જીવનજરૂરી દવાઓના ભાવમાં તોળાતો 12 ટકાનો વધારો
- 27 સારવાર કેટેગરીમાં 384 દવાઓ, 1000થી વધુ ફોર્મ્યુલેશન્સના ભાવ વધશે
- પેરાસીટામોલ, એઝિથ્રોમાઈસિન, ફોલિક એસિડ, વિટામિન્સ, મિનરલ્સ જેવી દવાઓના ભાવમાં વધારો થશે : સતત બીજા વર્ષે દવાઓના ભાવ 10 ટકાથી વધુ વધશે
- નકલી અને ખરાબ ગુણવત્તાની દવાઓ બનાવતી ફાર્મા કંપનીઓ પર ડીસીજીઆઈની તવાઈ : 18 કંપનીઓના લાઈસન્સ રદ
નવી દિલ્હી : મોંઘવારીમાં પીસાતી જનતાને ફૂગાવો આંશિક ઘટતા વિવિધ ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડાની આશા હતી, પરંતુ નવા નાણાકીય વર્ષની શરૂઆતના પહેલા જ દિવસથી જનતાએ મોંઘવારીના વધુ એક મારનો સામનો કરવો પડશે. દેશમાં ૧લી એપ્રિલથી દવાઓના ભાવમાં વધારો થવાનો છે. આ સપ્તાહાંતથી લોકોએ પેઈનકિલર્સથી લઈને એન્ટીબાયોટિક સહિત અનેક જરૂરી દવાઓના ભાવ વધવાના છે. બીજીબાજુ ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ દવાની ૧૮ કંપનીઓનું લાઈસન્સ રદ કરી નાંખ્યું છે.
મોંઘવારી સામે ઝઝૂમી રહેલા સામાન્ય લોકોને ૧લી એપ્રિલથી મોટો ફટકો લાગવાનો છે, કારણ કે દવાઓના ભાવ નિશ્ચિત કરતા નિયામક નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ ઓથોરિટી (એનપીપીએ)એ કહ્યું છે કે સરકાર દ્વારા અધિસૂચિત એન્યુઅલ હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ (ડબલ્યુપીઆઈ)માં તીવ્ર ઉછાળાના કારણે સરકાર દ્વારા નિશ્ચિત કરાયેલી આવશ્યક દવાઓ તરીકે વર્ગીકૃત ૩૮૪ દવાઓ અને ૧,૦૦૦થી વધુ ફોર્મ્યુલેશન્સના ભાવ ૧૨ ટકા સુધી વધી શકે છે. જ્યારે અનુસૂચિત દવાઓના ભાવમાં ૧૦ ટકા સુધીનો વધારો થઈ શકે છે.
એનએલઈએમમાં વર્ગીકૃત દવાઓનો સરકારના કાર્યક્રમોમાં ઉપયોગ
ડબલ્યુપીઆઈના આધારે આવશ્યક દવાઓની રાષ્ટ્રીય યાદી (એનએલઈએમ)માં વર્ગીકૃત દવાઓના ભાવમાં વાર્ષિક વધારો થવાની શક્યતા છે. આવશ્યક દવાઓ તરીકે ઓળખાતી આ દવાઓનો ઉપયોગ સરકારના વિવિધ કાર્યક્રમોમાં થાય છે તેમજ પ્રત્યક્ષ રીટેલ બજારમાં પણ તેનું વચેાણ થાય છે. આ સતત બીજા વર્ષે આવશ્યક દવાઓના ભાવમાં ૧૦ ટકાથી વધુનો વધારો થશે. ગયા વર્ષે આ દવાઓના વાર્ષિક ભાવમાં ૧૧ ટકાનો વધારો થયો હતો.
સૌથી સામાન્ય ઉપયોગમાં લેવાતી દવાઓ પણ મોંઘી થશે
કેન્દ્ર સરકારે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં એનએલઈએમ ૨૦૨૨ની યાદી જાહેર કરી હતી, જેમાં ૨૭ સારવાર કેટેગરીમાં ૩૮૪ દવાઓ અને ૧,૦૦૦થી વધુ ફોર્મ્યુલેશન્સનો સમાવેશ કરાયો હતો. આ દવાઓમાં દેશમાં કેટલીક સૌથી સામાન્ય ઉપયોગમાં લેવાતી દવાઓનો પણ સમાવેશ કરાયો હતો. એનએલઈએમ દવાઓમાં તાવ, ડાયાબિટીસ, ચેપ, કાર્ડિયોવાસ્ક્યુલર બીમારીઓ, બ્લડ ડીસઓર્ડર, ટીબી, હાઈપરટેન્શન, ચામડીની બીમારીઓ, કેન્સર્સ અને એનિમિયા જેવી બીમારીઓમાં ઉપયોગમાં લેવાતી દવાઓનો સમાવેશ થાય છે. વધુમાં આવશ્યક દવાઓમાં પેરાસીટામોલ અને એઝિથ્રોમાઈસીન જેવી એન્ટીબાયોટિક્સ, ફોલિક એસિડ, વિટામીન્સ અને મીનરલ્સ જેવી એન્ટી એનેમિયા પ્રિસ્ક્રિપ્શન્સનો સમાવેશ થાય છે.
2022 સુધી દવાના ભાવમાં વર્ષે માત્ર 1-2 ટકાનો જ વધારો થતો
ડબલ્યુપીઆઈમાં ઘટાડાના કારણે ગયા વર્ષે દવાના ભાવમાં સામાન્ય વધારો થયો હતો. વર્ષ ૨૦૨૨ પહેલાં દવાઓના ભાવમાં ૧ ટકાથી ૨ ટકા જેટલો જ વધારો થતો હતો. ફાર્મા કંપનીઓ ઘણા લાંબા સમયથી તેમના કાચા માલના ભાવ વધવાના કારણે દવાઓના ભાવમાં વધારો કરવાની માગ કરી રહી હતી.
ડબલ્યુપીઆઈ મુજબ દર વર્ષે દવાઓના ભાવમાં વધારાની મંજૂરી
દવા મૂલ્ય નિયામક નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ ઓથોરિટીને દર વર્ષે ૧ એપ્રિલ અથવા તે પહેલાં પાછલા કેલેન્ડર વર્ષના વાર્ષિક હોલસેલ પ્રાઈઝ ઈન્ડેક્સ (ડબલ્યુપીઆઈ) મુજબ અનુસૂચિત ફોર્મ્યુલેશનની મહત્તમ કિંમતમાં સુધારો કરવાની મંજૂરી અપાય છે. આ અંગે ડ્રગ પ્રાઈસ કંટ્રોલ ઓર્ડર ૨૦૧૩ની કલમ ૧૬માં નિયમ બનેલો છે. તેના આધારે જ એનપીપીએ દર વર્ષે દવાઓના ભાવમાં સુધારો કરે છે અને નવા ભાવ ૧લી એપ્રિલથી લાગુ થાય છે.
નકલી અને ખરાબ ગુણવત્તાની દવાઓ વિરુદ્ધ વિશેષ અભિયાન
દરમિયાન નકલી દવાઓ અને ખરાબ ગુણવત્તાની દવાઓ બનાવતી ફાર્મા કંપનીઓ પર સરકારે આકરું પગલું ભર્યું છે. સરકારે દેશની ૧૮ ફાર્મા કંપનીઓનું લાઈસન્સ રદ કરી નાંખ્યું છે. આ સાથે જ આ કંપનીઓને દવાઓનું ઉત્પાદન બંધ કરવા આદેશ પણ અપાયો છે, તેમાંથી ત્રણ ફાર્મા કંપનીના વિશેષ ઉત્પાદનની મંજૂરી રદ કરાઈ છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફઈન્ડિયા (ડીસીજીઆઈ)એ નકલી અને ખરાબ ગુણવત્તાની દવાઓ વિરુદ્ધ વિશેષ અભિયાન હાથ ધર્યું છે. ડીસીજીઆઈએ ૭૬ દવાઓ કંપનીઓની તપાસ કરી છે. ૨૦ રાજ્યોમાં ટીમે આ કાર્યવાહી કરી છે. ડીસીજીઆઈએ ૨૬ ફાર્મા કંપનીઓને કારણ બતાવો નોટિસ પાઠવી છે. વધુમાં આ દવાઓ અંગે અમેઝોન અને ફ્લિપકાર્ટને પણ નોટિસ મોકલાઈ છે.
ઉઝબેકિસ્તાનમાં ભારતીય કફ સીરપથી 18 બાળકોનાં મોત
વધુમાં કેટલાક દેશોમાં ભારતીય દવાઓના કારણે મોત અને બીમારીઓના અહેવાલો વચ્ચે ભારતમાં કેટલીક ફાર્મા કંપનીઓ પર દરોડા પડાયા હતા. ગયા વર્ષે ઉઝબેકિસ્તાનમાં એક ભારતીય કંપનીની કફ સિરપ લીધા પછી ૧૮ બાળકોના કથિત મોતના અહેવાલ પછી ફાર્મા કંપનીના ત્રણ કર્મચારીઓની ધરપકડ કરાઈ હતી. તેમના પર નકલી દવાના ઉત્પાદન અને વેચાણનો આરોપ મૂકાયો હતો. આ ઉપરાંત ફેબુ્રઆરીમાં ચેન્નઈ સ્થિત એક ફાર્માસ્યુટિકલ કંપનીએ તેના આઈ ડ્રોપનું ઉત્પાદન રદ કરી દેવું પડયું હતું. અમેરિકન સ્વાસ્થ્ય અધિકારીઓએ કહ્યું હતું કે, આ દવા આંખમાં નાંખ્યા પછી કેટલાક લોકો કાયમી ધોરણે અંધ બની ગયા હતા તથા એક દર્દીનું મોત થયું હતું.
Comments
Post a Comment