આતંકવાદ અને કટ્ટરવાદ સાંખી નહીં લેવાય, ચીનનું દક્ષિણ-ચીન સમુદ્રમાં વધતું પ્રભુત્વ જોખમી: ક્વાડ


- ભારત 2024માં ક્વાડ સંગઠનનું અધ્યક્ષ બનશે: પીએમ મોદીની જાહેરાત

- વિશ્વમાં શાંતિ-સ્થિરતા માટે હિન્દ-પ્રશાંત ક્ષેત્રની સુરક્ષા મહત્વપૂર્ણ, ક્લાઇમેટ ચેન્જ સહિતના પડકારોના ઉકેલ માટે જરૂરિયાતમંદ દેશોને ટેક્નોલોજી ટ્રાન્સફર જરૂરી: મોદી

હિરોશિમા : સમગ્ર દુનિયામાં શાંતિ, સ્થિરતા અને મુક્ત દરિયાઈ વેપાર માટે હિન્દ-પ્રશાંત ક્ષેત્રની સુરક્ષા અત્યંત મહત્વપૂર્ણ છે અને ક્વાડ સંગઠન આ બાબત સુનિશ્ચિત કરવા માટેનું એક મહત્વપૂર્ણ મંચ છે તેમ પીએમ નરેન્દ્ર મોદીએ શનિવારે હિરોશિમામાં ક્વાડ સંગઠનની બેઠકમાં કહ્યું હતું. આ સાથે તેમણે હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં ચીનના વધતા પ્રભુત્વ સામે ક્વાડ જૂથના મહત્વ પર ભાર મૂક્યો હતો. ક્વાડ સંગઠને સંયુક્ત નિવેદનમાં આતંકવાદ-કટ્ટરવાદની પણ ટીકા કરી હતી. બીજીબાજુ પીએમ મોદીએ જી-૭ની બેઠકમાં પણ ભાગ લીધો હતો અને જી-૭ તથા જી-૨૦ના સહયોગ પર ભાર મૂકતા કહ્યું કે ભારત આંતરરાષ્ટ્રીય સમુદાયના નેતૃત્વ માટે તૈયાર છે.

જાપાનના હિરોશિમામાં દુનિયાના સૌથી શક્તિશાળી આર્થિક સંગઠન જી-૭ની સાથે ક્વાડ સંગઠનની પણ બેઠક યોજાઈ હતી. આ બેઠક પછી વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૪માં ભારત ક્વાડ સંગઠનનું અધ્યક્ષપદ સંભાળશે તથા ભારતમાં ક્વાડ નેતાઓના શિખર સંમેલનનું આયોજન કરવામાં ભારતને આનંદ થશે. જી-૭ અને ક્વાડ સંગઠનોની મુલાકાતની સાથે પીએમ મોદીએ જાપાન, ઑસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયાના વડાપ્રધાનો સાથે દ્વિપક્ષીય બેઠકો પણ યોજી હતી અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં ચીનના વધતા પ્રભુત્વ સામે રચાયેલા ક્વાડ સંગઠને સંયુક્ત નિવેદનમાં યુક્રેન સંઘર્ષ, હિન્દ-પ્રશાંત ક્ષેત્ર માટે તેમના વિઝન અને પૂર્વ-દક્ષિણ ચીન સમુદ્રની સ્થિતિનો ઉલ્લેખ કર્યો હતો. ક્વાડ નેતાઓએ યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આ યુદ્ધનો સમય નથી. વાટાઘાટો અને રાજદ્વારી ચર્ચા મારફત યુક્રેન સંઘર્ષનો ઉકેલ લાવવો જોઈએ. સમગ્ર વિશ્વમાં આતંકવાદ અને કટ્ટરવાદને જરા પણ સાંખી લેવામાં નહીં આવે. પૂર્વ-દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનના વધતા પ્રભુત્વ અંગે પણ ચેતવણી અપાઈ છે. 

આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, આ સંગઠન વૈશ્વિક ભલાઈ, લોકો માટે કલ્યાણ, સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રયત્નો કરવાનું ચાલુ રાખશે. આ સંગઠન હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટેનું એક મહત્વપૂર્ણ મંચ છે. 

એટલું જ નહીં તે વેપાર, ઈનોવેશન અને વિકાસનું પણ એન્જિન છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. હિન્દ-પ્રશાંત ક્ષેત્રની સુરક્ષા અને સફળતા માત્ર આ ક્ષેત્ર માટે જ નહીં, પરંતુ વિશ્વના મુક્ત વેપાર માટે પણ મહત્વપૂર્ણ છે. 

બીજીબાજુ જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાએ કહ્યું કે, આ સંગઠન વ્યાવહારિક સહયોગમાં સામેલ થવા માટે આસિયાન, દક્ષિણ એશિયા અને પ્રશાંત ટાપુ દેશોનો અવાજ સાંભળશે. બાઈડેને કહ્યું કે, લોકો ૨૦-૩૦ વર્ષ પછી આ સંગઠન તરફ જોશે અને કહેશે કે માત્ર આ ક્ષેત્રમાં જ નહીં પરંતુ દુનિયામાં ઘણી ઝડપથી પરિવર્તન થઈ રહ્યું છે. અમે આ સંગઠન મારફત છેલ્લા બે વર્ષમાં ઘણી પ્રગતિ કરી છે.

દરમિયાન દુનિયાના સૌથી ધનિક લોકતાંત્રિક સંગઠન જી-૭ શિખર મંત્રણાની એક બેઠકમાં ભાગ લેતાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આજે આપણે ઈતિહાસના એક મહત્વપૂર્ણ વળાંક પર છીએ. 

દુનિયા અનેક સમસ્યાઓથી ઘેરાયેલી છે, જેમાં જળવાયુ પરિવર્તન, પર્યાવરણ સુરક્ષા અને ઊર્જા સુરક્ષા આજના સમયના સૌથી મોટા પડકારો છે. 

વડાપ્રધાને જળવાયુ પરિવર્તન રોકવા માટે ભારતના પ્રયત્નોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ભારતીય સભ્યતામાં પૃથ્વીને માતાનો દરજ્જો અપાયો છે અને આ બધા જ પડકારોના સમાધાન માટે આપણે પૃથ્વીનો પોકાર સાંભળવો પડશે. 

ભારત પર્યાવરણ પ્રત્યે સજાગ છે.  ભારતે તેના વિશાળ રેલવે નેટવર્કને ૨૦૩૦ સુધીમાં નેટ ઝીરો પર પહોંચાડવાનો નિર્ણય લીધો છે.  તેમણે ઉમેર્યું કે, આપણે જરૂરિયાતમંદ દેશોને ટેક્નોલોજી ટ્રાન્સફર અને સોંઘી નાણાકીય વ્યવસ્થા પૂરાં નહીં પાડીએ તો આપણી ચર્ચા માત્ર ચર્ચા જ રહી જશે. જમીની સ્તરે કોઈ ફેરફાર જોવા મળશે નહીં.

પરમાણુ હથિયારોનો ઉપયોગ અસ્વીકાર્ય: પીએમ મોદી

યુક્રેન પર રશિયાના આક્રમણ પછી મોદી-ઝેલેન્સ્કીની પહેલી મુલાકાત

- યુક્રેન પીસ ફોર્મ્યુલાના અમલમાં ભારત મદદ કરે, માનવીય સહયોગ માટે આભાર: ઝેલેન્સ્કી

જાપાનના હિરોશિમામાં જી-૭ શિખર મંત્રણા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કી મુલાકાત થઈ હતી અને બંને નેતાઓએ દ્વિપક્ષીય વાટાઘાટો પણ કરી હતી. યુક્રેન પર રશિયાના આક્રમણ પછી પહેલી મોદી અને ઝેલેન્સ્કી વચ્ચે આમને-સામને મુલાકાત થઈ હતી. રશિયાએ ફેબુ્રઆરી ૨૦૨૨માં યુક્રેન પર આક્રમણ કર્યા પછી પ્રમુખ ઝેલેન્સકીએ અનેક વખત વડાપ્રધાન મોદીને ફોન પર યુદ્ધ રોકવા માટે દરમિયાનગીરી કરવા અપીલ કરી હતી. જોકે, હિરોશિમામાં બંને નેતાઓ વચ્ચે આ પહેલી વ્યક્તિગત મુલાકાત છે. યુક્રેન પર રશિયા દ્વારા પરમાણુ હુમલાનો ડર દુનિયાને સતત સતાવી રહ્યો છે ત્યારે પીએમ મોદીએ શનિવારે કહ્યું કે, દુનિયામાં ક્યાંય પણ પરમાણુ હુમલાનો ઉપયોગ સ્વિકારી શકાય નહીં. યુક્રેન યુદ્ધ દુનિયા માટે સૌથી મોટું ઉદાહરણ છે. મારા માટે આ માત્ર એક મુદ્દો નથી, પરંતુ તેનાથી અર્થતંત્ર, રાજકારણ અને માનવતાનો મુદ્દો છે. ભારત આ યુદ્ધના સમાધાન માટે જે પણ કંઈ કરી શકશે તે કરશે. ભારત કોઈપણ શાંતિ પ્રયત્નોમાં યોગદાન આપવા તૈયાર છે. પીએમ મોદી સાથેની મુલાકાત પછી ઝેલેન્સ્કીએ ટ્વીટ કરીને કહ્યું, મેં પીએમ મોદીને વાતચીત દરમિયાન યુક્રેન પીસ ફોર્મ્યુલા ઈનિશિયેટિવ અંગે વિસ્તારથી માહિતી આપી અને તેના અમલ માટે ભારતને જોડાવા આમંત્રણ આપ્યું છે. મેં માનવીય મદદ તથા મોબાઈલ હોસ્પિટલો અંગે યુક્રેનની જરૂરિયાતો અંગે વાત કરી. અમારા દેશની પ્રાદેશિક અખંડતા અને સંપ્રભુતાનું સમર્થન કરવા માટે ભારતનો આભાર. ભારત અને યુક્રેનના વરિષ્ઠ નેતાઓ વચ્ચે લાંબી ચર્ચા-વિચારણા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી વચ્ચે આમને-સામને બેઠક નિશ્ચિત કરાઈ હતી. આ દ્વિપક્ષીય બેઠકમાં પીએમ મોદીની સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલ અને વિદેશ મંત્રી જયશંકર પણ હાજર રહ્યા હતા.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો