નવું વર્ષ, નવું ઇંડિયા


દેશની લોકશાહીની ચિંતા કરવાવાળા લોકોએ ઘરમાં પણ જોહુકમી ચલાવવાનું બંધ કરી બહુમતીથી નિર્ણયો લેવા જોઈએ

તારીખિયાનું પાનું ફાટવું એટલે કેલેન્ડરનો ૩૫૪મો હિસ્સો ફાટી જવો. જિંદગીનો એક દિવસ ફાટી જવો. ૩૫૪ કેમ? ૩૬૫ કેમ નહીં? કારણ કે વાત થઈ રહી છે વિક્રમ સંવતની. વિક્રમ વર્ષના તારિખિયાનું છેલ્લું પાનું પણ કાલે પીળું પડીને ખરી ગયું. આજે પૂર્વ દિશામાંથી ઝળહળ થતું નવું વર્ષ ઊગ્યું છે. એક મહાન પરંપરા વર્ષાવલી પર વિહાર કરતા-કરતા ૨૦૭૬ સુધી આવી પહોંચી છે. નવા વર્ષમાં ભારત સમૃદ્ધ બને, ખુશહાલ બને તે માટે કેટલાક સંકલ્પ લેવાની આવશ્યકતા છે. આ સંકલ્પો જનતા અને શાસકો બંને માટેના છે. જેને જે લાગુ પડે. જે જ્યાં છે, જેના કાર્યક્ષેત્રમાં જે આવે છે તેનો રોલ તેમણે નિભાવવાનો રહે.

૧) સરકારી કામોમાં ઝડપઃ આપણે માટે નવું વર્ષ વ્યક્તિગત વિકાસ અને દેશના વિકાસનું નવું વર્ષ છે. આ એક વર્ષમાં આપણે કઈ રીતે આગળ વધીએ? સરકારી કામોને ઝડપી બનાવીને. કાગળ ઉપર ગમે તેટલા દાવા કરીએ પણ વાસ્તવિકતા એ છે કે સરકારી કામોની ગતિ સાવ ધીમી છે. તેના માટે સરકાર સાથે સંકળાયેલા કર્મચારીઓનો અભિગમ જવાબદાર છે. પ્રાઇવેટ કંપનીમાં તમે જાવ તો તેના કર્મચારીઓ સામે ચાલીને તમારો પ્રશ્ન સુલટાવવા મહેનત કરે છે.

તમને વિવિધ બેનિફિટ્સ આપવા પ્રોએક્ટિવ અભિગમ અપનાવે છે. સરકારીમાં તમે જન્મ તારીખનો દાખલો કઢાવવા જાવ તોય ચાર ધક્કા ખવડાવશે. કોઈ એમ નથી વિચારતું કે ખરેખર તો સેવાનો લાભ લેવા આવી રહેલા નાગરિકો  જ આપણા નોકરીદાતા છે. સરકારી કર્મચારીઓમાં બે પ્રકારના કર્મચારીઓ છે. અ) જે ઓવરબર્ડન્ડ છે. કામના ભારણથી પીડિત છે. બ) જે વર્ક ટુ રુલ છે. હું આટલું જ કરું. હું આનાથી વધુ ન કરું-ટાઇપના અભિગમવાળા. આટલા પગારમાં આટલું જ મળે- પ્રકારના. આવા કર્મચારીઓનો અભિગમ બદલવા સરકારે કશુંક કરવું પડે.

સરકાર કોન્ટ્રાક્ટવાળા કર્મચારીઓની નિયુક્તિ કરી જ રહી છે તો આવા વધુ કર્મચારીે નિયુક્ત કરીને અલ્પશિક્ષિત નાગરિકોને ફોર્મ ભરવામાં મદદ કરવી, ખૂટતા કાગળિયા કઈ રીતે મેળવવા તેના વિશે માર્ગદર્શન આપવું વગેરે પણ કરી દેવું જોઈએ. પ્રાઇવેટ બેંકમાં જાવ અને એસબીઆઈમાં જાવ- આ બંનેના કર્મચારીઓના તમારી સાથેના વર્તનમાં જે તફાવત છે તે દૂર કરવાની આવશ્યકતા છે. નવા વર્ષમાં નવું ઇંડિયા બનાવવા આપણે આટલું પણ ન કરી શકીએ?  

૨) ધંધો કરવાની સરળતાઃ નવો ધંધો કરવા પાન કાર્ડ, જો લાયસન્સવાળો ધંધો હોય તો તેનું લાયસન્સ, શોપ લાયસન્સ, જીએસટી રજિસ્ટ્રેશન કમસેકમ આટલી ફોર્માલિટી કરવી જરૂરી છે. શોપ લાયસન્સ તમે કઢાવા જાવ એટલે પટ્ટાવાળો કહે સાહેબ નથી. તમે બપોરે બાર વાગ્યે ગયા હોવ તોય વોર્ડ ઑફિસર ખુરશી પર ન હોય. યસ, પ્રોબ્લેમ અહીં જ છે. શોપ લાયસન્સ લેવા જાવ તોય જલ્દી ન મળે.

આજની તારીખે પણ સરકારી કામમાંથી મોટા ભાગના કામ પૈસા વગર નથી થતા. અને મફત થાય છે તે પણ એક ધક્કે તો નથી જ થતા. એક સમયે તો બહાનુંય હતું કે પગાર ઓછો છે. હવે કયા સરકારી કર્મચારીનો પગાર ઓછો છે?  ઇવન પ્યૂનનો પણ નહીં. તેમ છતાં મોંફાટ પૈસા માગે છે. લાંચખોર સરકારી કર્મચારીઓ સામાન્ય માણસ તો શું સરકારી કર્મચારીઓને પણ બક્ષતા નથી. તેમને એસીબીનો પણ ડર નથી હોતો. કારણ કે બધે જ સેટિંગ થાય છે. તેમને ડર નથી. કારણ કે તેમના પર મંત્રીઓનો હાથ હોય છે.

તમારે એક કંપની સ્થાપવી હોય તો બે દિવસમાં સ્થાપી શકો. સ્ટાર્ટ અપ શરૂ કરવું હોય તો એક જ દિવસમાં કરી શકો, એ પ્રકારની કલ્પનાઓને વાસ્તવિકતામાં પલટવાની નિવાર્યતા છે. સ્ટાર્ટ અપ ઇંડિયા ચાલે છે, પણ તેનો લાભ ગ્રાઉન્ડ પર ક્યાંય દેખાતો નથી. સરકારી કામ ઝડપથી થતા હશે તો ધંધો શરૂ કરવાની પ્રોસેસ પણ ઝડપી બની શકશે. ધંધા જેટલા ઝડપથી અને સરળતાથી સ્થાપી શકાશે એટલી દેશમાં બેરોજગારી ઘટશે. સીધું ગણિત છે.

૩) વૃદ્ધોની સહાયતાઃ ભારતમાં વૃદ્ધોની સંખ્યા વધતી જાય છે. આમ તો આખા વિશ્વમાં વધતી જાય છે, પણ ભારતમાય તે. સરકાર માટે તે ચિંતાનો વિષય છે. આપણે ત્યાં સંતાન વિનાના અથવા સંતાનો દ્વારા તરછોડાયેલા વૃદ્ધોની સંખ્યા ઘણી મોટી છે. આ ક્ષેત્ર સમાજ સેવી સંસ્થા અને સરકાર બંનેનું છે.

સરકારે આમાં એક બાબત એ જોવાની રહે છે કે વૃદ્ધ સહાય, પેન્શન, પીએફ જેવા લાભ પહોંચાડવામાં તે ઝડપ કરે. દેશમાં અનેક એવા નિવૃત્ત કર્મચારીઓ છે જે પીએફ ઑફિસના ધક્કા ખાઈ-ખાઈને સ્મશાને પહોંચી જાય છે, પણ પાપના પોટલા બાંધવા બેઠેલા બાબુઓ તેમનું પીએફ રીલિઝ કરતા નથી. આ મુદ્દો પણ પહેલા મુદ્દા સાથે જ કનેક્ટેડ છે. સરકારી કર્મચારીઓ વૃદ્ધોને સહાયથી અવગત કરવામાં તેમને ફોર્મ ભરી દેવામાં અને તેમને લાભ પહોંચાડવામાં પ્રોએક્ટિવ અભિગમ અપનાવશે તો ઘણી સમસ્યા હળવી થશે.

૪) ગઈ કાલ કરતા આજે બહેતર બનીએઃ દેશ હોય કે વ્યક્તિગત જીવન ઘણા બધા પ્રોબ્લેમ છે તો શરૂ ક્યાંથી કરવું? જવાબ છે, જ્યાં આપણે ઊભા છીએ ત્યાંથી. આપણી સમસ્યા એ છે કે આપણા લક્ષ્યો અવાસ્તવિક હોય છે. આપણું લક્ષ્ય મોટું હોય છે, પણ ત્યાં સુધી પહોંચવા માટે નાના નાના લક્ષ્યો બનાવવામાં આપણને નાનપ અનુભવીએ છીએ.

માણસે એક પ્રોફેશનલ તરીકે, એક બિઝનેસમેન તરીકે, એક વ્યક્તિ તરીકે, એક કર્મચારી તરીકે ગઈ કાલે જે હતો તેના કરતા આજે બહેતર બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો આપણે રોજ ૦.૧ ટકા બદલાઈએ તો પણ ૧૦૦૦ દિવસ એટલે કે ત્રણ વર્ષમાં ૧૦૦ ટકા બદલાઈ ચૂક્યા હોઈએ. રોજ નાના-નાના ચેન્જ કરીએ. આપણી જીવનશૈલીમાં, આપણા પરફોર્મન્સમાં, આપણા કામમાં. રોજ જરા-જરા બદલાશું તો પણ ઘણે પહોંચી જવાશે. 

૫) લોકશાહી પર વિશ્વાસઃ આપણે દેશની લોકશાહીની વાત કરીએ છીએ, પણ શું આપણું ઘર ડેમોક્રેટિક છે? આપણા ઘરમાં કેટલા નિર્ણયો બહુમતથી લેવાય છે અને કેટલા ઘરના વડાની મરજીથી? હવે આપણે ૨૧મી સદીમાંય બે દાયકા પૂરા કરવા આવ્યા. સૌપ્રથમ ઘરને ડેમોક્રેટિક કરીએ. ઘરના વધુ સભ્યો જે ઇચ્છે તે જ ઘરમાં થવું જોઈએ. બાકીનું નહીં. ઘરને ડેમોક્રેટિક બનાવીશું તો દેશની લોકશાહીની ચિંતા કરવી પડશે નહીં. 

હમણા વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા તેમાં વિપક્ષ મજબૂત બન્યો. તે દર્શાવે છે કે ભારતની લોકશાહી સ્વસ્થ છે. કોઈના કબજામાં નથી. એટલે કે આપણે ડરવાની જરૂર નથી. એક વાત પાકી થઈ ગઈ કે દેશના મોટા ભાગના નેતાઓ ગમે તેટલા કાવાદાવા કરે, પણ લોકશાહીને ક્ષતિ પહોંચાડવા માગતા નથી. લોકશાહીમાં આવતા ચૂંટણીના પરિણામો રાજકીય પક્ષોને અરીસો દેખાડતા હોવાથી તેમના સ્વાસ્થ્ય માટે પણ હિતકારક છે.

૬) સંવાદ વધારીએઃ સોશિયલ મીડિયાનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ પણ હજુ આપણે ઉપયોગ કરતા શીખ્યા નથી. આ એ દેશ છે જ્યાં વિદ્વાનો અને મહાવિદ્વાનો વચ્ચે જાહેરમાં ચર્ચા (શાસ્ત્રાર્થ) થતી અને લોકો તે સાંભળવા એકઠા થતા. અમેરિકામાં ચૂંટણી પહેલા બંને પક્ષના પ્રમુખીય ઉમેદવારો સામા-સામા બેસીને જાહેરમાં ડિબેટ કરે છે.

ભારતમાં એટલી બધી અપેક્ષા રાખવી સંભવ નથી, પણ કમસેકમ આપણે નાના નાના મંચો પર સંવાદનું વાતાવરણ રચી શકીએ. હું જ સાચો અને જે મારી વાતને નકારે છે એ દેશદ્રોહી છે, એ પાકિસ્તાની છે એવો અભિગમ છોડી દઈએ એ પણ લોકશાહીની મોટી સેવા છે. આવું કરવાથી વ્યક્તિગત, સામાજિક અને રાજકીય ત્રણેય સ્તર પર ડેમોક્રસી વધશે.

૭) આધુનિકતા અને પરંપરાનું સાયુજ્યઃ આધુનિકતાવાદીઓ પરંપરા પર ચોકડી મારે છે, પરંપરાવાદીઓ આધુનિકતા ઉપર. આ બંને અધૂરા ઘડા છે. આપણી પરંપરામાં ઘણું બધું સારું છે તે જળવાવું જોઈએ અને સાથોસાથ આધુનિકતાને પણ આપણે અપનાવવી, સ્વીકારવી, આવકારવી પડે. પશ્ચિમી સંસ્કૃતિમાં પણ જેટલું સારું છે, આકર્ષક છે તે અપનાવવામાં કોઈ છોછ ન હોવો જોઈએ. સામે આપણું બેસ્ટ પણ જળવાવું જોઈએ.

૮) આજના પ્રશ્નો સમજીએઃ આજના પ્રશ્નો જુદા છે. આજનો પ્રશ્ન છે ઓટોમેશનને લીધે જતી નોકરીઓ, આજનો પ્રશ્ન છે ઝડપથી આવતા પરિવર્તનો, આજનો પ્રશ્ન છે કે રોજિંદી સમસ્યાઓના નિવારણ માટે કઈ રીતે બેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરવો, આજનો પ્રશ્ન ફોરજીની ધીમી સ્પીડનો છે, આજનો પ્રશ્ન રેન્સમવેર અટેકનો છે. આજે જે ટેકનોલોજીથી અજાણ છે તે અભણ છે.

આજે જે સતત નથી શીખતો તે અભણ છે. કારણ કે તમે શીખો છો તે થોડા જ સમયમાં એટલું બધું બદલાઈ જાય છે કે તમને કશા કામમાં લાગતું નથી. નાનામાં નાનો માણસ ટેકનોલોજીથી પરિચિત રહે અને તેની સાથે જોડાયેલો રહે તો જ સમય સાથે જોડાયેલો રહેશે. નહીં તો દુનિયા ખૂબ આગળ વધી જશે અને તે ફેંકાઈ જશે. ટેકનોલોજી યુઝ કરતા અને ન યુઝ કરતી વ્યક્તિ વચ્ચેની ખાઈ ઝડપથી વધતી જાય છે. નવા વર્ષમાં આ ખાઈ બૂરવાના પ્રયત્નો વ્યક્તિ, સમાજ, સરકાર બધાએ હાથ ધરવા પડશે.

૯) વિદ્વતા અને બૌદ્ધિકતાનું સન્માનઃ  પશ્ચિમ એટલા માટે આગળ છે કેમ કે તે વિદ્વાનો અને બૌદ્ધિકોને માનપાન આપે છે. તેમને સાંભળે છે. આપણે ત્યાં બૌદ્ધિકો અને વિદ્વાનોને ઉતારી પાડવામાં આવે છે. ગાળો દેવાય છે. પંડિતને પોથી પંડિત કહીને નકારી દેવામાં આવે છે. અર્થશાસ્ત્રના નોબેલ વિજેતા અભિજિત બેનરજીને લેફ્ટ કહીને રીજેક્ટ કરી દેવામાં આપણને ક્ષણનો પણ વિલંબ થતો નથી. આ જ કારણ છે કે આપણે પાછળ છીએ. પાછળ છીએ તો આગળ ન નીકળી શકીએ તેવું નથી. અભિગમ બદલી જશે તો બધું જ બદલાઈ જશે.

૧૦) ઓરિજિનાલિટીની કદરઃ તમે એક સારા આઇડિયા સાથે ધંધો શરૂ કરો અને ભૂલેચૂકે જો તમારો ધંધો ચાલી જાય તો બીજા દસ તમારી નકલ કરવા લાગશે. આ ખોટું છે. કોણ કરે છે નકલ? આપણે જ. અથવા આપણામાંથી મોટા ભાગના. ભારતમાં કેમ વિન્ડોઝ ઑપરેટિંગ સિસ્ટમ ન બની? કેમ ભારતમાં આઇપોડ, આઇપેડ કે આઇફોન નથી બનતા? કારણ આપણે નકલમાં જ અકલ વાપરીએ છીએ. આપણે કોઈની ઓરિજિનાલિટીની કદર નથી કરતા.

આપણી કદર ન થાય તો આપણને દુઃખ થાય છે, પણ આપણે આપણી જાતને પૂછીએ શું આપણે ક્યારેય અન્યની ઓરિજિનાલિટીની કદર કરી છે ખરા? અકાઇનું ટકાઈ અને નાઇકીનું વાઇકી બનાવવામાં ઉસ્તાદ છીએ. એડીદાસનું એબિદાસ કરવામાં જ ક્રિએટિવિટી ખર્ચ કરીએ છીએ. નવા વર્ષમાં એક સંકલ્પ કોઈ પણ ક્ષેત્રમાં ઓરિજનલ બનવાનો સંકલ્પ કરીએ.  આપણે ઓરિજિનલ ન બની શકીએ તો કંઈ નહીં, કોઈકની નકલ ન કરવાનો સંકલ્પ કરીએ. એટલીસ્ટ કોઈકની ઓરિજિનાલિટીની કદર કરવાનો સંકલ્પ કરીએ.

દર નવા વર્ષમાં થોડા-થોડા બદલાવાનો પ્રયત્ન કરીશું તો થોડા વર્ષોમાં આપણે ઘણા બદલાઈ જશું. નૂતન વર્ષેમાં આપણને બધાને સુખ, શાંતિ, સમૃદ્ધિ તરફ લઈ જનારા નૂતન પરિવર્તનની શુભકામના.

આજની નવી જોક

શિક્ષક (લલ્લુને) દીકરી પારકું ધન હોય છે તો દીકરો શું છે?

લલ્લુઃ ચોર.

શિક્ષકઃ કેવી રીતે?

લલ્લુઃ ચોરની નજર હંમેશા પારકા ધન પર હોય છે.

શિક્ષકઃ હેં!?

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો