પંજાબમાં ખાલિસ્તાની ચળવળને ડામવા 78ની ધરપકડ


- ખાલીસ્તાન સમર્થક અમૃતપાલને શોધવા પોલીસનું સઘન સર્ચ ઓપરેશન : ઇન્ટરનેટ સસ્પેન્ડ

- પંજાબમાં સન્નાટો, કારમાં ભાગતા અમૃતપાલને પકડવા પોલીસે 50 ગાડીઓ દોડાવી, અનેક વિસ્તારોમાં કલમ 144 લાગુ 

- પંજાબમાં સ્થિતિ તંગ બનવાની શંકાએ પોલીસે અમૃતપાલની ધરપકડ અંગે ફોડ પાડવાનું ટાળ્યું

અમૃતસર : પંજાબમાં ખાલિસ્તાની ચળવળ ફરી ઉભી થાય તે પહેલા જ તેને ડામી દેવાની કવાયત શરૂ કરી દેવાઇ છે. પંજાબ પોલીસે રાજ્યભરમાંથી ૭૮ ખાલિસ્તાન સમર્થકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા મોટાભાગના અમૃતપાલસિંહના સમર્થકો છે. જ્યારે અમૃતપાલસિંહની ધરપકડના અહેવાલોને પોલીસે રદીયો આપ્યો છે. કટ્ટર ખાલિસ્તાની સમર્થકો સામે પોલીસ દ્વારા થઇ રહેલી કાર્યવાહીને પગલે સમગ્ર પંજાબમાં સન્નાટો છવાઇ ગયો છે. 

ધરપકડ કરવામાં આવી તેના સમર્થકો દ્વારા પંજાબમાં કોઇ અયોગ્ય ઘટનાને અંજામ આપવામાં આવી શકે છે તેવી ભીતિને પગલે રવિવારે રાત્રે ૧૨ વાગ્યા સુધી રાજ્યમાં ઇન્ટરનેટ સેવાને બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.  

પોલીસ દ્વારા પંજાબના ધર્મકોટ વિસ્તારમાં અમૃતપાલ છુપાયો હોવાની બાતમીના આધારે પોલીસે કાફલો દોડાવ્યો હતો. હાલ પોલીસ તેની શોધખોળ માટે રાજ્યભરમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. જે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમની પાસેથી હથિયારો અને ૨ ગાડીયો પણ જપ્ત કરાઇ છે. અમૃતપાલસિંહ સામે બે ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં બે ફરિયાદ હેટ સ્પીચ સાથે જોડાયેલી છે. ધરપકડની સાથે ઇન્ટરનેટ સેવાને હાલ પુરતા સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. જ્યારે અનેક વિસ્તારોમાં ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે. તેથી હાલ પંજાબમાં કર્ફ્યૂ જેવો માહોલ છે. અમૃતપાલ પંજાબમાં અલગ ખાલિસ્તાન માટે કાવતરુ ઘડી રહ્યો હતો, તેણે જાહેરમાં અનેક નફરતી ભાષણો પણ આપ્યા હતા. ફરિયાદ બાદ પોલીસ તેની શોધખોળ કરી રહી હતી. જોકે અમૃતપાલ ઘણા સમયથી ફરાર હતો. તેની શોધખોળ માટે ૫૦થી વધુ ગાડીઓ લગાવવામાં આવી હતી, પોલીસને જોઇને અમૃતપાલ ભાગ્યો હતો, જેને પગલે પોલીસે તેની કારને ટક્કર મારીને પણ રોકવાનો પ્રયાસ કર્યો હતો. એવા અહેવાલો હતા કે અમૃતપાલ ઉપર જ હુમલો થવાનો હતો, આ હુમલો આયોજનપૂર્વક કરવામાં આવનારો હતો કે જેથી અમૃતપાલના સમર્થકો ભડકે અને રાજ્યમાં હિંસાનો માહોલ ઉભો કરી શકાય. 

