હરિયાણામાં ફરી ખટ્ટર સરકાર, મહારાષ્ટ્રમાં કોંકડું હજુ પણ ગૂંચવાયેલું

નવી દિલ્હી, તા. 27 ઓક્ટોબર, 2019, રવિવાર
હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરીણામો સામે આવ્યા છે, જેમાં કોઇ પણ પક્ષને બહુમત નથી મળી જેને પગલે હાલ ગઠબંધનની રાજનિતી ચાલી રહી છે. ભાજપે હરિયાણામાં તો વિવાદને શાંત કરી લીધો છે અને અહીંના ચૌટાલાના પક્ષ જેજેપી સાથે ગઠબંધન કરી સરકાર બનાવી લીધી છે.
જોકે મહારાષ્ટ્રનું કૌંકડુ હજુ ગૂંચવાયેલુ છે. હરિયાણામાં મનોહરલાલ ખટ્ટર ફરી મુખ્ય પ્રધાન બની ગયા છે. તેમણે પદ પર શપથ ગ્રહણ કર્યા હતા જ્યારે ઉપ મુખ્ય પ્રધાન દુષ્યંત ચૌટાલાને આપવામાં આવ્યું છે. બન્નેએ રવિવારે શપથ ગ્રહણ કર્યા હતા. બીજી તરફ મહારાષ્ટ્રમાં વિવાદ જારી છે.
અહીં શિવસેના પોતાની માગો પર અડગ છે જ્યારે ભાજપ પણ વેઇટ એન્ડ વોચના મૂડમાં હોવાની ચર્ચા છે. મહારાષ્ટ્રમાં 14મી વિધાનસભા માટે લેવામાં આવેલા મતદાનમાં ભારતીય જનતા પાર્ટી- શિવસેના યુતિને બહુમતી મળી છે પણ શિવસેનાએ 50:50 ફોર્મ્યુલા માટે આગ્રહ કર્યો છે.
પણ ભારતીય જનતા પાર્ટી 14મી વિધાનસભામાં 109 બેઠકો મેળવીને સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે ઉભરી છે. 30 ઓક્ટોબર 2019ના દિવસે ભારતીય જનતા પાર્ટીના નવનિર્વાચિત વિધાનસભ્યોની વિધાનમંડળ દળના નેતાની પસંદગી માટે વિધાનભવનમાં બેઠક બોલાવવામાં આવી છે.
આ બેઠકમાં મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસની નેતા પદ ઉપર ફરથી બીજીવાર પસંદગી કરવામાં આવશે. આ બેઠક બાદ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશપાર્ટીને મળીને સરકાર સ્થાપન કરવાનો દાવો રજૂ કરશે.
સૂત્રોએ આપેલી માહિતી મુજબ દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે બીજીવાર વાનખેડે સ્ટેડિયમમાં આલીશાન સમારોહમાં શપથ લેશે. 2014માં દેવેન્દ્ર ફડણવીસએ વાનખેડે સ્ટેડિયમમાં જ મુખ્યપ્રધાન પદના સોગંદ 31 ઓક્ટોબરના દિવસે લીધા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ઘણા દિગ્ગજ મહાનુભાવો શપથવિધિ સમારોહમાં હાજર રહ્યા હતા.
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહ મહારાષ્ટ્રમાં આવશે અને શિવસેના પક્ષ પ્રમુખ ઉધ્ધવ ઠાકરે સાથે ચર્ચા કરશે. પણ 31 ઓક્ટોબર 2019ના અથવા 2 નવેમ્બર 2019 આ દરમિયાન દેવેન્દ્ર ફડણવીસ મુખ્યપ્રધાન પદની શપથ લેશે.
સૂત્રોએ આપેલી માહિતી મુજબ એમ પણ કહેવાય છે કે શિવસેનાનો નિર્ણય જ્યારે થાય ત્યારે થશે પણ શરૃઆતમાં દેવેન્દ્ર ફડણવીસ સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રધાનો શપથ લેશે. 2014માં 5 ડિસેમ્બરના દિવસે શિવસેના સત્તામાં જોડાઈ હતી.
હવે આ વખતે શું નિર્ણય લેવાયો એવો અધિકાર શિવસેનાના વિધાનસભ્યોએ પક્ષ પ્રમુખ ઉધ્ધવ ઠાકરેને આપવામાં આવ્યો છે. શિવસેના સરકારમાં જોડાવા પહેલાં કદાચ ભાજપના ફડણળીસ પ્રધાનમંડળનું પહેલા ગઠન થશે, એવી જાણકારી મળે છે. રાજ્યપાલ ભગતસિંગ કોશ્યારી દેવેન્દ્ર ફડણવીસને સોગંદ આપશે.
Comments
Post a Comment