અસલ જુસ્સો! કૃત્રિમ પગ સાથે દુનિયાનો સૌથી ઊંચો શિખર સર કરનાર પ્રથમ વ્યક્તિ બન્યા હરિ બુધ માગર
image : Twitter |
એક 43 વર્ષીય ભૂતપૂર્વ બ્રિટિશ નેપાળી સૈનિકે માઉન્ટ એવરેસ્ટ સર કરીને ઈતિહાસ રચી દીધો છે. ખાસ વાત એ છે કે તેઓ બંને પગથી અશક્તા હતા અને કૃત્રિમ પગ વડે વિશ્વનું સૌથી ઊંચું શિખર સર કરનાર તેઓ પ્રથમ વ્યક્તિ બન્યા છે.
આ સિદ્ધી મેળવનાર પ્રથમ વ્યક્તિ
આ અસાધારણ સિદ્ધી મેળવનાર પૂર્વ નેપાળી સૈનિકનું નામ હરિ બુધ માગર છે. હરિએ શુક્રવારે 8848.86 મીટર ઊંચા શિખરને સર કરી લીધો હતો. પર્યટન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે બંને પગથી અક્ષમ પૂર્વ સૈનિક હરિ બુધ માગરે માઉન્ટ એવરેસ્ટ સર કરીને ઈતિહાસ રચ્યો હતો. આ કેટેગરીમાં વિશ્વના સૌથી ઊંચા શિખરને સર કરનાર તે પ્રથમ વ્યક્તિ બની ગયા છે.
યુદ્ધમાં પગ ગુમાવ્યો
હરિ બુધ માગરે 2010માં અફઘાનિસ્તાનમાં બ્રિટિશ ગોરખા સૈનિક તરીકે લડતી વખતે તેમના બંને પગ ગુમાવ્યા હતા. અગાઉ 2018 માં તેમણે માઉન્ટ એવરેસ્ટ પર ચઢાઈ કરવાની યોજનાને રદ કરવી પડી હતી કારણ કે સરકારે બનાવેલા એક નિયમને કારણે નેત્રહિન, દિવ્યાંગ અને એકલા ક્લાઇમ્બર્સ પર માઉન્ટ એવરેસ્ટ સહિત અન્ય પર્વતો પર ચઢાઈ કરવાનો પ્રતિબંધ મૂકાયો હતો.
માઉન્ટ એવરેસ્ટ સહિત વિશ્વના 10 સૌથી ઊંચા પર્વતોમાંથી 8 નેપાળમાં
નેપાળે આ વસંતઋતુમાં માઉન્ટ એવરેસ્ટ પર ચઢવા માટે રેકોર્ડ 466 પરમિટ જારી કરી છે, અધિકારીઓએ જણાવ્યું હતું. નોંધપાત્ર રીતે, માઉન્ટ એવરેસ્ટ સહિત વિશ્વના 10 સૌથી ઊંચા પર્વતોમાંથી 8 નેપાળમાં છે.
Comments
Post a Comment