નવી સંસદનો ગૌરવપૂર્ણ પ્રસંગ રાજકીય અખાડામાં ફેરવાયો


- નવા સંસદ ભવનના ઉદ્ઘાટનનો વિવાદ : 20 પક્ષો દ્વારા બહિષ્કાર 

- વડાપ્રધાન ઉદ્ઘાટન કરશે તો દેશના પહેલા મહિલા આદિવાસી રાષ્ટ્રપતિનું અપમાન થશે, લોકશાહીની આત્મા મરી જશે : વિપક્ષો

- રાષ્ટ્રપતિના હસ્તે ઉદ્ઘાટનની વાત તો દૂર રહીં તેમને આમંત્રણ પણ નથી અપાયું, સંસદ ભવન બંધારણના મૂલ્યોથી બને છે : રાહુલ

- સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવો દુ:ખદ બાબત, વિપક્ષો નિર્ણય અંગે ફરી વિચારે : સંસદીય બાબતોના મંત્રી

નવી દિલ્હી : ૨૮મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના નવા સંસદભવનનું ઉદ્ઘાટન કરવા જઇ રહ્યા છે. જોકે ઉદ્ઘાટન સમારોહ વિપક્ષના એક પણ નેતાની હાજરી વગર કરવામાં આવે તેવી શક્યતાઓ છે. વિપક્ષની માગણી છે કે રાષ્ટ્રપતિના હસ્તે જ સંસદના નવા ભવનનું ઉદ્ઘાટન થવું જોઇએ, વડાપ્રધાનના હસ્તે નહીં. કેમ કે રાષ્ટ્રપતિ જ સંસદ અને લોકસભાના વડા છે જ્યારે વડાપ્રધાન માત્ર લોકસભાના વડા છે. આ માગણી સાથે હવે ૨૦ જેટલા વિરોધી પક્ષોએ સંસદના ઉદ્ઘાટન કાર્યક્રમનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી દીધી છે. તેથી વિપક્ષ વગર જ સંસદ ભવન ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવશે.   

જે પક્ષોએ ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કર્યો છે તેમાં કોંગ્રેસ, ડીએમકે, આપ, શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે), ટીએમસી, જદ(યુ), આરજેડી, ડાબેરી પક્ષો, સપા, ઝારખંડ મુક્તિ મોર્ચા, એનસીપી,  સહિત કુલ ૨૦ વિપક્ષોનો સમાવેશ થાય છે. આ પક્ષોએ એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને બાજુમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખૂદ સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા જઇ રહ્યા છે. મોદીનું આ પગલુ રાષ્ટ્રપતિનું ગંભીર રીતે અપમાન કરનારુ છે સાથે સાથે આપણી લોકશાહી પર સીધો હુમલો છે. રાહુલ ગાંધીએ પણ મોદીના હસ્તે સંસદ ભવનના ઉદ્ઘાટનનો વિરોધ કર્યો હતો અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે ઉદ્ઘાટનની માગ કરી હતી. તેમણે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ આ ઉદ્ઘાટન રાષ્ટ્રપતિના હસ્તે કરાવવાનુ તો દૂર તેમને આમંત્રણ પણ નથી આપ્યું. સંસદ ઘમંડની ઇંટોથી નહીં પણ બંધારણના મૂલ્યેથી બની છે. 

જ્યારે એઆઇએમઆઇએમના વડા અસાદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે મોદીના હસ્તે ઉદ્ઘાટન થશે તો તેનાથી થીયરી ઓફ સેપ્રેશન ઓફ પાવર્સનું ઉલ્લંઘન થશે, જેનો ઉલ્લેખ બંધારણમાં પણ હોવાથી આ સીધુ બંધારણનું પણ ઉલ્લંઘન છે. આ ઇમારતનું ઉદ્ઘાટન લોકસભાના સ્પીકર ઓમ બિરલા દ્વારા થશે તો જ અમે જોડાશું નહીં તો અમે પણ બહિષ્કાર કરીશું.  વિપક્ષે જાહેર કરેલા સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે રાષ્ટ્રપતિ વગર સંસદ કાર્ય ન કરી શકે. તેમ છતા રાષ્ટ્રપતિ વગર જ વડાપ્રધાન મોદીએ નવા સંસદ ભવનનું જાતે જ ઉદ્ઘાટન કરવાનો નિર્ણય કર્યો છે. આ એક અશોભનીય કૃત્ય છે જેનાથી રાષ્ટ્રપતિના પદનું અપમાન થયું છે. સન્માન સાથે સૌને સાથે રાખીને ચાલવાની ભાવનાને કમજોર કરે છે જેના દ્વારા દેશએ પોતાના પહેલા મહિલા આદિવાસી રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાતે જ ઉદ્ઘાટનનો નિર્ણય લઇને આ સંસદ ભવનમાંથી લોકશાહીની આત્માને જ કાઢી મુકી છે. તેથી આ નવા સંસદ ભવનનું કોઇ જ મૂલ્ય નથી રહ્યું. ૨૦ વિરોધી પક્ષોના બહિષ્કાર બાદ હવે સરકાર તરફથી તેમને મનાવવાનો પ્રયાસ શરૂ થયો છે. સંસદીય બાબતોના કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું હતું કે વિપક્ષનો આ નિર્ણય દુ:ખદ છે, તેમણે ફરી વિચારવું જોઇએ અને ઉદ્ઘાટનના કાર્યક્રમમાં જોડાવું જોઇએ.

જ્યારે ટીએમસીના નેતા મહુઆ મોઇત્રાએ કહ્યું હતું કે રાષ્ટ્રપતિ પ્રથમ ક્રમે, બીજા ક્રમે ઉપરાષ્ટ્રપતિ અને ત્રીજા ક્રમે વડાપ્રધાનનું પદ છે. આ મોદીજીનો ગૃહપ્રવેશ નથી, મોદીજીએ પોતાના પૈસે આ સંસદ ભવન નથી બનાવ્યું. જ્યારે કોંગ્રેસ છોડીને પોતાનો પક્ષ સ્થાપનારા ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે નરસિમ્હા રાવ સરકારે નવા સંસદ ભવનને બનાવવાનો પ્રસ્તાવ રજુ કર્યો હતો જે સપનું આજે પુરુ થયું છે. જોકે તેમણે વિપક્ષો દ્વારા કરવામાં આવી રહેલા બહિષ્કાર અંગે નિવેદન આપવાની ના પાડી દીધી હતી.  

નેહરુ સાથે જોડાયેલા સેંગોલને નવા સંસદ ભવનમાં સ્થપાશે

- 28મીએ ઉદ્ઘાટનના દિવસે સ્પીકરની ખુરશીની બાજુમાં મોદીના હસ્તે સેંગોલની સ્થાપના


દેશને ૨૮મીએ નવુ સંસદ ભવન સોપવામાં આવશે. આ નવા સંસદ ભવનમાં સેંગોલને રાખવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે તેની જાહેરાત કરી હતી. સેંગોલ તમિલ સંસ્કૃતિ સાથે જોડાયેલુ એક પ્રતિક પણ છે. જેના ટોચ પર એક નંદીને બેસાડવામાં આવ્યો છે અને તે સંપૂર્ણ સોનાનું છે. તેને આઝાદી સાથે પણ નાતો છે. 

આ સેંગોલને સંસદ ભવનમાં રાખવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું હતું કે આ અવસર પર એક ઐતિહાસિક પરંપરા ફરી જીવીત થશે. તેની પાછળ યુગોથી જોડાયેલી એક પરંપરા છે. જેને તમિલમાં સેંગોલ તરીકે ઓળખવામાં આવે છે. જેનો અર્થ સંપદાથી સંપન્ન અને ઐતિહાસિક છે. ૧૪ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ એક અનોખી ઘટના ઘટી હતી. જેના ૭૫ વર્ષ બાદ આજે દેશના મોટા ભાગના નાગરિકોને તેની જાણકારી નથી. સેંગોલે આપણા ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. આ સેંગોલ સત્તાના હસ્તાંતરણનું પ્રતિક માનવામાં આવે છે. 

અમિત શાહે જણાવ્યું હતું કે આ અંગેની જાણકારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળતા તેમણે તપાસ કરાવી હતી. જે બાદ સેંગોલને સંસદ ભવનમાં રાખવાનો નિર્ણય લીધો હતો. સંસદ ભવનના ઉદ્ઘાટન દિવસે જ સેંગોલની સ્થાપના સંસદ ભવનમાં કરવામાં આવશે. સેંગોલનો સ્વીકાર દેશના પહેલા વડાપ્રધાન જવાહર લાલ નેહરુએ પણ કર્યો હતો. સેંગોલનું આપણા ઇતિહાસમાં મોટુ યોગદાન છે. તેને નવા સંસદ ભવનમાં સ્પીકરની કુર્સીની બાજુમાં જ રાખવામાં આવશે. સેંગોલને સંગ્રહાલયમાં રાખવું ઠીક નથી. આ અંગ્રેજો પાસેથી સત્તા મેળવી તેનું પ્રતિક પણ છે. આ અમૃતકાલનું પ્રતિબિંબ છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે