કેબિનેટમાં ફેરબદલ : કિરણ રિજિજૂને હટાવાયા, મેઘવાલ નવા કાયદામંત્રી


- કેન્દ્ર સરકારે કેબિનેટમાં અચાનક ફેરફાર કરી સૌને ચોંકાવ્યા

- ન્યાયતંત્ર સાથે ઘર્ષણના પગલે કિરણ રિજિજૂની બદલીની શક્યતા : રાજ્ય કાયદા મંત્રી એસપી બઘેલને સ્વાસ્થ્ય વિભાગમાં ખસેડાયા

- સરકાર-ન્યાયતંત્ર વચ્ચે કોઈ મતભેદો નથી, બંધારણમાં બંનેની મર્યાદાઓ પહેલાંથી જ નિશ્ચિત : મેઘવાલ

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે ગુરુવારે સવારે કેબિનેટમાં અચાનક જ ફેરફાર કરીને સૌને ચોંકાવી દીધા છે. કેબિનેટમાં સરકારના ફેરબદલને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી ત્યારે જ આ સમાચાર જાહેર થયા હતા. સરકારે કાયદા વિભાગના કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂ અને રાજ્યમંત્રી એસપી વઘેલની બદલી કરી નાંખી છે અને રાજસ્થાનના નેતા અર્જુન રામ મેઘવાલને કાયદા મંત્રાલયનો સ્વતંત્ર પ્રભાર સોંપાયો છે. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂને પૃથ્વી વિજ્ઞાાન મંત્રાલયનો સ્વતંત્ર હવાલો અપાયો છે જ્યારે એસપી બઘેલને સ્વાસ્થ્ય વિભાગમાં રાજ્યમંત્રી બનાવાયા છે. ન્યાયતંત્ર સાથે ઘર્ષણના પગલે રિજિજૂની બદલી કરાઈ હોવાનું મનાય છે.

કેન્દ્ર સરકારે ગુરુવારે સંસદીય બાબતોના અને સંસ્કૃતિ વિભાગના રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલને કાયદા મંત્રાલયનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે. કેબિનેટમાં ૫૧ વર્ષીય કિરણ રિજિજૂની અચાનક બદલીએ રાજકીય વર્તૂળોમાં અનેક ચર્ચાઓને જન્મ આપ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ કિરણ રિજિજૂએ જુલાઈ ૨૦૨૧માં કાયદા મંત્રી તરીકે જવાબદારી સંભાળ્યા પછી ન્યાયતંત્રની ટીકા કરતા અનેક વિવાદો ઊભા કર્યા હતા. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અંગે કરેલી ટીપ્પણીઓ પછી તત્કાલીન કાયદા મંત્રી કિરણ રિજિજૂએ ન્યાયતંત્રના સંદર્ભમાં અનેક આકરા નિવેદનો કર્યા હતા.કિરણ રિજિજૂ કાયદા મંત્રી તરીકે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક કરતી કોલેજિયમની ટીકા કરવામાં સૌથી સક્રિય હતા અને આ વ્યવસ્થાને તેમણે બંધારણ બહારની ગણાવી હતી. તેમણે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના કેટલાક પૂર્વ ન્યાયાધીશો અને એક્ટિવિસ્ટ્સને ભારત વિરોધી ગેંગનો ભાગ ગણાવ્યા હતા. તેમની આ ટીપ્પણીના આકરા પ્રત્યાઘાત પડયા હતા. 

કાયદા મંત્રાલયમાં હોદ્દો સંભાળતા નવા મંત્રી અર્જુન રામ મેઘવાલે સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે કોઈપણ ઘર્ષણ હોવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો. ન્યાયતંત્ર અંગે કિરણ રિજિજૂના આકરા નિવેદનોના પગલે મનાતું હતું કે, કેન્દ્ર સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. જોકે, મેઘવાલે કહ્યું કે, સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે કોઈ મતભેદો નથી. કાર્યપાલિકા અને ન્યાયતંત્ર વચ્ચે સૌહાર્દપૂર્ણ સંબંધો છે અને તે બંધારણીય રહેશે. બંધારણમાં બંનેની મર્યાદાઓ પહેલાથી જ નિશ્ચિત છે. તે મુજબ જ કામ થાય છે. મારી અગ્રતા બધાને ઝડપથી ન્યાય મળે તેના પર રહેશે. કેબિનેટમાં ફેરફારને રાજસ્થાન ચૂંટણી સાથે કોઈ લેવાદેવા નથી.

બીજીબાજુ કિરણ રિજિજૂએ કાયદા મંત્રાલયમાંથી હટાવાયા પછી ટ્વીટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડનો આભાર માન્યો હતો. આ સાથે તેમણે લખ્યું કે, તેઓ હવે પૃથ્વી વિજ્ઞાાન મંત્રાલયમાં પણ એ જ ઉત્સાહથી કામ કરશે. તેમણે ટ્વિટમાં લખ્યું તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટોના બધા જ ન્યાયાધીશો, કાયદા મંત્રાલયના બધા જ અધિકારીઓનો આભાર માને છે.

રાષ્ટ્રપતિ ભવને ગુરુવારે સવારે એક ટૂંકા નિવેદનમાં જણાવ્યું હતું કે, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સલાહથી કેન્દ્રીય કેબિનેટમાં મંત્રીઓના પોર્ટફોલિયોમાં કરાયેલી ફેરબદલને મંજૂરી આપવામાં આવે છે. પૃથ્વી વિજ્ઞાાન મંત્રાલય કિરણ રિજિજૂને સોંપવામાં આવે છે. હાલમાં સંસદીય બાબતો અને સંસ્કૃતિ મંત્રી મેઘવાલને કાયદા અને ન્યાય મંત્રાલયનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવે છે. કાયદા મંત્રાલયના રાજ્યમંત્રી એસપી બઘેલને સ્વાસ્થ્ય મંત્રાલયમાં ખસેડવામાં આવે છે.' રિજિજૂ પૃથ્વિ વિજ્ઞાાન મંત્રાલયનો હવાલો સંભાળતા કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહનું સ્થાન લેશે.

મેઘવાલ પૂર્વ IAS અધિકારી અને કાયદા નિષ્ણાત

અર્જુન રામ મેઘવાલને કાયદા મંત્રાલય સોંપવા પાછળ આ વર્ષના અંતમાં યોજાનારી રાજસ્થાનની વિધાનસભા ચૂંટણી પણ એક મહત્વનું કારણ હોવાનું મનાય છે. આઈએએસ અધિકારી તરીકે નિવૃત્તિ લઈ રાજકારણમાં કૂદેલા મેઘવાલ રાજસ્થાનમાં ૬૦ ટકા મેઘવાલ વસતિનું પ્રતિનિધિત્વ કરે છે. મેઘવાલ સમાજ આજે પણ કોંગ્રેસની મોટી વોટ બેન્ક મનાય છે. મેઘવાલનો વહીવટી અનુભવ ઘણો સારો છે અને તેઓ આજે પણ સાઈકલ લઈને સંસદમાં આવે છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો