દેપસાંગ સરહદે સૈન્ય પાછું ખેંચવા ચીનનો ધરાર ઈનકાર


- 18મા તબક્કાની સૈન્ય વાટાઘાટો સમયે એક તરફી શરત મૂકતા ચીનની ખંધાઈ ખુલ્લી પડી

- પૂર્વીય લદ્દાખના વિસ્તારમાં ભારતીય સરહદની અંદર 15 થી 20 કિ.મી. વિસ્તારનો બફર ઝોન બનાવવા ચીનની માગ

નવી દિલ્હી : ભારત સાથે દ્વિપક્ષીય સંબંધો સુધારવા માટે વારંવાર વાતો કરતું ચીન તેની ખંધી ચાલ છોડતું નથી. હવે ચીનના સૈન્યે દેપસાંગના મેદાની વિસ્તારોમાંથી સૈન્ય પાછું ખેંચવા માટે પૂર્વ-શરત મૂકી છે, જે ભારત માટે માનવી અશક્ય છે. ભારતે સરહદે તણાવ ઘટાડવા માટે ૩-૪ કિ.મી.ના વિસ્તારને બફર ઝોન બનાવવાની ઓફરને નકારી કાઢતાં ચીનના આર્મીએ તેના સૈનિકોને સરહદેથી પાછા ખેંચવા માટે એલએસી નહીં, પરંતુ ભારતીય સરહદની અંદર ૧૫થી ૨૦ કિ.મી. વિસ્તારને બફર ઝોન બનાવવાની માગણી કરી છે તેવો દાવો અંગ્રેજી અખબાર ધ ટેલીગ્રાફના અહેવાલમાં કરવામાં આવ્યો છે. 

ટેલિગ્રાફના અહેવાલ મુજબ ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (આઈટીબીપી)ની ગુપ્તચર શાખાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ચીન ઈચ્છે છે કે દેપસાંગના મેદાનોમાંથી ડિસએન્ગેજમેન્ટની પ્રક્રિયા એટલે કે સૈન્યને પાછું ખેંચવાની પ્રક્રિયાના ભાગરૂપે ભારતીય વિસ્તારની અંદર ૧૫-૨૦ કિ.મી. લાંબો બફર ઝોન બનાવવામાં આવે. નોંધનીય છે કે બફર ઝોન એ વિસ્તારને કહેવામાં આવે છે જ્યાં કોઈપણ પ્રકારની લશ્કરી પ્રવૃત્તિ કરી શકાય નહીં કે સૈનિકોને ગોઠવી શકાય નહીં.

અધિકારીએ જણાવ્યું કે ચીનના કમાન્ડરો સાથેની બેઠકમાં ભારતે ચીનની આ માગણી ફગાવી દીધી હતી અને ૩-૪ કિ.મી.નો બફર ઝોન બનાવવા સંમતી આપી હતી, પરંતુ ચીને ભારતની ઓફર નકારી કાઢી છે. અત્યારે ભારત અને ચીન સરહદે સૌથી મોટો બફર ઝોન પૂર્વીય લદ્દાખમાં ૧૦ કિ.મી. પહોળો છે. આ એ વિસ્તાર છે જ્યાં મે ૨૦૨૦માં ચીની સૈન્ય સાથે ઘર્ષણ થયું હતું અને બંને દેશોએ લાંબા સમય સુધી આમને-સામને સૈનિકો ખડક્યા પછી બંને પક્ષે આંશિક પીછેહઠ કરી હતી, જેમાં ચીન ભારતીય દાવાની લાઈનથી થોડુંક પાછું હટયું હતું તથા ભારતીય સૈન્ય પણ સમાન અંતરે પાછું ખસ્યું હતું. જોકે, આ બફર ઝોન બનવાથી ભારતના પૂર્વ સૈન્ય અધિકારીઓએ કેન્દ્ર સરકાર પર 'ચીન સમક્ષ સમર્પણ' કરી દેવાનો અને વધુ પ્રદેશ ચીનને સોંપી દેવાનો આક્ષેપ કર્યો હતો.

આઈટીબીપીના અધિકારીએ જણાવ્યું હતું કે, ચીનના સૈન્ય પીએલએના અધિકારીઓએ ગયા મહિને યોજાયેલી કોર્પ્સ કમાન્ડરની ૧૮મા તબક્કાની બેઠક દરમિયાન આ માગ કરી હતી અને ત્યાર પછી નીચલા સ્તરની સૈન્ય વાટાઘાટો દરમિયાન તેણે તેની આ માગણી પર ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, ચીની સૈન્ય ભારતના દાવા હેઠળની સરહદમાં ૧૮ કિ.મી. સુધી અંદર ઘુસી ગયું છે અને હવે તે વધુ અંદર ૧૫-૨૦ કિ.મી. સુધીના બફર ઝોનની માગણી કરી રહ્યું છે. ચીનના પ્રયત્નોથી સ્પષ્ટપણે એવું જણાઈ રહ્યું છે કે તે આ પ્રદેશમાં વાસ્તવિક નિયંત્રણ રેખની યથાસ્થિતિ સુધારીને નવી લાઈન બનાવવા પર આક્રમક રીતે કામ કરી રહ્યું છે. સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભારતે ચીનની 'અન્યાયી' માગણી નકારી કાઢી છે અને મડાગાંઠ ઉકેલવા માટે વાટાઘાટોનો માર્ગ ચાલુ રાખ્યો છે.

ચીને મે ૨૦૨૦માં પૂર્વીય લદ્દાખમાં ભારતીય સરહદનો ભંગ કર્યા પછી દેપસાંગ એકમાત્ર એ વિસ્તાર છે જ્યાંથી સૈનિકોને પાછા ખેંચવામાં આવ્યા નથી અને હજુ પણ બંને પક્ષે સૈનિકોનો આમને-સામને જમાવડો છે. સૈન્ય સૂત્રોએ જણાવ્યું હતું કે, સૈનિકોને પાછા ખેંચવાની પ્રક્રિયાના ભાગરૂપે ગલવાન ખીણમાં ૩ કિ.મી., પેન્ગોંગ સરોવર ખાતે ૧૦ કિ.મી., ગોગરા ખાતે ૩.૫ કિ.મી અને હોટ સ્પ્રિંગ ખાતે ૪ કિ.મી. વિસ્તારમાં બફર ઝોન બનાવાયો છે. ભારતીય સૈન્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે, ચીની સૈન્યની ભારતીય સરહદની અંદર ૧૫-૨૦ કિ.મી. બફર ઝોન બનાવવાની 'ગેરકાયદે' માગ ક્યારેય સ્વીકારવામાં નહીં આવે. જોકે, ભારતના પૂર્વ અધિકારીઓ દાવો કરે છે તેમ તણાવપૂર્ણ અન્ય વિસ્તારોમાં બનાવાયેલા બફર ઝોન ચીનની શરતો મુજબ બનાવાયા હોવા અંગે સૈન્ય અધિકારીએ ટીપ્પણી કરવાનો ઈનકાર કર્યો હતો.

ભારતના એક પૂર્વ લેફ્ટનન્ટ જનરલે આક્ષેપ કર્યો હતો કે, લદ્દાખમાં ચીની ઘૂસણખોરી સામે કામ કરવામાં ભારતના 'બેવડાં ધોરણો'એ દેશના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડતાને નુકસાન પહોંચાડયું છે. અન્ય એક નિવૃત્ત મેજર જનરલે કહ્યું હતું કે, સરકારે બફર ઝોન બનાવવા માટે સંમતિ આપીને ચીનને વધુ પ્રદેશ સોંપી દીધો છે. હવે દેપસાંગના મેદાનોમાં તેઓ વધુ મોટો બફર ઝોન ઈચ્છે છે.  દરમિયાન ભારત સરકાર અત્યાર સુધી સતત લદ્દાખમાં ચીનની કોઈપણ પ્રકારની ઘૂસણખોરીનો સતત ઈનકાર કરતી આવી છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો