NCP પ્રમુખ શરદ પવારને જાનથી મારી નાખવાની ધમકી આપવા મામલે પૂણેના IT એન્જિ.ની ધરપકડ
image : Twitter |
એનસીપી ચીફ શરદ પવારને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે પુણેમાંથી એક આઈટી એન્જિનિયરની ધરપકડ કરી છે. આરોપી બર્વે આઈટી એન્જિનિયર છે. આરોપીને કોર્ટમાં રજૂ કરાયો હતો. ત્યારબાદ કોર્ટે આરોપીને 14 જૂન સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો હતો. બર્વેએ કથિત રીતે NCPના વડા શરદ પવાર વિરુદ્ધ ફેસબુક પર ધમકી પોસ્ટ કરી હતી.
શરદ પવારની દીકરીએ કરી હતી પોલીસ ફરિયાદ
ફેસબુક અને ટ્વિટર સહિતના સોશિયલ મીડિયા પર જાનથી મારી નાખવાની ધમકીઓ મળ્યા બાદ પવારની દીકરી સાંસદ સુપ્રિયા સુલેએ મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફેસબુક પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે ટૂંક સમયમાં શરદ પવારની હાલત પણ પણ નરેન્દ્ર દાભોલકર જેવી જ કરાશે. ઉલ્લેખનીય છે કે 20 ઓગસ્ટ 2013ના રોજ રેશનાલિસ્ટ નરેન્દ્ર દાભોલકરની નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. તેમણે મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિની સ્થાપના કરી હતી.
IP એડ્રેસની મદદથી પકડાયો
NCPના કાર્યકરો દ્વારા લોકમાન્ય તિલક માર્ગ પોલીસ સ્ટેશનમાં ફેસબુકની ધમકી અંગે એક અલગ કેસ નોંધવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને જાણવા મળ્યું કે જે આઈપી એડ્રેસ પરથી પોસ્ટ અપલોડ કરવામાં આવી હતી તે બર્વેનું હતું. શરદ પવારને ધમકી મળ્યા બાદ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું હતું કે સરકારે શરદ પવારને મારી નાખવાની ધમકીને ગંભીરતાથી લીધી છે અને તપાસના આદેશ આપ્યા છે. જ્યારે ડેપ્યુટી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે આવી ધમકીઓ સહન કરવામાં આવશે નહીં.
Comments
Post a Comment