3 દેશોના નાગરિકોને લઈ જઈ રહેલું ચીનનું જહાજ હિંદ મહાસાગરમાં ડુબ્યું, મદદ માંગતા ભારતે મોકલ્યું વિમાન
નવી દિલ્હી, તા.18 મે-2023, ગુરુવાર
ભારતીય નૌકાદળે બુધવારે ચીની નૌકાદળની વિનંતી બાદ હિંદ મહાસાગરમાં ડૂબી ગયેલા ચીનના માછીમારી જહાજની શોધમાં મદદ કરી. 17 ચીની ક્રૂ મેમ્બર્સ, 17 ઈન્ડોનેશિયન અને 5 ફિલિપિનો સહિત 39 લોકો જહાજમાં સવાર હતા. હિંદ મહાસાગરના મધ્ય વિસ્તારમાં મંગળવારે ડૂબી ગયેલા જહાજ લુ પેંગ યુઆન યુ 028ને બચાવવા માટે ચીને ભારત સહિત અનેક દેશો પાસેથી મદદ માંગી હતી.
ભારતીય નૌકાદળે P-8i વિમાન તૈનાત કર્યા
ભારતીય નૌકાદળે ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું કે, તેણે ડૂબતા ચીનના માછીમારી જહાજને બચાવવા દક્ષિણ હિંદ મહાસાગર ક્ષેત્રમાં તેની ‘એર એમઆર એસેટ્સ’ તૈનાત કરી છે. આ રેસ્ક્યુ ઓપરેશન હેઠળ નૌકાદળે P-8i વિમાનને પણ તૈનાત કર્યા, જે ખરાબ હવામાન હોવા છતાં ઉડી રહ્યું છે. ભારતીય નૌકાદળના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, P8I એરક્રાફ્ટ ખરાબ હવામાન હોવા છતાં ડુબેલા જહાજમાંથી સંબંધિત ઘણી વસ્તુઓ શોધી કાઢી છે. PLA(N) જહાજોની વિનંતી બાદ ભારતીય નૌકાદળે તાત્કાલિક મદદના ભાગરૂપે SAR ઉપકરણને ભારતીય એરક્રાફ્ટ દ્વારા ઘટના સ્થળે તૈનાત કરાયું હતું.
ગુમ થયેલા ક્રૂ મેમ્બર્સની શોધ અભિયાનમાં 2 મૃતદેહો મળ્યા
દરમિયાન ચીન સરકારી મીડિયાએ જણાવ્યું કે, ગુમ થયેલા ક્રૂ મેમ્બર્સની શોધમાં ગુરુવારે 2 મૃતદેહો મળ્યા. સમાચાર એજન્સી સિન્હુઆના અહેવાલો અનુસાર લુ પેંગ યુઆન યુ 028 ડૂબી ગયા બાદ ચાલી રહેલા સર્ચ ઓપરેશનમાં 2 પીડિતોના મૃતદેહો મળી આવ્યા છે. જો કે ગુરુવારે મળેલા બંને મૃતદેહોની નાગરિકતા અંગે કોઈ માહિતી હજુ સુધી પ્રાપ્ત થઈ નથી. ઉલ્લેખનિય છે કે, આ જહાજ હિંદ મહાસાગર ક્ષેત્રમાં 900 નોટિકલ માઈલ દક્ષિણમાં ડૂબી ગયું છે.
Comments
Post a Comment