સતત ત્રીજા વર્ષે અપેક્ષા કરતા વધારે તેજી સાથે 2022-23માં દેશનો વૃદ્ધિ દર 7.2 ટકા


- મોંઘવારી, વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતીય અર્થતંત્રની વૃદ્ધિ પૂરપાટ દોડી

- ગ્રાહકોની ખરીદી 15 ટકા વધી રૂ. 21.50 લાખ કરોડ પહોંચી, જીડીપી વૃદ્ધિમાં હિસ્સો 58 ટકા

- વર્ષના જીડીપીમાં કૃષિ, હાઉસિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હોટેલ્સ અને પરિવહનનો પણ મહત્વનો હિસ્સો રહ્યો

અમદાવાદ : કમ્મરતોડ મોંઘવારીના બોજ વચ્ચે પણ દેશમાં ગ્રાહકોની ખરીદી ચાલુ રહેતા નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩નો આર્થિક વિકાસ દર (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ કે જીડીપી) અપેક્ષા કરતા વધારે ૭.૨ ટકા રહ્યો છે. વર્ષના ત્રીજા ક્વાર્ટર એટલે કે ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે આર્થિક વૃદ્ધિ ૪.૫ ટકા રહ્યા બાદ જાન્યુઆરીથી માર્ચના ચોથા ક્વાર્ટરમાં વૃદ્ધિ ૬.૧ ટકા રહેતા સમગ્ર વર્ષનો આર્થિક વિકાસ દર ઉચો રહ્યો છે. સમગ્ર વર્ષ માટે કૃષિ (ચાર ટકા), નાણાકીય સેવાઓ (૭.૧ ટકા), ટ્રેડ, હોટેલ્સ અને પરિવહન (૧૪ ટકા)ના ઊંચા વિકાસ દરની અસર પણ વિશ્વની સૌથી ઝડપે વિકસી રહેલી ભારતની અર્થવ્યવસ્થા ઉપર જોવા મળી છે. માથાદીઠ આવક ગત વર્ષ કરતા રૂ.૨૪,૯૭૮ વધી રૂ.૧,૯૩,૦૪૪ રહી છે જે ગત વર્ષ કરતા ૧૪.૯ ટકાની વૃદ્ધિ દર્શાવે છે.

ફેબુ્રઆરી ૨૦૨૨માં રશિયા અને યુક્રેન વચ્ચે શરુ થયેલા યુદ્ધ અને તેના કારણે ઐતિહાસિક ઉંચી મોંઘવારીનો પડકાર વિશ્વ સમક્ષ ઉભો થયો હતો. આ ઉપરાંત, કોરોના મહામારી સમયની બજારમાં પુષ્કળ નાણાની નીતિ અને વિક્રમી નીચા વ્યાજ દર પરત લેવાની શરૂઆત પણ થઇ હતી. વધેલા વ્યાજના દર, મોંઘવારી અને વૈશ્વિક પડકારો વચ્ચે પણ સ્થાનિક ગ્રાહકોની ખરીદીના ટેકે ભારતીય અર્થતંત્રએ પોતાની વિકાસની ગતિ જાળવી રાખી છે. ગ્રાહકોની ખરીદીના ટેકે સતત ત્રીજા વર્ષેે દેશનો આર્થિક વિકાસ દર પ્રાથમિક અંદાજો અને અર્થશાસ્ત્રીઓની વર્ષની શરૂઆતની ગણતરી કરતા ઉંચો આવ્યો છે.

સમગ્ર વર્ષ દરમિયાન, વાસ્તવિક જીડીપી (એટલે કે ૨૦૧૧-૧૨ના સ્થિર ભાવે, ફુગાવાની અસર રહિત) જીડીપી રૂ.૧૬૦.૦૬ લાખ કરોડ રહી છે. ગત વર્ષના રૂ.૧૪૯.૨૫ લાખ કરોડ સામે તેમાં રૂ.૧૦.૮૦ લાખ કરોડનો વધારો જોવા મળ્યો છે. આ વૃદ્ધિમાં ૬૧ ટકા જેટલો હિસ્સો ગ્રાહકોની ખરીદીનો છે. ગ્રાહકોએ રૂ.૬,૫૫,૧૫૩ કરોડની ખરીદી કરી હોવાનું આજે કેન્દ્ર સરકારે બહાર પાડેલા જીડીપીના પ્રાથમિક અંદાજ પરથી જાણવા મળે છે. વર્તમાન ભાવે જીડીપી રૂ.૩૭.૬૯ લાખ કરોડ વધી રૂ.૨૭૨.૪૦ લાખ કરોડ થઇ છે જેમાં પ્રાઈવેટ ફાઈનલ કન્ઝમ્પશન કે ગ્રાહક વપરાશ રૂ.૨૧.૫૦ લાખ કરોડ કે ૫૮ ટકા હિસ્સો ધરાવે છે. 

ગ્રાહકોની ખરીદી કે તેમના ખર્ચ ઉપર ૨૦૨૨-૨૩માં બહુ અસર જોવા મળી નથી. સમગ્ર વર્ષ માટે સરેરાશ ગ્ર્રાહક ભાવાંક ૭ ટકા આસપાસ રહ્યો હતો. જીડીપીના વર્તમાન ભાવે વૃદ્ધિ દર ૧૫.૧ ટકા અને સ્થિર ભાવે ૭.૨ ટકા ગણવામાં આવતા જીડીપીની ગણતરીમાં મોંઘવારીની અસર ૮.૯ ટકા જેટલી રહી છે. આ મોંઘવારીની અસરના કારણે સ્થિર ભાવે ગ્રાહક ખરીદી ૭.૫ ટકાના દરે પણ વર્તમાન ભાવે ૧૫ ટકા વધેલી જોવા મળે છે જેની અસર સરકારની ટેક્સની આવક ઉપર પણ જોવા મળેલી છે. 

ગ્રોસ વેલ્યુ એડેડ (એટલે કે જીવીએ કુલ મૂલ્ય વૃદ્ધિ જીડીપીમાંથી ટેક્સ બાદ કરી ગણવામાં આવે છે) સ્થિર ભાવે સાત ટકા વધી છે જયારે વર્તમાન ભાવે ૨૦૨૨-૨૩માં ૧૫.૪ ટકા વધી છે. જીડીપી અને જીવીએ બન્નેની વૃદ્ધિ સામે કરવેરા વારે તીવ્રતાથી વધ્યા છે. વર્તમાન ભાવે ટેક્સ વૃદ્ધિ ૨૨.૯ ટકા અને સ્થિર ભાવે ૧૦.૧ ટકા ગણવામાં આવી છે. 

જોકે, નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન ઉત્પાદન કે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનો દેખાવ સામાન્ય રહ્યો છે. કોરોના મહામારી પછી ઉત્પાદન વધતા વર્ષ ૨૦૨૧-૨૨માં ઉત્પાદન ક્ષેત્રની વૃદ્ધિ ૧૧.૧ ટકા રહી હતી જે ૨૦૨૨-૨૩માં ઘટી માત્ર ૧.૩ ટકા રહી છે. જાન્યુઆરીથી માર્ચના ચોથા ક્વાર્ટરમાં ઉત્પાદન ક્ષેત્રની વૃદ્ધિ ૪.૫ ટકા રહી છે. ચોથા ક્વાર્ટરના ૬.૧ ટકાના વૃદ્ધિ દરમાં કૃષિ, બાંધકામ, ટેલીકોમની જેમ ઉત્પાદન ક્ષેત્રની વૃદ્ધિનો પણ હિસ્સો મહત્વનો રહ્યો છે. ઓક્ટોબર ડિસેમ્બરના ત્રીજા ક્વાર્ટરમાં ઉત્પાદન ક્ષેત્રની વૃદ્ધિ નેગેટીવ ૧.૪ ટકા રહી હતી. 

ચોથા ક્વાર્ટરમાં રવિ પાકના ઉત્પાદન સામે કમોસમી વરસાદના કારણે જોખમ હતું પણ હવે સત્તાવાર અંદાજ ચાર ટકાની વૃદ્ધિનો છે એ જોતા લાગી રહ્યું છે કે ઉત્પાદન વધ્યું છે. આ ઉપરાંત, સમગ્ર્ર વર્ષ માટે રિટેલ સ્તરે ગ્રાહકોની હાઉસિંગમાંગ અને ઇન્ફ્રાસ્ટ્રકચરમાં સરકારના રોકાણના કારણે બાંધકામ ક્ષેત્ર (૧૦ ટકા વૃદ્ધિ), ટ્રેડ, હોટેલ્સ, પરિવહન (૧૪ ટકા), ફાઈનાન્સિયલ સર્વિસ (૭.૧ ટકા)ના દરે વધ્યા છે. સામે, ખનીજ ઉત્પાદન (૪.૬ ટકા), વીજળી અને પાણી પુરવઠો (૯ ટકા) અને જાહેર સેવાઓ (૭.૧ ટકા) વધ્યા છે પણ ગત વર્ષ કરતા અર્થતંત્રના આ ક્ષેત્રોની વૃદ્ધિ ીમી પડી છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો