Cyclone Biparjoy Updates : વાવાઝોડાની ગતિ ધીમી પડી, પ્રતિકલાક 2 કિમીની ઝડપ, પોરબંદર-દ્વારકા-નલિયા દરિયાકાંઠે વિશેષ સાવધાની


ભારતીય હવામાન વિભાગ (IMD) ના અહેવાલ અનુસાર આગામી 6 કલાકમાં બિપરજોય એક ગંભીર વાવાઝોડામાં રૂપાંતરિત થઇ શકે છે. તે 15 જૂનની આજુબાજુ વાવાઝોડું બનીને ઉત્તર તરફ આગળ વધશે. હાલ તે ગુજરાતના પોરબંદરથી ફક્ત 460 કિ.મી. દૂર દક્ષિણ-પશ્ચિમમાં અરબ સાગરમાં છે. તે  5 કિ.મી. પ્રતિકલાકની ઝડપે સતત આગળ વધી રહ્યું છે. 15 જૂન સુધી તે કચ્છના તટ સુધી પહોંચી શકે છે. પોરબંદરની નજીકમાંથી તે આશરે 200થી 300 કિ.મી. અને નલિયાથી 200 કિ.મી.ની અંતરથી પસાર થવાની શક્યતા છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં આ વાવાઝોડું ત્રાટકશે તે નક્કી થઈ ગયું છે તેવું હવામાન વિભાગનું કહેવું છે. આગામી 14-15 જૂનના રોજ ભારે વરસાદની પણ આગાહી છે. લોકોને દરિયા કિનારાથી દૂર રહેવાની સલાહ અપાઈ છે.  તંત્ર દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરાવવાનું વિચારી રહ્યું છે.

વાવાઝોડાની ગતિ ધીમી પડી, પ્રતિકલાક 2 કિ.મી.ની ઝડપ

હાલ બિપરજોય વાવાઝોડાની ગતિ ધીમી પડી હોવાના અહેવાલો મળી રહ્યા છે. આ વાવાઝોડું પ્રતિકલાક 2 કિ.મી.ની ઝડપે આગળ વધી રહ્યું છે, તેથી આગામી 24થી 48 કલાકમાં રાજ્યના દરિયાકિનારે વાવાઝોડું ટકરાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉપરાંત વાવાઝોડાનું લેન્ડફોલ તરીકે કચ્છ-ભૂજ અને સૌરાષ્ટ્રના દરિયાકિનારે જોવામાં આવી રહ્યું છે, જેને ધ્યાને રાખી આ દરિયાકાંઠના વિસ્તારોમાં વધુ સાવચેતી રાખવામાં આવી રહી છે. આ લખાણ છે ત્યાં સુધી વાવાઝોડું પોરબંદરથી 390 કિ.મી., દ્વારકાથી 430 કિ.મી. અને નલિયાથી 520 કિલોમીટર દૂર હોવાના અહેવાલો મળી રહ્યા છે. ઉપરાંત આ વાવાઝોડું 14 જૂનના રોજ સૌરાષ્ટ્ર, કચ્છના દરિયાકાંઠા નજીક પહોંચવાની સંભાવના વ્યક્ત કરાઈ છે, તો કચ્છ અને પાકિસ્તાન વચ્ચે વાવાઝોડું ટકરાવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે.

જાફરાબાદનો દરિયો ગાંડોતુર થયો

અમરેલીમાં 'બિપરજોય' વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. જાફરાબાદનો દરિયો ગાંડોતુર થયો છે. જાફરાબાદના દરિયામાં વધુ પડતો કરંટ જોવા મળ્યો છે. દરિયામાં 10 ફૂટ ઉપર મોજા ઉછળી રહ્યા છે.

માંડવી, અબડાસાના 19-19 ગામોને એલર્ટ કરાયા

બિપોરજોય વાવાઝોડાને ધ્યાને રાખી માંડવી, અબડાસાના 19-19 ગામોને એલર્ટ કરાયા છે. માંડવી-જખૌમાં SDRFની 2 ટીમ સ્ટેન્ડબાય રખાઈ છે તેમજ શેલ્ટર હોમ તૈયાર કરાયા છે. વાવાઝોડાની સંભાવનાને ધ્યાને રાખી તાલુકા મથકો પર વહીવટી તંત્ર દ્વારા સમીક્ષા બેઠક પણ યોજાઈ છે. કચ્છના તમામ બંદરો પર 4 નંબરનું સિગ્નલ લગાડાયું છે અને જરૂર પડ્યે કાચા મકાનોમાં રહેતા લોકોને શેલ્ટર હોમમાં શિફ્ટ કરવાની વ્યવસ્થા પણ કરાઈ છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં NDRFની 12 ટીમો, જ્યારે 2 જિલ્લામાં 3 ટીમો રિઝર્વમાં રાખવાનો પણ નિર્ણય કરાયો છે. કચ્છ અને રાજકોટ જિલ્લામાં 2-2 ટીમો તૈનાત કરવાનો નિર્ણય કર્યો છે. જામનગર, દેવભૂમિદ્વારકા અને ગીરસોમનાથમાં એક-એક ટીમો તૈનાત કરવામાં આવી છે. મોરબીમાં પણ એક ટીમ સ્ટેન્ડ બાય રખાઈ છે. વડોદરામાં 1 અને રાજકોટમાં 2 ટીમ રિઝર્વ રખાઈ છે.

બિપરજોય વાવાઝોડાની અસરના પગલે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે વાલ્મિકી વાસમાં દરિયાનું પાણી ઘૂસ્યું

વાવાઝોડું પોરબંદરથી 400, દ્વારકાથી 440, નલિયાથી 530 કિમી દૂર

ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાની આફત જોવા મળી રહી છે. હાલ 'બિપોરજોય' વાવાઝોડું પોરબંદરથી 400 કિ.મી, દ્વારકાથી 440 કિ.મી. અને નલિયાથી 530 કિ.મી. દૂર છે. હાલ વાવાઝોડું પ્રતિકલાક 7 કિ.મી.ની ઝડપે આગળ વધી રહ્યું છે.

બિપોરજોય વાવાઝોડાની સંભિવત અસર સામે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ

પાલનપુર ખાતે કલેક્ટર વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી, જેમાં વાવાઝોડા અને ભારે વરસાદની આગાહીની પૂર્વ તૈયારી માટે તાલુકાના અધિકારીઓને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સુચના અપાઇ છે.

પોરબંદરનો દરિયો બન્યો ગાંડોતુર, ચોપાટી અને કિનારે કલમ 144 લાગુ કરાઈ

પોરબંદરના દરીયો ગાંડોતુર બન્યો છે. સાંજે 5 વાગ્યા બાદ દરિયામાં કરંટ જોવા મળ્યો છે અને 20 ફૂટ જેટલા ઉંચા મોજા ઉછળ્યા છે. આ ઉપરાંત જિલ્લા કલેક્ટરે સાવચેતીના ભાગરૂપે દરિયાકાંઠે કલમ 144 લાગુ પાડી દેવામાં આવી છે. જેના કારણે કાંઠે અને ચોપાટી જવા ઉપર લોકો માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ ૯ બંદરો પર ૪ નંબરના ભય સૂચક સિગ્નલો લગાવાયા

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સંભવિત 'બીપોરજોય' વાવાઝોડા ના પગલે હવામાન વિભાગ દ્વારા તમામ નવ બંદરો ઉપર ૪ નંબરના ભય સૂચક સિગ્નલો લગાવાયા છે, અને બંને જિલ્લા ના ડિઝાસ્ટાર મેનેજમેન્ટ દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. જામનગર જિલ્લાના નવાબંદરઝ બેડીબંદર, રોજીબંદર, સિક્કા બંદર(જેટી) અને જોડિયા બંદર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ઓખા અને દ્વારકા સહિત તમામ નવ બંદરો પર ૪ નંબરના ભય સૂચક સિગ્નલો લગાવી દેવામાં આવ્યા છે.

જામનગરની શાળાઓમાં 3 દિવસ માટે રજા જાહેર

જામનગર જિલ્લામાં સંભવિત વાવાઝોડા ના પગલે શિક્ષણ વિભાગ દ્વારા પણ તકેદારી રાખવામાં આવી રહી છે, જેના ભાગરૂપે જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની જામનગર શહેરમાં આવેલી તમામ શાળાઓમાં આવતીકાલ તારીખ ૧૨.૬.૨૦૨૩ થી આગામી ૧૪.૬.૨૦૨૩ સુધી ત્રણ દિવસ માટેની રજા જાહેર કરવામાં આવી છે.

જામનગર શહેરમાં તોફાની વંટોળીયાના કારણે બે દિવસ દરમિયાન ૨૩ ઝાડ જમીન દોસ્ત થયા

જામનગર શહેર અને જિલ્લામાં બે દિવસ દરમિયાન વંટોળીયા પવનના કારણે ખાના ખરાબી થઈ છે, જેમાં જામનગર શહેરમાં છેલ્લા ૪૮ કલાક દરમિયાન ૨૩ ઝાડ પડી ગયાના અહેવાલો મળ્યા છે, ઉપરાંત વરસાદી વીજળી પડવાના કારણે રાવલસર ગામમાં એક ભેંસનું મૃત્યુ નીપજ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ સ્કૂલોમાં 2 દિવસની રજા

દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ સ્કૂલોમાં 2 દિવસની રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા નીચાણવાળા દરિયાઈ વિસ્તારમાંથી અત્યાર સુધી 1100 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. દ્વારકા જિલ્લામાં 125થી 135 કિ.મી.ની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે તેમજ દરિયામાં 25થી 30 ફૂટ ઊંચા મોજા ઉછળી શકે છે જેને લઈ હવામન વિભાગે દ્વારકા જિલ્લાને 15 તારીખે રેડ એલર્ટ જાહેર કર્યો છે. 

નાગરિકો માટે હેલ્પ લાઇન નંબર જાહેર કરાયા

પોરબંદરમાં વહીવટી તંત્ર દ્વારા નાગરિકો માટે હેલ્પ લાઇન નંબર જાહેર કરાયા છે તેમજ બચાવ અને રાહત કામગીરી માટે તંત્ર સંપૂર્ણ પણે સજ્જ છે અને લોકો ને ખોટી અફવાઓથી દૂર રહેવા કલેક્ટરે અપીલ પણ કરી છે. પોરબંદર ચોપાટી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.  સામાન્ય નાગરિક મદદ માટે 100 નંબર પર સંપર્ક કરવા અપીલ કરે તેવું SPએ પણ જણાવ્યું છે. 

ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ

વાવાઝોડાંની શક્યતાને પગલે હવામાન વિભાગે આગામી 15 અને 16 જૂને પવનની ગતિ અને વરસાદને જોતા ત્રણ જિલ્લાને રેડ એલર્ટ જાહેર કર્યા છે. જેમાં કચ્છ, જામનગર અને દ્વારકા જિલ્લાને રેડ એલર્ટ જાહેર કર્યા છે. આ ત્રણ જિલ્લામાં 125થી135 કિલોમીટરની સ્પીડે ભારે પવન ફૂંકાશે તેમજ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.


શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ  6 જિલ્લાઓમાં મોકૂફ 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરને અનુલક્ષીને રાજ્યના દરિયાકાંઠાના 6 જિલ્લાઓ દ્વારિકા, પોરબંદર, કચ્છ, મોરબી, જામનગર અને જૂનાગઢમાં ‘શાળા પ્રવેશોત્સવ’ નો કાર્યક્રમ હાલ પૂરતો મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આ ‘શાળા પ્રવેશોત્સવ’ હવે ત્રણ ને બદલે બે દિવસ એટલે કે તા.12 અને 13 જૂનના રોજ યોજાશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આપત્તિ વ્યવસ્થાપન કામોમાં માર્ગદર્શન માટે રાજ્ય મંત્રી મંડળના વરિષ્ઠ મંત્રીઓને આ જિલ્લાઓની જવાબદારી સોંપી છે.

કયા જિલ્લાની જવાબદારી કયા મંત્રીને સોંપી

  • કચ્છ જિલ્લામાં મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રફુલ ભાઇ પાનશેરીયા
  • મોરબીમાં કનુભાઈ દેસાઈ
  • રાજકોટ જિલ્લામાં રાઘવજી પટેલ
  •  પોરબંદરમાં કુંવરજી બાવળિયા
  • જામનગર જિલ્લામાં મુળુ ભાઇ બેરા
  • દેવભૂમિ દ્વારકામાં હર્ષ સંઘવી
  • જૂનાગઢ જિલ્લામાં જગદીશ વિશ્વકર્મા
  •  ગીર સોમનાથમાં પરસોત્તમ સોલંકી

આ બધા જ મંત્રીઓને તેમને સોંપાયેલા જિલ્લાઓમાં પહોંચવાની સૂચનાઓ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી છે.

અંબાલાલ પટેલે કરી આગાહી 

અંબાલાલ પટેલે જણાવ્યું કે, આગામી 12થી 16 જૂન દરમિયાન ગુજરાતના કેટલાકભાગોમાં ભારે ગાજવીજ સાથે વરસાદ ખાબકશે. વાવાઝોડું જેમ-જેમ નજીક આવશે તેમ-તેમ રાજ્યમાં ભારે પવન ફૂંકાશે.

રાજ્યમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારામાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગે જણાવ્યું કે, કચ્છ, દ્વારકા, જામનગર, મોરબી ભારે વરસાદ પડી શકે છે. સાથે જ રાજકોટ, પોરબંદર, જૂનાગઢમાં અતિ ભારે વરસાદ પાડવાની સંભાવના છે.

સાયક્લોનની સ્થિતિ અંગે CM ભૂપેન્દ્ર પટેલની બેઠક

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાતે પહોંચ્યા હતા. સાયક્લોનની સ્થિતિ અંગે CM ભૂપેન્દ્ર પટેલે ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી વીડિયો કોન્ફરન્સનું યોજી હતી. ભૂપેન્દ્ર પટેલે દરિયા કાંઠાના જિલ્લા કલેક્ટરો સાથે બેઠક કરી હતી. તેમણે કલેક્ટરોને પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ રહેવાનો આદેશ આપ્યો હતો. આ બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમાર અને રાહત કમિશનર પણ જોડાયા હતા.


દ્વારકાના બંદર પર 4 નંબરનું સિગ્નલ 

વાવાઝોડાની આગાહીને પગલે દ્વારકાના બંદર પર 4 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તમામ બંદરો પર 4 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવાની તંત્રએ સૂચના આપી છે. દરિયાકાંઠા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવાની તંત્રએ અપીલ કરી છે. 

સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ભારે પવન શરૂ

જાફરાબાદના દરિયામાં વાવાઝોડાંની અસર જોવા મળી રહી છે. અરબી સમુદ્રમાં પ્રચંડ રૂપ ધારણ કરી 'બિપોરજોય' વાવાઝોડું પ્રશ્રિમ તરફ આગળ વધી રહ્યુ છે. તેમજ હાલ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ભારે પવન શરૂ થઈ ગયો છે.  ગઈકાલે 10થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા. જ્યારે જામનગર, સોમનાથમાં વરસાદ પણ પડ્યો હતો.

નવસારી જિલ્લાના દરિયા કિનારે પણ અસર જોવા મળી

નવસારીના દરિયાકાંઠા પર બિપોરજોય વાવાઝોડાની અસરના ભાગરૂપે દરિયામાં કરંટ જોવા મળતા દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.. બીપોરજોય વાવાઝોડાને કારણે ગુજરાતનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર એલર્ટ બન્યું છે. કેટલાક જિલ્લાઓમાં જરૂરિયાત મુજબ NDRFની ટુકડી ફાળવવામાં આવી છે. નવસારી જિલ્લાના દરિયા કિનારે પણ અસર જોવા મળી રહી છે. 

હર્ષ સંઘવીની કાંઠા વિસ્તારના લોકોને અપીલ 

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, વાવાઝોડાંની અસર જે જિલ્લા અને તાલુકાઓમાં થનાર છે તેમને અગાઉથી જ સૂચના આપી દેવામાં આવી છે. ખાસ કરીને કાંઠા વિસ્તારના લોકોને અધિકારીઓ દ્વારા જે પણ સૂચના આપવામાં આવી હોય તેનું યોગ્ય પાલન કરીને સહયોગ આપવો જોઈએ, જેથી કરીને તેઓ પોતાની સુરક્ષા સારી રીતે કરી શકે છે. કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તેની ખાસ કાળજી લેવી જોઈએ.

રાજકોટ એરપોર્ટ ખાતે 2 હેલિકોપ્ટર સ્ટેન્ડબાય પર

'બિપોરજોય' વાવઝોડું સૌરાષ્ટ્રના દરિયા કિનારા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. કોસ્ટગાર્ડ દ્વારા રાજકોટ એરપોર્ટ ખાતે 2 હેલિકોપ્ટરને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. 

13,14,15 ભારે વરસાદની આગાહી

13મી જૂને નવસારી, વલસાડ, સુરત, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ, પોરબંદર, રાજકોટ, દીવમાં વરસાદ થવાનું અનુમાન છે.14 જૂને દમણ, દાદરાનગર હવેલી, અમદાવાદ, આણંદ, ગાંધીનગર, પાટણ, કચ્છ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થવાનો વર્તારો છે. તો 15 જૂને દમણ, દાદરાનગર હવેલી, અમદાવાદ, આણંદ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં વરસાદ થવાની સંભાવના છે.

IMDએ જાહેર કરેલી માહિતી બાદ ફરી ગુજરાત પર ખતરો વધ્યો 

IMD અનુસાર, વાવાઝોડું માંડવીથી પણ પસાર થઈ શકે છે. વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. વાવાઝોડું 15 જૂને માંડવી અને કરાંચીની વચ્ચેથી પસાર થાય તેવી શક્યતા છે. કચ્છના દરિયા કાંઠાના વિસ્તારોમાં તેની અસર વર્તાવાની શરૂ થઈ ગઈ છે. જખૌ પોર્ટ ખાતે પવનની ગતિમાં વધારો થયો છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર કચ્છ અને સૌરાષ્ટ્ર માટે યલ્લો એલર્ટ જાહેર કરાયું છે. પવનની ગતિ પણ વધી ગઈ છે. હવે બિપોરજોય વાવાઝોડુ પોરબંદરથી ફક્ત 460 કિ.મી. દૂર રહી ગયું છે. 

કરાચી પોર્ટ ટ્રસ્ટ (KPT)એ રેડ એલર્ટ જારી કર્યું

કરાચી પોર્ટ ટ્રસ્ટ (KPT)એ રેડ એલર્ટ જારી કર્યું છે કેમ કે પૂર્વ મધ્ય અરબ સાગરની ઉપર બિપરજોય વાવાઝોડું તીવ્ર ગતિએ આગળ વધી રહ્યું છે. પાકિસ્તાને જણાવ્યું કે આ વાવાઝોડું મહાનગરની દક્ષિણે લગભગ 900 કિ.મી. દૂર હોવાનું અનુમાન હતું.   કરાચી પોર્ટ ટ્રસ્ટે વીએસસીએસ બિપરજોયને કારણે જહાજો અને પોર્ટની સુવિધાઓની સુરક્ષા માટે ઈમરજન્સી દિશાનિર્દેશો જારી કરાયા છે. 

જામનગર શહેરમાં વાવાઝોડાની અસર જોવા મળી

આ તોફાની પવનના વંટોડીયામાં જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ, લાલ બંગલા સર્કલ, હવાઈચોક, કિસાન ચોક, રતનભાઇ મસ્જિદ, પટેલ કોલોની સહિતના જુદા-જુદા ૧૬ વિસ્તારોમાં જુના ઝાડ પડી ગયાના અહેવાલો મળ્યા છે, જેને લઈને મહાનગરપાલિકા ના ટેલીફોન રણકયા હતા. જામનગરની ફાયર બ્રિગેડ શાખાની જુદી જુદી પાંચ ટુકડીઓ કરવત, રસ્સા, સહિતની સાધન સામગ્રી લઈને તમામ સ્થળો પર પહોંચી ગઈ છે, અને માર્ગ પર પડેલા ઝાડ ની ડાળીઓ કરવત વડે કાપીને દૂર કરી રસ્તાઓ ખુલ્લા કરાવવા માટેની કવાયત હાથ ધરી લેવામાં આવી હતી.


જામનગરમાં વાતાવરણમાં  પલટો 

જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં  પલટો જોવા મળ્યો છે. શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. 

વલસાડ જિલ્લામાં વાવાઝોડાની અસર, વૃક્ષ ધરાશાયી થતા બે લોકો ઈજાગ્રસ્ત 

વલસાડ જિલ્લામાં બિપોરજોય વાવાઝોડાની અસર દેખાઈ. જિલ્લાના દરિયા કિનારા વિસ્તારમાં ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે. સાથે જ શહેરમાં પણ ભારે પવનને કારણે બેચર રોડ પર એક મહાકાય વૃક્ષ ધરાશાયી થયું. જેથી રોડ પર પસાર થતું એક પરિવાર વૃક્ષ નીચે દબાયું હતું. જેના કારણે બે લોકોને ઈજા થઈ હતી.

ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે દરિયામાં માછીમારોને સાવચેત કર્યા

વાવાઝોડાની શક્યતાને પગલે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે દરિયામાં માછીમારોને સાવચેત કર્યા છે. ભારતીય કોસ્ટ ગાર્ડ એકમો જહાજો, એરક્રાફ્ટ અને રડાર સ્ટેશન દ્વારા સમુદ્રમાં જહાજોને નિયમિત સલાહ સૂચનો આપી રહ્યા છે. ભારતીય કોસ્ટ ગાર્ડની તમામ કોસ્ટ એસ્ટાબ્લિશમેન્ટ્સ ચક્રવાતને ધ્યાનમાં રાખીને પૂરતી સાવચેતી રાખવા એર ક્રાફટથી સૂચના આપવામાં આવી રહી છે. 

ગુજરાત પર વાવાઝોડાનું સંકટ!, અબંલાલ પટેલની મોટી આગાહી

વાવાઝોડા અંગે અબંલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે.  અંબાલાલે વાવાઝોડા અંગે જણાવ્યું કે, બિપોરજોય વાવાઝોડાની અસર ભારે થઇ શકે છે.  વાવાઝોડું ઓમાન તરફ નહિ ફરવાની સંભાવના છે. કેમ કે, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય છે. તેનો ભેજ પૂર્વ ભારત તરફ ખેંચાઇ જાય છે. જેના કારણે મારા અનુમાન મુજબ, વાવાઝોડું ઓમાનને બદલે ગુજરાત કાંઠા નજીક આવવાની સંભાવના છે.

અમદાવાદ સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજે વરસાદની આગાહી 

હવામાન વિભાગે અમદાવાદ સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજે વરસાદ પડે તેવી આગાહી કરી છે. સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે. વાવાઝોડાના પગલે દરિયાકાંઠાના વિસ્તારોના લોકોને ચેતવણી આપવમાં આવી છે. આગામી 13મી જૂને પવનની ઝડપ 70 કિમી થવાની સંભાવના છે. બે દિવસ દરમિયાન પવન 35થી 45 કિમીની ઝડપે ફૂંકાશે.

NDRFની બે ટીમો પોરબંદર, ગીર-સોમનાથ અને વલસાડ જવા રવાના

બિપરજોયને લઈને ગુજરાતના દરિયા કાંઠાના જિલ્લાઓમાં એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. ત્યારે  વડોદરાના જરોદ ખાતે આવેલી NDRFની 6 બટાલિયનને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું હતું. આજે જરોદ ખાતેથી NDRFની 6 બટાલિયનની બે ટીમો રેસ્ક્યૂ સામગ્રી સાથે પોરબંદર, ગીર-સોમનાથ અને વલસાડ જવા રવાના થઇ હતી. જયારે એક ટીમ આરઆરસી ગાંધીનગર ખાતેથી રવાના થઇ હતી. 

13 જૂન સુધી ડુમસ અને સુંવાલી બીચ બંધ, સુરત પોલીસનું જાહેરનામું

સુરતના ડુમસ અને સુંવાલી બીચ પણ હવામાનને જોતા  બંધ કરી દેવાયો છે. આજથી 13 જૂન સુધી પર્યટકોને બીચ માટે બંધ કરી દેવાયો છે.  પોલીસનો  ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

તિથલ બીચ પ્રવાસીઓ માટે 14 જૂન સુધી બંધ 

ચક્રવાત બિપરજોય પહેલા વલસાડના તિથલ બીચ પર ઊંચા મોજા જોવા મળ્યા. જેને પગલે વલસાડ વહીવટીતંત્ર દ્વારા સાવચેતીના પગલા તરીકે તિથલ બીચ પ્રવાસીઓ માટે 14 જૂન સુધી બંધ કરવામાં આવ્યો છે. 

બિપરજોય આગામી 24 કલાકમાં વધુ તીવ્ર સ્વરૂપ ધારણ કરી શકે 

ભારતીય હવામાન વિભાગે આજે જણાવ્યું હતું કે, ચક્રવાતી તોફાન બિપરજોય આગામી 24 કલાકમાં વધુ તીવ્ર સ્વરૂપ ધારણ કરી શકે  છે. આ ચક્રવાતી તોફાન ઉત્તર-ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે. IMDએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 9મી જૂને ભારતીય સમય અનુસાર 23.30 કલાકે 16.0N અને 67.4E લાંબા અક્ષાંશ નજીક પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન BIPARJOY વધુ રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે. અને આગામી 24 કલાક દરમિયાન ઉત્તર-ઉત્તર પૂર્વ તરફ આગળ વધે તેવી સંભાવના છે. 

વાવાઝોડાને લઈને ગિરનાર પર્વત પર રોપવે સેવા બંધ

અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપોરજોય વાવાઝોડાને લઈને ગિરનાર પર્વત પર રોપવે સેવા બંધ કરી દેવામાં આવી છે. હાલ પર્વત પર 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.

તલાટીઓને સ્ટેન્ડબાય પર રહેવાનો આદેશ

ગુજરાતના વિવિધ ભાગોમાં બિપોરજોય વાવાઝોડાના પૂર્વે  તંત્રએ તૈયારીઓ હાથ ધરી છે. વાવાઝોડાના ખતરાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. વડોદરા જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના તલાટીઓને સ્ટેન્ડબાય રહેવાનો આદેશ અપાયો છે. જિલ્લા અને તમામ તાલુકામાં કંટ્રોલ રૂમ શરૂ કરાયા છે. કંટ્રોલ રૂમનો ટોલ ફ્રી નંબર '1077' જાહેર કરવામાં આવ્યો છે. 8 તાલુકામાં લાયઝન ઓફિસરની નિમણૂક કરાઈ છે.

સુરત જિલ્લાના અધિકારી-કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા જિલ્લા કલેકટરનો આદેશ

સંભવિત બિપોરજોય વાવાઝોડાની આગાહીને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. તમામ કર્મચારીઓની રજા રદ કરી હાજર થવા આદેશ કરાયો છે. તબીબી કારણોસર મંજુર થયેલ રજા સિવાય અન્ય રજાઓ રદ્દ કરવામાં આવી છે. શહેર-જિલ્લાના અધિકારી-કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. જિલ્લા કલેકટર દ્વારા આ આદેશ આપવામાં આવ્યો છે. સુરત જિલ્લા કલેક્ટરે વાવાઝોડું શાંત ન થાય ત્યાં સુધી સાવચેતી અને સલામતીના પગલાં લેવા સૂચના આપી છે. ઇન્ચાર્જ કલેકટર બી.કે.વસાવા દ્વારા પણ પૂર્વ મંજૂરી સિવાય હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરાયો છે.  

માંડવી બીચ 12 જૂન સુધી  બંધ 

અરબી સમુદ્રમાં ઉદભવેલું બિપરજોય વાવાઝોડું માંડવી બંદર તરફ ફંટાય એવી આગાહી વચ્ચે તંત્ર એલર્ટ મોડમાં જોવા મળ્યું છે. માંડવી બીચને 9થી 12 તારીખ સુધી બંધ કરાયો છે. દરિયાકિનારા પર ખાણીપીણી સહિતનો વેપાર કરતા લોકોને માલસામાન સાથે ત્યાંથી સ્થાનાંતર થવા તંત્રએ સૂચના આપી દીધી છે. આ ઉપરાંત કચ્છ વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના સાતેય બંદર પર બહાર લોકોની અવર જવર બંધ કરાવી છે.

અલંગના દરિયામાં જોવા મળ્યો જોરદાર કરંટ

ભાવનગરમાં આજથી ચાર દિવસ વાવાઝોડાને પગલે વરસાદની આગાહી કરવામાં આવી છે.હવામાં ભેજનું પ્રમાણ 41 ટકા નોંધાયું છે અને પ્રતિ કલાક 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જ્યારે અલંગના દરિયામાં જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે.

વલસાડના તિથલ બીચને બંધ કરી દેવામાં આવ્યો 

ભાવનગર, અમરેલી, જામનગર, માંગરોળ, પોરબંદર, ઉના, વસસાડ, નવસારી અને દ્વારકાના દરિયામાં જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે. વલસાડના તિથલ બીચને બંધ કરીને ત્રણ કિલોમીટર સુધી કડક પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત દરિયાકાંઠાનાં 42 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.

અમદાવાદના હવામાન વિભાગે કરી આગાહી 

અમદાવાદના હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, બિપોરજોય વાવાઝોડું પોરબંદરથી 830 કિમી દૂર છે. આગામી 24 કલાક રાજ્યમાં વરસાદની આગાહી છે. આવતીકાલથી દક્ષિણ ગુજરાતમાં, સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદ પડશે. આગામી પાંચ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આગામી 2 દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 35થી 45 કિમીની ઝડપે પવન ફૂંકાશે. વાવાઝોડું 6 કિમીની ઝડપે વધી રહ્યું છે.  

ચક્રવાત ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યુ છે

અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપરજોય વાવાઝોડાને લઈને હવામાન વિભાગે ચેતવણી જાહેર કરવામાં આવી છે કે ચક્રવાત ધીમે ધીમે ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યુ છે જેને પગલે દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બની ગયુ છે તેમજ તાલુકા કક્ષાના અધિકારીઓને પોતાના હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરવામાં આવ્યો છે. ગુજરાતના બંદરો પર ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે તેમજ નેશનલ અને રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટની 11 ટીમોને એલર્ટ પર રાખવામાં આવી છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે