વવઝડ વકરળ બન કચછ નજક પહચય સરષટરમ ભર વરસદ


- વાવાઝોડાની આજની દિશા ઉપર કચ્છ-સૌરાષ્ટ્રની દશા કેવી થશે તેનો આધાર 



- વાવાઝોડું દિશા બદલી પોરબંદરથી 20 કિમી દૂર ગયા બાદ મોડી રાત્રે ફરીથી નજીક આવ્યું : દ્વારકાથી 40 અને નલિયાથી 80 કિમી દૂર


- દ્વારકા,જુનાગઢ જિ.માં 3 થી 8 ઈંચ વરસાદ,બેનાં મોત, 21000 લોકોનું સ્થળાંતર : તંત્ર હાઈએલર્ટ

- વાવાઝોડું નારાયણ સરોવર પાસે ત્રાટકવા વકી 

- જામનગર, કચ્છ,દ્વારકા,પોરબંદરની એસટી બસો રદ, દ્વારકાધીશ મંદિરે એક પણ ધ્વજા ન ચડાવાઈ

રાજકોટ : હવે ગુજરાત નજીકના ઉત્તર-પૂર્વ  અરબી સમુદ્રમાં આવેલું વાવાઝોડુ 'બિપોરજોય'માં પવનની ચક્રાકાર ગતિ ૨૫ કિ.મી.સુધી ઘટતા તે 'એક્સ્ટ્રીમલી'માંથી આજે 'વેરી સિવિયર 'સાયક્લોનિક સ્ટોર્મમાં ફેરવાયેલ છે. આ સાથે આજે તેને દિશા બદલાવીને કચ્છ અને કરાંચી તરફ ફંટાયું છે. સંભવિત ફોરકાસ્ટ ટ્રેક મૂજબ તે કચ્છની સરહદ પાસે નારાયણ સરોવર પાસેથી પસાર થવાની સંભાવના છે. મૌસમ વિભાગ અનુસાર ગુજરાતના માંડવી અને પાકિસ્તાનના કરાંચી વચ્ચે જખૌ નજીક તે ટકરાશે ત્યારે તેની પ્રતિ કલાક ૧૫૦ કિ.મી.ની ભારે વિનાશક મહત્તમ ઝડપ જળવાશે. કચ્છમાં વાવાઝોડુ લેન્ડફોલ થવાનો સંભવિત સમય ગઈકાલે તા.૧૫ના બપોરનો હતો તે આજે સાંજનો જણાવાયો છે. એકંદરે વાવાઝોડુ હજુ સૌરાષ્ટ્ર-કચ્છથી આજે સાંજે ૩૨૦ કિ.મી.દૂર હતું પરંતુ, તે વિશાળકાય અને વિનાશક હોય તેની વ્યાપક અને તીવ્ર અસર દૂર દૂર સુધી થતી હોય છે ત્યારે સૌરાષ્ટ્રમાં પવન અને વરસાદનુ જોર વધ્યું છે. આજે દ્વારકા,જુનાગઢ જિલ્લામાં તોફાની પવન સાથે ધોધમાર ૩થી ૮ ઈંચ અને જામનગર ,રાજકોટ,મોરબી જિલ્લામાં ૧થી ૩ ઈંચ વરસાદ સાથે બે દુર્ઘટનામાં ૨ વ્યક્તિના મોત થયા છે અને ત્રણને ઈજા પહોંચી છે. સૌરાષ્ટ્રના કાંઠાળ અને નીચાણવાળા વિસ્તારોમાંથી આજ સાંજ સુધીમાં ૨૧,૦૦૦ લોકોનું સ્થળાંતર કરાયું છે.

સૌરાષ્ટ્ર-કચ્છની દશા કેટલી બગડશે તેનો સંપૂર્ણ આધાર આવતીકાલ વાવાઝોડુ કઈ દિશાએ વળે છે તેના પર છે. ગઈકાલે તે ઉત્તર તરફ આગળ વધતું હતું અને પરંતુ, બાદમાં થોડો ટર્ન લઈને ઉત્તર-પશ્ચિમ તરફ વળ્યું હતું. જેના કારણે લોકા માટે આશ્ચર્યકારકરીતે સતત પોરબંદરથી નજીક આવી રહેલું વાવાઝોડુ ગત ૨૪ કલાકમાં પોરબંદરથી ૨૦ કિ.મી.દૂર ગયું છે! ગઈકાલે પોરબંદરથી ૩૧૦ કિ.મી.ના અંતરે હતું તે આજે ૩૩૦ કિ.મી.ના અંતરે છે તો આ સાથે જ કચ્છ-દ્વારકાની નજીક આવ્યું છે. ગઈકાલ દ્વારકાથી ૩૪૦ કિ.મી.ના અંતરે હતું તે આજે ૪૦ કિ.મી.નજીક આવીને ૩૦૦ કિ.મી.એ અને કચ્છના નલિયાથી ગઈકાલે સાંજે ૪૨૦ કિ.મી.ના અંતરે હતું તે આજે ૮૦ કિ.મી.નજીક આવીને ૩૪૦ કિ.મી.ના અંતરે આવ્યું છે. જખૌ બંદરની પણ તે ૮૦ કિમી નજીક આવ્યું છે. જ્યારે પાકિસ્તાનના કરાંચીની ખાસ્સુ નજીક આવ્યું છે, ગઈકાલે તે ત્યાંથી ૫૮૦ કિ.મી.ના અંતરે હતું તે આજે ૪૩૦ કિ.મી.ના અંતરે પહોંચ્યું છે. 

મૌસમ વિભાગ અનુસાર આજે મધ્યરાત્રિ સુધી તે ઉત્તર તરફ આગળ વધે અને પછી ફરી દિશા બદલીને ઉત્તર-પૂર્વ એટલે કે કચ્છ તરફ આગળ વધે તેવી શક્યતા છે. જો તે કચ્છ તરફ થોડોક વધુ ટર્ન લે તો સૌરાષ્ટ્રને પણ ભારે વિનાશક અસર થશે અને કરાંચી ત્રાટકે તો પણ કચ્છ અને સૌરાષ્ટ્રના દ્વારકા,પોરબંંદર, જામનગર, મોરબી જિલ્લાને વ્યાપક અસર થાય તેમ છે. કારણ કે લેન્ડફોલ વખતે પણ વાવાઝોડુ 'વેરી સિવિયર 'કેટેગરી જાળવી રાખે તેવું પૂર્વાનુમાન છે.અને તે કારણે સૌરાષ્ટ્ર-કચ્છ ઉપર ખતરો બરકરાર છે. 

વાવાઝોડાની અસરથી સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ નૈઋત્યનું ચોમાસુ આવે તે પહેલા ધોધમાર અને વાવણીલાયક વરસાદ વાવાઝોડાના વિનાશક પવન સાથેઆવ્યો છે જેમાં (૧) મોરબી પંથકમાં અર્ધો ઈંચ વરસાદ સાથે મોરબીની સિરામીક ફેક્ટરીની ચીમની ધસી પડતા એક મહિલાનું મોત થયું છે, પુત્રને ઈજા થઈ છે. (૨) આજે જુનાગઢ જિલ્લાના મેંદરડામાં ૭.૫૦ ઈંચ, જુનાગઢ, વિસાવદર, માળિયાહાટીના,વંથલીમાં ૩.૫૦ ઈંચ, માણાવદર ૩, કેશોદ તાલુકામાં અઢી અને ઊેંસાણમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો અને ૨૦ વૃક્ષો ધરાશયી થયા હતા. (૩) સોમનાથ જિલ્લામાં ગીરગઢડા, ઉના, તાલાલા, સોમનાથ વેરાવળ, કોડીનારમાં અર્ધાથી દોઢઈંચ વરસાદ સાથે વાવાઝોડાની તીવ્ર અસર વર્તાઈ છે અને સોમનાથ ટ્રસ્ટે લોકોને સોમનાથ દાદાના દર્શને બે દિવસ નહીં આવવા અપીલ કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ સોમનાથની સ્થિતિ બાબતે માહિતી મેળવી હતી. (૪) પોરબંદરના ખારવાવાડમાં એક મકાન ધસી પડતા આધેડ વ્યક્તિનું મોત નીપજ્યું છે. પોરબંદરમાં સાર્વત્રિક દોઢથી બે ઈંચ વરસાદ આજે વરસ્યો હતો. (૫) અમરેલી જિલ્લામાં પણ અર્ધાથી બે ઈંચ વરસાદ વરસ્યો હતા. (૬) દ્વારકામાં મુશળધાર ૩થી ૫ ઈંચ વરસાદ વરસાદ સાથે જોખમી હવામાન વર્તાઈ રહ્યું છે અને દ્વારકાધીશના મંદિરે નહીં આવવા લોકોને અપીલ કરાઈ છે અને દ્વારકાધીશને રોજ ૫ ધ્વજા ચડાવાતી તે આજે વાવાઝોડાની તીવ્ર અસરથી એક પણ ચડાવાઈ ન્હોતી.દ્વારકા આવતી ૭૪ એસ.ટી.બસોના રૂટ રદ કરાયા છે.  (૭)જામનગરમાં  એસ.ટી.ના ૬૦ રૂટો રદ કરાયેલ છે અને જિલ્લામાં આજે એકથી બે ઈંચ વરસાદ વરસ્યો હતો.  

સૌરાષ્ટ્રના દરિયામાં જેટી પાસેદરિયામાં લાંગરેલી ૧૧ શિપ (જહાજો)થી જેટીને નુક્શાન ન થાય તે માટે ડાયરેક્ટ બર્થીંગંથી દૂર સલામત સ્થળે ખસેડવામાં આવેલ છે. હાલાર,સિક્કા,દ્વારકા સહિતના બંદરો પર તથા કચ્છ,મોરબીના તમામ બંદરો  ઉપર માલનું લોડીંગ-અનલોડીંગ સ્થગિત કરી દેવાયું છે. પોરબંદર,દ્વારકા,જામનગર,કચ્છ જતી એસ.ટી.બસોના સેંકડો રૂટ તા.૧૪,૧૫ માટે સ્થગિત કરી દેવાયા છે અને કલેક્ટરોએ લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરી છે. જુનાગઢ જિ.માં ૫૦૦, કચ્છમાં ૬૮૦૦, જામનગરમાં ૧૫૦૦, રાજકોટ જિલ્લામાં ધોરાજી,ગોંડલ,જસદણ,રાજકોટ સહિત ૪૦૩૧, પોરબંદરમાં ૫૪૩, સોમનાથ જિ.માં ૪૦૮, મોરબી જિલ્લામાં ૨૦૦૦ સહિત સૌરાષ્ટ્રમાં ૨૧ હજાર લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું છે અને આ કાર્યવાહી હજુ જારી છે. 

વાવાઝોડુ કચ્છમાં ત્રાટકે કે કરાંચીમાં પણ વિનાશક-વ્યાપક અસર કચ્છ સૌરાષ્ટ્રમાં  થવાની પૂરી શક્યતાને પગલે રાજ્ય અને કેન્દ્ર સરકારે બચાવ ટૂકડીઓ, આર્મીથી માંડીને ફાયરબ્રિગેડ જવાનો સહિતને સ્ટેન્ડ બાય રાખવા ઉપરાંત અગાઉ રાજ્યના કેબીનેટ મંત્રીને જિલ્લાવાઈઝ જવાબદારી સોંપાયા બાદ આજથી કેન્દ્રીય મંત્રીઓને પણ એક-એક જિલ્લાની જવાબદારી સોંપી દેવાઈ છે .સૌરાષ્ટ્રભરમાં લોકો દ્વારા વાવાઝોડાની વિનાશક અસરથી સૌની રક્ષા થાય તે માટે પ્રાર્થના ,જપ,હવન આદિ શરુ થયા છે. 

રાત્રિના વાવાઝોડુ સૌરાષ્ટ્ર કચ્છની 10 કિમી નજીક આવ્યું

આજે રાત્રિના જારી અપડેટ મૂજબ વાવાઝોડુ ગત ૨૪ કલાકમાં પોરબંદરથી ૨૦ કિ.મી.દૂર ગયા બાદ રાત્રિના ફરી એટલું નજીક ૩૧૦ કિ.મી.ના અંતરે આવ્યું છે, જ્યારે અન્ય બંદરોથી વધુ ૧૦ કિ.મી.નજીક આવતા રાત્રે દ્વારકાથી ૨૯૦ કિ.મી., જખૌથી ૩૧૦ કિ.મી., નલિયાથી ૩૩૦ કિ.મી., કરાંચીથી ૪૧૦ કિ.મી.ના અંતરે આવી પહોંચ્યું હતું. આજે પ્રાપ્ત છેલ્લી વિગત મૂજબ  વાવાઝોડુ તા.૧૫-૬-૨૦૨૩ના બપોરે ૧૨ વાગ્યે કરાંચી અને માંડવી વચ્ચે ટકરાશે અને રાજસ્થાન તરફ જઈને નબળુ પડશે.  

6 મોડેલ કહે છે કચ્છ,2 મોડેલ પાક ઉપર ત્રાટકવાનું દર્શાવે છે

આજે પણ વાવાઝોડાની દિશાનું અદ્યતન સાધનોથી પૂર્વાનુમાન કરતા ૬ મોડેલોએ વાવાઝોડુ ક્રમશ: ઉત્તર-પૂર્વમાં વળીને પાકિસ્તાન અને સૌરાષ્ટ્ર-કચ્છ વચ્ચે આગળ વધે તેવો નિર્દેશ આપી રહ્યા છે ત્યારે આઈએમડી જીએફએસ અને એનસીઈપી જીએફએસ એ બે મોડેલ પરથી નીકળતો નિર્દેશ કહે છે તે પાકિસ્તાનના કાંઠાં તરફ આગળ વધશે. લેન્ડ ફોલ પોઈન્ટ (જ્યાં વાવાઝોડુ જમીનને સ્પર્શે) તે માટે વૈજ્ઞાાનિકો ૬૭.૫ ડીગ્રી અને ૬૮.૫ ડીગ્રી રેખાંશ વચ્ચેનો વિસ્તાર જણાવે છે. માત્ર એક ડીગ્રીનો ફરક એટલે આશરે ૧૧૧ કિ.મી. થાય છે. 

જે ગુજરાતના માંડવીથી કરાંચી વચ્ચેનો વિસ્તાર છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો