સૌરાષ્ટ્રના કાંઠે વાવાઝોડાની અસર : ત્રણ દિવસ ભારે


- સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ શરૂ, બંદરો પર અતિશય ખતરાના સિગ્નલ જીડી-10 લાગ્યા, દ.ગુજરાતના કાંઠે પણ જોખમ

- માળિયા હાટીનામાં 6 થી 8 ઈંચ, કેશોદ તથા અન્યત્ર 1થી 4 ઈંચ : દરિયાકાંઠેથી 6330નું સ્થળાંતર, આજે દરિયાથી 5 કિમી સુધી તમામ એરિયા ખાલી કરાવાશે

- 150 કિમીની ઝડપે બિપરજોય તા.15,16 કચ્છમાંથી પસાર થઈ રાજસ્થાન તરફ જશે

- જામનગર,પોરબંદર સહિત સ્થળે પ્રતિબંધાત્મક આદેશો જારી,દરિયા કાંઠે અવરજવર કરે તો ધરપકડ થશે 

રાજકોટ : અરબી સમુદ્રમાં વાવાઝોડુ 'બિપરજોય' તેના બાંગ્લાભાષામાં અર્થ મૂજબ સૌરાષ્ટ્ર માટે વિપત્તી (ડિઝાસ્ટર) સાબિત થયું છે.  દરિયામાં ૯૦૦ કિ.મી.નું અંતર કાપીને આજે ૧૯૦ કિ.મી.ની અતિશય જોખમી ઝડપ સાથે કલાકના ૬ કિમીની ગતિએ બપોરે પોરબંદરથી ૩૧૦,દ્વારકાથી ૩૪૦,નલિયાથી ૪૨૦ કિમીના અંતરે આવી પહોંચ્યું હતું અને તેની તીવ્ર અસર આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં વૃક્ષો થાંભલા ઉખાડી દેતા તીવ્ર પવન, ૮ ઈંચ સુધી અતિ મુશળધાર વરસાદ, દરિયાના પાણી જમીન પર ઘુસી જવા જેવી તારાજીથી જોવા મળી છે. મૌસમ વિભાગ અનુસાર તા.૧૫ જૂનને ગુરુવારે બપોર સુધીમાં કલાકના ૧૫૦ કિ.મી.ની વિનાશકારી ચક્રાકાર ગતિ સાથે તે કચ્છના જખૌ બંદરે ત્રાટકશે અને તા.૧૬ સુધી તે કચ્છમાંથી પસાર થઈને રાજસ્થાન ભણી આગળ વધશે. 

ગંભીર વાત એ છે કે વાવાઝોડુ કચ્છમાં લેન્ડફોલ કરશે ત્યારે તે વેરી સિવિયર સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે પ્રચંડ શક્તિશાળી ચક્રાવાત રહેશે જેના પગલે સમગ્ર કચ્છ,દ્વારકા, જામનગર જિલ્લામાં રેડ એલર્ટ અને સૌરાષ્ટ્રના બાકીના તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. સૌરાષ્ટ્ર-કચ્છના બંદરો ઉપર સર્વાધિક ખતરો હોવાની પૂરી સંભાવના છે તેવું દર્શાવતા ગ્રેટ ડેન્જર -૧૦ સિગ્નલ લગાડાયા છે જ્યારે દક્ષિણ ગુજરાતના કાંઠે પણ ખતરો હોય લોકલ કોશનરી-૩ સિગ્નલ લગાવાયા છે. 

વાવાઝોડુ કચ્છના લખપત અને માંડવી વચ્ચે જખૌ પાસે ટકરાઈને નલિયા તથા કચ્છમાંથી પસાર થઈને રાજસ્થાનના જોધપુર ભણી આગળ વધશે. જેના પગલે તા.૧૬ના મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા વિસ્તારમાં પણ એલર્ટ જારી કરાયું છે. 

વાવઝોડાનો છેડો સૌરાષ્ટ્રને સ્પર્શી ગયો છે અને તેની તીવ્ર અસર વર્તાઈ છે. (૧) સૌરાષ્ટ્રમાં ચોમાસાના આગમન પૂર્વે ઘટાટોપ વાદળો ધસી આવ્યા હતા અને માળિયા જુનાગઢ જિ.ના માળિયા હાટીના તાલુકાના શાંતીપરામાં અતિ મુશળધાર ૧૯૦ મિ.મિ.(૮ ઈંચ) વરસાદ નોંધાયો છે જ્યારે ગડુમાં ૬ ઈંચ, કેશોદમાં ૬ઈંચ, માંગરોળમાં ૪.૫૦ ઈંચ, ઉપરાંત તાલાલા, ભાયાવદર, ગોંડલ, વેરાવળ, સૂત્રાપાડા સહિત ઠેરઠેર ૧થી ૪ ઈંચ વરસાદ નોંધાયો છે. વરસાદની સાથે ગાજવીજ અને તીવ્ર પવન ફૂંકાયો હતો. (૨) પોરબંદરના દરિયામાં દરિયાના પ્રચંડ મોજા જમીન પર ધસતા ઈન્દ્રેશ્વર મહાદેવ મદિરની દિવાલ ધરાશાયી થઈ હતી. (૩) દરિયાકાંઠે હર્ષદ માતાના મંદિર પાસે ગામની બજારમાં દરિયાના પાણી ઘુસી ગયા હતા. 

