ભાજપ 50:50ની ફોર્મ્યુલાનું લેખિતમાં વચન આપે તો જ ટેકો : શિવસેના


મહારાષ્ટ્રના ગઠબંધનમાં પહેલા અઢી વર્ષ શિવસેનાનો અને પછીના અઢી વર્ષ ભાજપનો સીએમ રાખવા શિવસેનાના ધારાસભ્યોની માંગણી

મહારાષ્ટ્રમાં આગામી પાંચ વર્ષ ભાજપના નેતૃત્વમાં જ સરકાર ચાલશે : ફડણવીસ

મુંબઈ, તા. 26 ઓક્ટોબર, 2019, શનિવાર

ભાજપ માટે હરિયાણામાં સરકારની રચનાની પ્રક્રિયા પુરી થઈ ગઈ છે, પરંતુ મહારાષ્ટ્રમાં કોકડુ ગુંચવાયું છે. મહારાષ્ટ્રમાં ભાજપને અપેક્ષિત બહુમતી ન મળતાં શિવસેનાએ સત્તામાં સમાન ભાગીદારી માગી છે.

'માતોશ્રી' ખાતે ઉદ્ધવ ઠાકરે શનિવારે પક્ષના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક બોલાવી હતી, જેમાં સત્તામાં ભાગીદારી માટે 50:50 ફોર્મ્યુલા પર ભાજપ પાસે લેખિતમાં વચન માગવા મુદ્દે શિવસેના મક્કમ રહી હતી.

બીજીબાજુ ભાજપ પ્રમુખ અમિત શાહે શિવસેના સાથે વાટાઘાટો અંગે દિવાળી પછી ચર્ચા થશે તેવા સંકેતો આપ્યા છે જ્યારે દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે ભાજપના નેતૃત્વમાં ગઠબંધન રાજ્યને પાંચ વર્ષની સિૃથર સરકાર આપશે. ચૂંટણી પરિણામોના દિવસે જ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ભાજપને 50:50 ફોર્મ્યુલાની યાદ અપાવી હતી.

શનિવારે શિવસેનાના નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથેની બેઠકમાં આદિત્ય ઠાકરેને મુખ્ય મંત્રી બનાવવાની માગણી કરવામાં આવી હતી. ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે તેમના માટે 'અન્ય વિકલ્પો ખુલ્લા છે', પરંતુ ભાજપ અને શિવસેના હિન્દુત્વની વિચારધારાથી જોડાયેલી હોવાથી તેમને અન્ય વિકલ્પો અંગે વિચારવામાં રસ નથી.

આ વર્ષે ચૂંટણીમાં શિવસેનાને 2014ની ચૂંટણી કરતાં સાત બેઠકો જ્યારે ભાજપને 17 બેઠકો ઓછી મળી છે. ગુરૂવારે જાહેર થયેલા પરિણામોમાં ભાજપને 102 જ્યારે શિવસેનાને 56 બેઠકો મળી છે. ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે શિવસેના લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં ઓછી બેઠકો પર લડી હતી. જોકે, વિધાનસભામાં તેનો દેખાવ વધુ સારો છે.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે ભાજપે પક્ષપ્રમુખ અમિત શાહ અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં સત્તાની વહેંચણીના મુદ્દે 50:50ની ફોર્મ્યુલાના અમલની લેખિતમાં ખાતરી આપવી પડશે તો જ ભાજપ અને શિવસેનાનું જોડાણ શક્ય બનશે તેમ શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાયકે જણાવ્યું હતું.

દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહએ નવી સરકાર રચવા માટે દિવાળી પૂરી થયા પછી શિવસેના પક્ષ પ્રમુખ ઉધૃધવ ઠાકરે સાથે ચર્ચા કરીશું, એવી સ્પષ્ટતા કરી છે. વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિને મળેલી સફળતા અને આદિત્ય ઠાકરેની જીત માટે અમિત શાહે ઉધૃધવ ઠાકરેને ફોન કરીને અભિનંદન આપ્યા હતા.

શિવસેનાએ સત્તામાં સમાન ભાગીદારી માગી છે ત્યારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શનિવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવ્યો છે અને 'ભાજપના નેતૃત્વમાં ગઠબંધન' રાજ્યમાં પાંચ વર્ષ સુધી સિૃથર સરકાર આપશે. રાજ્યમાં સરકારની રચનાની પ્રક્રિયા દિવાળી પછી શરૂ થશે.

પક્ષના કાર્યકરોને સંબોધતા ફડણવીસે કહ્યું કે ભાજપ, શિવસેના, આરપીઆઈ, આરએસપી, શિવ સંગ્રામની મહાયુતિને ભાજપે સ્પષ્ટ બહુમત આપ્યો છે. જનાદેશનો આદર થશે તેમાં  શંકાને કોઈ સૃથાન નથી. જનાદેશ મુજબ ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવ્યો છે. દિવાળી પછી અમે ધારાસભ્ય પક્ષના નેતાની પસંદગી કરીશું અને તેના થોડા સમયમાં નવી સરકારની રચના થશે. 

તેમણે ઉમેર્યું હતું કે ભાજપનો બેઠકોના વિજયનો સ્ટ્રાઈક રેટ 2014 કરતાં વધુ સારો છે. 2014માં અમે 260 બેઠકો પર લડયા હતા અને 47 ટકા બેઠકો પર જીત્યા અને 28 ટકા મતો મેળવ્યા હતા.

2019માં અમે 150 બેઠકો પર લડયા, 70 ટકા બેઠકો જીત્યા અને 26 ટકા મત મેળવ્યા. કોઈપણ રાજકીય પક્ષનો આ સૌથી મોટો સ્ટ્રાઈક રેટ છે તેમ તેમણે જણાવ્યું હતું. દરમિયાન એનસીપી પ્રમુખ શરદ પવારે શિવસેનાને ટેકો આપવાનો સ્પષ્ટ ઈનકાર કરતાં વિપક્ષમાં બેસવાનો દાવો કર્યો હતો.

તેમણે કહ્યું કે લોકોએ અમને વિપક્ષમાં બેસવાનું કહ્યું છે. અમે જનાદેશ સ્વીકારીશું અને વિપક્ષમાં બેસીશું. બીજીબાજુ કોંગ્રેસના નેતા વિજય વાડેટ્ટીવારે કહ્યું કે ભાજપને સત્તાથી દૂર રાખવા માટે અન્ય પક્ષોએ સાથે આવવું જોઈએ. તેમણે શિવસેનાને 'અન્ય વિકલ્પો' અંગે વિચારવા સૂચન કર્યું હતું.

ભાજપ અને એનસીપી વચ્ચે સાંઠગાંઠની અટકળો

શિવસેનાએ સત્તામાં સમાન ભાગીદારી માટે અક્કડ વલણ અપનાવ્યું છે ત્યારે ભાજપે પાછલા બારણે એનસીપી સાથે સાંઠગાંઠ રચી હોવાનું મનાય છે. હાલમાં એનસીપીના અગ્રણી નેતાઓ ઈડી અને સીબીઆઈના સકંજામાં ફસાયા છે.

ઈડીએ મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બેન્ક કૌભાંડમાં શરદ પવાર સામે મની લોન્ડરિંગનો કેસ કર્યો છે. ઉપરાંત પ્રફુલ પટેલ સામે પણ દાઉદના સાગરિત મિર્ચી સાથે જોડાણ બદલ કેસ થયો છે. શરદ પવારના ભત્રીજા અજિત પવાર સામે પણ સિંચાઈ કૌભાંડની કાર્યવાહી ચાલી રહી છે.

આ બધા કેસ મોટાભાગે વિધાનસભા ચૂંટણી પહેલાં જ ખૂલ્યા છે. ભાજપે આ કેસો પડતા મૂકીને પક્ષને ટેકો આપવા એનસીપી સાથે પાછલા બારણે સાંઠગાંઠ રચી હોવાનું મનાય છે. નોંધપાત્ર છે કે ભાજપે 2014માં પણ સરકારની રચના માટે પાછલા બારણે એનસીપીનો સાથ લીધો હોવાનું મનાતું હતું.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો