દિલ્હીની વાત : દુષ્યંતે ભાજપને ટેકો આપતાં જ પિતા જેલમાંથી બહાર

દુષ્યંતે ભાજપને ટેકો આપતાં જ પિતા જેલમાંથી બહાર
નવી દિલ્હી,તા.26 ઓક્ટોમ્બર 2019, શનિવાર
રાજકારણમાં કશું બિનશરતી હોતું નથી એ વાત જેજેપીના દુષ્યંત ચૌટાલાએ ભાજપને ટેકો આપવાનું એલાન કર્યું પછી સાચી પડી છે. દુષ્યંતના પિતા અજય ચૌટાલાને શિક્ષકોની નિમણૂકના ભ્રષ્ટાચારના કેસમાં સજા થઈ છે. ચૌટાલા તિહાર જેલમાં બંધ છે પણ જેવો દુષ્યંતે ભાજપને ટેકો આપ્યો કે, અજય ચૌટાલાને બે અઠવાડિયાના ફર્લો જામીન મળી જતાં તે જેલની બહાર આવી ગયા. અજયના પિતા ઓમપ્રકાશ ચૌટાલા હજુ જેલમાં જ છે.
ભાજપ-જેજેપી સરકારની શપથવિધી રવિવારે છે. સ્વાભાવિક રીતે જ અજય ચૌટાલા આ કાર્યક્રમમાં હાજર રહેશે. મનોહરલાલ ખટ્ટર મુખ્યમંત્રીપદના શપથ લેશે જ્યારે જેજેપીના એક ધારાસભ્ય નાયબ મુખ્યમંત્રીપદના શપથ લેશે. પહેલાં એવી ધારણા હતી કે, દુષ્યંત પોતે નાયબ મુખ્યમંત્રી બવશે પણ જેજેપીનાં સૂત્રોના કહેવા પ્રમાણે દુષ્યંતનાં માતા નૈના ચૌટાલા નાયબ મુખ્યમંત્રીપદના શપથ લેશે. નૈના બઢરા વિધાનસભા બેઠક પરથી ચૂંટાયાં છે. અજય ચૌટાલા પોતે તો કદી નાયબ મુખ્યમંત્રી ના બન્યા પણ પુત્રના કારણે પત્નીને નાયબ મુખ્યમંત્રીપદના શપથ લેતાં જોઈ શકશે.
શિવસેનાના આકરા તેવર પાછળ નીતિશનો દોરીસંચાર
હરિયાણામાં ભાજપ માટે બઘું સુખરૂપ ગોઠવાઈ ગયું પણ મહારાષ્ટ્રમાં તકલીફો વધતી જાય છે. મુખ્યમંત્રીપદ અઢી-અઢી વર્ષમાટે વહેંચવાની વાત પર અડી ગયેલી શિવસેનાનું વલણ વધુ ને વધુ અક્કડ થતું જાય છે. શનિવારે ઉધ્ધવ ઠાકરેએ કહી દીધું કે, ભાજપ અઢી-અઢી વર્ષ માટે મુખ્યમંત્રીપદ લેવાની લેખિત ખાતરી આપે પછી જ સરકાર રચવા અંગે નિર્ણય લેવાશે. ઉધ્ધવે ભાજપને આડકતરી ધમકી પણ આપી કે, શિવસેના પાસે બીજા વિકલ્પ પણ છે પણ ભાજપ સાથે તે હિંદુવાદી વિચારધારાથી જોડાયેલી છે તેથી પહેલી તક ભાજપને આપે છે.
ઉધ્ધવના અક્કડ વલણથી ભાજપમાં આંતરિક ખેંચતાણ શરૂ થઈ છે. મહારાષ્ટ્ર ભાજપના નેતાઓ શિવસેના સામે કોઈ કાળે નહીં ઝૂકવાના મતના છે જ્યારે ભાજપ હાઈકમાન્ડ શિવસેનાની વાત માનવાના પક્ષમાં છે. ભાજપ પાસે એનસીપીને મનાવવાનો વિકલ્પ છે પણ એ વિકલ્પ અજમાવવા જતાં ભાજપની વિશ્વસનિયતાના ધજાગરા ઉડી જાય તેથી હાઈકમાન્ડ એ વિશે નથી વિચારતું. ઉધ્ધવ અમિત શાહે આપેલા વચનની વાત કર્યા કરે છે તેના કારણે પણ ભાજપની હાલત કફોડી છે.
ભાજપનાં સૂત્રોના મતે, ઉધ્ધવના આ વલણ પાછળ નીતિશ કુમાર છે. બિહારમાં ભાજપ નીતિશની મેથી મારે છે તેથી પ્રશાંત કિશોરના માધ્યમથી નીતિશ ભાજપની બજાવી રહ્યા છે.
પેટાચૂંટણીનાં પરિણામોથી કમલનાથને સૌથી વધુ રાહત
વિધાનસભાની પેટાચૂંટણીનાં પરિણામોથી સૌથી વધારે રાહત કમલનાથને થઈ છે. મધ્ય પ્રદેશની ઝાબુઆ બેઠક કોંગ્રેસના કાંતિલાલ ભુરીયાએ જીતી લેતાં કમલનાથ એ સ્થિતીમાં પહોંચી ગયા છે કે, ભાજપ તેમની સરકારને ઉથલાવી ના શકે. ૨૩૦ સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસ પાસે હવે ૧૧૫ સભ્યો છે તેથી તેમને બહુમતી માટે બહારથી એક જ સભ્યનો ટેકો જોઈએ. સપા, બસપા અને અપક્ષોનો ટેકો કમલનાથ સરકારને છે જ પણ હવે તેમણે સરકાર બચાવવા કોઈ બ્લેકમેઈલિંગને તાબે નહીં થવું પડે. સાથે સાથે કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાના ભાજપના ઉત્સાહ પર પણ ઠંડુ પાણી ફરી વળ્યું છે.
કોંગ્રેસમાં રાહત છે ત્યારે ભાજપમાં ધમાધમી મચી છે. ઝાબુઆમાં હારના પગલે મધ્ય પ્રદેશના ધારાસભ્ય સિધ્ધી કેદાર શુકલાએ ભાજપ પ્રમુખ રાકેશ સિંહ સામે ખુલ્લી બગાવત કરીને તેમના રાજીનામાની માગણી કરી છે. ભાજપે શુકલાને શો-કોઝ નોટિસ ફટકારી છે કે જેથી બીજા કોઈ આગળ ના આવે પણ બીજા નેતા રઘુનંદન શર્માએ પણ આડકતરી રીતે બગાવતના સૂર કાઢતાં ભાજપની તકલીફ વધી છે.
હરિયાણા મુદ્દે નડ્ડાએ ભાંગરો વાટતાં શાહે દોડવું પડયું
હરિયાણામાં ભાજપ દુષ્યંત ચૌટાલાની જેજેપી સાથે મળીને સરકાર રચશે એ નક્કી છે પણ એ પહેલાં ભાજપમાં ભારે ડ્રામા થયો. અમિત શાહે ગુજરાતથી તાત્કાલિક દિલ્હી દોડી આવવું પડયું. શાહની ગેરહાજરીમાં કાર્યકારી પ્રમુખ જે.પી. નડ્ડાએ કુશળતા બતાવવાના ઉત્સાહમાં એક છોકરી પર બળાત્કારના આરોપીએ ગોપાલ કાંડાને દિલ્હી ખાસ વિમાનમાં તેડાવીને તેનો ટેકો લેવાની જાહેરાત કરાવી તેમાં ભાંગરો વટાઈ ગયો.
કાંડાના મુદ્દે સોશિયલ મીડિયા પર ભાજપના માથે માછલાં ધોવાવા માંડયાં. ઉમા ભારતીએ ખુલ્લેઆમ કાંડાને બાજુ પર મૂકવાની તરફેણ કરી. નરેન્દ્ર મોદીએ તરત ડેમેજ કંટ્રોલ કરવા શાહને ગુજરાતના કાર્યક્રમ પડતા મૂકીને ચૌટાલા સાથે વાત કરવા ને દિલ્હી આવવા કહી દીધું. શાહ ચૂંટણી પહેલાં ચૌટાલા સાથે સંપર્કમાં હતા તેથી તેમની વાત માનીને ચૌટાલા પણ આવી ગયા. શાહના નિવાસસ્થાને બેઠક થઈ ને મુખ્યમંત્રીપદની વાત પર અડેલા ચૌટાલાને નાયબ મુખ્યમંત્રીપદ આપીને મનાવી લેવાયા.
આ ડ્રામાના કારણે ભાજપ માટે ઘીના ઠામમાં ઘી પડી રહ્યું પણ નડ્ડાએ હજુ શિખાઉ છે તે સાબિત થઈ ગયું.
કાંડા મુદ્દે સ્મૃતિ-નિર્મલાની ચૂપકીદી સામે સવાલો
હરિયાણામાં ભાજપની ગોપાલ કાંડાનો ટેકો લેવાની હિલચાલ સામે ઉમા ભારતીએ બાંયો ચડાવી તેની પ્રસંશા થઈ રહી છે. ઉમાએ સાફ શબ્દોમાં કહ્યું કે, ગોપાલ કાંડા ચૂંટણી જીત્યા એટલે તેમના અપરાધો માફ થઈ જતા નથી. ભાજપે નૈતિકતા બતાવીને કાંડા જેવા લોકોનો ટેકો ના લેવો જોઈએ.
આસારામ સામે સગીર છોકરી પર બળાત્કારનો આક્ષેપ થયો ત્યારે ઉમાએ આસારામની તરફેણ કરી હતી. આ વખતે ઉમાએ એ ભૂલ ના કરીને શાણપણ બતાવ્યું. ઉમા ભાજપમાં એક માત્ર મરદ સાબિત થયાં તેવી કોમેન્ટ્સ સોશિયલ મીડિયા પર થઈ રહી છે. સામે સ્મૃતિ ઈરાની, નિર્મલા સીતારામન વગેરે મહિલા પ્રધાનો કેમ ચૂપ એવા સવાલો પણ થઈ રહ્યા છે.
ભાજપનાં સાંસદ રમા દેવી સામે આઝમખાને કરેલી વિવાદાસ્પદ ટીપ્પણી વખતે સ્મૃતિ અને નિર્મલાએ સંસદમાં સ્ત્રી સન્માનના મુદ્દે હોબાળો મચાવી દીધો હતો. કાંડા સામે તો એક યુવતી પર બળાત્કારનો આરોપ મૂકાયેલો. આપઘાત માટે દુષ્પ્રેરણાનો કેસ તો હજુ ચાલે છે ત્યારે સ્મૃતિ-નિર્મલા સામે કેમ ચૂપ છે ? આ પ્રકારના સવાલો સોશિયલ મીડિયા પર પૂછાઈ રહ્યા છે.
ભગતસિંહને ભારતરત્ન મુદ્દે મોદી સરકાર ભીંસમાં
ભાજપ વીર સાવરકરને ભારતરત્ન આપવાનું વચન આપી ચૂક્યો છે ત્યારે હવે કોંગ્રેસે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂને ભારતરત્ન આપવાની માંગ કરી છે. કોંગ્રેસના સાંસદ મનિષ તિવારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સત્તાવાર રીતે પત્ર લખીને આ માંગ કરી છે. આ પહેલાં અસદુદ્દીન ઓવૈસીએ પણ આ માંગ કરી હતી. તિવારીએ ચંદીગઢ એરપોર્ટને ભગતસિંહના નામે શહીદ-એ-આઝમ નામ આપવા અને ત્રણેયને શહીદ-એ-આઝમ જાહેર કરવા પણ માંગ કરી છે.
કોંગ્રેસની આ માગના કારણે મોદી સરકાર ભીંસમાં મૂકાઈ છે. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂ કોઈ રાજકીય પક્ષની વિચારધારાને વરેલા નહોતા. આ ત્રણેય દેશમાં યુવા ક્રાન્તિનું પ્રતિક પણ ગણાય છે. આ સંજોગોમાં મોદી સરકાર આ માગને અવગણી શકે તેમ નથી પણ સવાલ સાવરકરને પહેલાં ભારતરત્નઅપાય છે કે આ ત્રણ ક્રાન્તિવીરોને અપાય છે તેનો છે.
***
કાશ્મીર બ્લોક ચૂંટણીઃ મોદીની 98 ટકાની વાત પર શંકા
જમ્મુ-કાશ્મીરમાં ગઇ કાલે થયેલી બ્લોક ડેવેલપમેન્ટ કાઉન્સિલની ચૂંટણીમાં થયેલા ૯૮ ટકા મતદાનને વધાવી લીધો હતો.' ભારતની સંસદને એ વાતનું ગૌરવ થશે કે ઓગસ્ટમાં લેવાયેલા નિર્ણયથી જમ્મુ-કાશમીરના લોકોએ અદ્વીતિય ઉત્સાહથી ઐતિહાસિક ૯૮ ટકા મતદાન કર્યું હતું અને એ પણ કોઇપણ જાતની હિંસા કે ખલેલ વગર'એમ તેમણે ટ્વિટ કર્યું હતું. પરંતુ કાશ્મીર અંગેના નિષ્ણાંતો મોદીની આ વાત પર નવાઇ વ્યક્ત કરે છે કારણ કે મોદીએ જે મતદાનની વાત કરી હતી તે સીધી ચૂંટણી ન હતી, બલકે પરોક્ષ હતી જ્યાં મતદારો પોતે જ પોતાના પ્રતિનીધીને ચૂંટે છે, જેમ કે રાષ્ટ્રપતિ અથવા રાજ્યસભાની ચૂંટણીમાં થાય છે તેમ અને તેમાં સો ટકા મતદાન થાય છે જ. જેમાં અઢળક ભંડોળ આવે છે તે પંચાયતની ચૂંટણીમાં કટોકટની સ્પર્ધા થાય છે. જો કે નેશનલ કોન્ફરન્સ એને કોંગ્રેસે ડીસેમ્બરમાં યોજાનારી પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે.જમ્મુમાંથી આવતા કેન્દ્રના મંત્રી જીતેન્દ્ર સિંહ ચાલુ મહિનાની શરૂઆતમાં જ ખીણમાંથી ચૂંટાયેલા રાજકારણીના મેન્ડેટ પર સવાલો ઉઠાવ્યા હતા.'તમે પણ માત્ર દસ ટકા મત મેળવીને જ લોકસભા કે વિધાનસભામાં બેસો છો'એમ તેમણે કહ્યું હતું.
હરિયાણામાં ભાજપને માત્ર 6877 મત વધુ મળ્યા હોત તો બહુમતી મળી જાત
હરિયાણાની ૯૦ બેઠકોની વિધાનસભામાં ભાજપને બહુમતીથી માત્ર છ બેઠકો જ ઓછી મળી. પરિણામોનું પૃથકકરણ કરતાં જાણવા મળ્યું હતું કે જો ભાજપને૬૮૭૭ મત વધુ મળ્યા હોત તો તેની બહુમતી થઇ જાત. ભાજપે રેવાડી, મૌલાના, નિલોખેતરી, રાદૌર, રોહતક અને ફરિદાબાદ એમ છ બેઠકો૨.૪ ટકા કરતાં પણ ઓછા માર્જીનથી ગુમાવી હતી. કોંગ્રેસે પાંચ જ્યારે એક સ્વતંત્ર ઉમેદવારે બાજી મારી હતી. આ બેઠકોમાં જીતની સરસાઇ ૧૩૭૪૬ મતોની રહી હતી. ભાજપને તેના કરતાં પણ અર્ધા મતોની જરૂર હતી. સ્પષ્ટ રીતે કહીએ તો ૬૮૭૭ વધુ મતની જરૂર હતી.
પહેલી વખત સાંસદ બનેલા દુષ્યંત આદર્શ સાસંદ હતા
એક વર્ષ કરતાં પણ ઓછા સમયમાં જન નાયક જનતા પક્ષ (જેજેપી) પક્ષની સ્થાપના કરનારી કિંગમેકરની ભૂમિકા ભજવનાર તે વખતે ૨૫ વર્ષની વયના દુષ્યંત ચૌટાલા ૨૦૧૫માં એક આદર્શ સાંસદ મનાતા હતા.પહેલી વાર સંસદમાં ચૂટાયા હોવા છતાં પણ તેમણે ખૂબ સારી કામગીરી કરી પીઆર લેજીસ્લેટીવ રિસર્ચનો શ્રેષ્છ સાંસદનો એવોર્ડ જીત્યો હતો.છ ફુટ ચાર ઇંચની ઉંચાઇ ધરાવતા અને અમેરિકામાં અભ્યાસ કરીને આવેલા દુષ્યંત ચૌટાલા ખૂબ નમ્ર અને ગંભીર પ્રકૃત્તિ ધરાવે છે.તે વખતે તેઓ પૂર્વ નાયબ વડા પ્રધાન એવા પોતાના દાદા દેવી લાલ દ્વારા સ્થાપિત આઇએનએલડીનું પ્રતિનીધીત્વ કરતા હતા. ગયા નવેમ્બરમાં પક્ષમાં ભંગાણ પડતા તેમણે જેજેપી પક્ષની સ્થાપના કરી હતી.
મહિલાઓનું હજુ પણ રાજકારણ ઓછું પ્રતિનિધિત્વ
મહિલાઓ ખેલથી લઇ હવાઇ ક્ષેત્રે નામની મેળવી રહી છે, પરંતુ કેટલી દુઃખદ વાત છે કે રાજકારણમાં તેઓ ખૂબ ઓછા દેખાય છે. ૯૦ સભ્યોની હરિયાણા વિધાનસભામાં માત્ર નવ અને મહારાષ્ટ્રમાં ૨૮૮ સભ્યોની વિધાનસભામાં માત્ર ૨૩ મહિલાઓ જ ચૂંટાઇ હતી. આ હકીકત સ્પષ્ટ રીતે દર્શાવે છે કે હજુ પણ રાજકારણમાં મહિલાઓનું પ્રતિનીધીત્વ ખૂબ ઓછું છે. ૨૦૧૪માં આ સંખ્યા અનુક્રમે ૧૩ અને ૨૦ હતી. આ વાત એટલા માટે મહત્ત્વ ઘરાવે છે કે રાજ્યની તેમજ સામાન્ય ચૂંટણીઓમાં મહિલા મતદારોની સંખ્યામાં સતત વધારો જ થતો જાય છે.રાજકીય નિષ્ણાંતો માને છે કે જે આવી જ હાલત રહી તો આગામી દિવસોમાં હજુ પણ ઓછી મહિલાઓ રાજકારણમાં આવશે.
કરોડપતિઓ અને ગ્રેજ્યુએટ વધ્યા
હરિયાણાની ગઇ વિધાનસભામાં રૂપિયા દસ કરોડ કરતાં વધુ સંપત્તિ ધરાવતા ૨૩ ધારાસભ્યો હતા. હાલના ૩૨ ધારાસભ્યોએ રૂપિયા દસ કરોડ કરતાં વધુની સંપત્તિ જાહેર કરી હતી. એવી જ રીતે ગ્રેજ્યુએટ્સની સંખ્યામાં પણ વધારો થયો હતો. અગાઉની વિધાનસભામાં ધારાસભ્યોની સરેરાશ વય ૫૨ હતી, જ્યારે આ વખતે ૫૫ વર્ષની થઇ છે. પંચાવન ટકા પહેલી વાર ધારાસભ્યો બન્યા છે. અપર કલાસના ૨૪, મધ્યમ વર્ગના ૨૫, અનુસુચિત જાતીના ૧૯ અને ઓબીસી કક્ષાના ૧૫ જણા ચૂંટાયા હતા.
કરતારપુરમાંખાલીસ્તાન તરફી પ્રચાર
આમ તો પાકિસ્તાન કરતારપુર કોરિડોરના બહાને ભારત-પાક.વચ્ચે દ્વીપક્ષીય સબંધોને સુધારવાની આશા રાખે છે, પરમતુ ભારતીય અધિકારીઓને ભય એ વાતનું છે કે પાક.એનો રાજકીય ઉપયોગ કરશે. સુરક્ષા અધિકારીઓને સતત એ વાતની ચિંતા સતાવતી રહે છે.ત્યાં જનાર યાત્રાળુઓ સમક્ષ ખાલિસ્તાની પ્રચાર કરવામાં આવશે. નિષ્ણાતો કહે છે કે આના અનેક પુરાવા મોજુદ છે.જો પાકિસ્તાન આવું કરશે અને રાજકીય અસ્થિરતા લાવવાનો પ્રયાસ કરશે તો એ ખૂબ જ કમનસીબ બાબત ગણાશે.
મુલાકાતીઓ માટે અમર જવાન જ્યોતી શા માટે બંધ કરાઇ?
જુજ લોકોને ખબર હશે કે ૨૦૦૩માં અચાનક શા માટે ઇન્ડિયા ગેટ ખાતે આવેલા અમર જવાન જ્યોતિ સ્થળે તેમને જવા દેવામાં આવ્યા નહતા. તેનું કારણ આ હતું. ૩૦મી ઓકટોબરે જેનું વિમોચન થશે તે પુસ્તક 'ખાકી ફાઇલ્સ-ઇનસાઇડ સ્ટોરીઝ ઓફ પોલીસ ઇન્વેસ્ટીગેશન'માં દિલ્હીના પૂર્વ પોલીસ કમિશનર નીરજ કુમારે લખ્યું હતું કે ભારતની મોસ્ટ વોન્ટેડની યાદીમાં મોખરે રહેલા લશકરે તૈયબાનો નાયબ કમાન્ડર લખવી ૨૦૦૧ના સંસદ પરના હુમલા જેવું જ એક અન્ય હુમલો ઇન્ડિયા ગેટ ખાતે કરવા ષડયંત્ર રચ્યું હતું. ૨૬-૧૧ના મુબંઇ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફીઝ સઇદ સંસદ પરના હુમલાનું ષડયંત્ર ઘડયું હતું. તેણે જ અમર જવાન જ્યોતીને ઉડાડી દેવાનું ષડયંત્ર ઘડયું હતું. ૧૯૭૬ની બેચના આઇએએસ અધિકારી નિરજ કુમારે તેમની કારકિર્દીમાં દિલ્હીના પોલીસ કમિશ્નર સહિત અનેક હોદ્દા સંભાળ્યા હતા. તેમનું પુસ્તક 'ડાયલ ડી ફોર ડોન'ખૂબ લોકપ્રિય બન્યું હતું.
- ઇન્દર સાહની
Comments
Post a Comment