રાજ્યોનો વિકાસ થાય ત્યારે જ દેશ વિકસિત બને : વડાપ્રધાન મોદી
- મોદીએ 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાનો લક્ષ્યાંક રજુ કર્યો
- બેઠકમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ સહિતના રાજ્યોના મુખ્યમંત્રી હાજર રહ્યા, 11 રાજ્યોના સીએમ ગેરહાજર
નવી દિલ્હી : દિલ્હીમાં નીતિ આયોગના ગવર્નિંગ કાઉન્સિલની આઠમી બેઠક યોજાઇ હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યોને અપીલ કરી હતી કે તેઓ રાજકોષીય ખાધને ઘટાડવાનો પ્રયાસ કરે. સાથે જ વડાપ્રધાને એમ પણ કહ્યું હતું કે રાજ્યનો વિકાસ થાય છે ત્યારે જ દેશનો વિકાસ થાય છે. રાજ્યો આગળ વધે છે ત્યારે દેશ આગળ વધે છે. નીતિ આયોગની બેઠકમાં મોદીએ વિકસિત ભારત ૨૦૪૭નું લક્ષ્ય પણ રજુ કર્યું હતું. નીતિ આયોગની આ બેઠકમાં ૧૧ રાજ્યોના મુખ્યમંત્રીઓ સામેલ નહોતા થયા.
નીતિ આયોગની બેઠકમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ જોડાયા હતા. મુખ્યમંત્રીઓની સાથે ચર્ચા દરમિયાન નરેન્દ્ર મોદીએ ૨૦૪૭ સુધી વિકસિત ભારતના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે સંયુક્ત દ્રષ્ટિકોણ વિકસિત કરવા પર ભાર મુક્યો હતો. અને રાજ્યોને અપીલ કરી હતી કે તેઓ નાગરિકોના સપના સાકાર કરવા માટેની યોજનાઓને પુરી કરવા માટે સક્ષમ નાણાકીય રૂપે વિવેકપૂર્ણ નિર્ણય લેવે. આ બેઠકમાં નાણા મંત્રી નિર્ણલા સિતારમણ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને ગૃહ મંત્રી અમિત શાહ પણ જોડાયા હતા. આ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ, મધ્ય પ્રદેશના શિવરાજ, હરિયાણાના ખટ્ટર સહિતના મુખ્યમંત્રીઓ પણ જોડાયા હતા. જ્યારે દિલ્હી, પંજાબ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીઓએ બેઠકનો બહિષ્કાર કર્યો હતો. જ્યારે કુલ ૧૧ રાજ્યોના મુખ્યમંત્રીઓ બેઠકમાં ગેરહાજર રહ્યા હતા.
દેશના વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાતા સ્વાસ્થ્ય, કૌશલ્ય, મહિલા સશક્તિકરણ અને મૂળભૂત ઢાંચાના વિકાસ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. આઠ રાજ્યોના મુખ્યમંત્રીઓ બેઠકમાં ગેરહાજર રહેતા નીતિ આયોગના સીઇઓ બીવીઆર સુબ્રમણ્યમે કહ્યું હતું કે જે મુખ્યમંત્રીઓ આ બેઠકમાં સામેલ નથી થયા તેમણે બેઠકમાં ચર્ચાયેલા મહત્વના મુદ્દાઓને ગુમાવી દીધા છે. એનો અર્થ એમ નથી થતો કે આપણે કોઇને બોયકોટ કરી રહ્યા છીએ, આપણે સાથે મળીને કામ કરવાનું છે.
જ્યારે ભાજપે ગેરહાજર મુખ્યમંત્રીઓ અંગે ટોણો મારતા કહ્યું હતું કે જે બેઠકમાં હજારો મહત્વપૂર્ણ મુદ્દાઓની ચર્ચા થઇ તેમાં આઠ રાજ્યોના મુખ્યમંત્રીઓ સામેલ ન થયા, આમ કરીને આ મુખ્યમંત્રીઓએ લોકોનો અવાજ બેઠકમાં ઉઠાવવાનું ટાળ્યું હતું. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૪૭માં સ્વતંત્રતાના ૧૦૦ વર્ષની ઉજવણી નિમિત્તે ભારતને એક વિકસિત દેશ બનાવવાનું લક્ષ્ય રજુ કર્યું હતું. ભાજપના પ્રવક્તા રવીશંકર પ્રસાદે કહ્યું હતું કે નીતિ આયોગની બેઠકનો બહિષ્કાર કરનારા મુખ્યમંત્રીઓ નાગરિકો વિરોધી અને ગેરજવાબદાર છે. જે ૧૧ રાજ્યોના મુખ્યમંત્રીઓ આ બેઠકમાં હાજર નહોતા રહ્યા તેમાં પંજાબ, બિહાર, તમિલનાડુ, કર્ણાટક, દિલ્હી, તેલંગાણા, ઓડિશા, પશ્ચિમ બંગાળ, કેરળ, મણીપુર, રાજસ્થાનનો સમાવેશ થાય છે.
Comments
Post a Comment