ખાલિસ્તાન સમર્થકો સામે કાર્યવાહી દરમિયાન પોલીસે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ પણ કરી હતી. પોલીસે હાલ શ્રી મુક્તસર સાહિબ જિલ્લામાં કલમ ૧૪૪ લાગુ કરી દીધી છે. અમૃતપાલ અને તેના સહયોગીઓ આ વિસ્તારમાં ખાલસા વ્હીર યાત્રા કરવાનો હતો. જોકે પોલીસની કાર્યવાહીને પગલે તેની આ યાત્રાને રદ કરી દેવામાં આવી છે. દરમિયાન કેન્દ્રીય એજન્સીઓ પણ એલર્ટ થઇ ગઇ છે અને પંજાબમાં દરેક પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. બીજી તરફ કેન્દ્ર સરકારે પણ ખાતરી આપી છે કે આ સમગ્ર મામલે કેન્દ્ર સરકાર પંજાબ સરકારને શક્ય હોય તે દરેક પ્રકારની મદદ કરશે. સંવેદનશીલ વિસ્તારોમાં અર્ધસૈન્ય દળોને પણ તૈનાત કરાયા છે.

દીપ સિદ્ધૂની જગ્યા લઇને અમૃતપાલ સંગઠનનો પ્રમુખ બન્યો

૩૦ વર્ષનો અમૃતપાલ ઘણા સમયથી ખાલિસ્તાનના સમર્થનમાં રેલીઓ કરી રહ્યો હતો, તે વારિસ પંજાબ દે નામનું સંગઠન પણ ચલાવી રહ્યો છે. આ સંગઠનની રચના એક્ટર દીપ સિદ્ધૂ દ્વારા કરવામાં આવી હતી. ગયા વર્ષે દીપ સિદ્ધૂનું એક અકસ્માતમાં મોત થયા બાદ અમૃતપાલે તેનું પદ લઇ લીધુ હતું. અમૃતપાલ ૨૦૧૨માં દુબઇ જતો રહ્યો હતો, જ્યાં તે ટ્રાંસપોર્ટના બિઝનેસમાં જોડાઇ ગયો હતો. તેના મોટા ભાગના સંબંધીઓ દુબઇમાં રહે છે. ૩૦ વર્ષના અમૃતપાલે ૧૨મી સુધી જ અભ્યાસ કર્યો છે. ગયા મહિને જ અમૃતપાલ અને તેના સમર્થકોએ પંજાબના અજનાલામાં હથિયારોની સાથે પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. જે દરમિયાન છ પોલીસકર્મીઓ ઘવાયા હતા. એક ફરિયાદ અમૃતપાલના જ એક પૂર્વ સમર્થક દ્વારા દાખલ કરાવાઇ છે, જેમાં અપહરણનો આરોપ લગાવવામાં આવ્યો છે. હાલ પોલીસ અમૃતપાલ અને તેના સાથીઓની પૂછપરછ કરી રહી છે.

અમૃતપાલ સામે એનએસએ લગાવવાની તૈયારી

ખાલિસ્તાન સમર્થક અમૃતપાલસિંહની ધરપકડ કરવા પંજાબ સરકાર એડીચોટીનું જોર લગાવી રહી છે. એવા અહેવાલો છે કે સરકાર અમૃતપાલની સામે રાષ્ટ્રીય સુરક્ષા કાયદો (એનએસએ) લગાવી શકે છે. એનએસએ હેઠળ જેની સામે કાર્યવાહી કરવામાં આવે છે તેને ૧૨ મહિના સુધી કસ્ટડીમાં રાખી શકાય છે. પ્રશાસનને એવુ લાગે કે આરોપીને કારણે રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો છે ત્યારે તેવા સંજોગોમાં એનએસએ લાગુ કરી શકાય છે. હાલ કેન્દ્રીય ગૃહ મંત્રાલય પણ પંજાબ સરકારના સંપર્કમાં છે. બીજી તરફ મોહાલીમાં ૧૫૦ નિહંગોનું એક દળ અમૃતપાલના સમર્થનમાં નારા લગાવતા ગુરુદ્વારા સિંહ શહીદાં જવા માટે રવાના થઇ ગયું છે. પોલીસે પણ લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો