અમર આશાઓનું પ્રાગટય .
વિક્રમ સંવંત ૨૦૭૬નો સૂર્ય દૂર પૂર્વની ક્ષિતિજે ઉદયમાન થઈ રહ્યો છે. સમગ્ર ભારતવર્ષમાં વિક્રમનું નવું વર્ષ એક મહાન લોકોત્સવ છે. હૃદયની ઉર્મિઓની અભિવ્યક્તિ અને શુભેચ્છાની આપ-લેથી પ્રાતઃકાળની શરૂઆત થાય છે. સંતાન માતા-પિતા અને વડીલોના ચરણમાં છૂપાયેલા સ્વર્ગને સ્પર્શ કરે છે અને વડીલો પોતાની પછીની પેઢી પર શુભાશિષની અમૃતવર્ષા કરે છે. આ આપણી હજારો વર્ષ જૂની પરંપરા છે. કેટલાક બાહ્યાચાર બદલાયા છે અને ટેકનોલોજીએ આપણા માનવ સંબંધોમાં નવી રંગોળી પૂરી છે.
તો પણ ભારતીય સંસ્કૃતિનો આત્મા હજુ એનો એ જ રહ્યો છે. વિક્રમનું વીતેલું વર્ષ ભારે આર્થિક ઉથલ-પાથલમાંથી પસાર થયું. આમ તો છેલ્લા ત્રણ-ચાર વર્ષથી ભારતીય પ્રજા એક ન સમજાય તેવા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહી છે. હજુ સુધી એમાંથી કોઈ એવો સ્પષ્ટ માર્ગ એને મળી આવ્યો નથી કે જે ચોક્કસ ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જાય.
હજુય આર્થિક બાબતોમાં ભવિષ્ય પરત્વે લોકમાનસમાં ધુમ્મસ છવાયેલું છે. આ પરિસ્થિતિ વચ્ચે ગત ચોમાસામાં મેઘરાજાએ રાજાઓના રાજા તરીકેની ભૂમિકા અદા કરીને અનવરત વરસાદ ભારત પર વરસાવ્યો છે. એ વરસાદ આપણા આજથી શરૂ થતાં આખા વરસનું પ્રાણતત્ત્વ છે. હજુ ખરીફ પાક ખેતરથી ખળા સુધી આવવાને થોડીક વાર છે અને હેમંત ઋતુના પવનમાં રવિપાકની મોસમનો ટૂંકમાં જ શુભારંભ થશે.
શિયાળાના પવનની શરૂઆત થઈ ગઈ છે. મંદ મંદ સમીર વહેતો થયો છે. વહેલી સવારની ખુશનુમા આબોહવામાં આહલાદક શીતળતા છવાયેલી છે. ચોમાસામાં જે સારો વરસાદ થયો એને કારણે ક્યાંક અતિવૃષ્ટિ પણ થઈ, પરંતુ રાષ્ટ્રીય સરેરાશ જુઓ તો છેલ્લા ચોમાસાનો વરસાદ એક ચમત્કાર જ છે. કારણ કે તમામ નદીઓ, તળાવો અને ડેમ છલકાઈ ગયા છે. ઉપરાંત ભૂગર્ભના જળ પણ ઘણાં ઊંચે આવી ગયા છે. વસુંધરા મેઘજળથી પરિતૃપ્ત થઈ છે. એની અસર આવનારા બે-ત્રણ વર્ષ સુધી સકારાત્મક રહેશે.
ખરીફ પાક બજારમાં આવશે અને એમાંથી જે આવક થશે એ ખેડૂતો માટે પાછલી બાકીની પરિપૂર્તિ કરવામાં અને જૂના ખર્ચના ખાડાઓને પૂરવામાં વપરાઈ જશે. એટલે કે ચોમાસાના સારા કૃષિલક્ષી પરિણામોને કારણે બજારમાં નવો રૂપિયો ફરતો થશે નહીં. પરંતુ એના પછીની રવિપાકની જે મોસમ આવશે એની ફળશ્રુતિ રૂપે પ્રાપ્ત ધન અને ધાન્યને કારણે ભારતીય બજાર અણધારી ઊંચકાશે.
અત્યારે દેશમાં સરકાર નથી સ્વીકારતી એવી મંદી અસ્તિત્વ ધરાવે છે એ એક હકીકત છે. પરંતુ એનો આધાર લઈને કેટલાક લોકો જાણે કે ભારત દસ વરસની ઘોર મંદીમાં ધકેલાઈ જવાનું હોય એવા કોષ્ટકો લઈને મીડિયામાં ફરી રહ્યા છે તે તો અતિશયોક્તિ છે અને અમુક હદે હાસ્યાસ્પદ પણ છે. ભારત એવી કોઈ ગહનગર્તામાં સપડાયું નથી.
કારણ સ્પષ્ટ છે કે ભારત વિશ્વના નકશામાં એક કન્ઝ્યુમર કન્ટ્રી છે. આપણી આટલી વિરાટ જનસંખ્યા માટે એના મુખ્ય જીવનધારા નિભાવવા ચીજવસ્તુઓની ખરીદી અને વેચાણ અનિવાર્ય છે. એને કારણે ઉત્પાદન પ્રક્રિયા પણ અનિવાર્ય છે અને એ જ કારણસર દેશના અર્થતંત્રનું ગતિમાન રહેવું પણ સ્વાભાવિક છે. આ પરિસ્થિતિમાં વરસાદે જે કમાલ કરી છે તે આ કારતકથી શરૂ થયેલા નવા વરસના છએક મહિના પછી પોતાનો અસલી રંગ બજારમાં બતાવશે. એને કારણે ભારતીય બજારોમાં પૂર્ણતઃ તેજી આવવાની સંભાવના છે.
ભારતમાં વિવિધ સરકારોએ અગાઉ ઉદ્યોગોને પ્રોત્સાહન આપીને ચીન, અમેરિકા, ફ્રાન્સ અને સ્પેનની જેમ દેશને ઔદ્યોગિક ઉત્ક્રાંતિવાદ તરફ લઈ જવાનો જબરજસ્ત પ્રયત્ન વારંવાર કર્યો છે તો પણ ભારતના અર્થતંત્રની મુખ્ય આધારશીલા હજુ સુધી ઉદ્યોગો બની શક્યા નથી. ઉદ્યોગો માત્ર અર્થતંત્રમાં સહાયક ભૂમિકા જ નિભાવતા રહ્યા છે. આજે પણ ભારતનું કૃષિક્ષેત્ર જ અર્થતંત્રની મુખ્ય કરોડરજ્જુ છે. ખેડૂતો અને પ્રકૃતિ તથા ખેડૂતોની પોતાની પ્રકૃતિ - એમ ઘણું બધું બદલાયું છે.
જમીન માલિકો બધા જ ખેડૂતો નથી. મોટાભાગના ખેતીના વહીવટદારો છે અને ખેતી તો દિવસ-રાત મહેનત કરતા ખેતમજૂરોના હાથમાં જતી રહી છે. તો પણ ભારતમાં ખેતી પરંપરાગત રીતે અને સમજણપૂર્વક થાય છે. ભલે ખેતીનું પૂર્ણતઃ આધુનિકરણ ન થયું હોય અને જમીન માલિકોની નવી પેઢી ખેતીથી વિમુખ હોય તો પણ જે રીતે ખેતી કરવામાં આવે છે તે રીત હજારો વર્ષોના અનુભવ પછી નીપજેલી પ્રણાલિકા પ્રમાણેની છે.
વિક્રમનું નવું વર્ષ ભારત માટે વ્યાપાર, વાણિજ્ય, સાર્વત્રિક વિકાસ અને સરહદી સમસ્યાઓના સંદર્ભમાં મહત્ત્વનું છે. આ એક એવું વરસ શરૂ થયું છે જેમાં નેતાઓની, પ્રજાની અને બુદ્ધિમાન ગણાતા સરકારના પ્રતિનિધિ જેવા વરિષ્ઠ અધિકારીઓની ખરેખરી કસોટી છે. ભારતીય પ્રજા એક શ્રદ્ધાવાન પ્રજા છે. એના હૃદયમાં ઊંડે ઊંડે સાત્વિકતા, પરોપકાર અને ધર્મપ્રિયતા છે. દેશના કેટલાક રાજપુરુષો પ્રજાની લાગણી સાથે ક્યારેક રમત રમે છે અને જનજીવન ડહોળે છે.
એના ઉદાહરણો એક શોધવા જતા અનેક મળે તેમ છે. તો પણ ભારતીય પ્રજાના અંતઃકરણના જળ હજુ એવાને એવા જ નિર્મળ, વિશુદ્ધ અને આછરેલા છે. ભીતરના જળ હજુ ડહોળાયા નથી અને એ જ સમગ્ર ભારતની રાષ્ટ્ર તરીકેની સૌથી મોટી તાકાત છે, જેની ઈર્ષા આપણા પાડોશીઓ અને દુનિયાના અનેક દેશો નિરંતર કરી રહ્યા છે. વિક્રમનું નવું વર્ષ પ્રજા માટે અનેક અમર આશાઓ લઈને પ્રગટ થઈ રહ્યું છે, પ્રજા એને સ્વયં પરત્વેના આત્મવિશ્વાસ અને રાષ્ટ્ર તરફના વિશ્વાસથી આવકારશે.
Comments
Post a Comment