના દાવેદાર સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારના તીખા નિવેદનો સામે આવ્યા છે. સિદ્ધારમૈયાએ જણાવ્યું છે કે, મોટાભાગના ધારાસભ્યોએ તેમના પક્ષમાં મતદાન કર્યું છે અને તેમને હાઈકમાન્ડ સંપૂર્ણ વિશ્વાસ છે. બીજી તરફ ડીકે શિવકુમારે જણાવ્યું કે, મારી તાકાત 135 છે, મારી અધ્યક્ષતામાં ભાજપ વિરુદ્ધ કોંગ્રેસે 135 સીટો જીતી છે.

મોટાભાગના ધારાસભ્યોએ મારી તરફેણમાં મતદાન કર્યું : સિદ્ધારમૈયા

સિદ્ધારમૈયાએ ઈન્ડિયા ટુડે સાથે વાતચીતમાં દાવો કરતા જણાવ્યું કે, મોટાભાગના ધારાસભ્યોએ મારી રફેણમાં મતદાન કર્યું છે. મને હાઈકમાન્ડ પર સંપૂર્ણ ભરોસો છે.

મારી અધ્યક્ષતા હેઠળ કોંગ્રેસને 135 ધારાસભ્યો મળ્યા : ડીકે શિવકુમાર

બીજી તરફ આજે ડીકે શિવકુમારે કહ્યું કે, તેમની અધ્યક્ષતા હેઠળ પક્ષને 135 ધારાસભ્યો મળ્યા છે. તેમણે કહ્યું કે, અમે એક લાઈનનો પ્રસ્તાવ મૂક્યો હતો કે, અમે આ મામલો પાર્ટી હાઈકમાન્ડ પર છોડી દઈશું, ત્યારબાદ કેટલાકે તેમના અંગત અભિપ્રાય શેર કર્યા હશે. મારામાં બીજાની સંખ્યા વિશે બોલવાની તાકાત નથી, મારી તાકાત 135 છે, હું પાર્ટીનો અધ્યક્ષ છું અને મારી અધ્યક્ષતામાં પાર્ટીએ કર્ણાટકમાં ડબલ એન્જિન (ભાજપ) સરકાર, ભ્રષ્ટ વહીવટ અને લોકોની વેદના સામે 135 બેઠકો જીતી છે. લોકોએ અમારું સમર્થન કર્યું છે અને અમને 135 બેઠકો પર જીત અપાવી છે.

સાહસવાળો એકલો વ્યક્તિ બહુમતી બનાવે છે : શિવકુમાર

રાજ્ય કોંગ્રેસ અને તેમના નેતાઓએ તેમને સાથે મળીને કામ કરવાનું અને કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર આપવાનું આશ્વાસન આપ્યું હતું. તેમણે કહ્યું કે, મને ખાતરી છે કે અમે અમારું વચન પાળીશું અને બાકી (મુખ્યમંત્રી અને મંત્રી) હાઈકમાન્ડ નક્કી કરશે. શિવકુમારે કહ્યું કે, હું કોઈપણ દાવા કે કોઈ પણ બાબતનો જવાબ આપવા માંગતો નથી. હું એકલો માણસ છું, હું એક વાતમાં માનું છું કે સાહસવાળો એકલો વ્યક્તિ બહુમતી બનાવે છે. મેં તે સાબિત કર્યું છે. છેલ્લા 5 વર્ષમાં શું થયું છે તે હું જાહેર કરવા માંગતો નથી અને ભવિષ્યમાં પણ જાહેર કરીશ.

શિવકુમારે કહ્યું કે, દિલ્હી જવામાં મોડું થઈ શકે છે

શિવકુમારે કહ્યું કે, તેમને દિલ્હી જવામાં મોડું થઈ શકે છે. આજે મારો જન્મદિવસ હોવાથી ઘણા લોકો મને અભિનંદન પાઠવવા આવ્યા છે. મારે મારા પરિવાર સાથે મારા દેવતાના દર્શન કરવા છે, ત્યાં જઈને હું દિલ્હી જવા રવાના થઈશ. મને ખબર નથી કે હું કયા સમયે દિલ્હી જઈશ. મને જે પણ ફ્લાઈટ મળશે તેમાં જઈશ.

સિદ્ધારમૈયા દિલ્હી પહોંચ્યા

મળતા અહેવાલો મુજબ કર્ણાટકમાં CM પદને લઈ સર્જાયેલી સ્થિતિ પર અંતિમ નિર્ણય કરવા યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે ચર્ચા કરાશે. દરમિયાન કર્ણાટકના CMને અંગે ચાલી રહેલી બેઠકો વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા દિલ્હી પહોંચ્યા છે. દિલ્હી પહોંચ્યા બાદ સિદ્ધારમૈયાએ પત્રકારો સાથે વાત ન કરી.

કર્ણાટકમાં કોંગ્રેસને મળી બહુમતી

કર્ણાટકમાં કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવીને જંગી વિજય મેળવ્યો છે. કોંગ્રેસે 135 બેઠકો, જ્યારે ભાજપ માત્ર 66 બેઠકો જીતી શકી અને JDS 19 બેઠકો પર લપેટાઈ ગઈ હતી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે