નાઈજીરીયા : અમેરિકી કાફલા પર બંદૂકધારીઓનો ઓચિંતો હુમલો, 4નાં મોત, અન્ય 3નું અપહરણ કરાયું
image : Twitter |
નાઈજીરીયામાં અમેરિકી કાફલા પર હુમલાની ઘટના સામે આવી છે. બંદૂકધારીઓએ દક્ષિણપૂર્વ નાઈજીરીયાના અનામ્બ્રા રાજ્યમાં અમેરિકી કાફલા પર હુમલો કર્યો હતો જેમાં ચાર લોકોના મોત થયા અને અન્ય ત્રણનું અપહરણ કરી લેવાયું હતું. એક અમેરિકી અધિકારીએ આ માહિતી આપી હતી.
કાફલામાં એકપણ અમેરિકન નાગરિક સામેલ નહોતો
પોલીસ પ્રવક્તા ઇકેન્ગા ટોચુકુએ જણાવ્યું હતું કે કાફલામાં કોઈ અમેરિકી નાગરિક નહોતો. તેમણે કહ્યું કે બંદૂકધારીઓએ બે પોલીસ મોબાઈલ કર્મચારીઓ અને કોન્સ્યુલેટના બે કર્મચારીઓની હત્યા કરી નાખી. આ પછી તેઓએ વાહનને આગ ચાંપી દીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ હુમલો મંગળવારે ઓગબારુ જિલ્લામાં થયો હતો.
બે પોલીસકર્મીઓ અને ડ્રાઈવરનું અપહરણ કર્યું
ટોચુકુએ જણાવ્યું હતું કે બંદૂકધારીઓએ ઘટનાસ્થળે તૈનાત સંયુક્ત સુરક્ષા દળના બે પોલીસકર્મીઓ અને એક ડ્રાઈવરનું અપહરણ કર્યું હતું. અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જોન કિર્બીએ વોશિંગ્ટન ડીસીમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન હુમલાની પુષ્ટિ કરી હતી. કિર્બીએ કહ્યું કે બંદૂકધારીઓએ અમેરિકી કાફલા પર હુમલો કર્યો હતો.
બે જૂથ વચ્ચે હિંસક અથડામણમાં 30ના મોત
બીજી બાજુ મિડલ નાઈજીરીયામાં ગોવાળો અને ખેડૂતો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જેમાં 30થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘવાયા હતા. નાઈજીરીયામાં મોટાભાગના મુસ્લિમ નોર્થ ક્ષેત્રમાં અને ખ્રિસ્તી ધર્મના લોકો સાઉદી ઝોનમાં રહે છે. તેમની વચ્ચે અનેકવાર વિભાજનને લઈને હિંસક અથડામણ થતી રહે છે.
Comments
Post a Comment