હજુ વાવાઝોડુ પોરબંદરથી આજે રાત્રે અઢીસો કિ.મી.ના અંતરે છે ત્યાં જ તારાજીનો સિલસિલો શરુ થતા તંત્ર હાઈએલર્ટ બની ગયું છે. દેવભુમિ દ્વારકા જિલ્લામાં ૧૮૦૦ લોકોનું સ્થળાંતર કરી સાયક્લોન સેન્ટર ખાતે આશરો અપાયો છે. આ જ રીતે મોરબીના માળિયાના કાંઠાળ વિસ્તારમાંથી સાંજ સુધીમાં ૧૩૭૨ લોકોનું સ્થળાંતર કરાયું છે. સલાયાના નીચાણવાળા વિસ્તારમાંથી ૧૫૭નું સ્થળાંતર કરી લોહાણા વાડી,કોમ્યુ.હોલમાં આશરો અપાયો છે. પોરબંદરમાં ૫૦૦ લોકોનું, દ્વારકાના રૂપેણ બંદરે ૨૫૦૦ લોકો સહિત કૂલ ૬૩૩૦નું સ્થળાંતર કર્યાના અહેવાલો મળ્યા છે અને આ કામગીરી હજુ જારી છે. સરકારના આદેશ અન્વયે આવતીકાલે દરિયાકાંઠાથી ૫ કિ.મી. સુધીના એરિયામાં રહેતા હજારો લોકોનું સ્થળાંતર કરાવાશે. 

સૌરાષ્ટ્રના વિશાળ દરિયાકાંઠા નજીક હજારો લોકો વસે છે અને શિવરાજપુર,દિવ જેવા બીચથી માંડીને દ્વારકાધીશ,સોમનાથથી માંડીને અનેક પૌરાણિક યાત્રાધામો યાત્રાધામો આવેલા છે જ્યાં લોકોની અવરજવર પર પ્રતિબંધાત્મક આદેશો જારી કરાયા છે. રાજકોટ જિલ્લાના દરિયાઈ વિસ્તારમાં તા.૧૬ની સવાર સુધી અવરજવર પર પ્રતિબંધનું જાહેરનામુ જારી કરાયું છે જેનો ભંગ કરનારની ક.૧૮૮ હેઠળ ધરપકડ થશે તો પોરબંદર ચોપાટી પર ક.૧૪૪ લાગુ કરાઈ છે. 

સૌરાષ્ટ્રમાં આશરે ૨૪ હજાર બોટને કાંઠા પર પાર્ક કરી દેવાઈ છે. એનડીઆરએફ,એસડીઆરએફ સહિતની ટૂકડીઓ તૈનાત કરી દેવાઈ છે અને સૌરાષ્ટ્રના વધુ પ્રભાવિત થનાર દરેક જિલ્લામાં કામગીરીના સંકલન માટે મંત્રીઓને જવાબદારી સોંપૌઈ છે. 

સૌરાષ્ટ્ર પર જોખમ નિશ્ચિત બનતા તા.૧૪,૧૫ના સૌરાષ્ટ્રના ગોંડલ, વાંકાનેર, રાજકોટ, મોરબી સહિતના તમામ યાર્ડમાં કૃષિ જણસીના સોદા બંધ રાખી ખેડૂતોને માલ લાવવા મનાઈ ફરમાવી દેવાઈ છે. તા.૧૪,૧૫ના સૌરાષ્ટ્રની શાળા-કોલેજો પણ બંધ રખાશે અને વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં તો આવતીકાલથી જ રજા રાખી દેવાઈ છે.રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે શહેરની તમામ દુકાનો તા.૧૪ અને તા.૧૫ સ્વૈચ્છિક રીતે સૌની સલામતિ માટે બંધ રાખવા અપીલ કરી છે. 

ભુજમાં ભારે પવનથી દિવાલ પડતાં બે બાળકના મૃત્યુ 

વાવાઝોડાને પગલે સોમવારે બપોરે બાદ પવનની ગતી વધવાથી કચ્છમાં ધરાશાયી થયેલી દિવાલ નીચે ચગદાઈ જવાથઈ બે બાળકના મૃત્યુ નિપજ્યાં છે. સોમવારે બપોરે સાડા ચાર વાગ્યાના અરસામાં સુરલભીટ રોડ પર આવેલા કોલી ફળિયામાં બનાવ બન્યો હતો. સ્થાનિક રહેણાંક મકાનની ઈંટની ૧૭ ફુટ ઉંચી દિવાલ ધસી પડતાં ઘર પાસે રમતા ફૈઝાના ફિરોજ કુંભાર (ઉ.વ.૬) અને મહમદ ઇકબાલ કુંભાર (ઉ.વ.૪) અને ઘર પાસે બેઠેલા તેમના  રૂકસાનાબાનુ ઇકબાલ કુંભાર (ઉ.વ.૩૧) દિવાલ નીચે ચગદાઇ ગયા હતા. 

ભુજ જી.કે.જનરલ લઇ  જવાતાં જ્યાં ફૈઝાના નામની છોકરી અને મહમદ કુંભાર નામના બાળકને મૃત જાહેર કરાયા હતા. જ્યારે રૂકશાનાબેનને સારવાર અપાઈ રહી છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો